ગોટાળા, આંતરીક રાજકારણ અને સમય પારખીને પલટી જતા રાજકારણીઓ – ના આ ફક્ત આજના સમયની વાત નથી, મહાભારતકાળમાં પણ એવું જ કાંઈક હતું એ સ્પષ્ટ થાય છે શકુનીજીની ડાયરી પરથી. આજે તેમની ડાયરીનું ગતાંકથી આગળનું એક પૃષ્ઠ પ્રસ્તુત છે. કોલસાનું કાળુ રાજકારણ ત્યારે પણ ખેલાયું હતું. ખંધા રાજકારણીઓ તો સર્વવ્યાપક, સાવર્ત્રિક અને સમયના બંધનોથી પર સમસ્યા છે. આજે વાંચીએ શકુનીજીના વિચારો, તારીખ ૪ સપ્ટેમ્બર ૨૨ ડી.કે. (ડ્યુરીંગ કૃષ્ણ). શકુનીજીની ડાયરીના અન્ય પાનાઓ આપ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.
* * *
ભીમને લાડવાઓનો ઓવરડોઝ આપી, નિંદ્રાદેવીને હવાલે કરીને નદીમાં પધરાવવાનો કાર્યક્રમ કેન્સલ કરાયો તેના અનેક કારણો હતા. સૌપ્રથમ કારણ હતું નજીકમાં કોલેજ હોવાને લીધે અનેક કપલનું નદીકિનારે (અલબત્ત ઝાડીઓમાં) ઉપસ્થિત હોવું, બીજુ હતું ઓછા વરસાદને લીધે નદીમાં પાણીની અછત, ભીમને ગબડાવીએ તો નદી ખાલી થઈ જાય એટલું જ પાણી બચ્યું હતું એટલે ભીમને ડૂબવાની બદલે નહાવાનો આનંદ મળે એ શક્યતા વધુ હતી.
આ બધા સંજોગોને લઈને મેં વત્સ દુર્યોધનને કહેલું કે ફરી ક્યારેક પ્રયત્ન કરીશું, ‘પિક્ચર અભી બાકી હૈ મેરે ભાનજે…’ મારી વાત માનવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો એટલે ત્યારે એ પ્લાન પડતો મૂકાયો. થોડાક જ વખતમાં મેં પાંડવોની આખી પાર્ટીને નેસ્ત નાબૂદ કરવા લાક્ષાગૃહનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો હતો.
એ અનુસાર લાક્ષાગૃહની આખીય યોજના તૈયાર થઈ. આખુંય લાક્ષાગૃહ અમે કોલસાનું બનાવી તેના પર સ્વર્ણકવચ ચડાવી દીધું હતું. પાંડવો તેમાં રહેવા જાય એ જ રાત્રે તેને અગ્નિને હવાલે કરવાનો પ્લાન હતો, અને એ માટેની બધી જ તૈયારીઓ થઈ ગયેલી. પાંડવો એ જગ્યાએ શિફ્ટ થયા કે તરત જ અમે તેને અગ્નિને હવાલે કરી દીધું. પરંતુ ભીષ્મજી સંચાલિત અને વિદુરજી જેના ચીફ છે એવી કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડીટર જનરલ ઓફ હસ્તિનાપુર (CAG) ને અચાનક એ દિશામાં થયેલી કોલસાની ભારી આયાતની ખબર પડી ગયેલી. એ કોલસો કયા કામ માટે વપરાવાનો છે તેની ગંધ તેમને છેલ્લે છેલ્લે આવી ગયેલી એટલે આગ લાગી એ સમયે તેમના અનુચરો ત્યાં પહોંચી જવામાં જ હતા.
અહીં આગ વધવા લાગી કે તરત જ એ ખબર કોલસામાં અગ્નિની જેમ પ્રસરી ગઈ. મીડીયા અને પ્રેસના લોકોથી, મીડીયાની ઑબી વાનથી આખાય પાર્કિંગ લોટમાં અંધાધૂંધી વ્યાપી ગઈ. એ પછી આગ ઠારવા માટે બંબાઓ પણ આવવા માંડ્યા. માઈક પકડીને ઉભેલા વિવિધ ચેનલોના પ્રતિનિધિઓ પળેપળની ખબર લાઈવ ઘટના તરફ પીઠ કરીને આપવા લાગ્યા. આ તરફ એ પ્રતિનિધિઓ બૂમાબૂમ કરતા હતા તો બીજી તરફ સ્ટૂડીયોમાં ‘કોલસો કેટલી જલદી સળગશે’, ‘એ કોલસાની દલાલીમાં કોના હાથ કાળા થયા’, ‘આગ કોણે લગાવી’, ‘કોલસાની ક્વોલિટી કેવી છે’ વગેરે જેવી બાબતોની ચર્ચા કરવા રાતોરાત વિશેષજ્ઞો ઉભા કરી તેમની સાથે ઝટપટ ચર્ચાઓ કરવા માંડી. ‘કોલસાએ કર્યું કોનું મોઢું કાળું’, ‘લાક્ષાગૃહમાં ભયાનક આગ’, ‘કૌરવોના કાળા કારનામા’ જેવા શીર્ષકો સાથે ‘બ્રેકિંગ ન્યૂઝ’ પ્રસારીત થવા લાગ્યા.
