अयत्नादासाद्य त्रिभुवनमवैरव्यतिकरं
दशास्यो यद्बाहूनभृत रणकण्डू-परवशान्।
शिरःपद्मश्रेणी-रचितचरणाम्भोरुह-बलेः
स्थिरायास्त्वद्भक्तेस्त्रिपुरहर विस्फूर्जितमिदम् ॥११॥
ભગવાનને કરવામાં આવતી દ્રઢ અને સ્થિર ભક્તિના મહિમાની વાત આ શ્લોકમાં કરવામાં આવે છે. ભગવાનની ભક્તિ અનેક પ્રકારના લોકો અનેક રીતે કરતા હોય છે જેમ કે કોઈ ભગવાનના નામનો જાપ કરે, કોઈ ભગવાનના મંદિરની પ્રદક્ષિણા કરે, કોઈ વ્રત, ઉપવાસ કરે… અહીં પુષ્પદંત મહારાજ જણાવે છે કે ત્રુટક ત્રુટક ભગવાનની ભક્તિ કરતાં તૈલધારાવત સ્થિર ભક્તિ જ ભગવાનને પ્રસન્ન કરવામાં નિમિત્ત બને છે. ભક્તિમાં સ્થિરતા કે દ્રઢતા ત્યારે જ આવે જ્યારે ભક્તિનો આરાધ્યદેવ ઈશ્વર બરોબર સમજાયો હોય. ભગવાનના સ્વરૂપને સમજ્યા વગરની ભક્તિ જીવનમાં ગમે ત્યારે હતાશા કે નિરાશામાં પરિવર્તિત થઈ શકે છે. એક સત્યઘટના આ મુજબની બની હતી.
સૌરાષ્ટ્રના એક ગામમાં શિવભક્ત નિયમિતરૂપે ભગવાનની ભક્તિ ઉપાસના કરતો હતો જેમાં તે ૫૦ વર્ષ સુધી એક પણ દિવસ પાડ્યા વગર મહાદેવના લિંગને અભિષેક, સ્તુતિ, પ્રાર્થના કર્યા કરી. અચાનક એક ઘટનામાં તેમના ધર્મપત્નીનું અવસાન થયું, પત્નીના અવસાનથી એ શિવભક્ત અત્યંત વિચલિત થઈ હતાશામાં ડૂબી ગયા. અને ભગવાન શિવને તે અપશબ્દ બોલવા લાગ્યા કે મારી પહેલા મારી પત્નીને તેં કેમ લઈ લીધી? આવા નિષેધાત્મક વિચારોથી પ્રેરાઈને અત્યંત ગુસ્સામાં એણે મહાદેવના લિંગને કપડામાં વિંટાળીને કૂવામાં પધરાવી દીધું. આ અપરિપક્વ ભક્તિનું ફળ છે. જેમ જેમ ઈશ્વર સમજાતો જશે જેમ જેમ ઈશ્વરની કૃપા સ્પષ્ટ સમજાતી જશે, તેમ તેમ ભક્તિ પરિપક્વ, દ્રઢ અને સ્થિર બનતી જશે.
ભગવાનની સ્થિર ભક્તિની મહિમા બતાવતા ગંધર્વરાજ હવે લંકાપતિ રાવણનું ઉદાહરણ આપે છે.
રાવણ દશ આસ્ય એટલે દશ મુખ ધરાવતો હતો. દશ મસ્તક ધરાવનાર રાવણે અનાયાસે જ ત્રણ લોકને નિષ્કંટક બનાવ્યા. ત્રણે લોક પરનો આ વિજય ભગવાન શિવનેી ભક્તિના પ્રતાપે જ તેને પ્રાપ્ત થયો હતો અને ઈશ્રરનેી આ કૃપા મેળવવા રાવણે પોતાના મસ્તકરોૂપેી કમળનેી માળા બનાવેીને મહાદેવના ચરણોમાં ચડાવેી હતેી. આ જ વાતને સમજાવવા માટે પુષ્પદંતે આ મુજબ પુરાણોક્ત કથાનુઁ ઉદાહરણ આપ્યું છે.
