ઈશ્વર જ જાણે છે… – લેસ્લે ડિંકિન, અનુ. – આનંદ 2


જ્યારે કોઇપણ શારીરિક વ્યાધિ આપણા ઘરમાં ઘર કરે છે, ત્યારે ખાસ કરીને આપણું વલણ એક એવા તથ્યની અવહેલના કરતું હોય છે. જે આપણી પરિસ્થિતિ ઉપર એક નવીન પ્રકાશ નાખતું હોય છે તથા આપણામાં એક નવીન શક્તિ ભરતું હોય છે. જેનું મારા પર આક્રમણ થયું હતું તેવી ત્રણ વ્યાધિઓ હું ગભરાઇ ઊઠ્યો હતો કિન્તુ, ચોથીવાર મેં તેનો કોઇ વિશિષ્ટ ભય વિના પ્રતિકાર કર્યો તદ્યપિ આ વખતે હાનિનો ભય પહેલા કરતાં અધિક હતો. આ સમય દરમ્યાન મને એ વાતનો અનુભવ અને વિશ્વાસ થઇ ગયો હતો કે ‘ઇશ્વર જ જાણે છે.’

જ્યારે હું માની ગોદમાં એક અબોધ બાળક હતો ત્યારે ડૉક્ટરોએ મારા માતા-પિતાને બતાવ્યું હતું કે તેઓ મારી યુવાવસ્થાની પહેલાં જ મારાથી હાથ ધોઇ બેસશે. અને વાત પણ કંઇ એવી જ હતી. જેથી સર્વ મારા જીવિત રહેવામાં શંકા કરતા હતા. મારી માતા આવી વાતોથી ભયભીત થઇ ઊઠી, તે મને એટલી બધી માત્રામાં ઔષધિઓ અને પૌષ્ટિક પદાર્થો આપવા માંડી હતી કે જાણે આ બધાને પચાવી હું સંયુક્ત રાષ્ટ્રના અડધા ડઝન વહાણોને ખેંચી જઇશ.

જ્યારે હું શાળામાં સાતમી શ્રેણીમાં ભણી રહ્યો હતો ત્યારે મારા પર ભયાનક અંત્ર-પ્રદાહ (appendicitis) નું આક્રમણ થયું. ડૉક્ટરે ઓપરેશન કરવા ઉપર ભાર દીધો અને ચેતવણી પણ આપી કે જો ઓપરેશન ન થયું તો મારું મૃત્યુ જલદી થશે. મેં પ્રશ્ન કર્યો ‘જો ઓપરેશન ન થયું તો મારું મરણ જલદીમાં જલદી કેટલા વખતમાં થશે?’

ડૉક્ટરે ‘અનિશ્ચિત’ ઉત્તર આપ્યો. ‘માત્ર એ વાતને તો ઇશ્વર જ જાણે છે કે મૃત્યુ કેટલું જલદી થશે.’ મેં મારા નિર્ણયાનુસાર આગામી સવાર સુધી પ્રતીક્ષા કરવા કહ્યું, મારા મનમાં થયું કે જ્યારે મારા મૃત્યુની વાત માત્ર ઇશ્વર જ જાણે છે, ત્યારે હું મારી જાતને અને મારી પરિસ્થિતિને પૂર્ણરૂપે ઇશ્વરના હાથોમાં જ સોંપી દઇશ. એ રાત્રે મને અધિક આરામ થયો, અને જ્યારે પ્રાત:કાળે ઊઠ્યો ત્યારે એટલી બધી સારી અવસ્થામાં હતો કે ડૉક્ટરે સ્વીકાર કર્યો કે તાત્કાલિક ઓપરેશનની આવશ્યકતા નથી.

ત્રીજીવાર હું ભયભીત થવાને બદલે નિરાશ વધુ થયો. પ્રથમ મહાયુદ્ધનો સમય હતો. હું મારા કેટલાક યુવાન દોસ્તો સાથે સંકુચિત રાષ્ટ્રની સેનામાં ભરતી થવાનું ઇચ્છતો હતો. પરીક્ષા કે ડૉક્ટરે મારી છાતી પર ફુસ્ફુસ-પરીક્ષા-યંત્ર( સ્ટેથોસ્કોપ ) મૂક્યું અને સંમતિ આપી કે હું એના યા કોઇ અન્ય કાર્ય માટે અયોગ્ય છું, બસ પરીક્ષા ત્યાં જ સમાપ્ત થઇ ગઇ.

હું હ્રદયરોગના એક વિશેષજ્ઞ પાસે ગયો. એણે મારી બરાબર પરીક્ષા લીધી અને ચિંતાના ભાવ સાથે નિદાન કર્યું કે માનવશક્તિથી બચવાની કોઇ આશા નથી. મેં પૂછ્યું- ‘ક્યાં સુધી આશા છે?’

