સરળ, છતાં રસપ્રદ જીવન… – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 8


પાણી પર ચાલવું એમાં કોઈ ચમત્કાર નથી, ચમત્કાર છે હરીયાળી, ઘાસથી છવાયેલી ધરતી પર ચાલવું તે, અત્યારની ક્ષણમાં પૂરેપૂરું જીવવું અને ખરેખર જીવંત હોવાનો અનુભવ લેવું એટલે ચમત્કાર” – થિચ ન્હાટ હાન્ન

આજકાલ આપણી પાસે સુવિધાઓની ભરમાર છે પણ મને લાગે છે કે વધારે પડતી સુવિધાઓ જીવનના સાચા આનંદને હણી નાખે છે.

આપણે સારી એવી માત્રામાં પૌષ્ટિક ખોરાક મેળવી શકીએ છીએ, મનની ઈચ્છાઓ પૂરી કરી શકીએ છીએ, ખાઊધરાપણાની હદ દેખાઈ જાય એટલી હદે ખાઈને શરીર વધારી શકીએ છીએ, મસમોટા ખર્ચ કરીને વિશ્વપ્રસિદ્ધ જગ્યાઓએ જઈને ફોટા પડાવી શકીએ છીએ. વગેરે વગેરે…. પણ આ બધું ખરેખર સરેરાશ જીવનને આનંદદાયક અને માણવાલાયક બનાવે એ વાત કેટલી સાચી?

અને બા, ટીવી જોવું એ આનંદ હોઈ શકે છે – અને એવી જ રીતે ઈન્ટરનેટનો મોટાભાગનો ઉપયોગ પણ મજા આપી શકે. પણ જો એ સદાય ચાલ્યા જ કરતું હોય, સદાય આપણે ઑનલાઈન જ રહેતા હોઇએ તો એમાં આનંદ – મજાની માત્રા કેટલી વધશે?

મારા મતે જીવનને સરળ બનાવવું એટલે એવા રસ્તા શોધી કાઢવા કે જેથી જીવન વધુ જીવવાલાયક બને – અને એ ત્યારે જ થાય જ્યારે આપણે રોજીંદી પ્રવૃત્તિઓમાંથી પણ આનંદ મેળવી શકીએ, તેની સાથે ખુશ રહી શકીએ.

જીવનને સરળ પરંતુ રસપ્રદ બનાવવાની શરૂઆત માનસિક છે, મનમાં જો એવું ઠસે કે કોઈ પણ વસ્તુ કે પ્રવૃત્તિની ‘અતિ’ માત્રા, ભાગદોડ, સદાય બિઝી રહેવાની આદત, બેધ્યાનપણું વગેરે યોગ્ય નથી તો જ એક શુભ શરૂઆત થઈ શકે. એ શરૂઆત માનસિક જ છે કે જેમાં મનને મનાવવાનું છે

  • સરળતા માટે
  • વધારે કાર્ય અને ઓછા વપરાશ માટે
  • ધીરજ રાખતા શીખવા માટે
  • ધ્યાન આપવા અને તત્ક્ષણમાં જીવવા માટે
  • જીવનનો સ્વાદ મહત્તમ માણવા માટે

નાની નાની અને અવગણેલી વસ્તુઓ જ જીવનને સરળ બનાવે છે એ વાત સાચી નથી? સ્વજન સાથે ચાલીને એક નાનકડા અંતર સુધીની ચિંતામુક્ત સફર, એક સુંદર પુસ્તક, સાથે રમી રહેલા બાળકનું હાસ્ય, ઠંડી લસ્સી, ફૂલો ખેરવી રહેલ કેસુડાનું વૃક્ષ…… અને સરળતા જીવનને એક નવો સ્વાદ – નવી દિશા આપે છે અને તેને મહત્તમ માણી શકાય તે રીતે જીવવાનો માર્ગ આપણને બતાવે છે. આ માટેની કેટલીક રીતો અહીં ટાંકી રહ્યો છું.

૧. કોફી – મોટા મોટા મોંઘેરા કોફી શૉપમાં દસગણા ભાવ આપીને ટ્રોપીકલ આઈસકોફી, ઘણા બધા ક્રીમ અથવા તજ અને સજાવટ સાથેની કૅપુચીનો વગેરેને સ્થાને તદ્દન સાદી – શુદ્ધ સાદી કોફી જે તમારા જ કોઈક સ્વજન અથવા મિત્રએ કાળજીપૂર્વક અને પ્રેમથી, ધ્યાનથી, સારી કોફી સાથે તરોતાજા બનાવી હોય તેનો સ્વાદ કેવો હશે? શક્ય હોય તો તમે તમારી જાતે જ તે બનાવો, ધીરજપૂર્વક દરેક ઘૂંટડાને માણીને તેને પીઓ અને તેનો મહત્તમ આનંદ સ્વાદ સાથે માણો…. છેલ્લે તમે ક્યારે આવી કોફી પીધેલી?

