આજનું ખર્ચાળ શિક્ષણ -પ્રશિક્ષણ – અશિક્ષણ – જિજ્ઞેશ અધ્યારૂ 11

ખર્ચાળ શિક્ષણ અને તેની આડઅસરો

શિક્ષણનો મૂળભૂત અર્થ શું છે? સામાન્ય અર્થ જોઈએ તો શિક્ષણ એટલે શિક્ષા આપવી તે; ભણાવવું; આચાર વિચાર, રીતભાત અને કલા વગેરેનું જ્ઞાનદાન; બૃહદ અર્થમાં શિક્ષણ એ વિદ્યાર્થીને જ્ઞાન પીરસવાની પદ્ધતિ છે, વિદ્યાર્થીની ગ્રહણશક્તિ, સમજણ, વૈચારીક ક્ષમતા અને અંતે આવડતને અસરકારક બનાવવાની અને વિકસાવવાની પદ્ધતિ. શિક્ષણ ફક્ત શાળાઓમાંથી જ મળે છે એવું નથી. એ તો અવલોકનની વસ્તુ છે, આસપાસના વાતાવરણમાંથી, મોટેરાઓ અને અન્ય સહપાઠીઓના વ્યવહારમાંથી, જૂની ભૂલોમાંથી અને એમ અનુભવોમાંથી ગ્રહણ કરવાની વસ્તુ એટલે શિક્ષણ. નવું જાણવાની તાલાવેલી અને જે જાણેલું છે તેને પ્રયોગમાં મૂકવાની ઇચ્છા શિક્ષણને નવા આયામો આપે છે. બાળકના સર્વાંગી વિકાસ માટે તેને શિક્ષણ અપાવું જોઈએ.

આનંદશંકર બાપુભાઈ ધ્રુવ લખે છે, “શિક્ષણ સંબંધી વિચારમાં પ્રથમ સૂત્ર એ છે કે, શિક્ષણ એ શાળા અને સમાજના સાંધણરૂપ થવું જોઈએ. શિક્ષણનો ઉદ્દેશ શો? એની ઉપયોગિતા કોને? વ્યક્તિને અર્થાત્ શિક્ષણ લેનારને કે જનસમાજને? આમાં વ્યક્તિના અને સમાજના જીવનનો વિગતે અભ્યાસ કરવામાં આવે છે અને તે પ્રમાણે શિક્ષણનું સ્વરૂપ ઘડાય છે.” સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે “પ્રથમ દૃષ્ટિએ આપણું શિક્ષણ વ્યક્તિને માનવી બનાવનારું નથી. એ તો ફક્ત નન્નાને મહત્ત્વ આપતું શિક્ષણ છે. કોઈપણ તાલીમ કે જે નકારને મહત્ત્વ આપે છે એ મૃત્યુ કરતાં પણ વધારે ખરાબ છે. આજનું શિક્ષણ એટલે કે તમારા મગજમાં ઠાંસી ઠાંસીને ભરેલી પચ્યા વગરની જુદી જુદી માહિતી કે જે તમારા આખા જીવનને એક લડાઈ બનાવે છે.”

આપણે તો જીવનને ઘડતા, માનવી બનાવતા અને ચારિત્રને ઘડતા વિચારોને જ એકત્રિત કરવા જોઈએ. તમે જો બરાબર પાંચ વિચારો સમજીને તમારું ચારિત્ર જીવન બનાવો તો એક માણસ કે જેની પાસે એક સુંદર પુસ્તકાલય છે એના કરતાં પણ વધારે શિક્ષણ લીધું કહેવાશે. ગધેડો સુખડનાં લાકડાં ઉપાડે છે તે ફક્ત એનું વજન જ જાણે છે પણ એનું મહત્ત્વ સમજી શકતો નથી. જો કેળવણી માહિતી જ આપતી હોય તો પુસ્તકાલયો દુનિયાના મોટા યોગીઓ સરખાં છે અને સર્વવિદ્યાસંગ્રહો ઋષિઓ સરખા છે.