આ તરફ લાક્ષાગૃહની આગ વધતી જ રહી તો બીજી તરફ રિપોર્ટરોને સરસ મસાલો મળી ગયો. કોલસો કોણે સપ્લાય કર્યો, કોણે આ આખીય કપટયોજના બનાવી, કોના આદેશથી આ લાક્ષાગૃહ બનાવાયું હતું વગેરે બાબતોની ખણખોદ થવા લાગી.
એન.એચ.ટી.વી.એ ‘કૌટુંબિક ઘમાસાન’ શીર્ષક હેઠળ કાર્યક્રમ લાઈવ કર્યો જેમાં લાક્ષાગૃહના સ્થળ પરથી તેમના પ્રતિનિધિ બરાડા પાડતા હતા અને ન્યૂઝ એન્કર સ્ટૂડીયોમાંથી. વચ્ચે વચ્ચે તેમણે જાહેરાતો પણ ધમરોળવા માંડી.
સ્ટૂડીયોમાંથી પ્રશ્ન છૂટ્યો ‘તો ડિબાંગ અબ હમેં બતાઈયે કી વહાં ક્યા હાલાત હૈ?’
પણ એ રસ્તામાં જ અદ્રશ્ય થઈ ગયો, ‘ક્યા આપ અપના સવાલ દોહરાયેઁગે સાવચીપ?’
‘ડિબાંગ હમેં બતાઈયે કી વહાં ક્યા હાલાત હૈ?’
‘સાવચીપ યહાં પર અફરાતફરી કા માહૌલ હૈ, જૈસે કી આપ દેખ રહેં હૈ કી પાંડવો કે આરામ કે લીયે બની યે જગહ પૂરી તરહ સે જલ રહી હૈ ઔર ઈસકો બનાને ઔર આસાનીસે જલાને કે લીયે કોયલે કા ઈસ્તમાલ કીયા ગયા હૈ જો કાલા હૈ. આપકો બતાદેં કી કોયલા કાલા હોતા હૈ ઔર જલદી જલતા હૈ, ઈસકે અલાવા હમેં પતા ચલા હૈ કી ઈસમેં આગ લગાને કે લીયે જિસ કેરોસીન કા ઈસ્તમાલ કીયા ગયા હૈ વો સરકારી રાશનકી દુકાનસે બ્લેકમેં લિયા ગયા લગતા હૈ ક્યોંકી વહ કાલા હૈ. આગ લગાને કે લીયે ‘કપાસ’ બ્રાન્ડકે માચીસકા ઈસ્તમાલ કીયે હોનેકી સંભાવના હૈ જીસકી એક ડિબ્બી હમેં યહાં પડી હુઈ મિલી હૈ.’
‘ડિબાંગ ક્યા કિસીને ઈસ આગકી જિમ્મેદારી લી હૈ?’
‘નહીં સાવચીપ, અભીતક કીસીને ઈસ ઘટનાકી જિમ્મેદારી નહીં લી હૈ, પર ઈસમેં વિદેશી તાકતોં કા હાથ હોનેકી સંભાવનાકો નકારા નહીં જા રહા હૈ…’
આ વાતને સ્ટુડીયોએ પકડી લીધી, ‘તો જૈસે આપને દેખા કી. . . . . જૈસે કી આપ દેખ રહેં હૈ કી પાંડવો કે આરામ કે લીયે બની યે જગહ પૂરી તરહ સે જલ રહી હૈ ઔર ઈસકો બનાને ઔર આસાનીસે જલાને કે લીયે જાનબૂજકર કોયલે કા ઈસ્તમાલ કીયા ગયા હૈ જો કાલા હૈ. આપકો એક બાર ફિરસે બતા દેં કી કોયલા કાલા હોતા હૈ ઔર જલદી જલતા હૈ, ઈસકે અલાવા કેરોસીન ડાલનેસે વો જલદી જલતા હૈ, આગ લગાને કે લીયે જિસ કેરોસીન કા ઈસ્તમાલ કીયા ગયા હૈ વો સરકારી રાશનકી દુકાનસે બ્લેકમેં લિયા ગયા… વિદેશી હાથ… કાલા કોયલા… ઈસ બારેમેં બાત કરને કે લીયે હમારે સાથ મૌજૂદ હૈ દુર્યોધન કે ભાઈ કુંધસાઈ, કવચિ, કુંધાભેદી ઔર કોયલામંત્રી કાંચનધ્વજ, ઈનકે અલાવા હમારે સાથ હૈ કૃતવર્મા, કેરોસીન સપ્લાયર કરસનભાઈ ઔર કોયલા ખદાન કે માલિક કાંચા. તો કાંચાજી સબસે પહલે આપ બતાઈયે કી ઈસ કોયલેકા ઈતના કાલે હોનેકા રાઝ ક્યા હૈ? યહ આપકી ખદાનોંસે સપ્લાય હુઆ હૈ યે બાત સચ હૈ?’
