પ્રેમ ઝંખના… – રીતેશ મોકાસણા 9
ઉત્તરાર્ધમાં મારી નજરો ઊંડે ઊંડે જાય છે પણ એ થોડી વાર માટે અટકી જાય છે. નિરીક્ષણ કરે છે ને વળી આગળ ધપે છે. લાંબી દોડાવેલી નજરોને પાછી વાળવા પ્રયત્ન કર્યો કારણ કે પછી સંકેલતા કંટાળો આવશે એમ માની એને સ્થિર કરી. દૂર દૂર ક્ષિતિજમાં કંઈ ને કંઈ ફેલાયેલું છે. એની પાછળ કુદરતનો જ હાથ છે પણ એમાં મારી નજરો વેરવિખેર કેમ? એને કોઈ સાંત્વન નથી. ઝંખના તો ઘણી છે પણ આશ્વાસન નથી, આકાંક્ષા ઘણી છે પણ તરફદારી નથી, કારણ નજરો લાચાર છે, ગરીબ છે, અસહાય છે. નજરોને મેં કેટલીયે વાર વિનવી છે કે બધી જીજ્ઞાસા છોડી દે, ફાની વિચારો મૂકી દે પણ એ તો માનતી જ નથી. બસ ઘૂરક્યા જ કરે છે.