ખણખોદ…. ફરી એક વાર (૧૨) – સંકલન : જીજ્ઞેશ અધ્યારૂ 10


અમેરીકન નેવી અને કેનેડીયન અધિકારીઓ વચ્ચેની વાતચીતનો અંશ –
અમેરીકન – સંભવિત અથડામણ ટાળવા તમારા સ્થાનથી ૧૫ ડિગ્રી પશ્ચિમમાં આગળ વધો
કેનેડીયન – સંભવિત અથડામણ ટાળવા તમારા સ્થાનથી ૧૫ ડિગ્રી પૂર્વમાં આગળ વધો
અમેરીકન – હું અમેરીકન નેવી શિપનો કપ્તાન બોલું છું, અને ફરીથી કહું છું કે તમે તમારો માર્ગ બદલો
કેનેડીયન – ના, હું ફરીથી કહું છું કે તમે તમારો માર્ગ બદલો
અમેરીકન – આ અમેરીકન એરક્રાફ્ટ જહાજ યુએસએસ લિઁકન, જે અમેરીકાની અટલાંટિક નેવી શાખાનું બીજુ સૌથી મોટુ જહાજ છે તેનો કપ્તાન બોલું છું, આ જહાજ સાથે ત્રણ ઘાતક વિનાશિકાઓ, ત્રણ ક્રૂઝ જહાજ અને અન્ય અનેક સહાયક જહાજો છે, હું તમને કહું છું કે તમે તમારો માર્ગ ૧૫ ડિગ્રી, એક પાંચ પંદર ડિગ્રી પૂર્વમાં ફેરવો અન્યથા સંભવિત અથડામણને ટાળવા અમારે આ જહાજ માટેના શક્ય તમામ સુરક્ષા ઉપાયો કરવા પડશે જે તમારા માટે ઘાતક થઈ શકે છે.
કેનેડીયન – આ દીવાદાંડી છે.

* * *

પુત્રી – પપ્પા પરીલોકની બધી વાતો, “ઘણા વર્ષો પહેલા એક રાજકુમાર હતો….” થી જ શરૂ થાય છે?
પિતા – ના દીકરી, કેટલીક શરૂ થાય છે, “જો હું ચૂંટાયો તો….” થી

* * *

હવામાં ઉડી રહેલા ગુબ્બારામાં સફર કરી રહેલ એક માણસ માર્ગથી ભટકી અજાણ્યા પ્રદેશ તરફ ફંટાઈ ગયો, ગુબ્બારો થોડોક નીચે ઉતર્યો એટલે તેણે નીચે ચાલી રહેલા એક માણસને પૂછ્યું, “આ કઈ જગ્યા છે તમે કહેશો?”

પેલાએ જવાબ આપ્યો, “હા, તમે એક બલૂનમાં ખેતરથી ૩૦ ફુટ ઉપર ઉડી રહ્યા છો.”

“શું તમે ઈન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં કામ કરો છો?” બલૂનમાંથી પેલાએ પૂછ્યું.

“હા, પણ તમને કેમ ખબર પડી?”

“તમે જે કહ્યું એ ટેકનીકલી સાચું છે પણ મારે કાંઈ કામનું નથી.”

“અને તમે મેનેજમેન્ટમાં હોવા જોઈએ…”

“હા, પણ તમને કેમ ખબર?” બલૂનવાળાએ પૂછ્યું

“કારણકે તમને ખબર નથી કે તમે ક્યાં છો અને ક્યાં જઈ રહ્યા છો, છતાંય આશા રાખો છો કે હું તરત મદદ કરું, અને આપણે મળ્યા તે પહેલા અને તે પછીની પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી છતાં હવે વાંક મારો કાઢો છો.”

* * *

એક મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં એક ભાઈએ એક ખૂબસૂરત સ્ત્રીની સામે જોઈ તેને પૂછ્યું, “એક્સક્યૂઝ મી, મારી પત્ની ખોવાઈ ગઈ છે, તમે મારી સાથે થોડી વાર વાત કરશો?”

