સર્જન સ્થિતિ અને સંહારના કર્તા… ઈશ્વર – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી


અજન્માનો લોકા: કિમવયતોડપિ જગતા
મધિષ્ઠાતરં કિં ભવવિધિરનાદત્ય ભવતિ
અનીશોવા કુર્યાદ ભુવનજનને ક: પરિકરો
યતો મન્દાસત્વા પ્રત્યમરવર સંશેરત ઈમે .૬.

ઈશ્વરનું અસ્તિત્વ તર્કથી પણ સિદ્ધ ન થઈ શકે કે તર્કથી અસિદ્ધ પણ ન થઈ શકે. વિચાર કરવાની શક્તિ રૂપી સુંદર ભેટ ઈશ્વર દ્વારા મળી છે તેનો સદઉપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ વ્યક્તિ પર નિર્ભર રહે છે. કુતર્ક એ આપણા પગ પર કુહાડો મારવા સમાન છે. વ્યવહારમાં પણ એવું જ જોવા મળે છે. દાખલા તરીકે જ્યારે જૂથમાં કોઈ એક વિષય પર સુંદર ચિંતન ચાલતું હોય ત્યારે પોતાના સ્વભાવને આધીન કેટલાક એવા લોકો હોય જ છે જે તે સમયે ખોટા પ્રશ્નો ઉભા કરીને એકરસ, સંવાદિતામાં ચાલી રહેલી મીટિંગને કલહ અને અસ્વસ્થતાથી ભરી દે છે. કુતર્કના ઉદાહરણ રૂપે જોઈએ તો એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે તમે એમ કહો છો કે તમારો ભગવાન સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે, બરોબર, તો પછી મને એ જવાબ આપો કે તમારો ઈશ્વર શું એવો કોઈ પથ્થર બનાવિ શકે કે જેને તે પોતે પણ ન ઉપાડી ન શકે? હવે આ પ્રશ્નનો જવાબ શું દેવો? આપણે હા પાડીએ કે ના પાડીએ બંને જવાબમાં ઈશ્વર મર્યાદિત સિદ્ધ થશે. જવાબ હા કહેતાં ઈશ્વર પથ્થરને ઉપાડવા માટે અશક્તિમાન ઠરશે અને જવાબ ના કહેતા પથ્થર ન બનાવી શકવામાં અશક્તિમાન ઠરશે. આવા કુતર્કો દુર્બુદ્ધિની ઉપજ સિવાય કશું જ નથી.

પ્રસ્તુત શ્લોકમાં પુષ્પદંત મહારાજ આ કુતર્ક કરનારાઓને કહે છે કે તર્ક કે વિચાર શ્રુતિ / વેદને અનુકૂળ થઈને કરવા જોઈએ. વ્યવહારમાં જેમ મોટી કાતરના ઉપયોગથી કોઈનો જાન પણ લઈ શકાય અને તે જ કાતર વડે ભલો ડોક્ટર ઓપરેશન થિયેટરમાં કોઈનો પ્રાણ બચાવી પણ શકે. કાતરની જેમ વિચાર એ તો નિર્દોષ સાધન જ છે. વસ્તુના યોગ્ય ઉપયોગથી જ વસ્તુ અને વસ્તુના ઉપયોગ કરનારની મહત્તા વધે છે. આદિ જગદગુરુ શ્રી શંકરાચાર્યજીએ પણ તેમનો અંતિમગ્રંથસાધન પંચકમ સ્તોત્રમાં જણાવે છે કે ‘શ્રુતિમતસ્તર્કોનુસંધિયતામ્..’ એટલે કે શ્રુતિએ આપેલ જ્ઞાનને અનુકૂળ જ તર્કશક્તિનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ઈશ્વર અને આત્માનું જ્ઞાન વેદરૂપી પ્રમાણના યથાર્થ ઉપયોગથી જ થાય… જો વેદના જ્ઞાનમાં જ શંકા – કુશંકા કરીશું તો ‘જે પોષતુ તે જ મારતું’ નો કુદરતી ક્રમ આપણો સત્યનાશ નિશ્ચિત જ છે, તેથી જ તો ભગવાને ગીતામાં પરમાત્મા બુદ્ધિના નાશને જ સર્વનાશ કહ્યો છે, ‘બુદ્ધિનાશાત પ્રાણશ્યતિ.’

