સંબંધોમાં સ્પામ ફિલ્ટર… – ડૉ. જગદીશ જોશી 2


ઈન્ટરનેટથી સુપરિચિત મિત્રોને સ્પામ ફિલ્ટર માટે વધુ જણાવવાની જરૂર ન હોય. દરેકના મેઈલબોક્સમાં સ્પામનું ફોલ્ડર હોય જ અને મેઈલ સર્વિસ સિસ્ટમને જો કોઈ મેઈલ વાંધાજનક લાગે તો તે સીધો જ સ્પામ ફોલ્ડરમાં ડાયવર્ટ કરી દે છે. કેટલાક જરૂરી અને અગત્યના મેઈલ પણ સ્પામ ફોલ્ડરમાં જતા રહે છે. આપણા મનની સિક્યોરીટી સિસ્ટમ પણ કેટલાક સંબંધોને સ્પામ જાહેર કરી દે છે. જે કદાચ સારા પણ હોય, તેથી જો આ સિક્યોરીટી સિસ્ટમની જાણકારી મેળવીએ તો કદાચ સંબંધોની સારપને માણી શકીએ. સંબંધોની માયાજાળને સમજવામાં ઈન્ટરનેટની માયાજાળની સમજણ ઉપયોગી નીવડે તેમ છે.

આધુનિક વિજ્ઞાનની કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની દેન ગજબની છે. કોમ્પ્યુટર ચાલુ કરી ઈન્ટરનેટ જોડો એટલે જગતના કેટલાય કોમ્પ્યુટર સાથે જોડાઈ જાઓ. જગતના અસંખ્ય જાણ્યા અજાણ્યા પણ ઈન્ટરનેટથી જોડાયેલ વ્યક્તિઓ સાથે સંબંધ બંધાઈ જાય. આ સંબંધ પણ કેવો? ઈન્ટરનેટની સ્વિચ ઑન, સંબંધનું જોડાણ થાય અને સ્વિચઑફ થાય ને સંબંધોનો પણ અંત આવે.

વિજ્ઞાનના માનવમન પરના અતિરેકને કારણે આપણે જીવનમાં પણ સંબંધો સાથે આવું જ કરીએ છીએ.

અપેક્ષાની સ્વિચ ઑન,
સંબંધ બંધાયો –
અપેક્ષાની સંતુષ્ટિ,
સંબંધનો અંત.

પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ શકે એવા સંબંધોનું પણ અકાળ અવસાન થઈ જાય છે. ઈન્ટરનેટના જોડાણ બંધ થતા અસ્ત થતો સંબંધ આપણા દિલ દિમાગને તકલીફ નથી આપતો પણ જીવનના તૂટતા સંબંધો તકલીફ કરાવે છે. કેમ? એ સમજવા ઈન્ટરનેટનું માળખુ ઉપયોગી થાય તેમ છે. તમે જ્યારે ઈન્ટરનેટનું જોડાણ કરો ત્યારે તમારું કોમ્પ્યુટર એક સર્વર સાથે જોડાય, આ સર્વર બીજા કેટલાક સર્વર સાથે જોડાયેલું હોય એ બધા બીજા સર્વરો સાથે જોડાયેલા હોય આમ આગળ વધતા અસંખ્ય કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાય. આવી જ રીતે ‘હું’ ધારો કે એ, બી, સી, ડી સાથે સંબંધથી જોડાયો હોઊં, ‘એ’ ને અન્ય સ્વતંત્ર સંબંધો ઈ, ઍફ, જી સાથે હોય, ‘બી’ ને પોતાના સ્વતંત્ર સંબંધો એચ આઈ જે સાથે હ્યોઅ એ જ રીતે ‘સી’ અને ‘ડી’ ને પણ પોતાના સંબંધો હોય. હું (આઈ) એ દ્વારા ઈ, એફ, જી સાથે જોડાયો છું. ક્યારેક એવું પણ બને કે ‘હું’ સીધો ઈ કે એફ સાથે પણ જોડાઊં. આમ ‘હું’ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણાબધા સંબંધોથી જોડાયેલો છું. જાણે ભગવાને બનાવેલ માનવ કોમ્પ્યુટરો એકબીજા સાથે સંબંધોના ઈન્ટરનેટથી જોડાયેલ છે.

