શોધું છું ખુદને તારી આંખોમાં… (ટૂંકી વાર્તા) – ચિરાગ વિઠલાણી 30


“હેપ્પી વેલેન્ટાઈન ડે…” વિશ્વાસે શ્રદ્ધા તરફ હાથ લંબાવતા કહ્યું.

“વિશ્વાસ, તારી તબીયત તો ઠીક છે ને? આજે ઓગસ્ટ મહીનાનો પહેલો રવિવાર છે, ૧૪મી ફેબ્રુઆરી નથી.”

“ઓહ, સોરી, હેપ્પી ફ્રેન્ડશિપ ડે..”

“કેમ વેલેન્ટાઈન ડે યાદ આવી ગયો? પ્રપોઝ કરવાનો ઈરાદો છે?” શ્રદ્ધાએ હસતા હસતા કહ્યું.

“વિચાર તો એવો જ છે.”

“આઈ લવ યુ વાળુ ચક્કર છે?”

સાંજનો સમય હતો. દરિયામાં મોજા બમણા જોશથી ઉછળી રહ્યાં હતાં. આવા મસ્તીભર્યા વાતાવરણમાં સૂરજ ક્ષિતિજને મળવા ધીમે ધીમે પણ મક્કમ ગતિથી આગળ વધી રહ્યો હતો ત્યાં જ વિશ્વાસની નજર અટકી ગઈ સૂરજ અને ક્ષિતિજના મિલનના સાક્ષી બનવા માટે.

“વિશ્વાસ, હું રાહ જોઈને બેઠી છું, ચાલ હવે જલદીથી પ્રપોઝ કરી દે, મને ઘરે જવામાં મોડું થાય છે.”

“શ્રદ્ધા હું મજાક નથી કરતો, તને એવું નથી લાગતું કે હવે આપણા સંબંધને નામ આપવાનો યોગ્ય સમય આવી ગયો છે?” વિશ્વાસની નજર ક્ષિતિજ પરથી હટીને શ્રદ્ધાની આંખોમાં અટકી ગઈ.

“કેવું નામ?” શ્રદ્ધાને પણ હવે લાગ્યું કે વિશ્વાસ મજાક નથી કરી રહ્યો.

“હું અને તું ફક્ત સારા મિત્રો જ છીએ?”

“ફક્ત સારા નહીં, ખૂબ સારા મિત્રો છીએ, એટલે જ તો આવા સાંજના સમયે પણ દરિયાકિનારે હું એકલી તારી સાથે બેઠી છું.”

“પણ હું આપણા સંબંધને ફક્ત મિત્રતાનું નામ આપવા નથી માંગતો.”

“તો બીજુ શું નામ?”

દરિયો એકદમ શાંત થઈ ગયો. સૂરજે ક્ષિતિજમાં પોતાનું અસ્તિત્વ ઓગાળી દીધું. વાતાવરણ એકદમ સ્થિર થઈ ગયું ત્યાં જ વિશ્વાસનો મોબાઈલ રણક્યો… ‘મિલકે ભી હમ ના મિલે તુમસે ન જાને ક્યું..’

“હા મને યાદ છે, હું આવું છું, દસ પંદર મિનિટ થશે.”

ફોન કટ થયો…

“શ્રદ્ધા મારે જવું પડશે, હું સાવ ભૂલી ગયો, બહાર જમવા જવાનું છે, ઘરે મહેમાન મારી રાહ જોઈને બેઠા છે.”

“પણ તેં જવાબ ન આપ્યો, બીજું શું નામ?” શ્રદ્ધાએ જતાં જતાં પૂછ્યું.

“કાલે ફરી મળીશું, અત્યારે ઉતાવળને લીધે નહીં કહી શકું…”

* * * * *

રાતના બાર વાગતા સુધીમાં તો વિશ્વાસે રૂમમાં કેટલાય ચક્કર મારી લીધાં, તેનાથી બીજા દિવસની રાહ ન જોવાઈ, મોબાઈલ ઉપાડ્યો ને ફટાફટ મેસેજ ટાઈપ કરવા લાગ્યો, ‘શ્રદ્ધા, હું તને ચાહું છું, તું મારા જીવનમાં આવનાર પ્રથમ છો એવું કહીને ખોટું નહીં બોલું પણ એટલી ખાતરી આપું છું કે તું અંતિમ જરૂર છો. કાલે હું તારી મારા ઘરે રાહ જોઈશ. મારા ઘરેથી કાલે બધા ફરવા જવાના છે, આવીશ ને?”

