૧.
આંગણે વાલમ વાવજે એવો છોડ,
ઝપોઝપ ઉગવા લાગે રે…
વાવજે વાલમ આંગણે એવો છોડ,
ઝપોઝપ ઊગવા લાગે રે,
ચપોચપ ચાલવા લાગે રે..
છાંયડો એનો ઝમતો ફરે રે,
શેરીએ રમતો ફરે રે,
કાલુંઘેલું બોલવા લાગે રે..
વધે એ તો રાત અને પરભાત
ગામે ગામે વાયરો મેલે વાત,
લોક લોક દેખવા માગે રે..
ટોડલે મારે તોરણિયાં બંધાય
ડાળી એની વીંઝણા શી વીંઝાય,
ભાગ્ય મારાં જાગવા લાગે રે..
છેવાડે ગોતજે ઓ મારા છેલ,
રૂડી અને વીંટળાતી કોઈ વેલ..
સરગ તારું ખોરડું લાગે રે…
૨.
રણકો ફૂટ્યો કંઠની ક્યારીએ,
કે રણકો ઘેન કસુંબલ કાવો,
કે રણકો ગરમાળનો માવો..
કે રણકો રણઝણતો ઝગમગતો,
કે રણકો મીઠો ને મઘમઘતો..
કે રણકો નાની નણંદનો છણકો
કે રણકો સાસુની માળાનો મણકો
કે રણકો પરણ્યા સરખો રૂડો
કે રણકો માયાનો મધપૂડો..
કે રણકો કાનોકાન ઝિલાયો
કે રણકો અંતરમાં પડઘાયો..
કે રણકાને રાખું હેતપ્રીતે,
કે રણકો સચવાશે શી રીતે?
કે રણકાનાં અંગે અંગ રૂપાળાં,
કે રણકાનાં રામ કરે રખવાળા.
– ગની દહીંવાલા
ગની દહીંવાલા માટે અમૃત ઘાયલ કહે છે, “ભવિષ્યમાં જ્યારે પણ ગુજરાતી કવિતાનું સમગ્રતયા મૂલ્યાંકન થશે ત્યારે ઈતિહાસે ગનીભાઈની સચ્ચાઈ અને શક્તિની નોંધ નાછૂટકે લેવી પડશે. શેર કહેવાની અને સમજવાની એનામાં ગજબની સૂઝ છે.” ગનીભાઈની ગઝલથી તો મોટાભાગના ગઝલરસિકો સુપેરે પરિચિત હશે જ પરંતુ તેમના બે ગીત આજે પ્રસ્તુત કર્યા છે. આંગણે ઝડપથી ઉગે એવો છોડ વાવવાની વાત વાલમને કહીને નાયિકા કયો અર્થ સારે છે એ સમજવું મુશ્કેલ નથી. તો બીજું ગીત તો જાણે લોકગીતની કક્ષામાં આવે… મીઠો અને મઘમઘતો રણકો કેટકેટલા સ્વરૂપોમાં અભિપ્રેત થઈ શકે છે તેનું અનોખું ઉદાહરણ આ ગીત આપે છે.
ખુબ સરસ
વાહ……!! મન મહેક મહેક થઇ ગયું
સુંદર ગીતો. સૃષ્ટિની ઉત્પત્તિના ઓમકારના રણકાની યાદ આવી (Big Bang)
રણકો ઓમકારના રણકારનો
રણકો તાજા જન્મેલા બાળકનો.
શ્રી ગનીભાઈની શબ્દ ઉપરની પકડ, અને સુક્ષ્મ સમઝ અને સુઝ ગઝબની છે.શબ્દે શબ્દે મીઠાશ ટપકે છે.ગુજરાતના આ મોંઘેરા શાયરને લાખ લાખ વંદન્ ….ઉમાકાન્ત વિ, મહેતા ” અતુલ “
અમારા સુરતના શાયર શ્રી ગનીભાઈ દહીંવાલાના બંને ગીત ખુબ સરસ લાગ્યા, શ્રી ગનીભાઈને લાખ લાખ સલામ અને શ્રધ્ધાસુમન……………