પ્રેમ ઝંખના… – રીતેશ મોકાસણા 9


ઉત્તરાર્ધમાં મારી નજરો ઊંડે ઊંડે જાય છે પણ એ થોડી વાર માટે અટકી જાય છે. નિરીક્ષણ કરે છે ને વળી આગળ ધપે છે. લાંબી દોડાવેલી નજરોને પાછી વાળવા પ્રયત્ન કર્યો કારણ કે પછી સંકેલતા કંટાળો આવશે એમ માની એને સ્થિર કરી. દૂર દૂર ક્ષિતિજમાં કંઈ ને કંઈ ફેલાયેલું છે. એની પાછળ કુદરતનો જ હાથ છે પણ એમાં મારી નજરો વેરવિખેર કેમ? એને કોઈ સાંત્વન નથી. ઝંખના તો ઘણી છે પણ આશ્વાસન નથી, આકાંક્ષા ઘણી છે પણ તરફદારી નથી, કારણ નજરો લાચાર છે, ગરીબ છે, અસહાય છે. નજરોને મેં કેટલીયે વાર વિનવી છે કે બધી જીજ્ઞાસા છોડી દે, ફાની વિચારો મૂકી દે પણ એ તો માનતી જ નથી. બસ ઘૂરક્યા જ કરે છે.

આખા વિસ્તાર માં જે કંઈ ચાલે છે તેમાં કદાચ પરસ્પરની લાગણી, સાથ, સહકાર, સ્નેહ, હુંફ વગેરેનો ફાળો છે. આમ ગણું તો હું પણ બીજાની નજરમાં આ પટ પર ફેલાયેલ એક સજીવ દેહ છું. પણ મારી નોંધ બહુ ઓછા લોકોને છે, જેને છે તે કદાચ સ્વાર્થવૃત્તિ વાળા છે, કોઈ વેર કે ઈર્ષ્યા વાળા. ખેર, ઈર્ષ્યા તો મારી સામે કોને આવે? ને કોઈ વળી લાચારી દર્શાવતા હોય! કોઈ તો પોતા ને અંગત માનવા વાળું નથી કે કોઈ હુંફ આપીને દિલાસો આપવા વાળું નથી. આખી પૃથ્વી પર કેટલાયે બાળકો હશે, કેટલાય મા-બાપ હશે. અમુક બાળકો માબાપ વિહોણા હશે તો કેટલાક મા-બાપ બાળકો વિહોણા હશે. એમાંનો હું એક મા-બાપ વિહોણો, બસ એટલાજ વિચાર થી મન હતાશ ને ખિન્ન થઇ જાય છે ને ક્યારેક ઝંખવાઈ જાય છે. આજે પણ એજ હાલત! આવી હાલત તો કેટલીયે વાર થઇ છે ને દરેક વખતે એને સમજાવવા સિવાય બીજો ઉદ્ધાર નથી રહેતો. પણ હજી સુધી મારી સમજાવટ ની અસર બીજી વારની હતાશા સુધી જ રહેશે. આખરે મારે પણ એની સાથે હાર ની પરિક્રમા વિજયના પંથે માની સાદ પૂરાવવો પડેશે.

મને યાદ પણ નથી કે મારા મા-બાપ હતા કે કેમ ? કોઈ પાસેથી સાંભળ્યું પણ નથી કે મારા મા-બાપ કોઈએ જોયા હોય. જોયું ને, મારા જીવનના દર્દની પરિસીમા ! એટલુ જ વિચારતા દિલ રડી પડે છે, આજ સુધી પાણી પણ ન પીધું હોય એટલા આંસુ વહી ગયા હશે. ફક્ત એક આંખ જ મારા માટે ઉપકારવશ છે જે આંસુ સારીને હુંફનું કામ કરે છે. એક જ વસ્તુ મને ભગાવને આપી છે, કેવળ વિચારશક્તિ ! પણ એનાથી બાળજીવન સર કરી શકાય તેમ નથી ને પ્રેમ ઝંખના ને પોષી શકે તેમ નથી. મારો તો કિસ્સો જ બધા થી અલગ તારી આવે છે. નથી મા-બાપ નો છાયો કે નથી બીજો આશ્રય ! બસ જ્યારથી ખબર પડી છે ત્યારથી આ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ રહીને મોટો થયો છું. પ્લેટફોર્મની દીવાલોને હર એક કલાકના ડંકા અને અહીં હાજર હરેક ચીજ મને સારી રીતે ઓળખે છે. પણ લોકો? કદાચ મને ખબર નથી.. કે પછી મેં દરકાર નથી કરી. મેં દરકાર કરી છે કે કેમ એ પણ ખબર નથી. કદી ભીખ માંગી નથી કે હરામનું ખાધું નથી. બૂટ પોલીશ કરીને જીવન વિતાવું છું. રાત પડે કે પ્લેટફોર્મના એક ખૂણામાં સૂઈ રહું છું ને વહેલી સવારની લોકલ આવતા જ ઉઠી જાઉં છું. બૂટ પોલીશ ની પ્રેરણા આપવા વાળા બાબા પણ મને છોડીને અમર થઇ ગયા. રહ્યા હું ને આ પ્લેટફોર્મ !