રાત્રે ઘડીયાળના ભેગા થયેલ બંને કાંટા એકબીજાની સામસામે આવી ગયા પણ શ્રદ્ધાનો મેસેજ ન આવ્યો, વિશ્વાસ માટે તો સમય થંભી ગયો હતો, સવાર સુધીમાં અનેકો વાર મોબાઈલમાં જોયું કે શ્રદ્ધાનો મેસેજ આવ્યો કે નહીં, પણ દરેક વખતે નિરાશા હાથ લાગી. છેવટે સવારે આઠ વાગ્યે તેનો જવાબ આવ્યો.

“સોરી, મેં તારો મેસેજ હમણાં જ વાંચ્યો, હું બપોરે આવીશ ત્યાં સુધી તારે જવાબની રાહ જોવી પડશે.”

વિશ્વાસે રાહતનો શ્વાસ લીધો, રાતની ઉંઘ સવારે પૂરી કરી, બપોરે બે વાગ્યે ડોરબેલ વાગી.

“વેલકમ શ્રદ્ધા” વિશ્વાસે ઉષ્માભર્યો આવકાર આપતા કહ્યું.

વિશ્વાસ ખૂબ જ ખુશ હતો, તેને વિશ્વાસ હતો કે શ્રદ્ધાનો જવાબ હા જ હશે. એણે તો એ ક્ષણની કલ્પનાઓ કરી રાખી હતી, તેને પાછો લાવતા શ્રદ્ધાએ વાતની શરૂઆત કરી,

“”બધા ફરવા ગયા છે? એકલો જ છે?”

“હા, કેમ તારી નિયત તો બરાબર છે ને?” વિશ્વાસે શર્ટનું ઉપલું બટન બંધ કરતા કહ્યું.

“કેમ મારાથી ડર લાગે છે?”

“હા, આજકાલ તો કોઈના પર ભરોસો કરવા જેવો નથી. છોકરાઓને પણ પોતાની ઈજ્જત બચાવવી પડે એવો જમાનો આવી ગયો છે..” વિશ્વાસે આંખ મિંચકારતા કહ્યું.

પરંતુ આ વાત સાંભળતા જ શ્રદ્ધા એકદમ સ્તબ્ધ થઈ ગઈ, તેનો મૂડ એકાએક બદલાઈ ગયો.

“શું થયું શ્રદ્ધા? ખોટું લાગ્યું… હું વધારે બોલી ગયો.. !” વિશ્વાસે શ્રદ્ધાના બદલાયેલા હાવભાવ પારખી લીધાં.

“ના, એવું નથી, તારી મજાકનું ખોટું શું લગાડવાનું જ્યારે હું ખુદ એક મજાક બની ગઈ છું ત્યારે..”

“કેમ આવું બોલે છે ! રાત વાળો મારો મેસેજ તને મજાક લાગે છે? આઈ એમ સીરીયસ, મારી લાગણી મજાક નથી.” વિશ્વાસ ડગમગી ગયો.

“વિશ્વાસ, આમ તો બે વરસમાં ક્યારેય આપણને એકબીજાનો ભૂતકાળ જાણવાની જરૂરીયાત ઉભી થઈ નથી, પણ આજે તારે મારા અતીત સાથે ઓળખાણ કરવી પડશે, પછી જરૂર લાગશે તો જવાબ આપીશ.”

“શું વાત છે શ્રદ્ધા?” વિશ્વાસનું ભવિષ્ય શ્રદ્ધાનાં ભૂતકાળમાં ભટકી રહ્યું.

“તને એ વાત જાણીને કદાચ આઘાત લાગે કે ચાર વરસ પહેલાં મારી સગાઈ વચન સાથે થઈ હતી.”

“થઈ હતી મતલબ?”

“મતલબ કે સગાઈ તૂટી ગઈ.”

“પણ કેમ?”

“બળાત્કાર.”

“તું આ શું બોલે છે?” વિશ્વાસ કોયડાનો ઉકેલ શોધવા મથી રહ્યો હતો.

“હા વિશ્વાસ, કારણ હતું મારા પર થયેલ બળાત્કાર.”

“વોટ રબિશ… તું શું બોલે છે એ તને ભાન છે? સ્ટૉપ ધીસ નોનસેન્સ.”

“વિશ્વાસ, આ મારી જિંદગીની કડવી વાસ્તવિકતા છે જે ક્યારેય બદલાવાની નથી, મારી સગાઈના છ મહીના પહેલા કોઈ અજાણ્યા વ્યક્તિએ મારા પર….” શ્રદ્ધા અટકી ગઈ, સ્વસ્થ થઈ અને ફરી બોલી, “જેની જાણ વચનને થતાં એણે મારો સાથ આપવાને બદલે સમાજની પરવા કરી, વિચાર્યું કે જો આ ઘટના બાદ પણ તે મારી સાથે લગ્ન કરશે તો તેનો સામાજીક મોભો, માન-સન્માન ઘટી જશે, એણે મળવાનું બંધ કરી દીધું, બળાત્કારી પહેલા મને સજા મળી, મારી સગાઈ તૂટી ગઈ.”