આપણી મૂળ વાત હતી ઈન્ટરનેટ પર જોડાયેલા અસંખ્ય કોમ્પ્યુટરની. પોતાને ઑફલાઈન કરનારને કોઈ ખતરો નથી. ફેસબુક પર કોઈ આપણી ફ્રેન્ડશિપ બ્લોક કરી દે કે આપણે કોઈને બ્લોક કરી દઈએ તો કોઈ તકલીફ થતી નથી. કારણ એ કે આપણે અન્યના કોમ્પ્યુટરનું ‘અલગ અસ્તિત્વ’ સ્વીકારીએ છીએ. અન્ય કોઈ પોતાની ફેસબુક ના પેજ પર જે ઈચ્છે તે મેસેજ મૂકી શકે, પોતાના બ્લોગમાં જે લખવું હોય તે લખે, આપણને વાંધો નથી કારણ કે મૂળ વાત જે તે વ્યક્તિની ‘અલગતા’ની છે. આ જ વાત આપણે જીવનમાં બંધાતા સંબંધોમાં સ્વીકારવા તૈયાર થતાં નથી. સામે વાળી વ્યક્તિને પણ પોતાનું જુદું વર્તન / વિચાર હોઈ શકે. પણ આપણે આ ‘અલગતા’ સ્વીકારતા નથી. આથી જ્યારે આપણા વિચાર / વર્તન સાથે સામેની વ્યક્તિના વિચાર / વર્તનનું ‘મેચિંગ’ ન થાય ત્યારે દુઃખ થાય છે. સામે પક્ષે પણ એવો જ પ્રયત્ન હોય છે પણ જો સામસામે બન્ને પોતપોતાને ‘અલગ’ સ્વીકારી લે તો સંબંધોમાં બાંધછોડ શક્ય બને. આ અલગ અસ્તિત્વને નહીં સ્વીકારવાની વાત જ સંબંધોનું અગત્યનું સ્પામ ફિલ્ટર છે જે સંબંધોને શરૂ થતાં પહેલા સ્પામ ફોલ્ડરમાં ડાયવર્ટ કરી દે છે પરંતુ સામે વાળાના વિચાર / વર્તન મારાથી અલગ હોઈ શકે એટલું સ્વીકારી લો. જુઓ, સંબંધોમાં મધુરતા આવી જશે. સંબંધોને સ્પામ જાહેર કરતું બીજું ફિલ્ટર છે ‘માન્યતા’ આપણે મોટા થતાં હોઈએ, આપણું સામાજીકરણ (સોસિયલાઈઝેશન) થતું હોય ત્યારે આપણને અન્ય તરફથી વિવિધ સંદેશાઓ મળતાં રહે છે. આમ કરીએ તો આમ થાય, આવું તો હોય જ નહીં વગેરે વગેરે… આવા સંદેશાઓ વારંવાર મળવાથી ધીમે ધીમે તે માન્યતામાં ફેરવાઈ જાય છે. પિતા માને છે કે બાળકો આજ્ઞાંકિત હોવા જોઈએ. હું ઈચ્છું તેમ તેઓએ વર્તવુ જોઈએ.

સ્ત્રીઓ અલ્પ બુદ્ધિની હોય, લગ્નસંબંધો જ્ઞાતિમાં જ હોવા જોઈએ, જ્ઞાતિ સમાજની મર્યાદાઓ ઓળંગી ન શકાય, પત્નિએ પતીની ઈચ્છા અનુસાર જ જીવવાનું હોય આવી તો અનેક માન્યતાઓ હોઈ શકે અને તેમાંની ઘણી આપણા મનમાં દ્રઢ થઈ ગઈ હોય. આવી માન્યતાઓએ જ સારા સંબંધો બાંધવામાં કે ટકાવવામાં અવરોધ ઊભા કર્યા છે. જ્ઞાતિબહારના લગ્નસંબંધની સારામાં સારી ઑફર માન્યતાના ફિલ્ટરના કારણે સ્પામ ફૉલ્ડરમાં ડાઈવર્ટ થઈ જાય.

આવું જ એક બીજું ફિલ્ટર ‘પૂર્વગ્રહો’ નું છે. છગનભાઈએ પોતાની સમજણના આધારે તમને માહિતિ આપી, ‘મગનભાઈથી ચેતવા જેવું’ મગનભાઈ તમને મળ્યા અને તમારા મગજે ફ્લેષ કરી ‘ચેતજો…’ પૂર્વગ્રહોનું ફિલ્ટર ઑન થયું પછી મગનભાઈએ તમારા ભલા માટે વાત કરતા હોય તો પણ ‘તેનો સ્વાર્થ હશે’ એમ માની તમે સંબંધને સંકોરી લેશો આમ જાણ્યએ અજાણ્યે આપણે વ્યક્તિ, વસ્તુ, દિશા, ટંક, સમય એવી કેટલીય બાબતોના પૂર્વગ્રહો મનમાં રાખી મૂકીએ છીએ એમાંના ઘણાં તમારા સંબંધોને નડતા પણ હશે.

મારા ધ્યાનમાં હજું પણ એક વધુ ફિલ્ટર “કુટેવનું’ આવે છે. આપણી કેટલીક ટેવ સંબંધોમાં કડવાશ ઉભી કરે છે. મારા એક મિત્રને વાતવાતમાં સામેવાળાને ઉતારી પાડવાની ટેવ છે. તેમને પોતાની “મોટાઈ” પ્રદર્શિત કરવાનો શોખ છે અને તેથી જ તેઓ અન્યને ઉતારી પાડવાની પ્રવૃત્તિ કરે છે પણ એમનું દિલ એકદમ સાફ છે, જેને નીચું દેખાડવાનો પ્રયત્ન કર્યો તે વ્યક્તિ જો કોઈ મુશ્કેલીમાં આવે તો કશું જ વિચાર્યા વગર તેની મદદ માટે ઉભા રહી જાય છે. આ હકીકત સામેવાળી વ્યક્તિ પણ સ્વીકારે છે છતાં સંબંધ તો સંયમિત જ રાખે છે.