જયારે પણ કોઈ મા-બાપ છોકરા ને પ્રેમ કરતા જોઉં છું કે મારી નજરો લાચાર થઇ જાય છે. આંખો પણ ભીની બની સ્થિર થઇ જાય છે. આત્મા કોચાવા લાગે છે. કેવળ એક પ્રેમ ને પામવા. કાશ મારા મા-બાપ હોત તો મારા માથા પર હાથ ફેરવત કે વ્હાલ કરી લાડ લડાવત ! બીજું બધું શું કરે એની વિચાશક્તિ નથી કારણ સ્ટેશનની બહાર ગયો નથી. પણ પ્લેટફોર્મ માં આવતા જતા લોકોના બૂટને પોલીશ કરી ને જ સંતોષ માની પડી રહુ છું. એ લાડકોડ, ઉછેર, માંગ, હઠ, રીસાવું-માનવું એ બધું તો મા-બાપ પાસેજ કરી શકાય પણ હું….!

એમ તો અહી સ્ટેશન પર પણ મારી અજીબ દુનિયા છે. પેપર સ્ટોલ, ખાણીપીણી સ્ટોલ, ટી સ્ટોલ, સ્ટોલવાળા બધા મને ઓળખે પણ ફક્ત એક બૂટ પોલીશ વાળા તરીકે, બીજી કોઈજ ઓળખ નહિ ! બધાનું કઈ ને કઈ કામ કરુ છું એટલે બધાનો માનીતો બની ગયો છું પણ સારી રીતે જાણું કે બધા સ્વાર્થી ! મારો ઉછેર કોણ કરે છે ખુદનેય ખબર નથી. પાણીના વહેણમાં તરતું લાકડું… વચ્ચે રોકાય અથડાય, કયાંક ઝાંખરામાં ફસાય ને અટવાતું છેલ્લે દરિયામાં જાય તેમ હું પણ આ માનવીના પ્રવાહમાં તણાતો જાઉં છું. અત્યારે ફસાયેલો છું કે વહેતો છું એ જ ખબર નથી. ભણેલો નથી પણ સામે વાત કરનારને અણસાર ના આવે કે હું અભણ હોઈશ, ફિલ્મોના ગીતો આખા મોઢે એક્ટર કે નેતા બધાને ઓળખું પણ મારી ઓળખ રાખવા વાળું કોઈ ખરું ? હશે, કદાચ જીવન આમ જ વિતાવવાનું છે તો પછી બહુ અફસોસ શું કામનો ? આમ તો કોઈ એવો અફસોસ નથી થતો પણ જયારે કોઈ બાળકને થતા લાડકોડ કે મળતો પ્રેમ કે હુંફ.. ત્યારેજ મન ઉદાસ બની જાય છે, ચિડાઈ જવાય છે.. પોતાના પર જ પણ એનાથી શું વળે..! મનને નથી કોઈ મનાવવાવાળું કે નથી ફોસલાવવાવાળું. આપ મેળે ટેવાઈ જવાની શક્તિ કેળવી લીધી છે ને.

“છોટુ….. જરા જલ્દી… ઉતાવળ છે…” એક માણસે બૂમ મારી કે તેની વિચારધારા તૂટી ગઈ. એકવાર થયું કે નથી જવું, ખાવા, પીવા ને ઓઢવાનું મળી રહે એટલે બસ. મન વળી આગેવાની લઈને તેને ઉભો કર્યો ને લગભગ આદેશ જ આપ્યો કે ગ્રાહકને જતો કરવો ને પછી નસીબને રોવું બંને મૂર્ખામી ભર્યા ! લગભગ ધસડાતા પગે ગયો ને નીચે જોઇને જ બૂટ લઇ કામે કાગી ગયો…

“લો ભાઈ સાહેબ…” ઉંચી નજર કરીને એમને બૂટ આપ્યા.