વિશ્વાસ માટે તો આ વજ્રાઘાત હતો અને એ ઓછું હોય એમ શ્રદ્ધા બીજો આઘાત આપવા તૈયાર હતી, “આ ઘટના પછી જ્યારે મારું મેડીકલ ચેક-અપ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે હું ક્યારેય માં નહીં બની શકું, આ અભિશાપ સાથે જ મારો જન્મ થયેલો જેની ખબર આટલા વરસે પડી, આ બે કારણો પૂરતાં હતા વચન માટે મારી સાથેનાં સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માટે.”

વિશ્વાસની આંખો સામે જાણે અંધકાર છવાઈ ગયો. વાસ્તવિકતાની વરવી થપાટે તેને હચમચાવી મૂક્યો, એ સોફા પર સૂનમૂન થઈને બેસી ગયો.

“વિશ્વાસ, હજી તને મારો જવાબ સાંભળવાની ઉત્કંઠા છે.”

વિશ્વાસ તો બોલવાનું જ ભૂલી ગયો, ત્યાં જ શ્રદ્ધાનો મોબાઈલ બોલ્યો.. ‘જિંદગીમેં કોઈ કભી આયે ન રબ્બા…’

“હા પપ્પા આવું છું.”

વિશ્વાસ તરફ ફરીને બોલી.. “વિશ્વાસ મારે ઘરે જવું પડશે.. બાય.”

શ્રદ્ધા તો જતી રહી પણ તેના શબ્દો વિશ્વાસના કાનમાં ગૂંજતા રહ્યા.

* * * * *

એક જ દિવસમાં વિશ્વાસની જિંદગી સાવ બદલાઈ ગઈ, તેના પેઈન્ટિંગ એક્ઝિબિશનને ફક્ત એક જ મહીનાની વાર હતી, ઘણાં પેઈન્ટિંગ પૂરા કરવાનાં હતાં, પણ એનું કામમાં મન લાગે તો ને !

ચાર પાંચ દીવસ પછી સ્વસ્થતા કેળવીને વિશ્વાસે શ્રદ્ધાને સાંજે મળવા બોલાવી, દરિયો એકદમ શાંત હતો અને સૂરજ પણ વાદળોની સોડમાં છૂપાઈ ગયો હતો. સૂરજ અને ક્ષિતિજનું મિલન અસ્પષ્ટ જણાતું હતું, પણ વિશ્વાસ એકદમ સ્પષ્ટ હતો.

“શ્રદ્ધા, તને શું લાગ્યું કે હું વચન છું? કે મારા માટે તારા બે કારણો સંબંધને છોડવા માટે પૂરતાં હોય? અરે.. બળાત્કાર તો નામર્દોનું કામ છે, એની સાથે વચન જેવા કાયર અને ડરપોકને પણ સજા થવી જોઈએ, એનાથી તારું ચારિત્ર્ય ખરડાતું નથી, એમાં તારો શું વાંક? મને તારા ભૂતકાળ સાથે કોઈ જ મતલબ નથી, જેવો છે તેવો મને સ્વીકાર્ય છે, સમાજની મને કોઈ પરવા નથી. તને મારો સાથ મંજુર છે કે નહીં?”

દરીયાના મોજાનો ઘૂઘવાટ ધીરેધીરે સંભળાવા લાગ્યો, સૂરજની આડેથી વાદળો ખસી ગયાં પણ શ્રદ્ધાના મનમાં શંકાના વાદળો હજી ઘેરાયેલાં હતાં.

“કેટલો સમય સાથ આપીશ?”

“જીવનભર…”

“લગ્ન ક્યારે કરવા છે?”

“નહીં…”

“કેમ, હમણાં તો તેં કહ્યું જીવનભર…” શ્રદ્ધાને આશ્ચર્ય થયું.

“આજીવન સાથ માટે લગ્નનું બંધન જરૂરી થોડું છે?”

“લગ્ન એ બંધન નથી, સંબંધની સ્વીકૃતિનું સરનામું છે.”

“તો તારો મતલબ કે લગ્ન વગર સાથે રહેવું?”

“લગ્ન એ એકબીજા પર હક્ક જમાવવાનું હથિયાર બની જાય છે, જે ફક્ત અને ફક્ત દુઃખ જ આપે છે.”

“તું તો એવી રીતે વાત કરે છે જાણે લગ્નનો તને અનુભવ હોય.” શ્રદ્ધાએ દર્દમિશ્રિત કટાક્ષમાં કહ્યું.

