૧. વિચારોમાં….
તારા ને મારા વર્તન માં ફેર નથી હોતો ક્યારે,
સમયાંતરે અંતરાતું હોય છે વિચારોમાં.
ઉડતા પંખીની પાંખને ગણવાનું મન કરે કોઇ,
કોઇ પંખી પિંજર હોય છે વિચારોમાં.
હ્રુદયે રમખાણ ઉઠ્યું કંઇક લાગણીઓનું,
કોઇ સમેટી શાંત રહેતું હોય છે વિચારોમાં.
આંખ પટપટે તો ખોવાનો ડર કોઇ પાંપણોને,
કોઇ બંધ આંખે સમાતું હોય છે વિચારોમાં.
ઝુલાવે ફુલોને અનિલ ફરી ફરી આવી બાગમાં,
કોઇ કુસુમ હ્રુદયે રમતું હોય છે વિચારોમાં.
ઊછળી ઊછ્ળી સમંદર મોજા કિનારે પછડાય,
કોઇ બેસી કિનારે ભીંજાતું હોય છે વિચારોમાં.
ગહેરાઇનો માપ ન હોય કોઇની આંખોની અંદર,
કોઇ જુનું નાવડૂં તરતું હોય છે વિચારોમાં.
વિતયા વર્ષો સમાઇ એક્મેક ને હ્રુદયે આજેય,
કોઇ આપણૂં અલાયદું સ્થાન હોય છે વિચારોમાં.
– કુસુમ પટેલ
૨. એવી જગ્યાએ જઈ શોધું…
એવી જગ્યાએ જઈ શોધું મારું નામ,
જ્યાં સતત વર્તાય મને રાધાનો શ્યામ…. એવી જગ્યાએ.
આંખ ખોલું ને થતો હર્ષ,
લીલોતરીમાં વર્તાય તારો સ્પર્શ.
દરિયો લેતો હિલ્લોળા,
ક્ષિતિજે જુઓ બધુ સમરસ.
મારે તો બસ એ જ વૈંકુઠ ધામ.
એવી જગ્યાએ જઈ શોધું મારું નામ.
ટહુકમાં આ કયો રસ?
વૃક્ષને થતો સતત હર્ષ.
ડાળીઓ લહેરાય પવન પ્રેમથી,
જીવતરને લાગે અહીજ ઉત્કર્ષ.
શબરીની રાહમાં બેઠો છે રામ.
એવી જગ્યાએ જઈ શોધું મારું નામ.
૩. પ્રણવ અક્ષર ૐ.
શિયાળે મળતું જોમ, ઉનાળે તપતું વ્યોમ,
ચોમાસું જાણે સાક્ષાત પ્રણવ અક્ષર ૐ.
ધરતીમાંથી ફૂટી નીકળે આપણું હોવાપણું,
સ્પંદન આ કયા વરતાય રોમેરોમ… પ્રણવ અક્ષર ૐ.
પહેલા વરસાદની અદ્ભુત છે આ સોડમ,
જાણે જુવાન હૈયા ખોવાય અણદીઠી ભોમ… પ્રણવ અક્ષર ૐ.
બધુ જ તરબતર આતો અનંત કેરું મૌન,
સમયની સીમામાં ક્યાથી બંધાય વ્યોમ… પ્રણવ અક્ષર ૐ.
– જનકભાઈ ઝીંઝુવાડીયા
૪. કણમાંથી ક્ષણ મળે…..
સેવાને જાણો તો સમર્પણ નીકળે
નિષ્ઠા જો હોય તો અર્પણ નીકળે
સુંઠના ગાંગડે ગાંધી થવાતું નથી
જે થઇ ગયા છે એ ભારણ નીકળે
ભાવના વિના ભવ, ભૂત જેવો છે
નહિ એનું જીવન કે મરણ નીકળે
હથેળીમાં ચાંદને બતાવવાનું છોડ
લંકેશના કુળમાં નહિ કરણ નીકળે
જગજાહેર થાવ તો એ રીતે થાઓ
લોકમુખે પૂર્વજોના સ્મરણ નીકળે
બતાડો બધો આ તો ક્ષણભંગુર છે
કરો કઈ એવું ગંગાનું ઝરણ નીક્ળે
પારકી હોડીમાં ક્યા સુધી ફરવાના
રસમંજન કણમાં પણ ક્ષણ નીકળે
– રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’
૫. અછાંદસ
ઝાકળના ટીપાં
ઉભા હતા
લાઈન લગાડી
પાંદડા પર,
કુદકો મારવા
એક પછી એક.
૬. અછાંદસ
ઉકળતી બફાતી
અસ્વસ્થ અંધારી રાત
કંટાળેલો ક્રોધિત ચાંદલો
કુદ્યો,
સરોવરના પાણીમાં
હવે
માછલી દાઝે.
– વિજય જોશી
અક્ષરનાદનું એ સદભાગ્ય છે કે ઘણા વાચકમિત્રો તેમની કાવ્યસર્જનની યાત્રા અક્ષરનાદની સાથે કરી રહ્યા છે, ઘણા મિત્રો નિયમિતપણે તેમની પદ્યરચનાઓ અક્ષરનાદને પાઠવતા રહે છે. એ મિત્રોની રચનાઓ સતત પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરતો રહું છું, જે દર વખતે શક્ય થતું નથી. છતાંય સમયાંતરે એ રચનાઓ પ્રસ્તુત થવી જ જોઈએ એ ઇચ્છાને અનુસરીને આ કૃતિઓ ઘણી વાર મૂકાઈ છે અને આજે પણ મૂકી છે. એ સર્વે મિત્રોનો ખૂબ આભાર જેઓ અક્ષરનાદને નિયમિત તેમની રચનાઓ પાઠવવા યોગ્ય સમજે છે. કાવ્યસર્જનની પ્રક્રિયા સાથે સંકળાવા ઈચ્છતા દરેક રચનાકારને કોઈ માર્ગદર્શક કે ગુરુ મળતા નથી – અક્ષરનાદના માધ્યમથી આપ સર્વે સુજ્ઞ વાચકો આવા મિત્રોને આપના સાચા પ્રતિભાવ દ્વારા રસ્તો બતાવી શકો છો. આજે શ્રી કુસુમ પટેલ, શ્રી જનક ઝીંઝુવાડીયા, શ્રી રમેશભાઈ ચાંપાનેરી અને શ્રી વિજય જોશીની પદ્ય રચનાઓ પ્રસ્તુત છે.
મારે અહિયા ‘પોસ્ટ ‘ મુકવિ છે. શુ પ્રોસિજર છે જિગ્નેશ સર ?
Pingback: » વાચકોની પદ્યરચનાઓ – સંકલિત » GujaratiLinks.com