ચેતવણીભર્યા શબ્દોમાં જવાબ મળ્યો – ‘માત્ર ભગવાન જ જાણે છે.’

મારા પાછલા અનુભવનું સ્મરણ કરતાં મેં ઉત્તર આપ્યો – ‘હા, ઇશ્વર તો જાણે જ, અને જ્યારે તે જાણે છે ત્યારે તો હું મને પૂર્ણ રૂપે ભગવાનના હાથમાં સોંપી દઇશ.’
આ વાતને મેં ક્રિયાત્મક રૂપ આપ્યું અને હું દરરોજ નવરાશના સમયમાં પ્રાર્થના, ધર્મગ્રંથ-પાઠ અને અધ્યયન કરવા લાગ્યો. મેં ભગવાનને માર્ગ પ્રદર્શન તથા વિવેક માટે પ્રાર્થના કરી. સ્વસ્થ જીવન માટે માર્ગ-પ્રદર્શન મળે એ હેતુપૂર્વક મેં ધર્મગ્રંથનું અધ્યયન કર્યું.

આ પ્રાર્થના, ચિંતન અને અધ્યયનના પરિણામે બે પ્રધાન ક્રિયાત્મક વિચારો મારી સામે તરી આવ્યા.
1. સાદું જીવન અને 2. ઉન્નત વિચાર.

સાદા જીવનમાં મેં આ પાંચ બાબતોને સ્થાન આપ્યું.

૧. યથાસંભવ કોઇપણ પ્રકારના ઔષધનો ઉપયોગ ન કરવો. મારી માતા સર્વ પ્રકારની દવાઓમાં ખૂબ ધન ખર્ચ કરી ચૂકી હતી. કિન્તુ બધી વ્યર્થ ગઇ હતી. હ્રદયરોગના વિશેષજ્ઞ્ની વળી આ નિર્ણયાત્મક સંમતિ પણ હતી કે માનવશક્તિ થી બચવાની આશા નથી તેથી હવે હું ઇચ્છતો હતો કે ભગવાન પોતે જ એની રીતે ઔષધ અને સ્વાસ્થ્ય આપે, કારણકે હું મારી જાતને પૂર્ણ રૂપે એના હાથમાં આપી ચૂક્યો હતો.
૨. કોઇપણ રૂપમાં તમાકુનો ઉપયોગ અને ઉત્તેજકપેય તથા ઔષધિ સેવન વગેરેની કુટેવોને આશ્રય જ ન આપવો. સાથે સાથે નિદ્રા અને આરામ ઓછો લેવાની તથા આવા પ્રકારની અન્ય ટેવોને, જેનો પ્રભાવ મારા ઉપર ખરાબ થયો હતો, ત્યાગી દીધી.

૩. ભિન્ન ભિન્ન પ્રકારના સ્વાસ્થ્યપ્રદ ખાદ્ય પદાર્થોનું સેવન શરૂ કર્યું. ચરબીયુક્ત ખાદ્યોનો અધિક ઉપયોગ છોડી દીધો. આમ જોતજોતામાં વિભિન્ન પ્રકારનાં ખાદ્ય પદાર્થો મારા શરીર ઉપર સુંદર પ્રભાવ પડ્યો.

૪. ભગવાનના અર્થાત પ્રાકૃત્તિક પૌષ્ટિક પદાર્થો અને ઔષધિ-દૂધ, પાણી વગેરેનું અધિકપ્રમાણમાં સેવન કરવા લાગ્યો.

અને
૫. યોગ્ય પ્રમાણમાં સ્વાસ્થ્યવર્ધક વ્યાયામ શરૂ કર્યો. હું તો માત્ર સ્વસ્થ જીવન ઇચ્છતો હતો. પહેલવાન બનવાની મારી ઇચ્છા ન હતી.

‘ઉન્નત વિચાર’ ના ક્ષેત્રમાં મેં ત્રણ વાતોને અગત્યતા આપી.

૧ – હું પ્રત્યેક પ્રાણીને પ્રેમ કરવાની ચેષ્ટા કરતો હતો, તથા મારે હિતકર એવી દરેક વસ્તુને પસંદ કરતો હતો. મેં ઘૃણા તથા વીડનનો ત્યાગ કરી દીધો, કેમકે તેઓ મગજ અને શરીરને વિષાક્ત બનાવી દે છે. આધ્યાત્મિક પ્રેમ મન તથા શરીરને શક્તિ પ્રદાન કરે છે.

૨ – મેં કાર્ય કરવાનો અભ્યાસ કર્યો, હું એ વાતનો અનુભવ કરી ચૂક્યો હતો કે અકર્મણ્યતા તથા વ્યર્થ ચર્ચા-વિતંડાવાદ વસ્તુત: ઘાતક છે, વિવેકપૂર્ણ કાર્યથી કોઇ પણ પ્રકારનું નુકશાન થઇ શકતું નથી. મેં મારા કાર્યમાં સુધારો કર્યો અને આનું શુભ પરિણામ એ આવ્યું કે હું નિરંતર ભગવત્સાન્નિધ્યમાં રહીને કામ કરવા લાગ્યો.