આપણી મૂળભૂત શિક્ષા પદ્ધતિ એટલે ગુરુકુળની ગુરુ શિષ્ય પરંપરા. શિષ્ય અમુક વર્ષો ગુરુને ત્યાં રહે, વિદ્યાર્થી જીવનના અગત્યના પાઠ શીખે, સૌથી અગત્યનું તો તે શારિરીક શ્રમ અને સહજીવનની ભાવના કેળવે, અને ગુરુ તેના રસના વિષયને જાણીને તે વિષયમાં તેને ઉંડુ જ્ઞાન આપે જેથી બાળકને તેના મનગમતા વિષયમાં આગળ ધપવાની ઈચ્છા મનથી જ થાય. શરીરની તંદુરસ્તી અને વિવિધ વિષયોના વિગત જ્ઞાનની સાથે સાથે અર્થકારણ અને વ્યવહાર સુધીની બધી વાતો વૃક્ષના છાંયે શીખતા એ બાળકની કલ્પના કરો તો આજે ચાર કિલોનો ભાર વેંઢારીને બીજા ધોરણમાં ‘ભાર વિનાના ભણતર’ને ભણવા જતા વિદ્યાર્થી પર દયા અચૂક ઉપજે, અને વિદ્યાર્થી પહેલા દયા આવે આપણી શિક્ષણ આપવાની પદ્ધતિની નિષ્ફળતા ઉપર.

આજના સંજોગો જોતા શિક્ષણનો એવો અર્થ નીકળે કે શિક્ષણ એ બાળકની ત્રણ વર્ષની ઉંમરથી, નર્સરીથી લઈને બારમા ધોરણ સુધી દર વર્ષે સતત ગોખણપટ્ટી દ્વારા, વ્યવસ્થિત સમજણ આપ્યા વગર અથવા ગ્રહણશક્તિની સીમાઓ જોયા સિવાય ફક્ત પુસ્તકમાંનું જ્ઞાન મગજમાં સંગ્રહી તેને અમુક કલાકોમાં કાગળ પર ઉતારવાની અવ્યવસ્થિત પદ્ધતિ. એ ચૌદ વર્ષ ભણ્યા પછી તેને ગોખણશક્તિના આધારે આગળ વધવા માટેના અનેક વિકલ્પો મળે અને તેના આધારે તેના સમગ્ર ભાવિ જીવનની દિશા નક્કી થાય. અહીં મૂળભૂત રીતે બાળકની આવડત કે તેના રસના વિષયો અથવા તેની ક્ષમતાને ધ્યાનમાં લેવામાં આવતી નથી, ધ્યાનમાં લેવાય છે ફક્ત તેની યાદ રાખવાની – કહો કે અમુક સમય પૂરતું યાદ રાખી ભૂલી શકવાની ક્ષમતા અને તેના વાલીઓની આર્થિક સ્થિતિ.

હા, આપણા સમાજનો આ વરવો ચહેરો છે. અહીં બે સરખા બાળકો – એક આર્થિક રીતે સદ્ધર માતાપિતાનું બાળક અને એક ગરીબનું બાળક – એક સરખી તક લઈને ઉભા હોય તો અચૂક આર્થિક રીતે સદ્ધર માતાપિતાનું બાળક આગળ વધવાનું. ખૂબ પ્રાથમિક સ્તરથી જોઈએ તો આજની આપણી શાળાઓમાં નર્સરીમાં એડમિશન માટે પણ માતાપિતાના ઈન્ટર્વ્યુ લેવાય છે. અને તે પછી તેની ફી હજારોમાં હોય છે. આર્થિક રીતે કંગાળ ગરીબ અને અભણ માતાપિતા આવા ઈન્ટર્વ્યુ થી દૂર ભાગે છે, અને તેમની ક્ષમતા પણ એ શાળાઓની ફી અને ડૉનેશન ભરવા જેવી હોતી નથી. અંતે તેઓ તેમના બાળકોને સરકારી શાળામાં બેસાડે છ જ્યાં ખૂબ નહિવત ફી અને ઈન્ટર્વ્યુ વગર તેમના બાળકને પ્રવેશ મળે છે.

