આમ તો એને ને અમારે કાંઈ નહીં, એ અમારે ત્યાં દોઢેક વરસ કામ કરી ગયેલી એટલું જ. મૂળ તો બાઈ મરાઠી, ભાવનગર પાસે સોનગઢમાં જૈનોના કાનજ સ્વામીનો આશ્રમ છે ત્યાં એમના પંથવાળા કેટલાક ભક્તોએ પોતપોતાના બંગલા બાંધ્યા છે. એ બધાં આમ તો વરસનો મોટો ભાગ બંધ જેવા જ રહે, પણ વરસે દહાડે બે, ત્રણ કે ચાર મહીના માટે એ બંગલા બંધાવનાર શેઠીઆઓ મુંબઈ, અમદાવાદ, વડોદરા, લંડન કે અમેરીકાથી આવે, ત્યાં રહે અને એટલો વખત ધરમ ધ્યાન કરે. એ સોસાયટીમાં અમારાં એક લંડનવાસી મિત્રએ મકાન ખરીદેલું. પ્રયોગ તરીકે શિયાળાના ત્રણ મહીના સોનગઢમાં રહેવાનું નક્કી કરેલું ત્યારે કોઈની સિફારીશથી આ પંઢરીબાઈને ઘરકામ અને રસોઈ માટે સાથે લેતાં આવેલાં. એ વખતે અમે તેના પરિચયમાં આવ્યા.
બાઈ કામે કાજે તો સારી જ, પણ એથીય વધુ તો ગુજરાતી રસોઈ તો એવી સ્વાદિષ્ટ બનાવે કે કોઈ કહે નહીં કે એ મરાઠી છે! જમનારૂ આંગળા ચાટતું રહી જાય!
પેલો ત્રણ મહીનાનો ગાળો પૂરો થયો એટલે અમારુ મિત્ર દંપત્તિ લંડન પરત ફરવાની તૈયારીમાં પડ્યું. હવે પ્રશ્ન એ ઉભો થયો કે આ પંઢરીબાઈનું શું કરવું?
તે લોકો પંઢરીબાઈથી બધી રીતે ખુશ હતાં. ઘરકામ અને રસોઈમાં તો એની માસ્ટરી હતી જ, પણ એ સિવાય આ ત્રણ મહિનામાં એ જૈનોના સ્તવનો પણ બોલતી થઈ ગઈ હતી. આ બધાને કારણે એને છોડાય તેમ તો નહોતું જ. આવતે શિયાળે એ લોકો જ્યારે ફરી આવે ત્યારે ત્યાં એની નોકરી તો પાકી જ હતી, પણ ત્યાં સુધી?
ત્યાં સુધી મારી પત્નીએ એને અમારે ત્યાં રાખી લેવાની વાત મૂકી, જેનો એ લોકોએ સહર્ષ સ્વીકાર કર્યો, એ શરતે કે એ લોકો લંડનથી પાછા આવે ત્યારે એને અમારે ત્યાં કામ કરવા દેવી.
આ ગોઠવણ પંઢરીબાઈને પણ ફાવે એમ હતી, કારણ સોનગઢમાં તેને બે જણાનું કામ હતું, તો અમે લોકોએ બે જ જણ હતાં, કામ પણ સરખું ને વળી પગાર પણ સરખો જ.
આમ પંઢરીબાઈ અમારે ત્યાં રહી ગઈ, રહી શું ગઈ, અમારા નાનકડા કુટુંબનો એક અનિવાર્ય ભાગ થઈ ગઈ એમ કહો તો ચાલે. એ જેટલો વખત અમારે ત્યાં રહી એના વ્યક્તિત્વના જુદા જુદા પાસાઓ અમને દેખાતા ગયાં. કોઈ વખત એવો નહોતો કે એને આંગળી ચીંધી શકાય.
એકવાર જલગાંવથી એના ઉપર પત્ર આવ્ય એની દીકરીનો, ત્યારે અમને ખબર પડી કે એને એક દીકરી પણ હતી ને એ પણ પરણાવેલી. દીકરીને સાસરે કોઈનો લગ્નપ્રસંગ હતો એટલે વહેવાર ખાતર પણ જવું જરૂરી હતું. એ માટે એને ઉપાડ જોઈતો હતો ત્રણસો રૂપિયા.
મારી પત્નીએ સહર્ષ રજા અને ઉપાડ આપી દીધા. એ ઉપરાંત ત્યાં લગ્નપ્રસંગમાં પહેરવા માટે એક જૂનું બનારસી સેલું પણ કાઢી આપ્યું. ઘણી ખુશ થઈ પંઢરીબાઈ એ બધું મેળવીને, પણ તોયે એ ત્યાં જ ઊભી રહી, જાણે કશુંક કહેવા માંગતી હોય તેમ એની નજર – એના સંકોચને વરતી ગયેલી મારી પત્નીએ એને બહુ પૂછ્યું ત્યારે એ બોલી, “બાઈ, માલા માહિત નાઈ કી મી તુમ્હાલા સાંગુ કી નાહી, પણ ત્યાં પહેરવા માટે દાગીનામાં મારી કને કાંઈ નાહી, જો તમે પેલા લગ્નમાં પહેરેલી બંગદી મને પહેરવા આપો તો…”
પોતાની ગુજરાતી મરાઠી ખીચડી ભાષામાં આટલું બોલતાયે એને શ્રમ પડ્યો હોય તેમ નીચું જોઈને પોતાની સાડીનો છેડો આમળતી રહી.