“હા, પણ એવું કેમ?” પેલી સ્ત્રીએ સામે પ્રશ્ન પૂછ્યો.

“કારણ કે હું જ્યારે કોઈ ખૂબસૂરત સ્ત્રી સાથે વાત કરું ત્યારે તે અવશ્ય ટપકી પડે છે.” પેલાએ જવાબ આપ્યો.

* * *

શિક્ષક, કચરો વાળવાવાળો અને વકીલ સ્વર્ગના દરવાજે ભેગા થઈ ગયા. ચિત્રગુપ્તે તેમને અંદર જતા પહેલા એક સવાલનો જવાબ આપવો ફરજીયાત છે એમ કહ્યું એટલે ત્રણેય તે માટે તૈયાર થઈ ગયા.

સ્વર્ગમાં શિક્ષકની જરૂર કાયમ રહેતી હતી એટલે તેને સરળ સવાલ પૂછાયો, “બરફના પહાડ સાથે ટકરાઈને જે જહાજ તૂટી પડ્યું અને જેના પરથી એક ફિલ્મ પણ બની તે જહાજનું નામ શું હતું?”

“એટાઈટેનિક હતું.” શિક્ષકે કહ્યું અને તેને અંદર જવા દેવાયા.

“કચરો વાળવાવાળા ઘણા સ્વર્ગમાં હતા એટલે તેની જરૂર ઓછી હોવાથી તેને અઘરો સવાલ પૂછવાનૂં વિચારી ચિત્રગુપ્તે પૂછ્યું, “એ જહાજના ડૂબવાથી કેટલા મર્યા?”

જો કે પેલાએ ફિલ્મ જોયેલ, તેણે કહ્યું “૧૨૨૮” તેનો સાચો જવાબ હતો એટલે તેને પણ જવા દેવાયો.

હવે વારો વકીલનો હતો, ચિત્રગુપ્તે પૂછ્યું “એ ૧૨૨૮ના નામ શું હતા?”

* * *

એક ખૂબ જ બાહોશ ઈજનેર સેવાનિવૃત્ત થયો. એ પછી થોડા વર્ષે કંપનીમાંથી ફરીથી એક મોટી સમસ્યાના ઉકેલ માટે તેને બોલાવવામાં આવ્યો. કરોડો રૂપિયાનું એક મશીન ચાલી રહ્યું નહોતું, તેને બનાવનાર કંપનીના માણસો પણ તેમાં તકલીફ શોધી શક્યા નહીં એટલે થાકીને અંતે કંપનીએ પેલા રિટાયર થયેલ માણસને બોલાવ્યો.

તેણે એક દિવસ મશીન જોયું અને સાંજે એક નાનકડા ભાગ પર ચોકથી ચોકડી કરી તેણે કહ્યું, “આ ભાગ બદલી નાંખો” કંપનીએ તેમ કર્યું અને મશીન ચાલવા લાગ્યું.

આ કામ માટે તેણે ૫ લાખનું બિલ આપ્યું. તેને આટલાબધા પૈસા ન આપવાના ઈરાદે કંપનીએ વિગતવાર બિલ માંગ્યું.

પેલાએ બીલ મોકલ્યું, ”
ચોકડી મારવાનો ૧ રૂપિયો
ચોકડી ક્યાં મારવી તેની જાણકારીના ૪૯૯૯૯૯.૦૦ રૂપિયા.
અને તેને પૂરેપૂરી રકમ મળી ગઈ.

* * *

પ્ર. સરકાર અને માફિયા વચ્ચે શો ફરક છે?
જ. બેમાંથી એક ખૂબ સુનિયોજીત હોય છે….. હં…. કોણ?

