ચાર સુંદર ગઝલો.. – જિતેન્દ્ર પ્રજાપતિ 9


૧. આજે

કરો અજવાળું એની ધારણા ફંફોસવા આજે;
તમસ આવ્યું છે કુળના દીવડાને શોધવા આજે.

હવે વાવાઝોડાનો અર્થ એવો પણ બને છે અહીં,
હવાના પગમાં આવ્યું જોર, લાગી દોડવા આજે !

અનુભવ કાયમી નજરો સમક્ષ રાખીને જીવ્યો છું,
જખમ ગમતા નથી એથી અમોને છોડવા આજે.

શ્વસન અટકાવીને કો’ ઋષિ માફક વૃક્ષ ઉભું છે;
કરે છે તપ, બધાયે પાન ખરતા રોકવા આજે.

કીડીની જાન આવે છે તરત વધાવજો વેવાણ,
મળી છે તક તમોને જાન રૂડી પોંખવા આજે.

૨. ઘરે આવ્યો છુ હું પાછો !

વળાવી કો’ જૂનો દોસ્તાર ઘરે આવ્યો છું હું પાછો,
સજળ લઈ આંખનો વિસ્તાર ઘરે આવ્યો છું હું પાછો !

હવાનો હાથ ઝાલીને કદી નીકળ્યો હતો હું પણ,
હું દીવો છું; ગળી અંધાર ઘરે આવ્યો છું હું પાછો !

હરિત પર્ણો હતાં ત્યાં પાનખર ઘેરી વળી છે આજ,
કહે એ વૃક્ષને ભેંકાર ઘરે આવ્યો છું હું પાછો !

નદી થાવાનું એના ભાગ્યમાં નહીં હોય તેથી તો –
સમેટી આંસુડાની ધાર ઘરે આવ્યો છું હું પાછો !

દિવસ પૂરો થશે કે ઘેર જઈને સૂર્ય પણ કહેશે;
ખરેખર ! માંડ છૂટી યાર ઘરે આવ્યો છું હું પાછો !

૩. ખરી શક્તો નથી

શ્વાસનું વર્તુળ છોડી વિસ્તરી શક્તો નથી
માર્ગ મેં એવો લીધો પાછો ફરી શક્તો નથી.

ખળખળી શક્તો નથી કે આછરી શક્તો નથી;
હું નદી છું આંખની કૈં પણ કરી શક્તો નથી.

પ્રશ્નનો ઉત્તર નથી કિન્તુ ખુલાસો છું જરૂર;
વાત મારી એટલે હું આદરી શક્તો નથી.

જખ્મની એક્કે નિશાની ક્યાં હવે દેખાય છે ?
જખ્મનું કારણ ભલા તેથી ધરી શક્તો નથી.

કર્મની કઠણાઈ નહીં તો શું કહું આને બીજું;
પાંદ છું સુક્કું, છતાં નીચે ખરી શક્તો નથી !

૪. આંખના દરિયામાં

પાનખર આવી અહીં જે કૈંક મૂકી જાય છે,
આવ-જા આખર હવાની એ જ લેતી જાય છે.

બંધ મુઠ્ઠી છે તો સૌની આબરૂ અકબંધ છે,
આમ નહિતર ભલભલાના ભેદ ખૂલી જાય છે.

એ જ ગોઝારો પ્રસંગ કાયમ ઘટે છે રાતના,
આંખના દરિયામાં મારા સ્વપ્ન ડૂબી જાય છે.

કંઠ કોયલનો કદાચ તેં એમને આપ્યો હશે,
આજ ટહુકો એમનો બહુ દૂર સુધી જાય છે.

છે મકાન એવા ઘણાં આજેય પણ મારી સમક્ષ,
શેજ છાંટા થાય કે જેમની ઉંઘ ઉડી જાય છે.

– જીતેન્દ્ર પ્રજાપતિ

બિલિપત્ર

સેજ સુષમણા મીરાં સોવે, શુભ હૈ આજ ઘરી,
તુમ જાવો રાણા ઘર અપને, મેરી તેરી નાહીં સરી,
તેરા કોઈ નહીં રોકનહાર,
મગન હોય મીરાં ચલી રે.
– મીરાંબાઈ

મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિની નવીન અને સુંદર ગઝલરચનાઓ હવે લગભગ બધા મુખ્ય સામયિકોમાં દર મહીને સ્થાન પામે છે. અક્ષરનાદની સાથે જેમની ગઝલરચનાની વેલ વિકસી છે તેવા જિતેન્દ્રભાઈની ઉપરોક્ત ચાર ગઝલરચનાઓ શબ્દસૃષ્ટિ સામયિકના માર્ચ ૨૦૧૩ના અંકમાં પ્રસ્તુત થઈ છે. મર્મસભર વાતો સાથેની છંદબદ્ધ ગઝલો જિતેન્દ્રભાઈની આગવી વિશેષતા છે જે આ ચારેય ગઝલોમાં સુપેરે વ્યક્ત થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ચારેય ગઝલ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “ચાર સુંદર ગઝલો.. – જિતેન્દ્ર પ્રજાપતિ

 • દિનેશ બગદાણા

  બહુજ સુંદર રચના ઓ બનાવે છે જેની રચના થી મોરારીબાપુ પણ અસરનજ થાય છે

 • ભરત ત્રિવેદી

  અતિ સુંદર ગઝલ આપવા બદલ આભાર સાથે શ્રી જિતેન્દ્રભાઈને અભિનંદન !

 • Rajesh Vyas

  લાગે છે તરસ પણ પાણી ક્યારેક જ મળે છે,
  મળે છે મ્રૂત્યુ પણ મોક્ષ ક્યારેક જ મળે છે,
  મળે છે ઘણાં લોકો જીવનમાં પણ સમજી શકે તેવા
  ક્યારેક જ મળે છે.
  એવી જ રીતે જીતેન્દ્રભાઈ જેવા સાહિત્યકાર શિક્ષક ઓછા મળે છે. માટે આવી સુંદર રચનાઓ રજુ કરવા બદલ તેઓનો હાર્દિક આભાર.

 • ashvin desai

  ખુબ જ સુન્દર ગઝલો. ભઐ જિતેન્દ્ર આપના અચ્હોવાનાના
  અધિકારિ . એમનિ ગઝલ્ – યાત્રા અવિરત ચાલુ રહે , અને
  ખુબ જલદિ આપનને આવો જ માતબર ‘ સન્ગ્રહ ‘ મલે ,
  એવિ
  અભ્યર્થના – અશ્વિન દેસાઈ australia
  ashvindesai47@gmail.com

 • Umakant V.Mehta "ATUL "

  અક્ષરનાદમાં શ્રી જિતેન્દ્રભાઈનું હાર્દીક સ્વાગત છે. તમારી ગઝલોને આનંદના ફુલડે વધાવીશું.ુમાકાન્ત વિ.મહેતા “અતુલ “