“પપ્પા મારા ચપ્પલ ને પણ.” ત્યાં છોકરાનો કાકલુદી ભર્યો અવાજ એના કાને પડ્યો ને એની નજર ભીની બની ગઈ. ખૂબ જતનથી એના ચપ્પલને ચમકાવ્યા. કદાચ પોતે એકલો હોત તો અશ્રુધારા વહી ગઈ હોત! જયારે જયારે આવી વિવશતા મનને બહેકાવી જાય છે ત્યારે સ્ટેશનથી દુર પાટાનાં ઢગલા પર બેસી જાઉં છું. ઘણા લોકો મારી પાસેથી પસાર થાય છે, કોઈ સામે જુએ તો કોઈ એમ જ પસાર થાય. પોતાની મનોદશા તો પોતે જ ભોગવવી રહી !

ઘણી વાર થાય છે કે આ બધું છોડીને દૂર નીકળી જાઉં કે જ્યાં ન પોતે કોઈને જોઈ શકે કે ન કોઈ એને જોઈ શકે, તો ન જોવું કે ન દાઝવું ! સાથોસાથ ભૂખ ને પણ લઇ જવી પડેશે. એને થોડી છોડીને જઈ શકાય છે? ભૂખ તો શરીરના એક અંગ જેવી છે, ના… આમ તો અંગ દૂર નથી થતા જયારે ભૂખ તો સમયે હાજર થઇ જાય છે.

“કોણ છે અલ્યા તું ?” એક આઘેડ વયની બાઈએ હાથ પકડીને ઢંઢોળ્યો.

“હું હું….. હું બૂટ પોલીશ કરૂં છું અહીં.. કેમ કંઈ….?” એક પ્રશ્નાર્થ ચહેરે તેમની સામે જોઈ રહ્યો ને વિચારધારા અટકી ગઈ.

“તારા મા-બાપ ક્યાં છે..? સાંભળ્યું છે કે તારા મા-બાપ નથી.. તારું કોઈ નથી ?”

“હા માજી, મારૂ આ દુનિયા માં કોઈ નથી, એક બાબા હતા તે પણ…….” તે ચૂપ થઇ ગયો. માજી જાણી ગયા એટલે તે મૂંગા જ રહ્યા. વળી શ્વાસ લઇ ફરી બોલ્યો

“આ ડબ્બી ને પાલીશનું બ્રશ પણ મારા નથી. ડબ્બી ખાલી થાય એટલે ફેંકી દેવી પડશે ને બ્રશ ઘશાય એટલે એ પણ સાથ છોડી દે છે.

મારા માથા પર હાથ રાખીને તેઓ બોલ્યા કે “ઉભો થા… અગર તું ચાહે તો મારી સાથે આવ… મારા દીકરાને એક પણ સંતાન નથી.. અમે તને ગોદ લઈએ….”
કંઈ કેટલીએ ખુશીનું મોજું પોતાના તરફ આવતું જોયું કે હોશ ખોઈ બેઠો.

“કેમ કંઈ તને અમારી સાથે રહેવામાં અગવડ પડશે ?”

“અં….હં… ન ન .. ના.. પણ મારી નથી કોઈ નાત કે નથી કોઈ જાત .. જાણવા છતાં પણ …” તેણે પૂછ્યું.

“ચાલ આગળ થા..” ને રીતસર પોતે માજીની પાછળ ગાય જતી હોય તેમ દોરાઈ રહ્યો. માજી મને તેમના ઘરે લઇ ગયા. મને ખૂબજ નવાઈ લાગતી હતી. રસ્તા વિચિત્ર લાગતા હતા. મનોમન ધન્ય માનવા લાગ્યો કે ચાલો આટલી વિવશતા પછી સુખનો સૂરજ તો ઉગ્યો ! આજ સુધી વંચિત માંનો પ્યાર તો પામીશ, લાડકોડ કરીશ.. કદાચ નિશાળે ભણવા પણ જવાશે. કઈ કેટલાય આનંદના ઉમળકા ઉમટી આવ્યા. નવા વિચારોને મગજમાં જતા રોકી લીધા, નાહક અગર ભાર ન જીલાય તો ફસકી પડાશે !