હવે, અહીં એ વસ્તુ સ્પષ્ટ કરી દેવી જોઈએ કે સરકારી શાળામાં ભણતા બાળકો આગળ વધી શકતા નથી એવું કહેવાનો કોઈ આશય નથી. આખરે તો બાળકની પોતાની ક્ષમતા જ તેને આગળ વધવામાં મદદ કરે છે. એટલે હોંશીયાર વિદ્યાર્થીઓ તો એવી શાળાઓમાંથી પણ સારા ગુણ સાથે ઉત્તીર્ણ થશે. પરંતુ સવાલ છે પેલા નબળા બાળકનો જેને અંગત ધ્યાન આપીને જો કોઈએ ભણાવ્યું હોત તો તે પણ ખૂબ આગળ વધી શક્યું હોત. પરંતુ તેના માતાપિતાની અક્ષરજ્ઞાનની અછત, આર્થિક રીતે કથળેલી પરિસ્થિતિ અને એ સંજોગોમાં ઘર ચલાવવા માટે ભણવા કરતા કમાવાની પ્રાથમિકતા આવા બાળકોને અભ્યાસથી દૂર ખેંચે છે. અને એવામાં પડ્યા પર પાટું મારે છે શાળાઓની ફી, મોંઘા પુસ્તકો, નોટબુક્સ અને આજની શાળાઓની કદી ન પૂરી થતી જરૂરતો.

આજનું શિક્ષણ કેટલું ખર્ચાળ છે? આજથી પંદર વીસ વર્ષ પહેલા કોને મોટા મોટા ડૉનેશન અને અધધધ કહેવાય એટલી ફી ભરીને પોતાના બાળકને ભણાવવાનો સ્વપ્ને પણ વિચાર આવ્યો હશે? એક સ્લેટ પેન અને કપડું લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓમાંથી કેટલાય આજે જાણીતા નામ હશે. પરંતુ આપણી શિક્ષણ આપવાની પદ્ધતિની નિષ્ફળતા કહો કે શિક્ષણ આપવાના ઉદ્યોગની આર્થિક સદ્ધરતા અને સફળતા – આજે શિક્ષણ પંદર વર્ષ પહેલાના શિક્ષણ કરતા ક્યાંય મોંઘુ અને છતાંય બિન અસરકારક બની રહ્યું છે. બાળકના શાળામાં પ્રવેશ વખતના ડૉનેશન અને ફી હોય, યુનિફોર્મ અને મોંઘા પુસ્તકો હોય જે વળી શાળામાંથી જ તેમના મોં માંગ્યા દામ ચૂકવીને ખરીદવા પડતા હોય, શાળાએ જવા આવવા બસ અથવા રીક્ષાનો ખર્ચ હોય, જાતજાતના પ્રોજેક્ટ્સ કરવા અને અનેકવિધ તહેવારો ઉજવવાના નામ પર બેફામ ઉઘરાવાતા પૈસા હોય કે અંતે રિઝલ્ટના સમયે માતાપિતાને શિક્ષકો તરફથી સાંભળવી પડતી વાતો હોય, કશુંય ‘શિક્ષણ’ના ખરા અર્થ સાથે ક્યાંય બંધબેસતું નથી.

આ ખર્ચાળ શિક્ષણની જ આડઅસર છે કે વિદ્યાર્થીઓ હવે શિક્ષણથી વિમુખ થઈ રહ્યા છે, આર્થિક રીતે કથળેલા પરિવારોના બાળકો આવું શિક્ષણ મેળવવા કરતા ભણવાનું છોડીને મજૂરી અથવા અન્ય એવા જ નાના રસ્તા શોધી પરિવાર માટે ટેકો બનવાની કોશિશમાં લાગી પડે છે. આમ એક મોટો વર્ગ શિક્ષણથી વિમુખ થઈ જાય છે.

અને જે માતાપિતા ગમે તેમ પોતાના બાળકોના અભ્યાસ માટે પૈસાની જોગવાઈ કરી શકે છે તેઓ સતત તાણમાં જીવે છે. બાળકના એક મહીને ટેસ્ટમાં માર્ક ઓછા થાય કે તેમનું બ્લડપ્રેશર વધી જાય છે, ટ્યૂશન રખાવવામાં આવે છે – દૂબળી ભેંસને ઝાઝી બગાઈ – કહેવતની જેમ નબળા વિદ્યાર્થીને ટ્યૂશન, ગાઈડો અને એવી અન્ય સંદર્ભસામગ્રીના ઢગલા નીચે દબાવી દેવાય છે. એ વધારાનો ખર્ચ વળી વાલીઓને માથે પડે છે અને તેમનું અર્થતંત્ર સતત ખાડે જતું જ રહે છે. અંતે એ સમગ્ર દબાણ બાળક પર આવે છે. ઘણાં બાળકો તેને જીરવી શકે છે, અને મહદંશે જીરવી શક્તા નથી.

