બોલ હિંગ્લીશ બોલ – હર્ષદ દવે 4


જે બોલાય તે બોલી… બોલી વિકસી અને ભાષા બની. ‘બોલ ઈન્ડિયા બોલ’ જેવા ઉત્સાહપ્રેરતા શબ્દોની જાદુઈ અસર ભારતીયો પર થઈ છે. કઈ ભાષા વધુ બોલાય છે એના કરતા કોણ કોણ વધુ બોલ બોલ કરે છે એ જાણવું વધારે રસપ્રદ છે. બસ્સો ભાષાઓ અને સોળસો બાવન બોલીમાં શબ્દો ઓછા પડતા હોય તેમ ઈંગ્લીશ ભાષાના શબ્દો ઉમેરીને બિન્દાસ હિંગ્લિશ બોલતા ભારતીયો ગ્લોબલ વિલેજ ગજવે છે.

ભાષા અને બોલી સમયાંતરે અપડેટ થતા રહે છે અને તેનું જીભવગું ઉદાહરણ, ‘બોલવું’તું ને મોબાઈલ મળ્યો !’ દોડવું હોય અને ઢાળ મળે એ હવે ઢળેલી વાત થઈ ગઈ કહેવાય. ગાંધીજી પહેલાં ભારેખમ શુદ્ધ ભાષાનો દુરાગ્રહ સેવવામાં આવતો હતો. હવે ભારતીયો ગૌરવભેર હિંગ્લિશ, બિંગ્લિશ, પંજલિશ, તમલિશ બોલે છે. ચટણીના ચટાકાના રસિયા છીએ એટલે આપણને ‘ચટણીફાઈડ’ ઈંગ્લિશ વગર કેવી રીતે ચાલે? જેટલો હિંગ્લિશનો ચાહકવર્ગ છે એટલો જ વિશાળ વર્ગ તેનાથી મોં મચકોડનારાઓનો ચે એ પણ એટલી જ વિચિત્ર છતાં સાચી વાત છે.

શેરબજારના કૌભાંડો તથા ભ્રષ્ટાચારની જેમ હિંગ્લિશની લોકપ્રિયતા અને લોકબોલિતા સર્વત્ર દ્રષ્ટિગોચર થાય તેનું કારણ તેનામાં રહેલું નાવિન્ય, તેની સરળતા, બુદ્ધિમત્તા અને ભારતીયતા છે. તેથી જ તો તે આપણે રવાડે ચડી ગઈ ! હવે તમે બોર થતા હો તો બોર કરનારને તમે કહી દો – ‘સ્ટોપ પકાઓઈઁગ યૂ!’ કામ ન કરવું હોય તો કહો ‘યૂ કેન ચિલ યાર’ કન્નડ વત્તા ઈંગ્લિશમાં કોઈની પ્રશંસા કરવી હોય તો કહી દો – ‘ઈટ્સ કિક્કાસ મગા.’

આ ક્વિન્સ ઈંગ્લિશ નથી પણ મહાસમુદાયની બોલાતી ભાષા જ ગણાય. ગુજ્જુ ગણપત, શોનાર બાંગ્લાનો મુખર્જી, ચેન્નઈનો રામનાથન કે દિલ્હીનો કપૂર હોય, સહુ ભાષાની આ ભેળ આનંદપૂર્વક આરોગે છે. બોલીવુડની બોલી, ટેલિવિઝન ટોક્સ, રેડીયોની રિધમ, કંપનીના વડા કે વડાપાઉં વેચનારા અને વર્તમાનપત્રોની વાનગીઓ એ જ મનોહર મેડલી (મિશ્રણ) માધુર્ય રેલાવે છે!

‘પપ્પુ કાન્ટ ડાન્સ સાલા’ પણ ‘હી કેન સ્પીક હિંગ્લિશ’. ‘રેડિયો મિર્ચી સેમા હોટ’ માં હિન્દી, અંગ્રેજી અને તમિળનું સાયુજ્ય બોલતે હી બનતા હૈ! હિન્દીનો વિરોધ કરનારા તમિલો પણ હવે બહોળા પ્રમાણમાં હિંગ્લિશનો ઉપયોગ કરે છે તે શું મનભાવન વાત નથી? આમ જોઈએ તો ભાષાકીય એકતાનું શ્રેય બોલિવુડને ફાળે જાય, ગુજરાતીની દીદી હિન્દીને આટલી લોકપ્રિયતા તેને લીધે જ મળી છે.