ઘરે ગયા પછી તો મને નવરાવ્યો, નવા કપડા આપ્યા, જમવા બેસાડ્યો. મારી તો ખુશીની કોઈ સીમા જ ન રહી, મન સીમા પાર કરી ગયું. અત્યારની પોતાની જે પળો વીતી રહી હતી તે અમૂલ્ય હતી, એને બદલા માં કદાચ કોઈ ગમે તે આપે તો પણ તે જતી કરે. મમ્મી પપ્પા મને પણ મળ્યા. ભગવાન તારો ઘણો અભાર. અને માજી ને તો હું પ્રભુની જેમ પૂજું તો પણ ઓછું! કે જેણે ઉકરડાના કોલસાને ચળકાવી ને રાજમહેલના તાજ પાર લગાવી દીધો.

મમ્મી લાડ લડાવે છે, પપ્પા બજારમાં લઇ જાય છે, ખૂબ ખવડાવે છે, રાતે માથે હાથ ફેરવે છે ને મીઠી ઊંઘ આવી જાય છે. નવા રોમાંચમાંજ દિવસો પસાર થાય છે.

પડોશ માં રહેતા એક છોકરાને માર પડતો જોયો કે થોડું ઝંખવાઈ ગયો અને ચિલ્લાઈ ઉઠ્યો. “…. નહિ નહિ મારા મમ્મી તો મને નહિ ..”

ઓહો ! કેવું વિચિત્ર સ્વપ્ન આવી ગયું થોડી વારની એ રંગીન દુનિયામાંથી પાછો ફર્યો. બધે નજર ફેરવી, એનાથી થોડે દૂર એક કુતરો ડાહાકા ભરતો સુતો હતો. તમરાનો તીણો અવાજ મારી મશ્કરી કરવા લાગ્યો. ટ્રેનની વ્હીસલ સાંભળી, વળી પછી એજ સ્થિતિ. વિચારવા લાગ્યો કે આ મન જ કદાચ એવું છે કે કયાંય સ્થિર થતું નથી, જ્યાં ત્યાં બહુ ઝાંવા મારે છે.

વાહ, ! એક નવા વિચારની સ્ફૂરણાથી આંખો માં એક નવી ચમક આવી.

સ્ફૂરણા? હા, સ્ફૂરણા.. એ જ કે જે મનની સ્થિતિ છે તે નક્કર વાસ્તવિક છે અને મિટાવી શકાય તેમ નથી. તો ક્યાં સુધી એના જ રોદણા રોઈ ને જીવન જીવવું? એની સામે જ એના ગુણગાન કેમ ન ગાવા ! નસીબમાં મા-બાપ ની છાયા કે ભાઈ બહેન કે અન્ય સગાસ્નેહી નો સ્નેહ, પ્રેમ, હુંફ કે સાથ નથી ને કદાચ શક્યતા પણ નહીવત છે તો શા માટે બીજા બાળકને મળતો પ્રેમ જોઈ પ્રેમ ઝંખના કરી ને દિલ ને મન બેઉ ખાટા કરવા ? કોઈ ને મળતા પ્રેમ કે લાગણી જોઈ ને મનને તૃપ્ત કરવું એમાં જ શાણપણ છે એવા નિર્ધાર સાથે ફરી સૂઈ ગયો.

સવારની લોકલ કાયમ નિયમ મુજબ આવી કે ઉઠી ગયો. પણ આજ તેના ચહેરા પર એક નવીન ચમક દેખાઈ. રાત્રે સૂતી વખતે ઊંઘવા જે મથામણ થતી તે ગાયબ થઇ ગઈ, પથારીમાં પડ્યો કે ઊંઘીને એક નવા વિચારને વધાવતું સવાર પડવાની રાહમાં ઊંઘી જતો. કંઈ બે ત્રણ દિવસથી ખુબ ખુશ દેખાવા લાગ્યો છું. ક્યારેક સ્ટોલ પાસે અરીસા માં નજર નાખું તો ચહેરો એકદમ તાજગી ભર્યો દેખાય છે. પહેલા જે માણસને હું એક માણસ તરીકે જોતો તે હવે વટેમાર્ગુ બની ગયા હતા. કોઈને મળતો પ્રેમ કે હુંફ જોઈ પ્રફ્ફુલિત થઇ જાઉં છું. દિલ જે દ્રવી ઉઠતું તે હવે મહેકી ઉઠે છે ને તૃપ્તિનો ભાવ બતાવે છે જેથી મારે હવે થોડે દુર પાટાના થપ્પા પર પણ બેસવા નથી જવું પડતું. જે કારણ હતું તેનું હવે સમાધાન થઇ ગયું છે.

