મળી આંખ તે દી’થી બળવું શરૂ છે… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast) 12


આજે પ્રસ્તુત છે શ્રી શૂન્ય પાલનપુરી સાહેબની એક ગઝલ અને તેમના જ સ્વરમાં એ ગઝલપઠન. ગુજરાતી બ્લોગર અને વડીલ શ્રી માવજીભાઈને તેમના મિત્ર શ્રી ભાવેશભાઈ પટ્ટણી પાસેથી મળેલ આ દુર્લભ ક્લિપ અક્ષરનાદને પાઠવી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં તેમની ગઝલોના પઠનની આ તથા આવી અનેક ઑડીયો ક્લિપ અક્ષરનાદને તેમણે પાઠવી છે. આપણે તેમને સમયાંતરે માણતા રહીશું.

આંખો મળી અને હૈયાને બળતરા મળી, શમાની યાદમાં સદાકાળ બળતા રહેતા પતંગીયાનું નસીબ પેલા શમા પર કુરબાન થઈને બળી જતા પતંગીયા સાથે સરખાવીએ તો કોણ વધુ સુખી લાગે? પ્રીત તો સતત વધતી જ રહેવાની, અને એની સાથે પ્રીતમાં મળતી મુશ્કેલીઓ પણ વધવાની, ગમે તેવા મુશ્કેલ સંજોગને આધીન રહીને પ્રેમ માટે જીવવાનું જેમને ફાવી ગયું છે એવા લોકો માટે પણ પ્રીતની કેડી સુંવાળી તો નથી જ. પ્રેમની અને પ્રેમીઓના હૈયાની આવી જ વાતો અનેક અર્થો સાથે પ્રસ્તુત ગઝલમાં નિર્દિષ્ટ છે. આશા છે શ્રી શૂન્ય સાહેબની આ ગઝલ તેમના જ સ્વરોમાં સાંભળવી સૌને ગમશે.

ગઝલપઠન – મળી આંખ તે દી’થી બળવું શરૂ છે…
સ્વર – શ્રી શૂન્ય પાલનપુરી

મળી આંખ તે દી’થી બળવું શરૂ છે,
હવે તો જીવન એક ઉકળતો ચરુ છે.

હવે પ્રીતનો તાગ મુશ્કિલ છે પ્યારા,
હતું બીજ કાલે જે આજે તરુ છે.

એ થનગનતા હૈયાને દીવાલ કેવી,
પગે શૃંખલા જેને મન ઘુંઘરુ છે.

સુંવાળી નથી દોસ્ત કર્તવ્ય કેડી,
ગુલાબોથી ઝાઝા અહીં ગોખરુ છે.

નયનને કહો નામ બોળે ન દિલનું,
સંયમમાં એની કંઈક આબરુ છે.

હો શંકા તો લાવો છબી ને મિલાવો,
સ્વયં ‘શૂન્ય’ રૂપે ખુદા રૂબરૂ છે.

– શૂન્ય પાલનપુરી


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “મળી આંખ તે દી’થી બળવું શરૂ છે… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast)

  • JAYESH.R.SHUKLA."NIMITT".

    વર્ષો પહેલાંપ્રેમાનંદ સાહિત્યસભાહૉલ,વડોદરામાં એમનેપ્રત્યક્ષ સાંભળેલા.આજેફરી આનંદ થયો॰તમેસારુંકામ કરો છો॰અભિનંદન.
    **જયેશ શુક્લ.”નિમિત્ત”॰વડોદરા॰21.01.13॰

  • jay

    મઝા આવી મસ્તિ ભરિ એ મઝાનિ,
    હવે કોઇ પરવા નથિ કોઇ સઝાનિ.
    – જશવન્ત બ્રહ્મભત્ત્ત

  • ડૉ.મહેશ રાવલ

    પરંપરાના શાયરોએ જે તે સમયના પ્રવાહમાં અભિવ્યક્ત કરેલ ભાવ,શૈલી અને ગઝલકર્મની જાહોજલાલીનો આવી રજૂઆત અને પ્રસ્તુતિથી ખ્યાલ આવી શકે……
    ખૂબ જ સ્તુત્ય અને આવકાર્ય પગલું.
    અભિનંદન.

  • Heena Parekh

    દુબારા દુબારા. શૂન્ય પાલનપુરીના અવાજમાં તરન્નુમમાં ગવાયેલ ગઝલ સાંભળીને ખરેખર મોજ પડી ગઈ.

  • Vinod Patel

    શૂન્ય પાલનપુરીની સુંદર ગઝલ એના રચયીતાના જ કંઠે સાંભળીને

    મન પુલકિત થઇ ગયું.જાણે મુશાયરામાં બેઠા ન હોઈએ એવી પ્રતીતિ

    થઇ.આ ગઝલ સંભળાવવા બદલ આપને મુબારક બાદી આપું છું.

    વિનોદ પટેલ

    http://www.vinodvihar75.wordpress.com