રાવણ નાનો બાલક હતો, અને એક દિવસ પોતાનેી માતાની ગોદમાં સૂતો હતો ત્યારે તેણે આકાશમાં ઊડતું એક સુંદર વિમાન જોયું. આ જોઈને તેણે પોતાની માતાને પૂછ્યું, ‘આ શું જઈ રહ્યું છે?’ ત્યારે માતાએ જવાબ આપ્યો, ‘એ તારા સાવકાભાઈ કુબેરનું વિમાન ચ્હે. ભગવાન શંકરની કૃપાથી કુબેરે નવનિધિ પ્રાપ્ત કર્યા છે. સંસારમાં તે સૌથી મહાન ધનપતિ છે અને તેના જ આ વિમાનને પુપક વિમાન કહે છે. બેટા જો તું પણ શંકર ભગવાનની કૃપા પ્રાપ્ત કરી સંપત્તિવાન થાય તો મારા હૈયાને શાતા મળે.
માતાની આવી વાણી સાંભળતા જ રાવણના મનમાં પૂર્વજન્મની શંકર ભગવાન પ્રત્યેની પ્રીતી જાગૃત થઈ કારણ કે રાવણ અને કુંભકર્ણ પૂર્વજન્મના શિવગણ શૃંગી અને ભૃંગી જ હતા. દેવર્ષિ નારદજીનું વાનરમુખ જોઈને હસવાથી તેમને શાપ મળ્યો અને તેઓ રાક્ષસ બન્યા હતા આ વાતનું સ્મરણ થતા રાવણે પોતાના પિતામહ પુલત્સ્ય ઋષિ પાસેથી ઓમ નમઃ શિવાય મંત્ર પ્રાપ્ત કર્યો અને પછી ઘોર તપશ્ચર્યા શરૂ કરી. દીર્ઘકાળ સુધી તપ કરવા છતાં શિવજીના દર્શન ન થયા એટલે રાવણે અતિરુદ્ર યજ્ઞ કર્યો. તેનાથી પણ ભગવાનના દર્શન થયા નહીં. આથી રાવણ અત્યંત દુઃખી અને ચિંતિત થઈ ગયો. છેવટે રાવણે વિચાર્યું કે તપ તો ભગવાન શંકરનું હ્રદય છે. તપથી ભગવાન પ્રસન્ન થાય જ છે. છતાં જો તપથી પણ પ્રસન્ન ન થાય તો જીવન વૃથા છે. આથી પોતાનું મસ્તક સમર્પિત કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરવાનું તેણે વિચાર્યું. તેણે પોતાનું એક મસ્તક તલવારથી કાપ્યું અને તેમાં કમળની ભાવના કરીને અગ્નિમાં શિવચરણ ભાવના સાથે તેને હોમ્યું, આ રીતે બીજું, ત્રીજું કરતાં નવ મસ્તક છેદીને તેણે અગ્નિમાં હોમ્યાં. અને છેલ્લે એક મસ્તક બચ્યું ત્યારે તેણે વિચાર્યું કે આ જન્મમાં નહીં તો કાંઈ નહીં, આવતા જન્મમાં તો ભગવાન પ્રસન્ન થશે જ, એમ કરીને જેવો તે દશમું મસ્તક છેદવા જતો હતો ત્યાં જ ભગવાન શિવે પ્રગટ થઈને તેનો હાથ પકડી લીધો અને તેને અભિષ્ટ વરદાન માંગવાનું કહ્યું. આથી રાવણે વરદાનમાં લોકોત્તર શક્તિ માંગી જેથી દેવતાઓ તેને મારી શકે નહીં.તથાસ્તુ કહીને ભગવાન અંતર્ધ્યાન થયા.