ભારતની એકતાની કસોટીએ હિંગ્લિશ આરપાર ઉતરે છે કેમ કે તે સહુને સાંકળે છે અને તે રણઝણતી રવાની ધરાવે છે. જન્મજાત ઈંગ્લિશ બોલનારા (નેટીવ્ઝ) કરતાં હિંગ્લિશ બોલનારાની સંખ્યા (જે હાલ ત્રણ હજાર પાંચસો લાખની છે તે) વધી જશે કારણ કે ચટણી ચટાકેદાર છે. ભારતને ઈંગ્લિશ ભાષાનું ઘેલું લાગ્યું છે. પણ પોતાની ભાષા સાથે તાદાત્મ્ય અનુભવાય છે એ હકીકતને પણ ભારતીયો સ્વીકારે છે. એ જ કારણે યેનકેન પ્રકારેણ વેચાણ વધારવા ઈચ્છતા પ્રોડ્યુસરો બેન્ટરપ્રધાન પંચલાઈન મહાસાગરના મોતીની જેમ શોધતા ફરે છે. એડવર્ટાઈઝીંગ ગુરુ ભરત ડભોલકરને ‘હઝાર ટાઈમ્સ’ શબ્દો વાપરવા બદલ જે સાંભળવું પડ્યું તેના જવાબમાં તેમણે કહ્યું – ‘ભાષા મારો બિઝનેસ નથી પણ હું કમ્યુનિકેશન બિઝનેસમાં છું.’

ગમે તે ભાષા હોય, તેનો હેતુ તો કમ્યુનિકેટ કરવાનો જ છે પરંતુ બધા ઓફબીટ કે અપબીટ નથી હોતા. કેટલાક પ્યુઅરિસ્ટસ (ચોખલિયા) નારાજ થાય તે સ્વાભાવિક છે. તેમને ડર છે કે હિંગ્લિશ ક્યાંક હિન્દી અને અંગ્રેજી બંનેનો અંત ન આણી દે. આવું ચાલશે તો બેમાંથી એક પણ ભાષા લાંબા સમય સુધી સડસડાટ ફર્રાટેદાર બોલી નહિં શકાય. પરંતુ અહિં વિકાસની પ્રક્રિયામાં દંભ કે દંભીને કોઈ સ્થાન નથી. ભાષાએ લાઈવ રહેવું હોય તો તેણે સઘળી ભાષાઓમાંથી શુભ શબ્દો સમાવવા (અને બોલાવવા) રહ્યા.

હિંગ્લિશનું હિંગ્લિશપણું સમકાલીનો વચ્ચે અસ્તિત્વ ધરાવવામાં છે, નહીં કે કોઈ એક ભાષામાં પોતાનો ધામો નાખવામાં ! તે ગ્લોબલ ભાષાની સંકલ્પનાને સાકાર કરવામાં સહાયક બને છે. હિંગ્લિશ બોલનારો સેક્યુલરિઝમના સમાનાર્થી હિન્દી શબ્દોને શોધવાની ભાંજગડમાં નહીં પડે, તે તો હોઠવગા સેક્યુલરીઝમનો જ ઉપયોગ કરશે. ઘણા ભારતીયો હિન્દી ભાષાને મામલે કૂલ કૂલ થઈ જાય છે. છેલ્લા કેટલાંય વર્ષોમાં ઈંગ્લિશને સફળતાનો પર્યાય માનવામાં આવે છે અને બિનહિન્દીભાષી તો ઠીક (!) પણ હિન્દીભાષીઓ પણ સંસ્કૃતની આ સગી બહેનને (હિન્દીને) તરછોડે છે! આ પરિવર્તન હિંગ્લિશને આભારી છે. ઈંગ્લિશનું આવું ચટાકેદાર ચટણીફિકેશન ભાષાના ભવાટવીમાં ભૂલા પડેલા બોલકા લોકોનો આત્મવિશ્વાસ બની બેસે છે ! તો જ તમે તેની આ પ્રમાણે છેડતી કરો ને! પારકીને (ઈંગ્લિશને) પોતાની કરવાના અભરખા રાખનારાઓની લાઈન લાંબી થતી જાય છે. સલમાન રશ્દીએ ચીલો ચાતર્યો અને ત્યારબાદ ચીલો કેડી બની, હવે તે પગદંડી પથ બનવાનું દુસ્સાહસ કરે છે !

