અક્ષરનાદ તરફથી પ્રથમ પુસ્તક…. 51


આદરણીય મિત્રો,

વ્યવસાયની વ્યસ્તતાઓ, પારિવારીક કાર્યો અને અક્ષરનાદ પર રોજની પોસ્ટ, એમ ત્રિપાંખીયા વ્યૂહની વચ્ચે એક નવી વાત – કહો કે સ્વપ્ન શક્ય થવા જઈ રહ્યું છે જેનો મને ખૂબ ઉત્સાહ છે – અને આશા છે કે આપ સૌનો પણ એવો જ આશિર્વાદ, શુભેચ્છાઓ અને પ્રતિસાદ હશે.

પ્રસ્તુત થવા જઈ રહ્યું છે અક્ષરનાદ તરફથી પ્રથમ પુસ્તક ‘૨૫૧ ઉપયોગી અને અનોખી વેબસાઈટ્સ – સંકલન : જીજ્ઞેશ અધ્યારૂ’ – પુસ્તક હજુ તૈયાર કરાઈ રહ્યું છે અને ટૂંક સમયમાં આપ સૌ સમક્ષ ઉપલબ્ધ થશે.

Proposed title page 1

પ્રથમ પુસ્તકનો વિષય સાહિત્યિક નથી એમ ઘણા મિત્રોની ફરિયાદ છે – અને એ વિશે મારે કાંઈ કહેવાપણું રહેતું નથી, પ્રથમ વિચાર આવેલો અક્ષરનાદની જ શ્રેણીને આગળ વધારીને, તેમા ઉંડે ઉતરીને તેને જ પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કરવાનો અને એ જ વિચારને વળગી રહ્યો છું. અન્ય વિકલ્પો વિશે ભવિષ્યમાં વિચારીશું.

‘Know More ઈન્ટરનેટ’ એ અક્ષરનાદની સૌથી વધુ વંચાતી – વખણાયેલી અને સ્નેહ પામેલી, અવનવી વેબસાઈટ્સ અને ઉપયોગી એપ્લિકેશન્સ વિશે ટૂંકમાં જણાવતી, વિવિધ વિષયરસ સાથેની વેબસાઈટ્સ તથા નાનકડા સોફ્ટવેર વિશે – તેમની બહુઆયામી ઉપયોગીતા વિશે ખૂબ જ ટૂંકમાં વર્ણવતી શ્રેણી હવે પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થવા જઈ રહી છે.

લાઈફહેકર વેબસાઈટ પર પ્રસ્તુત થતી અવનવી વેબસાઈટ્સ વિશેની માહિતિ, મેકયૂઝઓફ પર પ્રસ્તુત થતી ઉપયોગી એપ્લિકેશન્સ વિશેની શ્રેણી અને સતત ઈન્ટરનેટ સર્ફિંગની, અક્ષરનાદને સતત નવી રીતોથી વધુ વાચકમિત્ર (Reader Friendly) – વધુ સરળ છતાં સમૃદ્ધ બનાવવાની મહેનતને લીધે, એક અથવા બીજા કારણસર – મિત્રો, સહકર્મચારીઓ અને વાચકમિત્રો માટે જરૂરી માહિતી વગેરે શોધ્યા કરવાની ટેવ, વ્યવસાયને લીધે ડાઉનલોડ કરવા માટે ઈ-પુસ્તકો / સોફ્ટવેર / ફોરમ્સ વગેરેમાં સતત ભાગ લીધા કરવાને લીધે એકઠી થયેલી માહિતિને વહેઁચતા આ શ્રેણી શરૂ કરવાનો વિચાર આવેલો. એ વિચારનું મૂર્ત સ્વરૂપ 9 ફેબ્રુઆરી 2008ના રોજ આ શ્રેણી ‘કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ’ના પ્રથમ અંક તરીકે રજૂ થયું. ત્યારથી આ શ્રેણી તથા તેને લગતા લેખ એમ થઈને કુલ 36 લેખો – મણકાઓ થયા છે. એ પછી પુસ્તકના વિચારે એ શ્રેણી અટકાવીને સમગ્ર ધ્યાન પુસ્તક પર કેન્દ્રિત કર્યું. છેલ્લા થોડાક વખતથી અક્ષરનાદ પર લેખોની અનિયમિતતા પણ આ જ કારણે છે.