૩ – પ્રતિક્ષણ ભગવાન પરના વિશ્વાસ જારી રાખવા માટે હું ‘ભગવાન મારા તથા અન્ય પ્રાણીઓનાં જીવન તથા શુભ આયાસોમાં નિરંતર અભિવ્યક્ત છે.’ એમ અનુભવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મારી સમજ તથા યોગ્યતાનુસાર હું મારા કર્તવ્યો સુંદરતમ રૂપમાં પૂરા કરવા માટે પ્રયત્ન કરવા લાગ્યો.

ઈશ્વરે મને કદી પણ નિરાશ નથી કર્યો, સદાય મારી સહાયતા કરી છે. હૃદયે રોગના વિશેષજ્ઞ દ્વારા ઘોષિત ‘માનવ શક્તિથી બચવાની કોઈ આશા નથી તથા પૂર્ણરૂપિ ઈશ્વરોન્મુખ થઈ ગયા બાદ એક વર્ષની અંદર જ ત્યાં ભયાનક ઈંફલુએંઝા ફટી નીકળ્યો. હું મારી કોલેજના થોડી શહેરી તથા ફૌજી વિદ્યાર્થીઓમાં હતો, જેઓ એના પ્રભાવ હેઠળ ન હતા. દિવસમાં મળતી પ્રત્યેક નવરાશમાં તથા રાત્રે પણ પર્યટનકાળ સુધી સેંકડોં રોગીઓની શુશ્રૂષામાં યોગદાન કરતો હતો. સૌથી વધારે સેવા કરવાવાળા માણસોમાં હું એકલો જ હતો. તો પણ હું કોઈ અસ્વસ્થ થયો નથી.

આ ઘટનાને ત્રીસ વર્ષોના વહાણા વહી ગયા, પરંતુ એક દિવસ પણ એવો નથી વીત્યો કે અસ્વસ્થ હોવાથી મેં મારા કાર્યમાં આરામ લીધો હોય. હા, વચ્ચે એક વાર દાહક ગ્રંથીથી (appendicitis) હું તેર સપ્તાહ સુધી અવશ્ય પીડિત રહ્યો હતો. પરંતુ આને વિશે મને જરાપણ ભય ન હતો. જો કે ડૉક્ટરોએ તો ‘અસાધ્ય’ ની ઘોષણા કરી દીધી હતી. મને શ્રદ્ધા હતી કે ભગવાન આને જાણે છે અને મને માર્ગ બતાવશે. હું ઝડપથી સાજો નરવો થઇ ગયો. આ ત્રીસ વર્ષની અવધિમાં આ એક વાતને છોડીને ક્યારેય પણ મને શારીરિક અસ્વસ્થતા પ્રાપ્ત થઇ નથી. માનસિક અને આત્મિક અસ્વાસ્થ્યની વાત જ નથી કેમકે તે મને કદાપિ નથી થઇ.

મારો આ અનુભ્અવ સામાન્ય નથી’ઇશ્વર જ જાણે છે’ આનો અનુભવ અને વિશ્વાસ પ્રત્યેક નજરે જીવનને સ્વસ્થ બનાવવામાં અતીવ સહાયક થાય છે, તે મહાન ચિકિત્સક શરીર, મન તથા આત્માને નિરામય કરવા તથા સ્વસ્થ અને બળવાન બનાવી રાખવા માટે સદૈવ હાજર જ છે.

– ઇશ્વર જ જાણે છે/લેસ્લે.ઇ. ડિંકિન/અનુવાદ: આનંદ/જીવનમાધુરી/જાન્યુઆરી’64


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ઈશ્વર જ જાણે છે… – લેસ્લે ડિંકિન, અનુ. – આનંદ

  • Vijay joshi

    I agree entirely with la’kant. Faith is very important
    For most. It is interesting to hear when people talk about faith and blind faith. It’s all relative. One’s faith is someone else’s blind faith. Come to think about it, there is no difference between the two. To have faith, it has to be a total faith, no matter what.

  • La'Kant

    શ્રધ્ધા …ખુદમાં અને ખુદામાં…જે સદાય પ્રેરે અને પથ-પ્રદર્શક બની..આપણા પડછા યાની જેમ આપણી સાથે ને સાથે રહે…
    મને પણ જિંદગીના અનેક તબક્કે આવા અનુભવો થતા રહ્યા છે….
    એને મને હંમેશા સાચવી લીધો છે….
    ઋણી છું એનો…ઈશ-કૃપા વરસતી રહે છે…
    –લાં’કાન્ત / ૧૨-૧૦-૧૨