“કેમ છો?”
“બસ ચાલે છે.”
ઠંડો અને શુષ્ક પ્રતિભાવ, પછીનો સંવાદ પણ નિરસતાપૂર્વક આગળ વધે.. આવા પ્રતિભાવના શારીરિક, માનસિક કે અન્ય ઘણા કારણો હોઈ શકે. એમાંનું એક કારણ પ્રશ્ન પૂછનાર સાથેનો આપણો સંબંધ પણ હોઈ શકે, ઉષ્માભર્યા અને નિરસ સંબંધોની જાણકારી સ્પષ્ટ કરી તેની વચ્ચે આછી પાતળી ભેદરેખા દોરી લીધી હોય તો સંબંધોના કારણે આપણા વ્યવહારો પર પડતી અસરથી મુક્ત રહી શકીએ. જો કે આપણી જરૂરીયાતો / અપેક્ષાઓ આધારિત સંબંધ અને અપેક્ષા રહિત પ્રેમ સંબંધ વચ્ચે સ્પષ્ટ ભેદ પાડવો શક્ય નથી. અપેક્ષાઓના સંબંધમાં આવતી પ્રેમસંબંધની ક્ષણો અને પ્રેમસંબંધમાં આવતી અપેક્ષાઓની ક્ષણોના તાણાવાણામાં આપણુમ મન ગૂંચવાતુ રહે છે. શુદ્ધ અપેક્ષાઓના સંબંધો તો આપણા વ્યવસાયિક સંબંધો છે. (જો કે આપણે આવા સંબંધોમાં પ્રેમ સંબંધોની ભેળસેળ કરવાનો પ્રયત્ન કરીને દુઃખી થઈએ છીએ. આંખની શરમ પણ ન રાખી એવી ફરીયાદો કરતા રહીએ છીએ.) શુદ્ધ પ્રેમ સંબંધ, સામાન્ય માણસ માટે શક્ય નથી – જવલ્લે જ જોવા મળે છે. આપણે તો જીવન અપેક્ષા અને પ્રેમના અંતિમ છેડાઓની વચ્ચે રહીને જ પસાર કરવાનું છે. પ્રેક્ટીકલ બનવું પડશે, જો મનને સંબંધોની સમજણ માટે ગુંચવણમાં રાખશું તો તેની સીધી અસર આપણા વ્યવહારો પર પડશે, આવા વ્યવહારો પણ ગૂંચવણભર્યા થશે અને પરિણામ સીધું સંબંધ પર પડશે. આમ એક દુષ્ચક્ર ચાલતું જ રહેશે.
સંબંધોમાં થતા વ્યવહારોના કારણે ઉદભવતા પરિણામોમાં થતી ઉંચનીચને કારણે મને જ્યારે દિલમાં દુઃખે છે ત્યારે હું નાનપણમાં સાંભળેલી એક વાર્તાનો સહારો લઈને મનને શાંત કરું છું. કદાચ તમને પણ એ ઉપયોગી થાય. વાર્તા કાંઈક આમ છે…
એક નાનાસૂના રજવાડાના ગામધણીએ દશેરાની શોભાયાત્રામાં પહેરવા માટે વિશિષ્ટ સાફો રંગવા ગામના રંગારાને હુકમ કર્યો. વધુમાં તાકીદ પણ કરી કે જો જે ભૂલ ન થાય. ગામમાં કોઈને ન હોય એવો સાફો રંગવાનો છે. રંગારાએ તો બીજા દિવસે અનોખા રંગનો સાફો દરબારની સામે હાજર કર્યો. દરબાર તો દશેરાની શોભાયાત્રામાં સાફો પહેરી વાજતેગાજતે ધોડેસવાર થયા. ગામની પ્રજા પર ગર્વભરી નજર ફેરવતા ફેરવતા અને લોકોની “ઘણી ખમ્મા બાપુને” સ્વીકારતા જઈ રહ્યા છે. એક શેરીના છેડે બાપુની નજર થંભી ગઈ, એક યુવાનના માથા પર પોતાના સાફા જેવા જ રંગનો પણ અલગ જ પ્રકારની ચમક ધરાવતો સાફો જોયો. બાપુએ તુરત જ રંગારા અને પેલા યુવકને જેલમાં નાખવાનો અને બીજા દિવસે દરબારમાં હાજર કરવાનો હુકમ કર્યો.
પોતાનાથી વધારે સારો સાફો બીજા માટે રંગનાર રંગારા અને એ સાફો પહેરનાર પેલા યુવક – એ બંનેને પોતાના હુકમનો અનાદર કરવા માટે આકરી સજા કરવાનો બાપુએ નિર્ણય કર્યો. રંગારાએ બાપુને અરજ કરી – “બાપુ, મારી દીકરી મારા કરતાં પણ વધારે સારુ રંગકામ કરે છે, આથી આપનો સાફો એણે જ રંગ્યો છે. આપ એને બોલાવો તો સાચી વાત જાણવા મળે.”
રંગારાની દીકરીને બોલાવીને દરબારમાં હાજર કરવામાં આવી. એક જ સરખા રંગના બે સરખા સાફામાંથી પેલા યુવાનનો સાફો વધારે ચમકીલો કેમ લાગે છે તેની ચોખવટ કરવા ફરમાન કર્યું. રંગારાની દીકરીએ નિડર થઈને જવાબ આપ્યો – “બાપુ, તમારો સાફો રંગતી વખતે મને તેમાંથી મળનારી મજૂરી – સરપાવનો જ વિચાર આવતો હતો પણ આ યુવાનને હું પ્રેમ કરું છું, તેનો સાફો રંગવામાં સાથે મારા પ્રેમનો રંગ પણ ભળેલો છે. એ મારા મનનો માણીગર છે એટલે જ એનો સાફો વધારે ચમકીલો છે.”