રાત્રે સ્વપ્નમાં આવેલ માજી જેવા એક બેન સીડી ચડતા આવે છે એમને જોયા ને એક અલગ પ્રકારની લાગણી અનુભવાઈ. ક્યા પ્રકારની તે સમજાતું નથી ! શરીર થોડું ભારે હોઈ હાંફતા હાંફતા આવતા હતા. પાસે થી પસાર થયા કે મારા મોઢા માં એક ચિત્કાર આવી ગયો. પેલા બેનનો પગ લથડી ગયો સારું થયુ કે એમણે મારા માથા પર હાથ ટેકવી દીધો. નહીતર એ ફસકી પડત.

“અરે દીકરા માફ કરજે.. મારો ઈરાદો…”

“કંઈ નહિ… લો….” આગળ બોલી ના શક્યો પણ તેમનો હાથ પકડીને સ્વસ્થતા અપાવી કે “હાશ , બસ હવે હું જતી રહીશ” ને તેઓ આગળ નીકળી ગયા. વાહ…! એક લાંબો પરિતૃપ્તિનો પરીહાસ દિલમાં પ્રકટી ઉઠ્યો ને રોમાંચ કે જે કદી ના અનુભવેલો તે આખા શરીરમાં ફરી વળ્યો. મનમંદિરમાં આરતીઓ સંભળાવા લાગી. મન નર્તન કરવા લાગ્યું. માથા પર ટેકા માટે સ્પર્શેલો હાથ એટલો ગમ્યો કે ફરી એ હાથ તમાચો મારે તો પણ એવી જ હુંફ આ દિલ ઝંખે છે. ત્રણ વાર બેટા બેટા શબ્દ સાંભળીને મન ગર્વથી પુલકિત બની ગયું. આ એટલો શબ્દ કે સ્પર્શ આવું પરિવર્તન લાવે તો કાશ એ કાયમ રહે. ભવ સુધરી ગયો. મારી ઝંખનાઓ, આકાંક્ષાઓ, મનોરથો સીધા થઇ રહે ! પણ કદાચ મારા નસીબમાં એ સુખ નહિં, કે કોઈને મળતો પ્રેમ કે હુંફ જોઈ એ ઝંખનાને તૃપ્ત કરી બુટ પાલીશ કરતો ડબ્બા કે બાંકડે બાંકડે કે પ્લેટફોર્મ પર બધે ફરી ને એ નીરખ્યા જ કરુ છું અને મનને તૃપ્ત કર્યા નો પરીહાસ પામતો રહું છું.

– રીતેશ મોકાસણા


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “પ્રેમ ઝંખના… – રીતેશ મોકાસણા

 • Ritesh Mokasana

  ખુબ ખુબ આભાર વાચક મિત્રો, પ્રતિભાવો ટોનિક સમાન સાબિત થાય. ને વધુ લખવાનુ મન થાય ! આમ જ આપના પ્રતિભાવો ન માધ્યમ થી ઉત્સાહ નો આગ્રહ ! જય હિન્દ !

 • Ronak

  Heart touching and reality of life cycle, many people lives on this earth .thinking and acceptance is best theraphy for happy life. thnks for good article.

 • PUSHPA

  JIV JIVE CHE JYA SUDHI ENI OLAKH CHE. AATO SANSARNU BANDHARAN CHE, BAKI TO MANANA BHAV, PAN JENE SAMAJ,GYAN,KE TENI BUDHINO VIAKS. BADHNO SATH KE HAKIKATMA PREM KE SWARTH JANE TYARE JIVAN EK SAPNU LAGE CHE. HU ANE MARA EVU SHU CHE ENU BHAN THAY CHE TYAREJ PRAMATMANO SATH KEVO CHE KE HU KON CHU? SMJAY TYRTHIJ SHRESHT JIVANNU AVTARAN THAY CHE BAKITO BADHUJ BRAM CHE.

 • Suresh patel

  Shri Riteshbhai,

  touching article.

  IS this not the story of every one ?

  Tangible things can give only comforts.

  Happiness can be derived from only in-tangibles, it is a state of mind truly.

  Thanks for the very good article.

  Regards.

 • vimala

  પ્રેમ ઝંખનાની મર્મ સ્પર્શી ક્રુતિ.
  આ વાંચતા શ્રી ધ્રુવ ભટ્ટ્ની નવનીત સમર્પણમાં આવતી લઘુનવલ “લવલી પાન હાઊસ”ના એક પછી એક હપ્તા નજર સામે આવવા લાગ્યા.
  રીતેશ ભાઈની આ ક્રુતિ વાંચ્યા પછી એમની અન્ય રચનાઓ શોધી લેવાની લાલચથી એ પણ્ શોધી લીધેલ છે આભાર