તો મિત્રો ! મહદંશે સંબંધો સ્પામ હોતા નથી, ત્યારે “સ્વશ્રદ્ધા”નું એન્ટીવાઈરસ તમારા મનમાં લોડ કરવાનું છે. તમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શક્શો એવી શ્રદ્ધાનું આરોપણ તમારા મનમાં કરી દો. સંબંધો સુધરી જશે. અન્યના અલગ અસ્તિત્વનો સ્વીકાર કરશો ત્યાં જ અડધી બાજી જીતી જશો. બાકીના ફિલ્ટરો દૂર કરવા તો સામાન્ય બાબત છે. પ્રયત્ન કરી જોવો છે?

– ડૉ. જગદીશ જોશી.

સંબંધોના ગહન વિષયને સમજવા માટેનો એક સરળ પ્રયાસ ચાલી રહ્યો છે – જે અંતર્ગત ડૉ. જગદીશભાઈ જોશીના લેખન મણકાઓ આપણે માણી રહ્યા છીએ. આ પહેલા આપણે આ જ વિષય પર ત્રણ લેખ જોઈ ગયા છીએ. એ જ અનુસંધાનને આજે આગળ ધપાવી રહ્યા છીએ. સેન્ટર ફોર ઑન્ટ્રપ્રનર ડૅવલપમેન્ટમાંથી સેવાનિવૃત્ત થયેલા ડૉ. જોશીએ તેમના વ્યવસાયકાળમાં મેનેજમેન્ટ ટ્રેઈનર અને બિહેવીયર કાઉન્સીલર તરીકે કામ કર્યું છે એટલે પ્રસ્તુત વિષય પર લેખવા માટે તેઓ અધિકૃત વ્યક્તિ તો ખરાં જ, સાથે સાથે યુવાનોને જીવનમાં સંબંધોને લઈને અનુભવાતી અનેક તકલીફોનું તેમણે અધ્યયન અને વિશ્લેષણ કર્યું છે. તેમના વ્યવસાય દરમ્યાન અચિવમેન્ટ મોટીવેશન ટ્રેઈનીંગ દરમ્યાન અનેક યુવાનોએ તેમને સંબંધો વિશે, પતિ પત્ની વગેરે જેવા સંબંધોમાં ઉભી થતી તકલીફો દૂર કરવા માટે માર્ગદર્શન માંગ્યુ હતું. સંબંધોના અનેક પાસાઓ અને પરિમાણો ચર્ચતી આ વાત એક શ્રેણી બનવા જઈ રહી છે. ગુજરાતી બ્લોગ જગત માટે આ એક અનોખો અને નવલો પ્રયત્ન છે જેમાં ઑનલાઈન બિહેવીયર કાઉન્સેલિંગ અને સંબંધોના આટાપાટાને સરળ રીતે સમજાવતી ફિલસૂફી ચર્ચાઈ રહી છે. આ વિષયમાં તેમના વિચારો અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે ચર્ચાના માધ્યમથી વિશદ બને અને તેનો અનેક મિત્રો લાભ લઈ શકે એ હેતુથી આ શ્રેણી પ્રસ્તુત થઈ રહી છે.

અક્ષરનાદને આ પ્રયોગ માટે ઉપર્યુક્ત માધ્યમ માનવા અને પ્રસ્તુત શ્રેણીના લેખો પાઠવી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ડૉ. જગદીશભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “સંબંધોમાં સ્પામ ફિલ્ટર… – ડૉ. જગદીશ જોશી

  • Ashok Vaishnav

    સંબંધોનાં ‘ફિલ્ટર’ તરીકે સ્વાર્થ (ટુંકા ગાળાનો એકપક્ષી ફાયદો) બહુ ચર્ચાતો રહેલ છે.
    આ ફિલ્ટરની સાથે જો ‘સામી વ્યક્તિના દ્રષ્ટિકોણને ન જોઇ શકવા’નો વાયરસ ભળે તો ભલભલા નૈસર્ગીક સંબંધો કે “જૂની મિત્રાચારી”ને પણ “વાટ” લાગી જતી જોવા મળે છે.
    મજાની વાત તો એ છે કે ‘સ્વશ્રધ્ધા’નું ઍન્ટીવાયરસ વિનામૂલ્યે મળે છે, તેમ છતાં તેને લગાવવામાં જ કયું ફીલ્ટર નડતું હશે તે સમજાતું નથી!

  • jaysukh Talavia

    સમ્બન્ધોનુ તો એવુ છ કે કોક છેટો ભાગે ને કહે કે
    મારે નવા નવા સમ્બન્ધો બાઁધવા નથિ મારે તુટેલા ધાગાઓ સાન્ધવા નથી