“અનુભવ નથી પણ ઘટનાઓનો મૂક સાક્ષી જરૂરથી રહ્યો છું.”

“મતલબ… એવી તો શું ઘટના બની છે?” શ્રદ્ધાએ આતુરતાપૂર્વક પૂછ્યું.

“મારા માતાપિતાના છૂટ્ટાછેડા, એમના માટે લગ્ન એક બોજ બની ગયા હતા. એક એવું બંધન કે જે તૂટવા માટે તત્પર રહેતું, દરરોજના લડાઈ ઝઘડા, અપેક્ષાઓ – આક્ષેપો અને આ બધાનો એકમાત્ર સાક્ષી હું. પંદર વરસ સુધી આ બધું મારા નસીબમાં લખાયેલું હતું, એ પછી બંને અલગ થઈ ગયાં એકબીજાથી તો ખરા પણ સાથે સાથે મારાથી પણ.. મારા દાદા-દાદી ન હોત તો ખબર નહિં મારૂ શું થયું હોત, એટલે જ મને લગ્ન પર બિલકુલ વિશ્વાસ નથી. લગ્નના નામથી મારી એ જૂની યાદો તાજી થઈ જાય છે, સંબંધોનો આવો કરુણ અંજામ મારે નથી જોઈતો.”

શ્રદ્ધા શાંતિથી તેની વાત સાંભળતી હતી. આજે ચક્તિ થવાનો વારો શ્રદ્ધાનો હતો. તેણે વિશ્વાસના ખભે હાથ મૂકતાં પ્રતિભાવ આપ્યો, “સમજી શકું છું તારી વેદનાને, પણ એક લગ્ન નિષ્ફળ જવાથી જરૂરી તો નથી કે બધાં લગ્ન નિફળ જ જાય. લગ્ન તો જરૂરી પ્રથા છે, સમાજ વ્યવસ્થાને સારી રીતે ટકાવવાની રીત. લિવ ઈન રિલેશન તો સંબંધોની સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતાનું મ્હોરું છે. તન મન ભરાઈ જાય એટલે છુટ્ટાં પડી જવાનું, નામ વગરના સંબંધોનો અંત આણવાની છટકબારી.”

“છોડ આ બધી આડવાત, તું કહે કે મારી લાગણી વિશે તારો શું પ્રતિભાવ છે? હા કે ના?” વિશ્વાસે વાતને મૂળ તરફ લાવતા કહ્યું, “મારે તારો જવાબ અત્યારે જ સાંભળવો છે, મારાથી હવે વધુ સહન નથી થતું, હું છેલ્લા કેટલાય દિવસોથી ક્ષણે ક્ષણ તડપી રહ્યો છું, ઝૂરી રહ્યો છું તારા માટે…”

“ના, મિત્ર સિવાયનો એક પણ સંબંધ મને મંજૂર નથી, હું બીજુ કોઈ વિશેષ નામ આપવા માંગતી નથી.”

“પણ કેમ? આપણે ઘણાં સમયથી એકબીજાને ઓળખીએ છીએ, હવે તો એકબીજાના અતીત વિશે પણ જાણીએ છીએ, તો પછી ના શું કામ? તારા જીવનસાથીની છબીમાં હું બંધબેસતો નથી?”

“એવું નથી, તું ખરાબ નહીં લગાડતો, ભાગ્યશાળીના નસીબે જ તું લખાયેલ હોઈશ, પણ મારે માટે એ શક્ય નથી.”

“કેમ શક્ય નથી? એ ભાગ્યશાળી તું કેમ નહીં?” વિશ્વાસની આંખોમાં દરીયાની ખારાશ ઉતરી આવી.

“કારણ કે એક મહીનામાં મારી સગાઈ છે અને પછી તરત લગ્ન, સ્ટેટ્સમાં પપ્પાના મિત્રનો છોકરો છે, તીર્થ..”

દરીયાના મોજાની એક પ્રચંડ થપાટ કિનારે લાગી અને વિશ્વાસને છિન્નભિન્ન કરતી ગઈ.

“તારા ભૂતકાળની જાણ થશે તો?” વિશ્વાસે મરણીયો પ્રયાસ કર્યો.

“એને ખબર છે.. એ ત્યાં ડોક્ટર છે, એને બે સંતાન પણ છે… વિધુર છે.”

“અને તેં હા પાડી દીધી?”