વેપાર વાણિજ્ય, ટેકનોલોજી અને સત્તા માટે મહત્વની ઈંગ્લિશ ભાષા શીખનારો વર્ગ ગંજાવર છે. તેઓ ભાષાને આકાર આપે છે અને એ ભાષા તેમને આકારે છે ! હિન્દી હવે માત્ર રોમન આલ્ફાબેટમાં લખાય છે તેવું નથી, હવે તો વ્યાકરણ અને વાક્યરચના પણ તેમાં પરિવર્તિત થઈ રહી છે ! ત્રિભાષી કોડ સ્વિચિંગમાં બુઝાતા ઝબકતા લોકોમાંનો એક જણ કહે છે – ‘હું ઓફિસમાં ઈંગ્લિશનો, ઘરમાં હિન્દીનો અને મિત્રોમાં હિંગ્લિશનો જ ઉપયોગ કરું છું.’

બોલીવુડમાં ‘ચુપકે ચુપકે’ માં શુદ્ધ હિન્દી દ્વારા નિર્ભેળ હાસ્ય સર્વ કરવામાં આવ્યું હતું. પણ ‘ઝીંગ થીંગ’ અને ‘યહી હૈ રાઈટ ચોઈસ બેબી, અહા’ જેવી પંચ લાઈન અને ભાષાનો ગમતીલો ગીત પ્રવેશ બચ્ચનના ‘હમ તુમ પે ઈતના ડાઈંગ, જીતના સી મેં પાની લાઈંગ, આકાશ મેં પંછી ફ્લાઈંગ, ભંવરા બગીયનમેં ગાઈંગ’ ગાવાથી થયો. ‘નમક હલાલ’ ના એ ગીત પછી વાત કરીએ નેતા લોગકી, તેમાં રાજીવ ગાંધીના શબ્દો – ‘હમકો ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી મેં જાના હૈ ઔર ઈન્ડિયાકો સુપર પાવર બનાના હૈ.’ આમ આ ભાષા વાસ્તવિકતાના ‘વિન્ડ’ને સહારે વેગીલી બની.

ભાષાની શુદ્ધતાની ઘાણીએ ભાષાને જોતરનારા લોકો શરૂઆતના સમયમાં એવી પ્રવૃત્તિને ‘પંગા લેના’ સમજતા અને ત્યાં સુધી કે તેને ગાળ દેવા જેવી વાત’ પણ માનતા. પણ ‘ઠંડા મતલબ..’ અમેરિકન બ્રાન્ડની સોફ્ટડ્રિન્કની ઍડ પછી તેઓ સોફ્ટ થઈ ગયા એટલે કે કૂણા પડ્યા અને પછી તો હિંગ્લિશને ઓફિશિયલ સ્ટેટસ સાંપડ્યું. તેણે ‘ઔકાત’ મેળવી, ટૂંકમાં ‘ઓક્સ’ વધુ સ્વીકાર્ય બન્યો. સમયની કસોટી પર હિંગ્લિશ ખરી ઊતરી છે કારણ કે તે આ દેશની રાષ્ટ્રીય ભાષા બની બેઠી છે.. તેને ગમે તે નામે સ્વીકારી શકાય, તમે પણ ‘કોમ્પ્રો કર લો કોમ્પ્રો’ કે ‘ફીલ આ ગઈ’ ‘ વો મેરા નોવ્ન તો હૈ’ જસ્ટ એડજસ્ટ !