આ રીતે મસ્તકરૂપી પદ્મોની શ્રેણીથી બલિપૂજા કરનાર રાવણની ભક્તિ કેવી તીવ્ર અને સ્થિર હશે? આ દ્રઢ ભક્તિના ફળ સ્વરૂપે જ રાવણે ત્રણે લોકને જીતી લીધા. પછી તો કહેવાય છે કે સ્વર્ગના દેવતાઓ રાવનના દાસ તરીકે તેના મહેલમાં ચાકરી કરતા હતા. દેવોનો રાજા ઈન્દ્ર રાવણનો માળી હતો. ચંદ્ર તેના માથે છત્ર ધરતો, અગ્નિ રસોઈયા તરીકે કામ કરતો, પવન તેના ઘરમાં કચરો વાળતો, વરુણ જળ વહેતો, સૂર્ય મશાલ ધરતો અને ગણપતિ તેના ઢોર ચરાવતા, આમ દેવોને પણ દાસ બનાવવા જેવી શક્તિ રાવણે પ્રાપ્ત કરી હતી. સર્વ લોકોને રડાવનાર તરીકે જ તેનું નામ રાવણ પડ્યું હતું.
કોઈપણ પ્રકારના પ્રયત્ન વગર રાવનના પરાક્રમ વિશે સાંભળીને જાતે જ બધા વીરોએ પોતાનું અભિમાન છોડી દીધું હતું. રાવણ સામે યુદ્ધ કરવાનું જોખમ લેવા કોઈ તૈયાર નહોતું. આથી કોઈ પણ પ્રયત્ન વગર જ રાવણને સત્તા પ્રાપ્ત થઈ હતી. દુષ્ટ અને નિશાચર એવા રાવણ પણ ભગવાનની સ્થિર અને દ્રઢ ભક્તિના પ્રતાપે આટલી મહાનતા, આટલું બળ પ્રાપ્ત કરી શક્યો હતો તે ભક્તિનું સામર્થ્ય બતાવે છે.
ભગવાનમાં અવિચળ શ્રદ્ધા, નિષ્કપટ અને સ્થિર ભક્તિમાં જ ઈશ્વર દર્શનનું રહસ્ય છુપાયું છે. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આપણા મનના ઘણા સ્તરો – પડળો હોય છે. હવે તમે કોઈ એક ઈષ્ટ દેવતામાં મન લગાડો અને ભક્તિની ભાવના સ્થિર કરો ત્યારે થોડા સમય બાદ મનના ઉપલા સ્તરના પ્રશ્નોનું સમાધાન થઈ તેની નીચેનું બીજું સ્તર ખૂલે છે. આમ મનના એક પછી એક સ્તરના પ્રશ્નોનું સમાધાન થતું જાય છે. પણ અહીં શરત એ છે કે મનને જે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર કરો છો તેમાં ધીરજ અને શ્રદ્ધાથી, દ્રઢતાથી વળગી રહો. વિઘ્ન તો મનને શુદ્ધ કરવાની પ્રક્રિયાના એક ભાગ રૂપે જ હોય છે. તમારી દ્રઢતા કે સ્થિરતા જ તમને પૂર્ણતા સુધી લઈ જાય છે. આ જ વાતને આપણા ગુજરાતના ગામડાની જ્ઞાની ભક્ત ગંગાસતી તેમના ભજનોમાં જણાવે એ, એ કહે છે – મેરૂ તો ડગે પણ જેના મન નો ડગે પાનબાઈ, મરને ભાંગી પડે ભરમાંડ રે..અહીં મનનું ડગવું એટલે ભક્તિની અસ્થિરતા, શ્રદ્ધાનો અભાવ. એકવાર મનમાં નિશ્ચય થઈ જાય પછી એ નિશ્ચયને વળગી રહેવાનું વલણ જ માનવીને સફળતાના સામ્રાજ્ય તરફ લઈ જાય છે.
– સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી
Namaskar!!! mane aa Khub J uttam Lagyu Aksharnaad.com ane Khaas……..PraditanandJi. na Lekh. pan aa Adhuru kem chhe?? 8th Aug pachhinu?? kem ??