“ના પાડવાનું કોઈ કારણ પણ નથી, મમ્મી પપ્પાને હું વધારે દુઃખી જોવા માંગતી નથી, એમની કેટલાય સમયની ઇચ્છા છે કે હું લગ્ન કરીને ઠરીઠામ થઈ જાઉં. આમ પણ મને અને મારા ભૂતકાળને ઓળખનારા ત્યાં કેટલા? તીર્થ ડોક્ટર છે, એજ્યુકેટેડ છે અને એના માટે એના સંતાન અને ઘર વધુ મહત્વના છે.”

વિશ્વાસમાં હવે વધુ આઘાત જીરવવાની ક્ષમતા નહોતી, શ્રદ્ધા ત્યાંથી ગઈ તે પછી વિશ્વાસ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો પણ સાગર માટે ખારાશની નવાઈ ક્યાં છે? આટલા મોટા દરીયાના કિનારે એના આંસુ કઈ વિસાતમાં? કોઈકના મોબાઈલ પર એફ.એમ પરથી ગીત વાગતું હતું, ‘ઈશ્ક હોતા નહીં સભીકે લીયે…”

* * * * *

એક પછી એક દિવસ પસાર થવા લાગ્યા. શ્રદ્ધા લગ્નની ખરીદીમાં વ્યસ્ત થઈ ગઈ. તેના માટે લગ્ન કરવાનું એકમાત્ર કારણ હતું તેના મમ્મી પપ્પાની ખુશી અને એ જ ખુશી વિશ્વાસને ડંખી રહી હતી. વિશ્વાસે આ સમય દરમ્યાન શ્રદ્ધાને મળવાના ઘણાં પ્રયાસ કર્યા પણ એ સફળ ન થયો. દરેક વખતે શ્રદ્ધા લગ્નનું બહાનું આગળ ધરીને મળવાનું ટાળી દેતી. પણ વિશ્વાસે પ્રયત્નો ચાલુ રાખ્યાં અને અંતે શ્રદ્ધાને છેલ્લી વાર મળવા માટે મનાવી શક્યો.

એ જ સ્થળ, એ જ દરીયો અને એ જ વ્યક્તિ પણ સંબંધોના સમીકરણ અલગ હતાં.

“વિશ્વાસ, તારે જે કહેવું હોય તે ઝડપથી બોલજે, મારી પાસે તને આપવા વધારે સમય નથી.”

“એ જ તો પ્રોબ્લેમ છે શ્રદ્ધા, જ્યારે સમય હતો ત્યારે હું નાદાન હતો અને સમજણ આવી તો સમય જઈ રહ્યો છે..”

“મને શું કામ બોલાવી?” શ્રદ્ધાએ કઠોર થઈને પૂછ્યું.

“શું કામ તારા અંતરાત્માને છેતરીને લગ્ન માટે તૈયાર થઈ છો?”

“તો હું શું કરું? મમ્મી-પપ્પાને એમ કહું કે વિશ્વાસ મને બહુ પ્રેમ કરે છે. એ આજીવન મારો સાથ નિભાવવા તૈયાર છે પણ લગ્ન માટે તૈયાર નથી. તને શું લાગે છે – એ લોકો ખુશ થશે?”

“પણ હું તારી સાથે લગ્ન માટે પણ તૈયાર છું…” વિશ્વાસ સ્વયંને શ્રદ્ધાની આંખોમાં શોધી રહ્યો હતો.

“પણ લગ્ન તો બંધન છે ને? કે મારી પર દયા આવી?”

“શ્રદ્ધા આજ પછી આવું બોલીને મારી લાગણીનું અપમાન નહીં કરતી, દયાપાત્ર તો હું બની ગયો છું. મને તારી સાથેના દરેક બંધન મંજૂર છે, ભૂતકાળની બધી કડવી યાદોને ભૂલવાનો પ્રયત્ન હું કરી રહ્યો છું, સાયકોલોજીસ્ટને પણ મળી રહ્યો છું, તેમનું કહેવું છે કે ઘણાં કિસ્સાઓમાં આવું થાય, છૂટ્ટાછેડા લીધેલા દંપતિના કુમળી વયના સંતાનોમાં લગ્ન વિશે આવી ગેરમાન્યતા ઘર કરી જાય છે પણ સાયકોથેરેપીથી એ ઠીક થઈ જશે. મારો ઈલાજ પણ ચાલુ થઈ ગયો છે.

“ગમે તે હોય, મારો નિર્ણય અફર છે.” શ્રદ્ધાના શબ્દો મક્કમ હતાં પણ અવાજમાં કંપન છૂપાવી ન શકી, વિશ્વાસની આંખોમાં ન જોઈ શકી.

“તો પછી આજે હું પણ જોઈશ કે દરીયો મને ડૂબાડે છે કે તું મને ઉગારે છે” આટલું બોલીને વિશ્વાસે દરીયા તરફ ડગલાં માંડવાનું શરૂ કરી દીધું.