ગંધર્વરાજ કહે છે કે આ પૃથ્વી, અંતરિક્ષ વગેરે લોક છે તે બધા અવયવવાળા, આકારવાળા છે શું તે જન્મરહિત હોઈ શકે? ન જ હોઈ શકે. જગતનો દરેક પદાર્થ ઉત્પત્તિ, સ્થિતિ અને નાશને આધીન છે. તો કાર્યરૂપ જગતનો કોઈ તો કર્તા હોવો જ જોઈએ, શું વ્યવસ્થિત રીતે ચાલતું જગત આકસ્મિક રીતે બની ગયું હશે? કોઈ સ્કૂલની અંદર બધા બાળકો સુંદર રીતે અધ્યયન કરતા હોય, દરેક શિક્ષક વ્યવસ્થિત રીતે ભણાવતા હોય, ક્લાર્ક અને પટાવાળો નિયમિત રીતે પોતાનું કાર્ય કરતા હોય તો આ વ્યવસ્થા જોઈને તેને ચલાવનાર, વ્યવસ્થા કરનાર કોઈ એક પ્રિન્સિપલ હોવો જોઈએ તેવું અનુમાન સાહજિક રીતે કરી સ હકાય. અવયવવાળું જગત એક સર્જન છે અને તેનો સર્જનહાર કોઈ હોવો જોઈએ. કર્તા કે કારણ વગર કાર્ય હોઈ જ ન શકે. જગતરૂપ સર્જન – જગતના અધિષ્ઠાતા કે સર્જક સિવાય શું શક્ય છે? પણ ઘણા લોકો આટલોય વિચાર કરવા તૈયાર નથી, તેઓ તો એમ જ માને છે કે જગતનું સર્જન થયું જ નથી. બસ, એ તો પોતાની મેળે આકસ્મિક રીતે જ ચાલ્યા કરે છે. વૈજ્ઞાનિકો આજે ‘ટેસ્ટ ટ્યુબ બેબી’નો જન્મ કરાવી શક્યા છે તો પણ તેના જન્મ માટે સર્જકની, વૈજ્ઞાનિકની જરૂર પડે જ છે તેવી રીતે જગતના સર્જન માટે કોઈ કર્તા હોવો જ જોઈએ ને!

વળી ‘અનિશઃ’ એટલે કે ઈશ્વર સિવાય જો કોઈ જીવ આ જગતનું સર્જન કરનાર હોય તો જગતની ઉત્પત્તિ માટે શી સામગ્રી છે? જે પોતાના શરીરની રચના કરવાનું પણ જાણતો ન હોય તે આ વિચિત્ર ચૌદ ભુવન (ભુઃ ભુવઃ સ્વઃ મદઃ જનઃ તપઃ સત્યમઃ અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતાલ) ની રચના કઈ રીતે કરી શકે?

વાસ્તવમાં જગતમાંની કોઈ પણ વસ્તુનું સર્જન આપણે કરી શક્તા નથી, એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં રૂપાંતર કરી શકીએ એ વાત સાચી પણ આ રૂપાંતર કરવાની શક્તિ કોની આપેલી છે? તેથી વ્યવહારમાં આપણે કોઈ પણ કાર્ય કર્યાના અભિમાનમાંથી બચવું જોઈએ. મેં આ શોધ કરી, મેં આવું સુંદર પુસ્તક લખ્યું, મેં આવી સરસ કવિતા લખી એમ જ્યારે આપણે અભિમાન કરીએ છીએ ત્યારે શું મારી સિદ્ધિનો કર્તા માત્ર હું જ છું? કાર્ય માટેનો વિચાર શું મારી ઈચ્છાથી મારામાં જન્મ્યો?

કાર્યની સિદ્ધિ માટે અનુકૂળ પરિસ્થિતિઓ પર મારું શું નિયંત્રણ છે? કેટલા બધા કુદરતી પરિબળોના સહારે, ઈશ્વર કૃપાથી સફળતાના શિખરો સુધી પહોંચી શકું છું, એક સાચો વૈજ્ઞાનિક કે સાહિત્યકાર પણ જાણતો જ હોય છે કે કોઈ અજાણ શક્તિએ એનામાં પ્રેરણા જન્માવી છે અને તેને લીધે જ નવસર્જન શક્ય બન્યું. તેથી જ તો નરસિંહ મહેતાએ ગાયું હતું, ‘હું કરું.. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે.’

આ પ્રમાણે પુષ્પદંત મહારાજ કહે છે કે હે પ્રભુ, આપ જ જગસર્જક છો, અને જગતના સર્જન સ્થિતિ અને સંહારના પ્રત્યક્ષ કર્તા છો છતાં મૂઢ બુદ્ધિવાળા આપનો અનાદર કરે છે.

– સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી

આપનો પ્રતિભાવ આપો....