* * *

પ્ર. મિકેનિકલ અને સિવિલ ઈજનેર વચ્ચે શો ફરક છે?
જ. મિકેનિકલ ઈજનેરો શસ્ત્રો બનાવે છે અને સિવિલ ઈજનેરો એ માટેના નિશાન

* * *

બાપુએ અમદાવાદ એસ.ટી સ્ટેન્ડ પર પૂછતાછ વિભાગમાં ફોન કર્યો, “અમદાવાદથી મોડાસા પહોંચતા બસ કેટલા કલાક લે છે?
બીજા કામમા વ્યસ્ત ઓપરેટરે કહ્યું “એક મિનિટ……..”
“એ હારૂ” કહીને બાપુએ ફોન મૂકી દીધો.

* * *

એક લાઈટબલ્બને બદલવા કેટલા પ્રોગ્રામર જોઈએ?
એક પણ નહીં…. એ હાર્ડવેરની વાત છે.

* * *

સમાચાર – પ્રધાનમંત્રી નિવાસમાં ભયંકર આગથી પ્રધાનમંત્રીનું અંગત પુસ્તકાલય બળીને ખાખ થઈ ગયું. આથી પ્રધાનમંત્રી ઉંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે.”
પ્રધાનમંત્રી નિવાસના પ્રવક્તાએ પછીથી જણાવ્યું કે તેમણે હજી બીજા જ પુસ્તકમાં રંગ પૂરવાનું શરૂ કર્યું હતું.

* * *

સ્ત્રી અને પુરુષ વચ્ચેનો મૂળભૂત ફરક શું છે?
સ્ત્રી એક જ પુરુષને તેની દરેક ઈચ્છા પૂર્ણ કરવા ઝંખે છે.
પુરુષ તેની એક જ ઈચ્છા પૂર્ણ કરવા દરેક સ્ત્રીને ઝંખે છે.

* * *

ખૂબ જ જૂજ લોકોના હોય છે તેવા ‘ફેનિલ’ નામ વાળા એક વ્યક્તિએ મને પૂછ્યું, “આ ટેલિફોન ડીરેક્ટરીમાં આટલા બધા જીજ્ઞેશ કેમ હોય છે?”
“કારણ કે એ બધા પાસે ટેલીફોન હોય છે.” મેં કહ્યું

* * *

બાપુએ એક છોકરીને પ્રપોઝ કર્યું,
છોકરીએ બાપુને માર્યા,
પથ્થર માર્યા, ચપ્પલ પણ માર્યું.
થોડી વારે બાપુ ઉભા થયા અને બોલ્યા –
“તો હું ના સમજું ને?”

* * *

પત્ની -સોમવારે શોપિંગ, મંગળવારે બગીચે, બુધવારે કીટીપાર્ટીમાં, ગુરુવારે ડિનર કરવા, શુક્રવારે ફિલમ જોવા અને શનિવારે પિકનિક કરવા જઈશું.
પતિ – તો પછી રવિવારે મંદિરે?
પત્ની – કેમ?
પતિ – ભીખ માંગવા

* * *

શિક્ષક – હાડપિઁજર શું છે?
બબલુ – હાડપિંજર એવો માણસ છે જેણે ડાયેટીંગ કરવાનું શરૂ કરેલું, પણ બંધ કરતા ભૂલી ગયો.

 

બિલિપત્ર

મિત્રો બરફના ગોળા જેવા હોય છે,
જેને બનાવવા તો સરળ છે,
પણ બનાવી રાખવા મુશ્કેલ છે.

મિત્રો, આજે ફરીથી એક વખત પ્રસ્તુત છે કેટલીક સંકલિત ખણખોદ – અવનવી વાતો, ક્યાંક સ્મિત છે, ક્યાંક મરકાટ તો ક્યાંક ચળકાટ. કોઈક માથું દુખાડશે તો કોઈક હસાવશે. આશા છે આપ સૌને આ સંકલન ગમશે.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “ખણખોદ…. ફરી એક વાર (૧૨) – સંકલન : જીજ્ઞેશ અધ્યારૂ