થોડા જ મહીનામાં પોતાના કામ અને સ્વભાવથી એણે અમને એટલા જીતી લીધાં હતાં કે મારી પત્નીએ તે જ વખતે તેણે કહેલી બે બંગડીઓ કબાટમાંથી કાઢી આપી.
બસ, આજની ઘડી ને કાલનો દી’, પંઢરીબાઈ ગઈ તે પાછી ડોકાણી જ નહીં, અમે એની ઘણી રાહ જોઈ, પણ એ તો જાણે હવામાં ઓગળી ગઈ. શિયાળાની શરૂઆત થતાં જ અમારૂ પેલુ મિત્ર દંપત્તિ આવ્યું પણ તેમને પણ મુંબઈમાં પંઢરીબાઈની કોઈ ભાળ નહોતી મળી! તેનું કોઈ સરનામું કે અતોપત્તોય ન મળે, એમાં જલગાંવમાં આપણે એને શોધવાય ક્યાં જવી? અમારા મિત્ર પત્નીએ તો પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો, “આ બધા કામવાળા કીધાંને, એટલે બધા એક વાડીના મૂળા, તે લોકોની જમાતની મેં ખાસીયત જોઈ છે. વહેલા મોડા આ લોકો પોતાની જાત ઉપર તો જાય જ! પોતાનું પોત પ્રકાશે પાર કરે…” એ તો વળી ઠીક હતું કે પેલો ઉપાડ અને બંગડી વાળી વાત અમે તેમને નહોતી કરી.
આમ જ થોડા મહીના વીતી ગયા હશે ત્યાં એક રવિવારે સવારના પહોરમાં અમારા ઘરની કૉલબેલ વાગી! બારણું ખોલીને જોઉં તો પંઢરીબાઈ.
પણ કેવી પંઢરીબાઈ, જાણે એ પહેલાની પંઢરી જ નહીં, ગાલ બેસી ગયેલા, શરીર પણ થોડું કૃશ થઈ ગયેલું, અને માથાના વાલની એક બે લટો પણ સફેદ થઈ ગયેલી. એને આવેલી જોઈને મારી પત્ની ખુશ થઈ ગઈ, તેને પ્રેમથી બેસાડી અંદરથી તેના માટે ચા નાસ્તો લઈ આવી. પછી તેને મીઠો ઠપકો આપતા કહ્યું,
“ક્યાં હતી પંઢરીબાઈ તું? કોઈ ખબર અંતર નહીં, કાગળ પતર નહીં? તારા પેલા લંડનવાળા શેઠ તારા વિશે પૂછતાં હતાં, અમે શું જવાબ આપીએ, અમારો કાંઈક તો વિચાર કરવો હતો..”
પંઢરીબાઈની આંખો ભીની થઈ ગઈ, તે મ્લાન હસી, “માઝા માહિત આહે બાઈ, સઘળી ગોષ્ઠી તરી માહિત આહે, પર મી તરી મજબૂર હોતી, મારે તમને મોઢું કેમ બતાવવું?”
“કેમ, આમ બોલે છે તું?”
પોતાના સાડલાના પાલવને છેડે બાંધેલી બંગડીઓ અમારા પગ આગળ મૂકતા બોલી, “લ્યો, તમારા કડાં, સંભાળી લ્યો,”
મારી પત્નીએ કડાં તપાસ્યા, પછી કહે, “પણ પંઢરીબાઈ, આ મારા કડાંનથી, હું ઓળખુંને મારા કડાંને!”
તે નીચું જોઈ ગઈ, જમીન ખોતરતાં કહે, “હા બાઈ, તમારી વાત સાચી છે, આ કડાં તમારા નથી, પણ એ તમારા માપનાં ને એટલાં જ વજનનાં હશે.”
પછી એણે માંડીને વાત કરી, “હું મારા વેવાઈને ત્યાં લગ્નમાં ગઈ ત્યારે તે ત્યાંની ધમાલમાં ક્યાંક ખોવાઈ ગયા, હવે શું થાય, મારા વેવાઈને પણ બહુ દુઃખ થયું. મારે તો તમને મોઢું બતાવવા જેવું જ ન રહ્યું. કોઈ પણ હિસાબે મારે તમને તમારી ચીજ પરત કરવી જ પડે, જલગાંવના એક ઝવેરી પાસે અંદાજે એવા કડાનો ભાવ કઢાવ્યો તો એ કહે એવા કડાં તો સોળેક હજારના થાય.