“વિશ્વાસ પાગલ થઈ ગયો છે કે શું?”

“હા, એવું જ સમજ, એક તરફ તું તીર્થ સમક્ષ કબૂલ કરે હે કે તું મને પ્રેમ કરે છે અને બીજી તરફ મને ના પાડે છે.. આ બધું નાટક શા માટે શ્રદ્ધા?”

શ્રદ્ધા અવાચક બની ગઈ કારણ કે વિશ્વાસના એકે એક શબ્દમાં સચ્ચાઈ હતી પણ એની નજર વિશ્વાસ તરફ ગઈ જે દરીયા તરફ ઘણો આગળ વધી ચૂક્યો હતો.

“વિશ્વાસ, પ્લીઝ સ્ટોપ.”

“મારે સત્ય જાણવું છે કે તારા મનમાં શું છે.” વિશ્વાસ દરીયામાં સમાધી લેવા તરફ આગળ વધી રહ્યો.

“વિશ્વાસ, હું તને ગુમાવવા નથી માંગતી, આઈ લવ યૂ.”

બહારથી દરીયાના પાણીથી અને અંદરથી શ્રદ્ધાની લાગણીએથી ભીંજાયેલ વિશ્વાસ કિનારે આવ્યો, “તો પછી મને ના પાડવાનું કારણ?”

“તારું ભવિષ્ય… હું નહોતી ઈચ્છતી કે ભવિષ્યમાં તારે પસ્તાવાનો વારો આવે અથવા લોકો તારા તરફ આંગળી ચીંધશે કે તને લગ્ન માટે બીજું કોઈ પાત્ર ન મળ્યું? અને બાળકની ઈચ્છા ફક્ત સ્ત્રીઓને જ નથી હોતી, પુરુષો પણ એ જ ઝંખના રાખે છે, જે તને ખબર છે કે મારા માટે શક્ય નથી. તો આવા બાલિશ નિર્ણયની ભાગીદાર હું શા માટે બનું? ભૂલી જા મને.”

“બસ બહુ થયું, લગ્ન કરીશ તો ફક્ત તારી સાથે…” વિશ્વાસે કહ્યું.

એકાએક શ્રદ્ધાએ ઝબકીને વિશ્વાસને પૂછ્યું, “તીર્થ સાથે તારી મુલાકાત કઈ રીતે થઈ?”

“ફિલ્મી સિચ્યુએશન છે..”

“મતલબ !”

“મારા સાઈકોલોજીસ્ટ અને તીર્થ ખાસ મિત્રો છે, સાથે જ ભણ્યા છે.. મેં ડોક્ટરને બધી જ વાત કરી હતી અને એમાં સ્વભાવિક રીતે જ તીર્થનો ઉલ્લેખ આવે. પછી તો મારી તીર્થ સાથે પણ વાત થઈ, એને પત્નીની નહીં પણ પોતાના સંતાન માટે માંની જરૂર છે બાકી એ તો આજે પણ તેની સ્વર્ગસ્થ પત્નીને એટલો જ પ્રેમ કરે છે.”

શ્રદ્ધાને તો હજી બધું સ્વપ્ન જેવું લાગતું હતું. વિશ્વાસે બીજુ પણ એક રહસ્ય જાહેર કર્યું, “એટલે તો હું દરીયામાં ડૂબવા તૈયાર થયો કારણકે મને ખબર હતી કે તું પણ મને પ્રેમ કરે છે. હું તો ફક્ત તારી પાસેથી સાંભળવા માંગતો હતો. એટલે તો હું ધીરે ધીરે આગળ વધતો હતો..” આ સાંભળતા જ શ્રદ્ધા તેને મારવા દોડી અને વિશ્વાસ તેનાથી બચવા દોડ્યો, વાતાવરણ હળવું થઈ ગયું, વાદળા વિખેરાઈ ગયા અને સૂરજ પ્રકાશિત થયો.

લગ્ન પછી શ્રદ્ધાએ વિશ્વાસને પૂછ્યું, “મારામાં ખામી છે એ વાત સાચી પણ તું તો પિતા બનવા સક્ષમ છો.. અને હવે તો મેડીકલ સાયન્સ ઘણું આગળ વધી ગયું છે, સરોગસી આપણા સમાજ માટે પણ સામાન્ય વાત છે…”

શ્રદ્ધાને વચ્ચેથી જ અટકાવતા વિશ્વાસે પૂછ્યું, “તારા માતૃત્વની સાથે સાથે મારા પિતૃત્વની ક્ષમતા પર મેં પૂર્ણવિરામ મૂકાવી દીધું છે…” શ્રદ્ધાની ચીસ નીકળી ગઈ પણ વિશ્વાસે તેને સંભાળી, “ચિંતા ન કર, આપણને પણ એક સંતાન હશે, અનાથ આશ્રમમાંથી એક બાળકી લઈશું, તેને ઉછેરીશું.”