૨. ચા – રોજ લગભગ બે, ક્યારેક તો ત્રણ પ્રકારની ચા એક જ દિવસમાં પીવાનો વારો આવે છે. ઘરે પત્નીના હાથની બનાવેલી સવારની પહેલી ચા, સાઈટ પર કેન્ટીનમાં બનેલી અને કીટલીમાં સવારથી સંગ્રહાઈ રહેલી પ્લાસ્ટિકના નાના કપમાંની ઠંડી-ગરમ ચા અને ઑફીસમાં ડિપ કરીને ગરમ પાણીમાં જાતે બનાવવી પડતી લેમન અથવા મસાલા ચા – જેમાં દૂધ અને ખાંડ પણ જાતે નાખવી પડે છે…. ત્રણેમાં સવારે પીધેલી ચા સૌથી વધુ ઉપકાર કરે છે. સાઈટ પર કામદારો – સુપરવાઈઝરો સાથે પીધેલી ચા દરમ્યાન ચર્ચાતા કામમાં તેની મહેક ભળે છે એટલે એ બીજી માનીતી પદ્ધતિ છે અને ત્રીજી પદ્ધતિ સૌથી અણમાનીતી… મનને થાય કે ચા પીધી છે – મીટીંગ્સમાં ચા ખરેખર સમય પસાર કરવાનો અક્સીર ઉપાય હોય એમ મને લાગે છે. એટલે હવેથી ચા બને એટલી ઓછી કરવાનું મન છે, સવારની પહેલી ચા ખૂબ ધીરેથી, આંખો બંધ કરીને, તેની સુગંધને પૂરેપૂરી અનુભવીને પીવાની મજા જ કાંઈક અલગ છે…

૩. કસરત – રામદેવજીના દર્શાવેલા યોગ ઘણા વખતથી કરવાની યોજના હોવા છતાં કરી શકાતા નથી, પણ સાદી કસરતો કરવાની ઈચ્છા સદા રહે છે. બીજાઓ જો કે કલાક કે દોઢ કલાક આ કાર્ય માટે જીમમાં ફાળવી શક્તા હશે, જેમાં તેઓ દસેક વિવિધ પ્રકારની કસરતો કરી શક્તા હશે – પણ હું ફક્ત એક કે બે પ્રકારની કસરત જ કરી શકું છું પણ પૂરી શિદ્દતથી. રોજનું છએક કિલોમિટર ચાલવાનું, થોડાક પ્રાણાયામ, પ્રાતઃસંધ્યા (ખૂબ શાંતિ મળતી હોવા છતાં સવારે સમયના અભાવે જે ઘણા વખતથી છૂટી ગઈ છે), રોજ ચાલવું એ સૌથી સરળ કસરત છે. ઑફીસ પહોંચ્યા પછી અમારી આખી સાઈટ પર ચક્કર મારીને પાછા ઑફીસ આવતા પૂરા છ કિલોમીટર થાય છે. ગાડી હોવા છતાં રોજ સવારે નવથી એ ચાલવાનું શરૂ થાય છે અને સાડા અગિયારની આસપાસ પૂરું થાય છે. ચાલવાની સાથે સાથે આખી સાઈટની બધી પ્રક્રિયાઓ પર એ નજર રાખવામાં પણ મદદ કરે છે. ચાલવું એ ખૂબ આનંદદાયક પ્રવૃત્તિ છે. થાક ન લાગે ત્યાં સુધી આરામ ન કરવો અને પાણી પણ ન પીવું. સરળ પરંતુ અક્સીર કસરત એટલે ચાલવું. મને એ ખૂબ ગમે છે

૪. મિઠાઈઓ – મને ગળ્યું ખૂબ જ ભાવે છે, નાનપણમાં રોજ તેના વગર ભોજન પૂરું ન થતું. હવે એ આદત છોડાઈ રહી છે, ક્યારેક મિઠાઈ લઈ લેવાય છે, પણ ખૂબ ઓછી માત્રામાં લઈને ખૂબ ધીમેથી અને કણેકણને પૂરેપૂરો માણી શકાય એ રીતે ખાવામાં મજા આવે છે. જો કે હવે જે વધુ આનંદ આપે છે એ છે તાજા, ઠંડા અને લીલા ફળ, દ્રાક્ષ અમારો રોજનો ખોરાક થઈ રહ્યો છે, સફરજન, કેળા અને હવે ઉનાળાને લીધે તડબૂચ પણ ખરાં. આંખ બંધ કરો, દ્રાક્ષ મોં માં મૂકો અને તેના સ્વાદને મનથી અનુભવો, ફક્ત જીભથી નહીં, એ આનંદ અવર્ણનીય છે.