બાપુએ પણ પ્રેમની કદર કરી અને બધાંને છોડી મૂક્યા. કેટલાક મિત્રો એવી કલ્પના પણ કરશે કે ‘યુવતિને પણ યુવાનનો પ્રેમ પામવાની અપેક્ષા હતી એટલે જ સાફો રંગવામાં હૈયું નીચોવી દીધું.’ પણ મિત્રો, ‘અપેક્ષા’ને ચોક્કસ માપદંડ હોય છે, તેને વિવિધ પરિમાણોમાં માપી શકાય છે – પણ પ્રેમના માપદંડ કયા? તેને કઈ રીતે માપીશું? મારા મતે તો તે એક અનુભૂતિ છે જે શબ્દોથી કે અન્ય કોઈ પણ રીતે કદી પૂર્ણપણે વર્ણવી ન શકાય. વેલેન્ટાઈન ડે ના દિવસે લાલ ગુલાબના ફૂલથી કરેલું પ્રેમનું પ્રદર્શન એ કદાચ પ્રેમ સંબંધની શરૂઆતનો એક માપદંડ હોઈ શકે પણ પ્રેમની અનુભૂતિ તો તેનાથી અલગ વસ્તુ જ છે.
આપણે કોઈપણ સંબંધને અપેક્ષા કે પ્રેમમાં વિભાજીત નહીં કરી શકીએ પણ એટલું તો જરૂર કરી શકીએ કે કોઈ પણ સંબંધમાં પ્રેમના ધાગાઓની સંખ્યા વધારીને જીવનને ઉષ્માભર્યું બનાવીએ. આમ કરવામાં તમને દેખીતું નુકસાન લાગશે, જતું કરવું પડશે, અહમ ઘવાશે પણ પરિણામ તો સારું જ આવશે.
– ડૉ. જગદીશ જોશી.
ડૉ. જગદીશભાઈ જોશીનો અક્ષરનાદ પર સંબંધો વિશેનો આ ત્રીજો લેખ છે. આ પહેલા પણ ‘તમે સંબંધોને નજીકથી નિહાળ્યા છે?‘ અને ‘રણમાં મીઠી વીરડી એટલે પ્રેમ‘ એ શીર્ષક હેઠળ તેમના બે લેખ પ્રસ્તુત થયેલા, એ જ અનુસંધાનને આજે આગળ ધપાવી રહ્યા છીએ. સેન્ટર ફોર ઑન્ટ્રપ્રનર ડૅવલપમેન્ટમાંથી સેવાનિવૃત્ત થયેલા ડૉ. જોશીએ તેમના વ્યવસાયકાળમાં મેનેજમેન્ટ ટ્રેઈનર અને બિહેવીયર કાઉન્સીલર તરીકે કામ કર્યું છે એટલે પ્રસ્તુત વિષય પર લેખવા માટે તેઓ અધિકૃત વ્યક્તિ તો ખરાં જ, સાથે સાથે યુવાનોને જીવનમાં સંબંધોને લઈને અનુભવાતી અનેક તકલીફોનું તેમણે અધ્યયન અને વિશ્લેષણ કર્યું છે. તેમના વ્યવસાય દરમ્યાન અચિવમેન્ટ મોટીવેશન ટ્રેઈનીંગ દરમ્યાન અનેક યુવાનોએ તેમને સંબંધો વિશે, પતિ પત્ની વગેરે જેવા સંબંધોમાં ઉભી થતી તકલીફો દૂર કરવા માટે માર્ગદર્શન માંગ્યુ હતું. સંબંધોના અનેક પાસાઓ અને પરિમાણો ચર્ચતી આ વાત એક શ્રેણી બનવા જઈ રહી છે. ગુજરાતી બ્લોગ જગત માટે આ એક અનોખો અને નવલો પ્રયત્ન છે જેમાં ઑનલાઈન બિહેવીયર કાઉન્સેલિંગ અને સંબંધોના આટાપાટાને સરળ રીતે સમજાવતી ફિલસૂફી ચર્ચાઈ રહી છે. આ વિષયમાં તેમના વિચારો અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે ચર્ચાના માધ્યમથી વિશદ બને અને તેનો અનેક મિત્રો લાભ લઈ શકે એ હેતુથી આ શ્રેણી પ્રસ્તુત થઈ રહી છે.
અક્ષરનાદને આ પ્રયોગ માટે ઉપર્યુક્ત માધ્યમ માનવા અને પ્રસ્તુત શ્રેણીના લેખો પાઠવી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ડૉ. જગદીશભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર.
Pingback: સંબંધો વિશે વધુ - « BestBonding – in Relationship
Relation given always Rest, Relextion with ray of real way. This story is very….very heart teach . So people understanding relation word. Then world is build super & brige of every people maind.
Pl. any mistek accept
Thankssssss…….
લેખ બહુ સરસ છે
ડૉ. જોશી તેમની પ્રશિક્ષક તરીકેની કેળવાયેલ મુદ્દાદસરની શૈલિ અને એક લઘુ વાર્તાકારને છાજે તેવી સ્ચોટ ભાષાનો અસરકારક પ્રયોગ કરીને સંબંધોનાં મહાત્મ્યની ગહન આંટીધુંટીઓને સરળતાથી રજૂ કરે છે.
અક્ષરનાદ પર આ શ્રેણી બદલ તેમનો આભાર અને અક્ષરનાદને અભિનંદન.