શ્રદ્ધા પાસે શબ્દો ખૂટી ગયાં, બોલવા માટે કાંઈ બાકી ન રહ્યું, આંખો છલકાઈ ઉઠી.

લગ્નના છ મહીના બાદ બંને સંપૂર્ણ પરિવાર સાથે જીવી રહ્યા, અનાથ આશ્રમમાંથી તેમને મળેલી પુત્રી ટિશાના આગમનથી એમનું જીવન સંપૂર્ણ થયું.

– ચિરાગ વિઠલાણી

ગવર્મેન્ટ પોલિટેકનીક, આંબાવાડી, અમદાવાદના મિકેનીકલ વિભાગમાં લેક્ચરર તરીકે કાર્યરત શ્રી ચિરાગભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ રચના છે. કૃતિ ટૂંકી વાર્તા છે, સમય અને સંજોગોને આધીન બે યુવાન હૈયાઓના પ્રેમની અને એકબીજાને મેળવવાની ઝંખનાઓની વાત છે જે ચિરાગભાઈ ખૂબ સરસ રીતે મૂકી શક્યા છે. પ્રથમ કૃતિ બદલ ખૂબ અભિનંદન, અક્ષરનાદને તેમની કૃતિ પાઠવવા બદલ અભિનંદન અને તેમની કલમે આવી વધુ કૃતિઓ રચાતી રહે એ માટે શુભેચ્છાઓ.

બિલિપત્ર

એક સપનું જિંદગીમાં આદમી સેવે પછી,
એ જ સપનું આખરે એને જ ઠોલી ખાય છે.
– અનિલ વાળા


આપનો પ્રતિભાવ આપો....

30 thoughts on “શોધું છું ખુદને તારી આંખોમાં… (ટૂંકી વાર્તા) – ચિરાગ વિઠલાણી

 • anil1082003

  CHIRAG BHAI ,EXCELLENT STORY . TO DAY SO MANY PROBLEM FOR YOUNG PEOPLE MERRAIGE. PARENTS FORCE THEIR WAY FOR MERRAIGE. THIS STORY REAL EXPLAIN . HOW EACH-OTHER REAL -TRUE LOVE FROM. LIVE IN RELATION TO READY FOR MERRAIGE. WOMEN ,DON’T GIVE BIRTH OF CHILD. STILL READY FOR MERRAIGE. TRUE EXPLATION FOR BOTH SIDE BEFORE MERRAIGE. WISH YOU GOOD LUCK FOR FUTURE STORY COME SOON.

 • nilesh gadesha

  ખરેખર ચિરાગ..ખુબ જ સરસ કૃતિ ની રચના કરી છે,,,ખુબ ખુબ અભિનંદન.. બીજું તારી કરું ચાર-પાંચ વખત વાંચી…એક હ્રદય સ્પર્શી આલેખન થયું છે…બીજું દરેક પ્રસંગ અપની આંખ ની સામે બનતો હોય તેવે અનુભુતી થાય છે…ખાસ કરીને પ્રસંગ ને દરિયો, વાદળ, સુરજ વી. વર્ણન એકદમ પ્રસંગ ને અનુરૂપ છે.. ઉપરાંત નામ ની પસદગી પણ ખુબ જ ઉતમ છે,,,વિશ્વાસ, શ્રદ્ધા, વચન, તીર્થ , વી…નામ સાંભળી ને જ એક લાગણી ઉભી થાય છે… સાચું કહું તો એક સાચા પ્રેમનું ઉદાહરણ આનાથી વધારે કહી ના હોય શકે…ઉપરાંત આનાથી એવું સાબિત થાય છે કે Engineer એ કોઈ Machine નથી તેમાં પણ એક જીવતું જાગતું હ્રદય ધબકતું હોય છે અને તે પણ આવું સર્જન કરી શકે છે…..Once again many congratulation…and hope we will see you soon with some more stories…Best of luck for future…

 • Gaurang Patel

  અન્યોને પ્રેરણા આપી શકે તેવી વાર્તા છે. પ્રેમકથાને સામાજિક સંદેશ સાથે ખુબ જ સારી રીતે હકારાત્મક અંત તરફ લઈ જઈ શક્ય છો., તે જ મારી દ્રષ્ટીએ આ વાર્તાનું સૌથી મોટું જમા પાસું છે.