૫. ભોજન – અત્યારનો જમાનો ફાસ્ટફૂડનો છે, મોટી થાળીઓ (અનલિમિટેડ જમવાનું, અનલિમિટેડ વિકલ્પો, મોંઘેરા મૂલ પણ સંતોષ….?) તળેલી વસ્તુઓ અને મસાલેદાર ભોજનનો સમય છે, પરંતુ સદભાગ્યે મારો ખોરાક નોકરીના સ્થળને અનુલક્ષીને સરળ રહી શક્યો છે… મહીને એકથી બે વખત રોટલા, માખણ, ઘી, તાજુ ગાયનું દૂધ, તાજુ શાક અને અથાણું પાસેના ગામમાંથી જમવાનો અવસર અનાયાસ મિત્રોના ઘર હોવાથી મળે જ છે. અમારા ઘરે પણ બને એટલો સાદો, મરીમસાલા વગરનો, (ચાઈનીઝ કે પંજાબી નહીં તેવો) ખોરાક રહે તેવો પ્રયત્ન સદાય કરીએ છીએ. કચુંબર, દૂધ અથવા છાસ, લીલા શાકભાજી અને દાળભાત સદાય હોય તેવો ખોરાક જ પસંદ કરવાનું કારણ છે તેની અનોખી મજા = જીભને પણ અને પેટને પણ. આવો સાદો શુદ્ધ ગુજરાતી ખોરાક ઉપયોગી છે – ફક્ત એટલે નહીં કે તે તંદુરસ્તિ આપે છે, પણ તે સ્વાદમાં પણ અનોખો હોય છે… ગરમ ફૂલેલી રોટલી સાથે શાક અને ગરમાગરમ દાળ… આની તોલે કઈ હૉટલ કે રેસ્ટૉરન્ટનો ખોરાક આવે?

૬. વાંચન – શરીરના ખોરાક માટેની વાત ઉપર ચર્ચાઈ, પણ મનનો ખોરાક એટલે વાંચન. ઈન્ટરનેટ આપણી આંગળીના ટેરવે રહે છે, અને વાંચનસામગ્રીનો એ ભંડાર છે, છતાંય મને હાથમાં લઈને વાંચવાની જે મજા પુસ્તક આપે છે એ ઈ વિશ્વ આપી શક્તું નથી. ખરીદેલ, લાઈબ્રેરીમાંથી લીધેલ અથવા મિત્ર પાસેથી માંગેલ પુસ્તક વાંચવાની મજા સરળતાનો આગવો અનુભવ છે. કોઈ પણ વેબસાઈટ પર ઑનલાઈન વાંચવામાં અનેક નડતર છે (અક્ષરનાદ પર જેને દૂર કરીને સરળ વાંચનનો પ્રયત્ન અમે કર્યો છે) મોટે ભાગે હું ફુલસ્ક્રીન કરીને જ કોઈ પણ આર્ટિકલ વાંચું છું, એ શુદ્ધ વાંચન છે, કોઈ અડચણ નહીં – વાંચવાની અનોખી મજા

જીવનને સરળ બનાવવું એટલું સરળ નથી. લિયોની વેબસાઈટની મદદથી છેલ્લા કેટલાક સમયથી ઝેન વિચારસરણી સાથે પરિચિત થયો. કેટલું આશ્ચર્યજનક છે કે ઝેન શબ્દ આપના સંસ્કૃતના શબ્દ ‘ધ્યાન’ પરથી જ ઉતરી આવેલો છે – ઝેન ફીલસૂફી એ કોઈ પણ ક્રિયાને ધ્યાનપૂર્વક કરવાની પદ્ધતિ છે, સરળતાપૂર્વક અને સહજતાથી તેનો પૂરો આનંદ લઈને કરવાની પદ્ધતિ છે. આજે જીવનમાં મોટા ફેરફારો નહીં પણ નાનકડા બદલાવોની જરૂર છે અને એવી જ કેટલીક સામાન્ય પણ ઉપયોગી વાતો અહીં મૂકી છે. પ્રેરણા લીધી છે લિઓ બબૌતાના બ્લોગ પરથી જ પણ તેમાં મારા અનુભવો અને વાતો ઉમેર્યા છે. આશા છે વાંચકમિત્રોને પસંદ આવશે.

