કેટલાક સુંદર શે’ર.. – સંકલિત 9


સ્મરણના કસુંબાઓ ઘોળે છે મન,
ને જંપેલ જળને ડહોળે છે મન.
ભલે બહાર હલચલ ન દેખાય પણ,
જરૂર કંઈ ભીતરમાં ખોળે છે મન.
– ‘આનંદ’ મુનિચંદ્રજી

એકલો ના પ્રાણવાયુ પૂરતો જીવવા વિશે
જિંદગીને ક્યાં કશો અંદાજ છે શ્રદ્ધા વિશે.
– શબ્દપ્રીત

ઝાંઝવા તો ઝળહળીને કેટલાં છળ નોતરે,
તોય હરણું હાંફતું ધસતું રહે વિશ્વાસથી.
– જગદીશ ભટ્ટ

ઊંડા ઘા તો કૈંક સહ્યા પણ
જાન ગયો છે એક ઉઝરડે.
– અજ્ઞાત

તમને મળ્યા પછી એ કશું માનતું નથી,
દિલ મારું નહીં તો કેટલું કહ્યાગરૂ હતું.
– ઝાહીદ ભાસ્કર

ગુલાબ સાથે રહ્યો તે છતા કંટક
કહે છે કોણ કે સોબતનો રંગ લાગે છે?
– અમીન આઝાદ

જો શ્વાસ લઉં તો લીલા પાંદડાં લહેરાય,
ને છોડું તો જાણે લજામણી બીડાય.
– ધીરુ મોદી

જાઓ દુનિયાની ખબર લો કે એને થયું છે શું?
કેમ તાજો ઘાવ આજ દિલ પર દેખાતો નથી?
– શૂન્ય પાલનપુરી

મારા હોઠ એ હોઠ છે, કંઈ ભિક્ષાપાત્ર નથી
તું એમાં ચુંબનના સિક્કાઓ નાખવાનો ચાળો ન કર.
– અજ્ઞાત

લાગણી, દર્દ, મહોબ્બત ને અધૂરી આશા
એક જગા પર જો જમા થાય હ્રદય થઈ જશે.
– મરીઝ

નગરના માણસો તો એક સરખા મીણના પૂતળા,
અને એમાં પીગળતો હું હજી ત્યાં જ ઉભો છે.
– શોભિત દેસાઈ

પથ્થર પુજૈ હર મિલૈ તો મૈં પૂજું સારા પહાડજી
જિસકી ભલી ચક્કી બની, પીસ ખાય સંસાર જી.
– ગોરખનાથ

કેટલું અંતર થયું પાડોશનું?
ગામની શેરી બની શહેરી હવે.
– મનસુખ નારિયા

વાસંતી ટહુકોય સ્પર્શી ના શક્યો
આંસુનો કિસ્સો સતત સાથે રહ્યો.
– શૈલેન રાવળ

નહીં જીવાયેલી ક્ષણોના બોજને
ચાર જણ અંતે ઉઠાવી જાય છે.
– રઈશ મણીયાર

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક
તળેટી સમીપે હજો ક્યાંક થાનક
સુખડની જેમ શબ્દો ઉતરતા રહે છે
તિલક કોઈ આવીને કરશે અચાનક.
– રાજેન્દ્ર શુક્લ

પહેલા સમું તરસનું ધોરણ નથી રહ્યું,
પાણી મળે છે તોય હવે પી જવાય છે.
– સૈફ પાલનપુરી

તે ક્ષણે ખૂલી જવા ખુદ પીંજરુ તત્પર થશે
જે ક્ષણે સંપૂર્ણ રીતે સ્વસ્થ પારેવું હશે.
– મુકુલ ચોક્સી

દરિયામાં પોઢેલા ડુંગરના દેહમાં કળિયુગના ડુમા હિજરાય
દરિયો રડે તો એ માછલીઓ સમજે, નભને એ ક્યાંથી સમજાય?
– હિતેન આનંદપરા

જિંદગીનું નામ બીજુ કંઈ નથી
મેં ઉપાડી છે અપેક્ષા લાશની
– અહમદ મકરાણી

વરસાદ પડે ને ઘાસ સમું પણ ના ઉગે
રસ્તા પરના ડામર જેવો માણસ છે આ.
– લલિત ત્રિવેદી

સ્મિત સાથે પાંપણો જ્યારે ઢળેલી હોય છે,
એની પાસે જંગલોના છાંયડા પાણી ભરે.
– અશરફ ડબાવાલા

સોળ આની પાક ઉતરે, શક નથી એમાં મને
કેમ લોકો પ્રેમને અહીં વાવવા દેતા નથી?
– પ્રણય જામનગરી

આંસુ જ આપણી છે મોંઘેરી માલમત્તા
પાંપણને એટલે તો પંપાળવી પડે છે.
– નિતીન વડગામા

અશ્રુ પછીના સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
– બેફામ

જીવન જીવી રહસ્યો મેળવ્યાં વહાલાનાં મૃત્યુનાં
કોઈ બે આંખ મીંચે ને ને બધું વેરાન થઈ જાય છે.
– હરિન્દ્ર દવે