પણ એટલામાં લાક્ષાગૃહમાંથી એક અનુચર સળગતી હાલતમાં બહાર દોડીને આવતો જણાયો એટલે ચર્ચા પડતી મૂકાઈ. સાવચીપે ફરી બૂમ પાડી, ‘તો હમેં અભી અભી પતા ચલા હૈ કી લાક્ષાગૃહસે એક આદમી જલતા હુઆ બહાર નીકલ રહા હૈ, આઈએ રૂખ કરતે હૈ અપને સંવાદદાતા ડિબાંગકા…. તો ડિબાંગ વહાં ક્યા ચલ રહા હૈ..?’
ડિબાંગ : ‘સાવચીપ, અભી અભી લાક્ષાગૃહસે એક અનુચર જિંદા જલતા હુવા નિકલ રહા હૈ, આઈએ હમ ઉસસે બાત કરનેકી કોશિશ કરતે હૈ…’ પછી એ અનુચર તરફ માઈક ધરીને… ‘આપ અંદર આગમેં ફસે હુવે થે, ઔર ભારી મુશ્કિલસે બાહર નિકલેં હૈ… આપકો અભી કૈસા લગ રહા હૈ?’
અનુચર : ‘અરે સા….. કોઈ ૧૦૮ બુલાઓ ભાઈ…’
ડિબાંગ : ‘૧૦૮ કે આને તક હમેં બતાઈયે કી આગ કિસને લગાઈ થી? ક્યા આપને કીસીકો દેખા થા? આગ લગાને કે લીયે કૌનસી ચીજકા ઈસ્તમાલ હુવા? ક્યા વો બીડી થી યા સિગરેટ? કૌનસી બ્રાન્ડકી સિગરેટ થી યા કિસીને જલતી હુઈ મશાલ ફેંકી થી? આગ લગાને વાલા કૌન થા? યવન થા યા આર્ય થા?’
આનુચર : ‘લગતા થા યવન ક્યોંકી વહ વૈસા દિખતા થા.’
તો જૈસેકી હમેં અભી અભી પતા ચલા હૈ કી એક યવનને યહાં સિગરેટસે આગ લગાઈ હૈ… હમેં સૂત્રોંસે પતા ચલા હૈ કી ‘ગાંધારીયન હલકટીન’ નામક સંગઠનકા ઈસમેં હાથ હોનેકી સંભાવના હૈ…’
ત્યાં નવરા પડેલા સાવચીપે કમાન સંભાળી, ‘ઔર અભી અભી પ્રાપ્ત ખબરોં કે અનુસાર યવન રિહાઈશ વાલે ઈલાકોંમેં પથ્થરબાઝી શરૂ હો ગઈ હૈ… આઈયે અપને વિશેષજ્ઞોસે પૂછતે હૈ કી ઈસમેં કિસકા હાથ હો સક્તા હૈ…..’
આમ ખંધા ચાંપલાઓની ચપડચપડ શરૂ થઈ ગયેલી.
બીજી ચેનલે તેમના દર્શકોને એસ.એમ.એસથી વોટ કરવા અનુરોધ કર્યો, પાંડવો જીવતા નીકળે એમ માનતા લોકો ‘હા’ અને મૃત્યુ પામ્યા હશે એમ માનતા લોકો ‘ના’ લખીને ૪૨૦૪૨૦ પર એસ.એમ.એસ કરી શકે એમ તેમણે કહ્યું. છીટીવી પર એક જ્યોતિષાચાર્ય એ વાતની ભવિષ્યવાણી કરી રહ્યા હતા કે આગ કેટલા વાગ્યે બુજાશે. એ માટે તેમણે લાક્ષાગૃહની કુંડળી પણ બનાવી.