ત્રીસ સેકન્ડ જેટલા સમયમાં આથી વધારે અસરકારક શું હોઈ શકે? ‘એડવર્ટાઈઝીંગ’ માટે તો જાણે બગાસું ખાતા પતાસું મળ્યું. ભારતની એકતા માટે ‘યે હૈ યંગિસ્તાન મેરી જાન’ બન્યું, ‘ઈધુ યંગસ્તાન ચેલ્લમ’ તમિલમાં, ‘ઈધુ યંગિસ્તાન પ્રિયારે’ મલયાલમમાં, ‘ઈધિ યંગિસ્તાન માય નેસ્થમ’ તેલુગુમાં બન્યું. ‘ચક દે ઈન્ડીયા’ થી ‘યે દિલ માંગે મોર’ અને વપરાશ વધતો ગયો… ‘ક્યા કરેં કંટ્રોલ નહીં હોતા’ પછી તો હરકોઈ પૂછવા લાગ્યા ‘મેરા નંબર કબ આયેગા?’ તે જ રીતે ‘ક્યા આપ ક્લોઝઅપ કરતેં હૈ?’ અને આ ‘ઈલુ ઈલુ’ એટલે કે આઈ લવ યુ ને શું કહેશો? ટીવીએ તો હિંગ્લિશને યુવાપેઢીમાં ખૂબ લોકપ્રિય બનાવી. ‘ડોન્ટ અટકો, ચોકોલેબી ગટકો’, ‘નો ઝિકઝિક નો ચિપચિપ’. આમાં જળકમળવત રહીને કહો કે ‘ક્યોંકી ફાઈટમ હમેંશા જીતતા હૈ’ આવી હિટ લાઈનની કાયમ કોઈ ગેરેંટી ન આપી શકે. અહીં બાત ‘ટેઢા હૈ પર મેરા હૈ’ ના કુરકુરે જેવી છે.

‘ઓયે બબલી’, ‘કિસ્મત કનેક્શન’, ‘ભેજા ફ્રાય’ વગેરે તો તમે જાણો છો પણ ગ્રાંડફાધરજીને પૂછશો તો પણ કહેશે કે અમારા જમાનામાં પણ ‘સી એ ટી કેટ, કેટ માને બિલ્લી, આર એ ટી રેટ, રેટ માને ચૂહા અરે દિલ હૈ તેરે પંજેમેં તો ક્યા હુઆ.’ (દિલ્હી કા ઠગ) અને એથીય પહેલા ૧૯૪૭માં ‘મેરી જાન મેરી જાન સન્ડે કે સન્ડે’થી હિંગ્લિશની હલક સંભળાતી આવે છે ! આજના યુવકોની મેમરીમાં ‘માય નેઈમ ઈઝ એન્થની ગોન્ઝાલ્વિસ’ ગાતો અમિતાભ ડાન્સ કરતો હશે. અત્યારે તો મોર ધેન ૫૦ પરસેન્ટ ફિલ્મોના તાઈટલ્સ અંગ્રેજી શબ્દો ધરાવે છે જેમ કે જબ વી મેટ, ગોડ તુસ્સી ગ્રેટ હો, ધ ડર્ટી પિક્ચર, વન્સ અપોન અ ટાઈમ ઈન મુમ્બઈ અને છેલ્લે ઈંગ્લિશ વિંગ્લિશ. ડિસ્કો ગીતોમાં તો અંગ્રેજી શબ્દો જ ડાન્સ કરતા સંભળાય કે દેખાય જેમ કે ‘વ્હાઈટ વ્હાઈટ ફેસ દેખે, દિલવા બીટીંગ ફાસ્ટ સસુરા ચાન્સ મારે રે…’ કે પછી ‘જરા જરા ટચ મી..’ પેલુ ‘ઓલ હોટ ગર્લ્સ પુટ યોર હેન્ડ્સ અપ એન્ડ સે.. ઓમ શાંતિ ઓમ.’