અમે તો જઈશું અહીંથી પણ આ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે
ખબર નથી શું કરી ગયા પણ કરી ગયા તે કમાલ રહેશે.
– મકરન્દ દવે

વિરહની રાતની હસ્તી છે મારા મૌન સુધી
સૂરજની વાત કરીશ તો સવાર થઈ જશે.
– જવાહર બક્ષી

ઘાવને બીજુ કશું ક્યાં કામ છે?
બસ, નિરંતર લાગવું ને રૂઝવું.
– હરજીવન દાફડા

એ ખજાના સમું મળ્યું છે પણ
દર્દને કેવી રીતે વાપરવું?
– શોભિત દેસાઈ

બિલિપત્ર

સુખ,
ચાલીના નળમાંથી માંડ માંડ
ટપકતું પાણી ટીપે ટીપે.
દુઃખ,
ચર્ચગેટના સ્ટેશન પર
ઉતરતા ટ્રેનમાંથી એક પછી એક
માણસોનાં મોજાં… દરિયો
– વિપિન પરીખ

આજે પ્રસ્તુત છે અનેકવિધ સર્જકોનું શેર સંકલન. વિવિધ વિષયો અને વિચારોને સાંકળીને અનેક રચનાકારોની પ્રસાદી રૂપે આ શેર નિપજ્યા હશે, એ શેર આજે આપ સૌની સાથે મમળાવવાની મજા લેવી છે.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “કેટલાક સુંદર શે’ર.. – સંકલિત

 • gajanand trivedi

  બહુ જ સુન્દર ેર એક વિનન્તિ. પુજ્ય મોરરિબાપુના મુખે બોલયેલ શરે ક્યરેક આપો તો રન્ગ રહિ જાય્.

 • કમલેશ તેરૈયા


  કમલેશ તેરૈયા:

  નમસ્તે,ગરવી ગીરા ગુર્જરીના સંવર્ધન અને સંરક્ષણ માટે આપનું આ ઉમદા કાર્ય, ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવતા તમામ લોકો માટે આદરણીય, અનુકરણીય અને અભિનંદનાર્હ છે.હું આપની સુંદર વેબ સાઇટનો ચાહક છું, તેથી જ એક બાબતે આપણું ધ્યાન દોરવા ઇચ્છું છું.^ હોમ પેજ પર જે કટેગરી વાઇસ યાદી આપી છે તેમાં ચોથા ક્રમે “અનુવાદિત” છે, જે ખરેખર અનૂદિત હોવું જોઇએ. અનુવાદિત શબ્દ સાચો નથી, અનૂદિત યોગ્ય રૂપ છે.^ દોષ દર્શન એ મારો ઇરાદો નથી, માત્ર આપના આ સુંદર કાર્યને વધારે યશ પ્રાપ્ત થાય એ માટેનો આ નમ્ર પ્રયાસ છે.

 • Jagdish Joshi

  સંકલન મમળાવવાની ખૂબ મજા પડી !
  એક શબ્દોની અદલ-બદલ કરવાની ગુસ્તાખી કરવાની પણ ઇચ્છા થઈ –
  “જિંદગીનું નામ બીજું કંઈ નથી,
  મેં ઉપાડી છે લાશ અપેક્ષાની” ……… અહમદ મકરાણીને વિનંતિ ગુસ્તાખી બદલ મને માફ કરે !
  શેરમાં સમજણ ન પડે પણ મને આવું વાંચવું ગમ્યું એટલે ‘શેર’ કર્યું …સો..રી !

 • Harshad Dave

  આ સુંદર ખજાનો છે…પરંતુ દર્દના ખજાનાને કેવી રીતે વાપરવો ! – હદ

 • કમલેશ તેરૈયા

  નમસ્તે,
  ગરવી ગીરા ગુર્જરીના સંવર્ધન અને સંરક્ષણ માટે આપનું આ ઉમદા કાર્ય, ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવતા તમામ લોકો માટે આદરણીય, અનુકરણીય અને અભિનંદનાર્હ છે.
  હું આપની સુંદર વેબ સાઇટનો ચાહક છું, તેથી જ એક બાબતે આપણું ધ્યાન દોરવા ઇચ્છું છું.
  ^ હોમ પેજ પર જે કટેગરી વાઇસ યાદી આપી છે તેમાં ચોથા ક્રમે “અનુવાદિત” છે, જે ખરેખર અનૂદિત હોવું જોઇયે. અનુવાદિત શબ્દ સાચો નથી, અનૂદિત યોગ્ય રૂપ છે.
  ^ દોષ દર્શન એ મારો ઇરાદો નથી, માત્ર આપના આ સુંદર કાર્યને વધારે યશ પ્રાપ્ત થાય એ માટેનો આ નમ્ર પ્રયાસ છે.