બે ગાંધી રચનાઓ – ધવલ સોની 6


૧. ગાંધી….

‘ગાંધી’ તમે હવે બધાને નડવા લાગ્યા,
તમારા અહિંસાના વચનો કડવા લાગ્યા.

‘સત્ય’ની તમારી ઈમારતના હાલ તો જુઓ,
એક પછી એક પાયા બધા પડવા લાગ્યા.

છબીમાં તમને લગાવ્યા સરકારી ભીતો પર,
વાનરો ત્યાં ખુરશીઓ લઇ બાખડવા લાગ્યા.

નામ તમારું એમની પણ પાછળ લાગે છે,
લઇ એનો જ લાભ, એ દેશને કનડવા લાગ્યા.

ક્યારેક ચોરાય લાકડી તો ક્યારેક વળી ચશ્માં,
ગાંધી તમે તો હવે કાર્ટુનોમાંય જડવા લાગ્યા.

તમે ઉભા છો ગુજરાતના ગાંધી થઇ ચોરાહા પર,
‘હરી’ના’જન’ તો’ય જાતિવાદમાં ઝગડવા લાગ્યા.

મજબૂરીનું નામ પડી ગયું છે મહાત્મા ગાંધી,
તમારા સત્યના સફરજનો હવે સડવા લાગ્યા.

૨. છબી મારી…

કારણ વગર લટકી રહી છે ઠેર-ઠેર છબી મારી,
મારા પુસ્તકોની જેમ વેરવિખેર છબી મારી.

મારી અંગત જિંદગીને બનાવી જાહેર આત્મકથા,
રાષ્ટ્રપિતા બનાવી લટકાવી દીધી ચોમેર છબી મારી.

અંગ્રેજો સામે ના નમ્યો, ના અન્યાય સામે ઝૂક્યો,
‘આજ’ના કૌભાંડો સામે નમે શેર-શેર છબી મારી.

માનવ થઈને બન્યા છે હેવાન આ નેતાઓ,
ભ્રષ્ટાચારી દીવાલો વચ્ચે રડે ખંડેર છબી મારી.

પ્રગટાવ્યા હતા દીવાઓ મેં જ્ઞાન ને પ્રકાશના,
કાળા નાણા પર ફરે શહેરે શહેર છબી મારી.

સોના-રૂપા ના ભાવે વેંચાય હુસેનના ચિત્રો,
ને મફતના ભાવે મળે ઘેર ઘેર છબી મારી.

દેશ કાજ આટલી લડી લડાઈઓ ને છતાં,
જુઓ આજ પણ છે ઠેર ની ઠેર છબી મારી.

– ધવલ સોની.

અક્ષરનાદના સર્વે વાચકોને પ્રજાસત્તાક દિવસની અનેક શુભકામનાઓ. દેશના આગવા આ બે તહેવારો અવસર આપે છે ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશ જેવા ભેદોથી પર એક રાષ્ટ્ર તરીકે તેની સિદ્ધિઓ અને આગવી લોકતાંત્રિક પદ્ધતિ પર ગર્વ કરવાની, તેની રક્ષા માટે કટિબદ્ધ થવાની. આજે ૨૬મી જાન્યુઆરીએ પ્રસ્તુત છે અક્ષરનાદના વાચક મિત્ર શ્રી ધવલભાઈ સોની રચિત બે ‘ગાંધી’ રચનાઓ. પ્રથમ પદ્ય રચના ગાંધી નામના ઉપયોગ દુરુપયોગ અને તેમના સિદ્ધાંતોના ખુલ્લેઆમ ઉડાવાઈ રહેલા મજાક વિશે કહે છે, જ્યારે બીજી રચના ગાંધીજીના સ્વમુખે તેમની છબી જ્યાં જ્યાં મૂકાઈ છે એ સ્થળોએ થઈ રહેલા દ્રોહના કાર્યો વિશે જણાવે છે. નેતાઓ, કાળુ નાણું, કૌભાંડો, મોંઘવારી અને દેશદ્રોહ જેવી વાતો અહીં સંકળાઈ છે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “બે ગાંધી રચનાઓ – ધવલ સોની

 • Kalidas V. Patel { Vagosana }

  ‘લ્યા ગાંધી તું આટલો સસ્તો થઈ ગ્યો ?
  હજારની નોટ પરથી સરી દસની પર ગ્યો !

  નામ તારું વટાવે છે… તારા જ ચેલાઓ
  સત્તા સ્થાને પહોંચવાનો, તું રસ્તો થૈ ગ્યો !

  વધારે તો કાંઈ જ નથી કહેવું અમારે …
  તારા કરતાં તારા “ફોટાવાળી” કાં વધારે ચાલે ?

  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • Muni J Bhatt

  મેરા ભારત મહાન!! ના….મેરા મોહનદાસ ગાન્ધિ મહાન.
  ક્યા ત્યારના ત્રન વાન્દ્રાઓ અને આજના અનેક!
  નથિ સાન્ભલતા,નથિ જોતા, માત્ર બોલ બોલ કરતા!

 • vimala

  આજે દેશની જે દશા છે તેનો હુબહુ ચિતાર ધનિયવાદ ધવલ ભાઈ ને અને અક્ષરનાદ ને.સમયોચિત કવિતા માટે.

 • PRAFUL SHAH

  WE CAN ONLY CRY WITH GANDHIJI ..NO MORE
  MORE THAN BILLIONS, SHAME, SHAME WE ARE NOT FIT FOR INDEPENDANCE AS TOLD BY CHARCHIL
  NATION IS PROGRESSING BUT PERSONS IN POWER BY OUR VOTE LOOT OR LET LOOT OUR NATION;VOTING RIGHT —RIGHT TO INFORMATION ONE SUBRAMANIYAM SWAMI OR ANNAJI OR TEAM NEEDS SUPPORT. ALL SLOGANS AND SHOUTS ,?OF JWAHERLAL NEHRU ,,TO HANG KARABAJARIA