પરંતુ રસનાં ચટકાં હોય, કુંડા નહીં… જેની માતૃભાષા અંગ્રેજી નથી એવો અંગ્રેજી બોલનારો સહુથી મોટો વર્ગ ભારતમાં હોય ત્યારે એ ફેક્ટ તેમના હિતમાં નથી કે તે હોલે હોલે આ અધિકૃત વૈશ્વિક અંગ્રેજીને સ્લો પોઈઝન આપીને મારે, અને તેઓ તેમની ભાષા શુદ્ધિની ઉપલબ્ધિને આમ અવગણી પણ ન શકે. દોઢ બિલિયન (દસ હજાર લાખ) લોકો એવા છે જે અંગ્રેજી ભાષાનો સેકન્ડ લેન્ગ્વેજ તરીકે ઉપયોગ કરે છે. આંતરરાષ્ટ્રીય સંદેશાવ્યવહારમાં, વિજ્ઞાનમાં, વેપાર વાણિજ્યમાં, ઉડ્ડયન ક્ષેત્રે અને મનોરંજનના માધ્યમ તરીકે તથા ડિપ્લોમસીમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ યથાવત છે એવા સમયે ભારત વિશ્વમાં પોતાને પ્રથમ સ્થાને પ્રતિષ્ઠિત કરવા જઈ રહ્યું છે. હિંગ્લિશની ચટપટી ચટણી ભેળવેલી ભેળનો ચસકો વધારે પડતો ગણાય. વ્યાકરણશુદ્ધ અંગ્રેજી પર ભારતનું જે પ્રભુત્વ છે તે અન્ય દેશો માટે ઈર્ષ્યાનું કારણ બને છે. હિંગ્લિશ બોલનારા ૩૫૦૦ લાખ હિંગ્લિશો શું બાકીના ઈંગ્લિશ બોલનારાને પોતાનામાં ભેળવી શક્શે? બ્રિટીશ કાઊન્સિલ દ્વારા આવતા દસકામાં અનુમાનિત ૩૦૦૦ લાખ અંગ્રેજી શીખશે એવા લોકોને તો આપણે હજુ ધ્યાનમાં લેવાના બાકી છે. એ સહુને તમે કહેશો કે ‘હંગરી ક્યા?’ તો તેઓ બાઘા બનીને જોયા કરશે ! ભલે કોલીન્સના શબ્દકોશમાં ‘હઝાર ટેન્શન’ નો સમાવેશ થયો હોય ત્યારે તમે શું એમ કહેશો ‘જો ચાહે હો જાય કોકાકોલા એન્જોય’? આમાં ડેપ્થ નથી.

સિન્ગ્લિશ (સિંગાપોરીયન ઈંગ્લિશ) પણ આવી જ (અવ)દશામાં છે. સાવધાન ! આપણે ખોવાઈ ન જઈએ ક્યાંક. અનુવાદમાં તે અદ્રશ્ય થઈ શકે અને મોબાઈલ કલ્ચરમાં પણ હિંગ્લિશ એસએમએસ સ્વરૂપે વિદ્યમાન છે.

‘તડકા દાલ’ કે ‘કચોરી’ જેવા શબ્દો ઓક્સફર્ડ ડિક્શનરીમાં સમાવાયા હોવા છતાં શું દરીયાપારના નેટીવ્સ તેના અર્થ સમજી કે અનુવાદી શકે/ ગમે તેમ પણ અંગ્રેજી ભાષામાં અનેક ભાષાના શબ્દો છે અને એટલે જ તેમાં દસ લાખથી પણ વધારે શબ્દો છે. ‘લાઈફ હો તો ઐસી’ બોલીએ ત્યારે એ શબ્દો પણ અવશ્ય ગોબલ્ડીગુક (નિરર્થક અઘરા શબ્દો)માં ખપવાના. અંગ્રેજી ‘ફ્લેક્સિબલ’ છે અથવા તે પરિવર્તનના ફૂંકાતા પવનની અસર હેઠળ છે એમ કહેવાથી કામ નહીં સરે. કોમર્સ, કમ્યુનિકેશન અને કમ્યુનિટીનું એ માધ્યમ છે અને આપણે હિંગ્લિશ બોલીએ તેમાં ભલે વાણીસ્વાતંત્ર્ય હોય પરંતુ ભારત બહાર તો આપણે ફાંકડું આધુનિક અંગ્રેજી બોલવાનું જાળવી રાખવું જોઈએ. તો જ ધંધાપાણી થઈ શક્શે, તો જ મૈત્રી માટે હાથ લંબાશે અને તો જ મૈત્રી માટે હાથ લંબાશે અને તો જ એ લોકો પર આપણે અસરકારકપણે આપણું પ્રભુત્વ દર્શાવી શક્શું તો ‘તોલ મોલ કે બોલ’ !