Title page Option 2

ગુજરાતી ભાષામાં પ્રસ્તુત થતા ઈન્ટરનેટને લગતા પુસ્તકોનું વર્ચસ્વ નહિવત છે. પ્રોગ્રામિંગ અથવા સોફ્ટવેર વિશે પ્રસ્તુત થતા પુસ્તકો અંગ્રેજીમાં હોય તે જ જરૂરી અને સગવડભર્યું ગણાય, પરંતુ ઈન્ટરનેટને સમજવા અથવા વધુ સરળતાથી તેનો ઉપયોગ કરવા આપણી પોતીકી ભાષાના માધ્યમને કેમ અવગણાઈ રહ્યું છે એ મારી સમજની બહાર છે – અત્રે વિશેષ ઉલ્લેખનીય છે કે શ્રી હિમાંશુભાઈ કીકાણી સાયબરસફર સામયિકના માધ્યમથી અને શ્રી વિશાલભાઈ મોણપરા તેમની પ્રોગ્રામિંગ આવડતનો ઉપયોગ કરીને ગુજરાતી ટાઈપની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ લઈને એ કામ કરી જ રહ્યા છે.

પુસ્તક પરિકલ્પના – લેખન – પ્રકાશન અને વેચાણ એ બહુઆયામી અને અતિશય મહેનત માંગી લેતું ક્ષેત્ર છે. નવા નિશાળીયા હોવાને લીધે આ વિચારને સૌપ્રથમ પ્રતિભાવ માટે મિત્રોમાં વહેતો મૂકેલો એ પ્રતિભાઓ દ્વારા મળેલ પ્રોત્સાહન આ પુસ્તકના પાયામાં છે. પુસ્તક માટે વિચારાયેલ બે મુખપૃષ્ઠ પણ અત્રે મૂક્યા છે – અને એ ક્ષેત્રમાં પણ ઘણા મિત્રો મદદ કરી રહ્યા છે, સહભાવકો – મદદ કરવા માંગતા દરેકનું હાર્દિક સ્વાગત છે.

આ આખી સફર મિત્રો સાથે જાતે જ કરવી છે – મુખપૃષ્ઠ ડીઝાઈન હોય, છાપણી હોય, પબ્લિસીટી હોય કે વેચાણ… બધું જાતે કરવું છે. અને સહ્રદય મિત્રોનો સાથ તો મળવો શરૂ પણ થઈ ગયો છે. હાથ – ન કરે નારાયણ ને – જો દાઝશે તો – એ જલન કમસેકમ પોતાના જ તણખાની આપેલી હશે…

હજુ લેખનના મધ્ય તબક્કામાં ચાલી રહેલ આ પુસ્તકની વિકાસ સફર આપ સૌ સાથે સતત થતી રહેશે – એ વિશેની વધુ માહિતિ તથા તેની વિગતો અત્રે સમયાંતરે ઉપલબ્ધ થતી જ રહેશે. અક્ષરનાદના પરિવાર સિવાય અમારું માનસ અસ્તિત્વ કેટલું?

આપ સૌના આશિર્વાદ – શુભેચ્છાઓની અપેક્ષામાં…

– જીજ્ઞેશ અધ્યારૂ

તા.ક. – આ માનસપુત્રના જન્મની જાહેરાત કરી રહ્યો છું ત્યારે સદનસીબે આજે અમારા પુત્ર ક્વચિતનો પ્રથમ જન્મદિવસ છે.


આપનો પ્રતિભાવ આપો....

51 thoughts on “અક્ષરનાદ તરફથી પ્રથમ પુસ્તક….