કવિનું જાહેરનામું – ઉશનસ 1


કવિ લેખે મારે હવે બીજુ કોઈ કામ કરવાનું બાકી રહ્યું નથી. મારી કવિતાએ સંદેશા આપવાનું કામ ક્યારનુંય છોડી દીધું છે, હવે હું સર્જનના રહસ્યની બરાબર સન્મુખ ઉભો રહેવા માગું છું, ઊઘડવા માગું છું.

હવે હું માત્ર સર્જનના આદ્ય વિસ્મય સાથે તાલબદ્ધ થઈ જવા માગું છું; આ રહસ્યમય પંચભૂતોની વચ્ચે ઊભા રહેવાનું સદભાગ્ય સાંપડ્યું છે તે નકામા ડહાપણનો જાપ કરી એળે નહીં જવા દઉં. મારે આ પંચમહાભૂતોના વિસ્મય વચ્ચે વિસ્મયના જ એક સજીવ માધ્યમ તરીકે ઊભા રહેવું છે.

હું આ તારકો અને તૃણને તાક્યા કરીશ, મારે હવે માત્ર વિસ્મયના રોમાંચોનો ફાલ ઉતાર્યા સિવાય એકે કામ કરવાનું નથી; ચડેલી સભ્યતાના થકવી નાખનારા બોઝિલ ઘર મેં ખંખેરી નાખ્યા છે; હવે મને જ્યારે આ જ કામ સોંપવામાં આવ્યું છે ત્યારે હું તો એ જ કરીશ. પેગંબર થવાની જવાબદારી મેં ફગાવી દીધી છે. હું હવે સાવ ફોરો ફૂલ થઈ ગયો છું.

મારે હવે વર્ષાઋતુમાં પલળ્યા કરવું છે અને ઓગળી-નીતરી જવું છે. હું મારા શરીર ઉપર ઘાસનાં બીડ ઊગી નીકળે તેની રાહ જોતો બેસી રહીશ. મારે હવે પાનખર ઋતુમાં ખરી જવાપણું માંગવું છે. મારે હવે ઊભા ઊભા જ ટેકરીમાં પલટાઈ જવું છે; મારી કવિતાને આ રોમાંચો રૅકર્ડ કરવા સિવાય બીજુ કોઈ કામ રહ્યું નથી. બ્રહ્માંડમાં વિહરતા એક આકાશી પદાર્થ તરીકે, એક નક્ષત્ર સ્વરૂપે મારે સ્થપાવું છે; એની ગલીગલીમાં ભમતાં, પદાર્થો સાથે ટકરાતાં કૅલિડોસ્કોપની માફક ક્ષણે ક્ષણે જૂજવા આકારોમાં પલટાતાં રહેવું છે; મારે મારા અનંત આકારવૈવિધ્યનો કસ કાઢવો છે.

મારે એક પંચભૂતના પૂતળા લેખે પંચભૂતો સાથે મુક્ત મને પ્રગટ લેવડ-દેવડ કરવી છે, ને મારા ચિત્તના કેમેરામાંથી અનંત છબીઓ પૃથ્વી પર પ્રસારીત કરવી છે.

એક અપરિચિત ગ્રહરૂપે મારે વિશ્વને અનંત છવિઓમાં મારો પરિચય આપવો છે. મારું આકાશ આ આકાશ સાથે, મારી પૃથ્વી આ પૃથ્વી સાથે, મારો માતરિશ્વા આ માતરિશ્વા સાથે, મારી ધાતુઓા ખુલ્લા સૂર્યમાં કેવાં સંસૃષ્ટિ-સંકર રચે છે તે જોવું-માણવું છે. મારે આથી વિચિત્ર રીતે પણ વૈશ્વિક સંબંધો બાંધવા છે ! અને નવાં પરિણામો પામવાનું મને પુષ્કળ કુતૂહલ છે.

એટલે જ મારી પૃથ્વીને આ આકાશમાં રોપવી છે, તે આકાશના તેજને મારી પૃથ્વીમાં વાવવું છે; મારે તારાના છોડ ઉછેરવા છે, મારે કુતૂહલપૂર્વક હવે આશ્ચર્યોની કલમોની ક્રૉસબ્રીડ કરવી છે.

આ વિપુલ બ્રહ્માંડમાં હું પણ એક નક્ષત્ર છું એ જ મારે હવે પુરવાર કરવું છે.

આ અવકાશના પોલાણમાં મારે મારા ચૈતન્યવિસ્મયનો એક કંપ મોકલી આપવો છે.

બસ, મારી કવિતાને આથી વધુ બીજી કોઈ કામગીરી રહી નથી.

– ઉશનસ
(‘અશ્વત્થ’ માંથી સાભાર)

એક કવિનું ગદ્ય પણ કવિતાસમું સુંદર અને મનોહર હોઈ શકે છે એ વાત પ્રસ્તુત કૃતિને વાંચતા જ સાબિત થઈ જાય છે, એ ગદ્ય હોય આપણા સિદ્ધહસ્ત કવિ શ્રી ઉશનસનું સર્જન જેનું માળખું કવિતાને લગતું હોય, વળી પાછો તેનો વિષય હોય એક કવિનું જાહેરનામું – તો તેની સુઘડતા, વિષય સંગતતા અને સુંદરતા વિશે કહેવુ જ શું? એક કવિ વિશ્વને પોતાનું જાહેરનામું સંભળાવે છે, તેની ઈચ્છાઓ અને આકાંક્ષાઓનું એ મૂર્ત સ્વરૂપ છે તો તેમાં કવિની સર્જન પ્રત્યેની સંતૃપ્તતા પણ સુપેરે ઝળકે છે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “કવિનું જાહેરનામું – ઉશનસ