દરમ્યાનમાં આગ પૂરી રીતે ફેલાઈ ગઈ અને લાક્ષાગૃહનો મધ્ય ભાગ સળગીને ધડાકાભેર નીચે પડ્યો અને આખુંય લાક્ષાગૃહ ધ્વસ્ત થઈ ગયું. પાંડવોના બચવાની કોઈ આશા ન રહી હોવાથી હવે ચેનલો તેમને શ્રદ્ધાંજલી અને તેમના વિશેની બધી સારી વાતો કાઢવામાં લાગી પડી. આગમાંથી કોઈ બહાર આવતું ન દેખાયું એટલે પાંડવો તેમાં મૃત્યુ પામ્યા હશે એમ માનીને મીડીયાએ પાંડવોના બાળપણના ફોટાઓથી લઈને તેમની સાથે સંકળાયેલ ઘટનાઓની શોધ કરવા માંડી. યુધિષ્ઠિરનો ભાલો, ભીમની ગદા, અર્જુનનું બાણ વગેરે સાથે તેમના ફોટા શોધી શોધીને મૂકાવા લાગ્યા. અર્જુનના બાળપણના નિશાનેબાજીના કપ જીતેલ ફોટા તો ભીમના ગદા સાથેના ક્લોઝઅપ શ્રદ્ધાંજલીના સંદેશાઓ સાથે ફરવા લાગ્યા. બેકગ્રાઊન્ડમાં સૅડ ઈન્સ્ટ્રુમેન્ટલ વાગવા લાગ્યા. પાંડવતરફી સભાસદોએ આ આખી દુર્ઘટનાની ન્યાયિક તપાસ કરાવવા સાથે સાથે MMS (મહા મહિમ શ્રી) ધૃતરાષ્ટ્રના રાજીનામાની માંગ કરી અને એમ ન થાય ત્યાં સુધી સંથાગાર ન ચાલવા દેવાની ધમકી આપી. સંથાગારમાં હોબાળો કરવાની અને રસ્તાઓ સુધી આ વિરોધ લઈ જવાની ધમકી પણ આપી.
પણ એ બધી ચડભડ દરમ્યાનમાંજ ક્રૂરદર્શને એક બ્રેકીંગ ન્યૂઝ આપ્યા, ‘પાંડવો સેફ છે.’
‘એક્સ્ક્લૂઝીવ’ની ફરતી પટ્ટીની સાથે તેમણે એક ક્લિપ દેખાડવા માંડી જેમાં પાંડવો નદીકિનારે એક નાનકડી ટનલમાંથી બહાર નીકળી રહ્યા હતા અને તેમને લેવા વિદુરજી તથા ભીષ્મ બોટ સાથે તૈયાર હતા.
આ આખીય યોજનાની સફળતાની મજા લેવા અમે – હું, કર્ણ, દુર્યોધન, દુઃશાસન તથા થોડાક અનુચરો (ચમચાઓ) ટી.વીની સામે મદિરા તથા ગ્રીન સલાડ સાથે બેઠા હતાં, વચ્ચે આ ક્લિપ જોઈને અમારો મૂડ બગડી ગયો, અને કાકડી પણ કડવી નીકળી. ઘડીકમાં તો પાંડવોને શ્રદ્ધાંજલી આપતી ચેનલો એમને ટનલમાંથી બહાર નીકળતા દેખાડાયા એ જ ક્લિપ ફરીફરીને બતાવવા માડી.
બીજે દિવસે સુપ્રીમકોર્ટના એક રિટાયર્ડ જજ પાસે આખીય ઘટનાની સવિસ્તાર તપાસ કરાવવાનું વચન આપીને જીજાજીએ પાંડવોને શુભેચ્છાઓ આપી.
હવે ફરીથી મારું મગજ કામ પર લાગ્યું છે એટલે મલ્ટિટાસ્કિંગ અવૉઈડ કરીને વિચારવા માટે ડાયરી લખવાનું બંધ કરી રહ્યો છું.
વાચવા નિ મજા આવિ. અભિનદન્
બ્રેકિગ ન્યુઝ ખુબજ સરસ જાને કે Live TV પર જોય રહ્યા હોઇ તેવુ લાગ્યુ અને મજા અવિ.
મઝા આવી સાહેબ્
ખુબ સરસ લાગેલા ર્હો
ખુબ સરસ લેખ..
જય સ્વામિનારાયણ…
ઃ-) ખૂબ સરસ ઃ-)
લેખકે સરસ કટાક્ષ ભર્યો સ્વૈર્વિહાર કર્યો છે. વાંચવાની મજા આવી. ધન્યવાદ અને પ્રસંષાપાત્ર લેખ્.