 • dharam thakkar

  ખુબ સરસ વાર્તા…..કેવુ પડૅ યાર……u r the proud of our govt, polytechnic family….

 • kaushik

  ખરેખર ચિરાગ ભાઈ તમારી કૃતિ તો ગજબની છે અને હું પણ ભાગ્યશાળી છું કે મને વાંચવાનો મોકો મળ્યો અને નીલેશભાઈ ગાદેસાનો આભારી છું કે તેને મેલ કરીને તમારી આ કૃતિનો રેફરન્સ આપ્યો.
  જીવનની જે કરુણતા છે તેને તમે જે ભાવ થી રજુ કરી છે ઈ વાંચતા વાંચતા કોઈક જ એવા હશે જે રડી ની પડ્યા હોય અને “પ્રેમ” કોને કેવાય તેનું જે ઉદાહરણ આપ્યું છે ઈ તો હૃદયસ્પર્શી છે
  નહીતર આજકાલ ના છોકરા તો “પ્રેમ” ને એક બીજું જ નામ આપી રહ્યા છે.
  એટલે હું અપીલ કરીશ ક બધા યંગે તો આ કૃતિ અવસ્ય વાંચવી જોયએ.
  આભાર કે તમે અક્ષર્નાદ માં મૂકી આ કૃતિ તમારી
  – કૌશિક વિરડીયા – નિકાવા

 • Nilesh Gadesha

  ખરેખર ચિરાગ..ખુબ જ સરસ કૃતિ ની રચના કરી છે,,,ખુબ ખુબ અભિનંદન.. બીજું તારી કરું ચાર-પાંચ વખત વાંચી…એક હ્રદય સ્પર્શી આલેખન થયું છે…બીજું દરેક પ્રસંગ અપની આંખ ની સામે બનતો હોય તેવે અનુભુતી થાય છે…ખાસ કરીને પ્રસંગ ને દરિયો, વાદળ, સુરજ વી. વર્ણન એકદમ પ્રસંગ ને અનુરૂપ છે.. ઉપરાંત નામ ની પસદગી પણ ખુબ જ ઉતમ છે,,,વિશ્વાસ, શ્રદ્ધા, વચન, તીર્થ , વી…નામ સાંભળી ને જ એક લાગણી ઉભી થાય છે… સાચું કહું તો એક સાચા પ્રેમનું ઉદાહરણ આનાથી વધારે કહી ના હોય શકે…ઉપરાંત આનાથી એવું સાબિત થાય છે કે Engineer એ કોઈ Machine નથી તેમાં પણ એક જીવતું જાગતું હ્રદય ધબકતું હોય છે અને તે પણ આવું સર્જન કરી શકે છે…..Once again many congratulation…and hope we will see you soon with some more stories….best of luck for future…

 • Ketan Vaghosi

  ખુબજ સારી શરૂઆત. સંગીત પ્રત્યેનો પ્રેમ પણ રીંગટોન ના માધ્યમથી દર્શાવ્યો છે. ” આગાઝ ઇતના અચ્છા હે તો અંજામ કેસા હોગા ”
  ખુબ ખુબ અભિનન્દન્.

 • La'Kant

  ઘણા વર્ષો પછી એક પ્રેમ-કહાણીનો નવતર અનુભવ…’ફો ર એ ચેન્જ’ કંઈક
  સળવળાટ થયો ભીતરમાં…. ગમ્યું.સારું લાગ્યું…જૂની યાદો પણ…આવી…
  દરિયા-કિનારો અને જાત સાથેનું સંધાન પણ …તાઝું થયું…રોચક તરીકો અપનાવાયો છે વાત કહેવાનો …ટૂંકા વાક્યો…હળવા લાગ્યા…
  ટૂંકમાં, ” પ્રેમ “એટલે ન સમજાય તેવી જણસ !!! અનુભવવાની વાત !!!
  આભાર લેખકનો અને પ્રસ્તુત્કાર્તાનો… અને અભિનંદન પણ …
  લા’કાન્ત / ૨૮-૯-૧૨

 • vipul aswar

  ખરેખર,એક એન્જિનિયરિન્ગ ના પ્રોફેસર દ્વારા આવિ સરસ વાર્તા લખાઇ તેજ ગુજરાતિ માટે મહ્ત્વ નુ ચે.

 • Pradeep

  Excellent write up by an Engineer. I am also an Engineer and unbelieve such heart touching art. He forced to open few pages of history, which closed for more than 25 years. Waiting for another such Art from professor. All the god blessing.

 • Harshad Dave

  કલમ સક્ષમ અને સભર છે. યાત્રાનો આરંભ દર્શાવે છે કે તે અવનવા પડાવે પહોંચી શકે છે. અભિનંદન. – હદ.