ભિખારણનું ગીત – ‘ગની’ દહીંવાલા


ભિખારણ ગીત મઝાનું ગાય,
આંખે ઝળઝળીયાં આવે ને અમૃત કાનોમાં રેડાય, ભિખારણ ગીત મઝાનું ગાય.

‘મારા પરભુ મને મંગાવી આપજે, સોના રૂપાનાં બેડલાં,
સાથ સૈયર હું તો પાણીએ જાઉં, ઊડે આભે સાળુના છેડલા.’

એના કરમાંહે છે માત્ર,
ભાંગ્યુ તૂટ્યું ભિક્ષાપાત્ર.
એને અંતર બળતી લા’ય
ઊંડી આંખોમાં દેખાય.

એને કંઠે રમતું ગાણું, એને હૈયે દમતી હાય, ભિખારણ ગીત મઝાનું ગાય.

‘મારા પરભુ મને મંગાવી આપજે અતલસ અંબરનાં ચીર,
પે’રી ઓઢીને મારે ના’વા જવું છે ગંગા-જમનાને તીર.’

એના કમખે સો સો લીરા,
માથે ઊડતા ઓઢણ-ચીરા,
એની લળતી ઢળતી કાય;
કેમે ઢાંકી ના ઢંકાય.

ગાતી ઉંચે ઉંચે સાદે ત્યારે ઘાંટો બેસી જાય, ભિખારણ ગીત મઝાનું ગાય.

‘શરદ પૂનમનો ચાંદો પરભુ મારે અંબોડે ગૂંથી તું આપ,
મારે કપાળે ઓલી લાલ લાલ આડશ ઉષાની થાપી તું આપ.’

એના શિર પર અવળી આડી,
જાણે ઊગી જંગલ-ઝાડી
વાયુ ફાગણનો વિંઝાય;
માથું ધૂળ વડે ઢંકાય.

એના વાળે વાળે જુઓ બન્ને હાથે ખણતી જાય, ભિખારણ ગીત મઝાનું ગાય.

‘સોળે શણગાર સજી આવું પરભુ મને જોવાને ધરતી પર આવજે,
મુજમાં સમાયેલ તારા સ્વરૂપને નવલખ તારાએ વધાવજે.’

એનો ભક્તિ-ભીનો સાદ,
દેતો મીરાં કેરી યાદ,
એની શ્રદ્ધા, એનું ગીત,
એનો પરભુ, એની પ્રીત.

એની અણસમજી ઈચ્છાઓ જાણે હૈયું કોરી ખાય,
આંખે ઝળઝળિયાં આવે ને અમૃત કાનોમાં રેડાય, ભિખારણ ગીત મઝાનું ગાય.

– ‘ગની’ દહીંવાલા

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા એટલે આપણી ભાષાના સિદ્ધહસ્ત ગઝલકાર – ગીતકાર અને સાચા અર્થમાં એક ખુમારીસભર, અભિજાત્ય ટકાવી જીવનાર રચનાકાર. ગનીભાઈની ગઝલો તેમના ગીતો કરતાં વધુ પ્રચલિત થઈ, પરંતુ તેથી તેમના રચેલા ગીતોનું મૂલ્ય જરાય ઓછુ આંકી શકાય તેમ નથી. ભિખારણનું પ્રસ્તુત ગીત તેમના ઋજુ હ્રદય અને ઉંડી સહ્રદયતાની સાથે સાથે જમીનથી જોડાયેલ, વિટંબણાઓ વચ્ચેથી પસાર થઈને સર્જનની સરિતા વહેતી રાખનાર રચનાકાર તરીકેની તરીકેની તેમની છબીને વધુ પુષ્ટ કરે છે.

આ ગીત વિશે શ્રી બકુલેશ દેસાઈ દ્વારા સંપાદિત પુસ્તક ‘ગનીની મહેક’ માં સંધ્યા ભટ્ટ લખે છે કે ભિખારણની આર્દ્રતા અને આરત આ ગીતના અક્ષરેઅક્ષરમાંથી ટપકે છે, ભિખારણ ગીત મઝાનું ગાય એ પ્રથમ પંક્તિ જ રસનો આવિર્ભાવ કરે છે. મઝાનું શબ્દ દ્વારા કવિ એક અપેક્ષા ઊભી કરી આપે છે જે ત્યાર પછીની પંક્તિઓ દ્વારા યથાતય પૂર્ણ થાય છે. ભિખારણની આંખના ઝળઝળીયાં અને તેના મુખેથી નીકળતાં ગીતના અમૃતનું સાયુજ્ય સુમ્દર ભાવચિત્ર ઊભું કરી આપે છે. એક બાજુ ભિખારણનું દારિદ્રય છે તો બીજી બાજુ ચિત્તનું સૌંદર્ય છે, એક તરફ ગરીબાઈની વાસ્તવિકતા છે તો બીજી તરફ ગગનગામી કલ્પનાનું ઉડ્ડયન છે. કવિએ બંને તથ્યોને જોડાજોડ મૂકીને આ ગીત રચ્યું છે.

આપનો પ્રતિભાવ આપો....