મી ગરીબ માણુસ, આતા કાય કરું? પછી વેવાઈએ ત્યાંનો મસાલો દળવાની મિલમાં રખાવી દીધી, પગાર તો બહુ નહોતો પણ વધારાની રાતપાળી કરીને પૈસા ભેગા કરતી રહી, ત્યાંની બેંકમાં એક બચત ખાતું ખોલાવેલું તેમાં બચતની રકમ મૂકતી ગઈ. જ્યારે સોળ હજાર ભેગા થયા ત્યારે એવા જ કડાં કરાવીને પહેલી ગાડી પકડીને તમારે ત્યાં આવી છું.”
હું અને મારી પત્ની આઘાત પામીને એને જોઈ રહ્યાં. “પંઢરીબાઈ, પંઢરીબાઈ, હા તુને કાઈ કેલા? મારાં કડાં માટે તું ગૂમ થઈ ગઈ હતી? એને પરત કરવા તેં દિવસ રાત કાળી મજૂરી કરી? ભલી બાઈ, અમારે કાને વાત તો નાખી હોત, ભલી બાઈ એ કડાં તો ‘ગિલેટ’ વાળા હતાં, સાવ ખોટા, બગસરાનાં !”
તે રાતે પંઢરીબાઈ પાસે અમે ખાસ શીરો પૂરી અને ભજીયા બનાવડાવ્યાં, જીદ કરીને એને અમારી સાથે જમવા બેસાડી, જમ્યા બાદ મારી પત્નીએ પેલા કડા તો તેને પહેરાવી જ દીધાં, પણ તે સિવાય સમ આપીને તેને સોનાની એક વીંટી પણ પહેરાવી દીધી.
જમીને ઉભા થતાં મેં કહ્યું, “આજનું જમણ તારી પ્રામાણિકતાને અર્પણ !”
તો આવી હતી પંઢરીબાઈ !
(સત્યઘટના પર આધારિત)
– બકુલેશ ભટ્ટ
ભાવનગર ખાતે રહેતા શ્રી બકુલેશભાઈ ભટ્ટ એક ફ્રિલાન્સ લેખક અને કૉલમિસ્ટ છે, જન્મભૂમીમાં તેઓ લઘુનવલો આપી ચૂક્યા છે, ૬૭ – ૬૮ વર્ષની ઉંમરે પણ તેઓ સતત લેખનરત છે. સત્યઘટના પર આધારિત પ્રસ્તુત હ્રદયસ્પર્શી પ્રસંગ આજના સમયમાં પણ ટકી રહેલી પ્રમાણિકતાનો પરિચાયક છે, ઘરકામ કરનારી પંઢરીબાઈનું મૂઠી ઉંચેરુ સ્વરૂપ દર્શાવીને ભાવકના મનમાં તેમના વિશેનું સ્પષ્ટ ચિત્ર લેખક ઉપસાવી શક્યા છે. મોટા મોટા કૌભાંડો અને કરોડોના ગોટાળાઓ વચ્ચે કામદાર વર્ગના લોકોની માનવતાના આવા પ્રસંગો નોંધવા આજના સમયમાં વધુ જરૂરી છે, તેમની પ્રમાણિકતા કોઈ નોંધની મોહતાજ નથી પણ તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે – ધનવાનોની લાલસા આવા ગરીબોની ઉદારતાની સામે પાણી ભરે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી બકુલેશભાઈ ભટ્ટનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.
Bakul Bhai:
This was simply superb…Thanks to Jignesh bhai too for introducing such a good writer to us.
સરસ.
એકદમ સરસ !!!
ધન્યવાદ્.બકુલેશ્ભૈ,
ભારત ભૂમીના કોઇ ને કોઇ ખૂણે આવી ઘણી પન્ઢ્રરીબાઈઓ હશે જ,એટલે જ કૌભાંડો અને ભ્રષ્ટાચારના માહોલમાં પણ આવી સંસ્કારીતા અવાર-નવાર
જોવા,સાંભળવા,વાંચવા મળે છે ત્યારે થાય કે આ ભૂમીમાં ઉંડે-ઉંડે
નૈતિક્તા ધરબાયેલી પડેલી તો છે જ.
અક્ષરનાદ અને બકુલેશ ભાઈનો ખુબ-ખુબ આભાર.
અક્ષરનાદ ને સો -સો સલામ .રોજ કાઇંક ને કાઇંક ઉત્તમ પ્રસાદ પીરસવામાં આવે છે … શુભકામનાઓ ..
પંઢરીબાઈ ને અને લેખક ને પેલા શેઠાણી ને સૌ ને હૃદય થી સલામ !!
વ્યક્તિનાં મૂલ્યની ઉંચાઇ તેની પ્રવર્તમાન પરિસ્થિતિથી અવળા પ્રમાણમાં જ કેમ હોતું હશે?
ભૌતિક સમૃધ્ધિ આવતાંની સાથે જ નૈતિક મૂલ્યો કેમ પગ કરી જતાં હોય છે?
ધનવાનને લાલસા જ હોય અને ગરીબ ઉદાર જ કેમ હોય?