બિંદુ – મોરલીધર દોશી (ઈ-પુસ્તક ડાઉનલોડ) 7


આજે જે પુસ્તક પ્રસ્તુત થઈ રહ્યું છે તેનું શિર્ષક છે ‘બિંદુ’ અને નામ મુજબ લેખક શ્રી મોરલીધર દોશીના પોતાના અને તેમને ગમેલા અન્યોના વિચારબિંદુઓનું એક સરસ નાનકડું સંકલન છે. પુસ્તક ઈ.સ. 2000માં લેખકના મૃત્યુ વખતે પ્રૂફ રીડીંગ થઈને તૈયાર હતું, તે પછી તેમના પુત્ર શ્રી સુરેશભાઈ દોશીએ 2001માં પ્રકાશિત કર્યું. વાચકોને વહેંચવા માટે તેમણે આ પુસ્તક અક્ષરનાદને પાઠવ્યું છે. પુસ્તક આજથી ડાઉનલોડ માટે અક્ષરનાદ પર ઉપલબ્ધ છે. અત્રે પ્રસ્તુત છે તેમાંથી કેટલાક વિચારબિંદુઓ.

  • ભોગવવા જેવી વસ્તુને ભોગવવા માટે મોહ, માયા પણ ન થાય એ વૈરાગની છેલ્લી હદ છે. અહંકારની જરા પણ અસર ન રહે એ જ્ઞાનની છેલ્લી હદ છે અને નાશ પામેલી ચિત્તની વૃત્તિઓ ફરી જન્મે નહીં એ ઉપરતિની છેલ્લી હદ છે.
  • ધર્મ માધ્યમ છે, કલા ઉત્કંઠા છે, વિદ્યા સમજ છે પણ સરળતા શ્રેષ્ઠ છે, જ્યાં મન વિચાર અને ચિત્તથી ઉપર ઉઠવાનું છે.
  • અંદરના ઉપદ્રવોને (જેવા કે ક્રોધ, લોભ, મોહ, ઘૃણા) બહાર કાઢવા તેને અંતર્મુખ ભક્તિનું પ્રથમ પગથિયું કહેવાય, તેવી જ રીતે બહિર્મુખ ભક્તિમાં બહારના ગુણોને (જેવા કે સરળતા, એક બીજાને અનુકૂળ રહેવું, સત્યાચરણ, વિવેક) અંદર ઉતારવા તેને બહિર્મુખ ભક્તિનું પહેલું પગથિયું કહેવાય છે.
  • ખેતર પહેલા ખેડવું જોઈએ, સાફ કરવું જોઈએ અને ઉત્તમ પ્રકારનું ખાતર નાખ્યા પછી જો યથાયોગ્ય બીજ વવાય તો તેનું ઉત્પાદન કંઈ ઓર જ હોય છે.
  • સેવકે સેવા ગોતવા જવું એ જ સેવકનું બંધિયારપણું છે. સામે આવે, નજરે ચડી જાય તે કરવું એ જ સેવા છે. સાચી સેવામાં સેવકને પસંદગી કરવાપણું હોતું નથી, પસંદગી પ્રકાણે કરવું એ પોતાનો અહંકાર છે.
  • સમર્થને શંકા હોતી નથી. સ્નેહમાં, મૈત્રીમાં શોષણ હોતું નથી. પ્રેમમાં પરવશતા હોતી નથી. મૈત્રીમાં મૂલ્ય અંકિત થતું નથી. ધર્મમાં ઘમંડ હોતો નથી. સત્યનો બીજો પર્યાય હોતો નથી.
  • જીવન ભક્તિમય બનતું જાય તેમ તેમ તેની કૃપા પાંગરતી જાય છે, તેને જોવાની દ્રષ્ટિ એટલે જ દિવ્ય દ્રષ્ટિ.
  • અંદરથી શાંત થવામાં આવે તો સત્યદર્શન થઈ શકે, પ્રયત્નો વડે શાંત કરવામાં આવેલું મન મૃત છે, તે સત્યને પામી ન શકે, પણ સમજણ વડે શાંત થયેલું મન સત્યદર્શન કરી શકે. સત્યના આગમન માટે હ્રદય ભરપૂર અને મન ખાલી હોવું જોઈએ.
  • બે કેદીઓની કોટડીની દિવાલ પર ટકોરાથી પણ વાત વિનિમય થઈ શકે છે, જે જુદા કરે છે એ જ વિનિમયનું સાધન પણ થઈ શકે છે. એવું જ આપણી અને પ્રભુ વચ્ચે પણ છે. ટકોરામાં દિવાલને ઓગાળવાની તાકાત છે, તમારી તીવ્રતા કેટલી છે એના પર આધાર છે.
  • રાધા કૃષ્ણ છે, કૃષ્ણની ધારા રાધા છે, સમર્પણની રચિતા છે, રાધાએ કૃષ્ણ માટે બધું છોડ્યું પણ નામ પાછળ ન જોડાઈ શક્યું, પણ સમર્પણના બળે એ આગળ જોડાઈ ગયું. જે બધું સમર્પણ કરે છે એ બધું પામી લે છે.
  • સ્વાનુભવ વગરના ભક્ત કરતા સ્પષ્ટવાદી નાસ્તિક વધારે સારો

અને અંતે લેખક પ્રભુને કહે છે

“પુસ્તક અધૂરું છે, આપણી ધારણા, વિચારો વિના પુસ્તક માર્ગ પથિક બની શક્તું નથી. નવયુગના વિચારો, માન્યતાઓ, જીવન પર પૂર્ણ આક્રમણ કરી રહ્યા છે, યોગ્ય છે કે અયોગ્ય છે તેનો નિર્ણય કરવાનું કામ મુશ્કેલ થઈ રહ્યું છે. માણસ – માણસ પાસે જાય તે યોગ્ય છે, પણ આજનો માણસ – માણસ પાસે જાય છે તે નિઃસ્વાર્થ ભાવે જાય છે? કંઈક ‘હું’ લઈને જતો જોવામાં આવે છે. જ્યારે ધનવાન માણસ પાસે જતાં પોતાનું ગૌરવ સમજવા લાગે છે. ભણેલો, ડીગ્રીધારી માણસ અભણ નિર્ધન પાસે જતા પોતાને ડિગ્રેડ સમજે છે. ડોક્ટર, બેરિસ્ટર, એન્જીનીયર અથવા સી.એનું વર્તન અભણ સાથે, આર્થિક પછાત સાથે કેવું હોય છે? આમાં આપણી પાઠશાળા વિદ્યાપીઠો પણ બાકાત નથી રહી શક્તી. આપની પાસે પણ પોતાનો અહં તેઓ છુપાવી નથી શક્તા.” – મોરલીધર દોશી (પ્રસ્તાવનામાંથી)

પુસ્તક ડાઊનલોડ કરવા માટે અહીં ક્લિક કરીને અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં જાઓ.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “બિંદુ – મોરલીધર દોશી (ઈ-પુસ્તક ડાઉનલોડ)