– મૂળ કૃતિ લિઓ બબૌતા (http://zenhabits.net) અનુવાદ અને ઉમેરણ – જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “સરળ, છતાં રસપ્રદ જીવન… – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ

  • jaydip

    ખુબ જ સરસ લખ્યું છે
    જીગ્નેશભાઈ ગુજરાતી માં વાંચવાલાયક પુસ્તકો ના નામ જણાવશો અને અંગ્રેજી પુસ્તકો ગુજરાતી માં અનુવાદિત પુસ્તકો ના નામ પણ જણાવશો .

  • JS Joshi

    Nice to share personal experience for meaningful purpose, but my knowledge for such people are making money or bread-butter by presenting very simple things in some thrilling way. (not similar to you – sharing best things without any cost). For example, read the following link –
    http://www.personal-development-coach.net/meditation-dangers.html
    Without understanding Vipassana thoroughly , Simona commenting on meditation.
    Nice Jivan-Mantra by LA’KANT.
    Jigneshbhai, keep it up with out such references

  • Vijay Patel

    I like this article very much, it is like you have expressed my thought/ belief in this article.
    There should be flow of such type of thought from all the platform because today’s generation needs happyness but they don’t know from where it can be achieved. It can be achieved by simply following the ways you have shown in this article. I am proud that I am following this…….

  • Murtaza

    જીગુભાઈ, ઉનાળાની ઋતુ માટે ખાસ રિફ્રેશિંગ કરતો એક મસ્ત મજ્જેનો આર્ટિકલ. આભાર.

  • Ashok Vaishnav

    માનવ જાત વિકાસનાં ઝાંઝવાંના જળની પાછળ પોતાનાં પ્રાકૃતિક મૂળીયાં ભૂલતો રહ્યો છે. માનવ પોતના હાથથી સર્જેલાં અકુદરતી સુખોથી થોડા સમયમાં જ ઉબાઇ જતો હોય છે.
    આમ વારંવાર થતું જોવાથી તે ઘટતી જતી તુષ્ટતાનો સિધ્ધાંત રચે, પણ પોતાના નૈસર્ગીક આનંદોને ઓળખવાના આયામને અણવિકસીતમાં ખપાવતાં અચકાય નહીં તે વિકસીત માનવની (કદાચ સહૂથી મોટી કરૂણતા ગણાવી જોઇએ.

  • LA'KANT

    અમારા એક મિત્ર …જે ઘણા વર્ષોથી જમતી વખતે
    ફક્ત ૫ =પાંચ વાનાં/વસ્તુઓ લે છે! તેમાં પાણી પણ આવીગયું! બીજીવાર કંઈ લેવું નહી,પહેલી વખત જ જરુર પૂરતું રોજનું માપસર ખાવું. જે દિવસે ચાલવાનું ના કરી શકાય, તો ખાવું નહિ.સાંજે માત્ર જરુર પૂરતું પ્રવાહી -જ્યુસ/દૂધ/નારિયેલપાણી લેવું. આટલા સંયમ સાથેના એવા નિયમો પાળી, . સ્વસ્થ ,આનંદી,મોજીલું જીવન જીવે છે!
    અલબત્ત, ધ્યાન,પ્રાર્થના ભજન તો જીવનનો અભિન્ન
    હિસ્સો છે.
    “સુખ એટલે બીજાને ખુશ કરવા અને રાખવા! ” એ જ જીવન-મંત્ર !!!

  • Vjoshi

    બહુ સરસ અને આજની ફાસ્ટફુડ વાળી પેઢીને આ પ્રકારનુ શિક્ષણ શાળામા આપી શકાય તો કેટલુ સારુ થાય્! આ પ્ર્રકારના વિષયોની ચર્ચા બહુ ઓછી
    પ્રકાષિત થાય છે- જિગ્નેષભાઈ ઘણા ધન્યવાદ

  • hiral

    અતિ સુન્દર . પોતીકી સમસ્યા નો ઉકેલ આપે રજૂ કર્યો હોય એવી અનુભૂતી થઇ.