– હર્ષદ દવે
(હર્ષદ મનસુખલાલ દવે, સિટાડેલ, ગ્રાઊન્ડફ્લોર, ફ્લેટ નં ૨, પ્લોટ ૧૫૪, ગણેશ ચોક, સાતારા બેંક પાસે, ચારકોપ, સેક્ટર નં ૩, કાંદિવલી વેસ્ટ, મુંબઈ. મો. ૮૮ ૭૯ ૩૧૫ ૪૩૯)


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “બોલ હિંગ્લીશ બોલ – હર્ષદ દવે

  • La'Kant

    ખૂબજ સરસ છણાવટ… આમ ચાલ્યા કરશે તો એક ‘ગ્લોબલ આઈડેન્ટીટી ‘ “મેરા ભારત મહાન ” અને એકવીસમી સદીમાં ભારત “સુપર પાવર ” એક હકીકત બને ખરી ! હા, અન્ન્ના હજારે અને અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદી જેવા સમર્પિત નેતા મન્ડ્યા રહે અને ગૃહિણીઓ સબ્સીડાઈઝ્ડ ગેસના વધતા જતા ભાવ અને માર્યાદિત સીલીન્ડર ને મુદ્દે ભ્રષ્ટાચારી નેતાઓને સજા અપાવ્યા વિના છોડે નહિ તો કદાચ આ કામ, ભારતનું નામ સર્વ/બહુ આયામી રીતે સ્વીકૃતિ પામે …પણ એક વાત વધુ જરૂરે છે તે એ કે આમાં સજાગ નાગરિકોનો મસમોટો ફાળો અત્યંત જરૂરી બની રહે છે…એક સમય એવો પણ આવશે કે… ” હિંગ્લીશ” મહત્વનું સ્થાન પામે શકે…”ઓલ ઓવર…વર્લ્ડ ( પૂરે વિશ્વમે )….લા’કાન્ત / ૧૧-૧૦-૨૦૧૨
    પી.એસ. ઃ-
    વિજયભાઈ જોષી નું સંશોધનાત્મક લખાણ ‘કાબીલ–એ- દાદ’ છે…

  • Vijay joshi

    This well written article highlights a very interesting phenomenon sweeping the world. Having lived in USA for more than 40 years, although I write prose and poetry in Gujarati, Hindi and Marathi languages, I do most of my creative writing and reading in English so I like to add that all though it is very important to keep our own languages alive and well, we should not lose sight of the fact that the English is not language of the British, American, Australia and New Zealand only but it is a global language. Come to think of it, English is primarily Germanic, having evolved from dialects of north German tribes like Angles, Saxons, Jutes, Frisians, but it does have its roots in Danish, French, Norvegian, all of which in turn have Latin roots. I agree entirely with Mr Harshad Dave about keeping the integrity of native tongues while at the same time assimilating English words into native tongues, exactly what English has done over the millennia, avoiding the trap that the France fell for by building a wall around French language. The dictum of open borders for trade also applies equally to open door policy to language. Japanese is another example who have taken many English words and given them a Japanese twist for example word picnic has become” pikniku”, a person working in a office has become” a salariman” As a matter of fact there are multitudes of words that are used in Gujarati Gazals which routinely use Urdu words making it ever so richer. There is a telling example of how dominant English has become in the business world- In a company in the Eurozone, a joint venture was launched by French, Dutch, Italian and Finnish companies but they picked English as corporate language!!