૧. બહુ સારું થયું….
જિંદગી પર વાદળું છાયું, બહુ સારું થયું,
ચિત્ર અંધારે ન દેખાયું, બહું સારું થયું.
હું તો આ મહેફિલ મહીં આવીને મૂંઝાયો હતો,
ત્યાં તમારું નામ બોલાયું બહુ સારું થયું.
જિંદગી આખી પડ્યા આઘાત જેને ઝીલવા,
‘દિલ’ કહી એને નવાજાયું, બહુ સારું થયું.
હું તો મસ્તીમાં ન જાણે ક્યાંનો ક્યાં ચાલ્યો જતે,
ભાગ્ય સાથે લક્ષ્ય ભટકાયું, બહુ સારું થયું.
આપણી પાસે હતું જે ધન તે આંખોમાં હતું,
એ પ્રસંગોપાત વપરાયું, બહુ સારું થયું.
શું કહું દુનિયામાં મારે શી રીતે હસવું પડ્યું?
એ રુદન તમને ન સંભળાયું, બહુ સારું થયું.
શાપ થૈ ગૈ કંટકો માટે ચિરાયુની દુઆ,
પુષ્પથી ઝાઝું ન જીવાયું, બહુ સારું થયું.
વીતવાની જે હતી વીતી ભલે અમ પ્રેમ પર,
રૂપનું પણ પોત પરખાયું, બહુ સારું થયું.
જિંદગીભર મોતને માઠું નથી લાગ્યું ‘ગની’
છોને જીવાયું, ન જીવાયું, બહુ સારું થયું.
૨. આપ કહો તો…
આપ કહો તો યુગ થઈ જીવું,
આપ કહો તો પળ થઈ જાવું,
સ્વીકારો તો અગ્રિમ થાવું,
તરછોડો, પાછળ થઈ જાવું.
આપ કહો એ સ્થાને બેસું,
આપ કહો એ સ્થળ થઈ જાવું,
પટકો તો પાતાળે પહોંચું,
ઝીલો તો વાદળ થઈ જાવું,
આ જીવને તો કોઈ પ્રકારે જળ
થઈ રહેવું, જળ થઈ જાવું
સાંનિધ્યે સાગર સમ લહેરું
ઝૂરું તો ઝાકળ થઈ જાવું.
દિવસ રજની થાક્યા હો તો
આ પથ પરથી પાછાં વળો
પેટાવો, હું ઝગમગ દીવો,
બાળો તો કાજળ થઈ જાવું.
અલગારી મન આસવ પીધો
કોઈ નયનથી સીધે સીધો
પગ લથડ્યા તો કોઈ રૂપાળી
કેશલતામાં વળ થઈ જાવું.
જાણી જોઈ આ છલનાને
જીવ-મૃગે સંતોષી દેવી
નહીંતર ભવરણ બાળી દેશે
મૃગજળનું નિષ્ફળ થઈ જાવું.
પાંપણ સમ અડખેપડખેથી
હરિયાળીએ રહેવું ઝૂમી,
હૈયાં સમ સ્પંદન ઝીલીને
ઝરણાએ વિહવળ થઈ જાવું.
સાંજ સુધીનો સથવારો છે,
પથદર્શકનો, પથયાચકનો
દોસ્તરૂપે જે વર્તે એના
દાસ ‘ગની’ કેવળ થઈ જાવું.
– ગની દહીંવાળા
ઘનિજ સુન્દેર ગઝલ ચ
very nice jigneshbhai..maja padi..
Gani saheb ni vat j ..nirali hoy chhe.