દસમા અને બારમાં ધોરણમાં તો વળી એથીય નિરાળા હાલ હોય છે. જાણે જીવનમાં એ બે વર્ષોથી અગત્યની કોઈ ઘટના જ ન હોય એવું દ્રશ્ય રચાય છે. બાળકોને સતત અભ્યાસમાં રત રાખવામાં આવે છે. મોંઘા ક્લાસિસ, શાળાઓ અને તેમાં જવા આવવા માટે વાહન, સ્ટેશનરી જેવા અનેકવિધ ખર્ચાઓ – એટલી હદે વધેલા આ ખર્ચાઓને ઓળખીને હવે બેંકો લોન આપવા માંડી છે. પહેલાના સમયે ઘર બાંધવા લેવાતી લોન જેટલી જ લોન હવે બેંકો આવા અભ્યાસક્રમને પસાર કરવા આપે છે. પણ એ લોન અને તેના મુદ્દલ – વ્યાજના ચક્કરમાં ફસાયેલા પરિવારો કદીક તો સંતાન કમાતું થશે અને ઘર ફરી સદ્ધર થશે એ જ આશામાં સંઘર્ષ કર્યા કરે છે. અને આટલેથી વાત અટકતી હોય તો ય શું જોઈતું હતું. આટઆટલા ખર્ચા, મહેનત અને કરકસર પછી પણ બાળકનું ભવિષ્ય નિશ્ચિત નથી. તેને અન્ય બાળકોની દેખાદેખીએ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવું છે. તેને અહીંની યુનિવર્સિટીઓમાં મળતી ડિગ્રીની કિંમત ખબર પડી ચૂકી છે, અને એટલે ભવિષ્યને નિશ્ચિંત કરવા મથતા વાલીઓ તેની એ ઈચ્છા પણ પૂરી કરવા ફરી એક નવા સંઘર્ષમાં જોડાય છે. અને શરૂ થાય છે એક નવી લોન… આ બધા દબાણને અંતે બાળક ક્યારેક બાજી જીતી જાય છે, મહદંશે ઠીક ઠીક નીકળે છે અને ક્યારેક જીવનથી જ હારી બેસે છે – બોર્ડની પરિક્ષાના સમયે આત્મહત્યાના કેટલા કિસ્સા આપણે અખબારોમાં વાંચીએ છીએ? એ આપણી આ અર્થકારણ આધારિત શિક્ષણ પદ્ધતિની ભયંકર નિષ્ફળતા નહીં તો બીજુ શું સૂચવે છે?

સમજણ વગરના જ્ઞાનને શિક્ષણ સમજતા અને એના માટે અધધધ ખર્ચો કરતા – કરાવતા આપણા વ્યવસ્થાતંત્રને એક બહુઆયામી મૂળભૂત બદલાવની જરૂર છે. એના વગર આ ખર્ચાળ પરંતુ કોઈ દેખીતા અર્થ વગરનું શિક્ષણ કેટલાય બાળકોના જીવનને આમ જ ખોટા રસ્તે દોરતું રહેશે. આવતીકાલના સુવર્ણમય ભવિષ્યની કલ્પના કરવા આરામની નિંદર પહેલા આ શિક્ષણ પદ્ધતિના ધરમૂળથી બદલાવા માટે પ્રયત્નની શરૂઆત ક્યાંથી થવી જોઈએ?

આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “આજનું ખર્ચાળ શિક્ષણ -પ્રશિક્ષણ – અશિક્ષણ – જિજ્ઞેશ અધ્યારૂ

 • Mital s patel

  શિક્ષણ જ્યાં સુધી જાહેર ક્ષેત્ર[[સરકારી]માટે મર્યાદીત હતું તયારે શિક્ષણ ઓછું ખર્ચાળ રખાયું તો હતું પરંતુ ન તો રાજ્યનાં સાધનોથી તેનો વ્યાપ વધતી જતી માંગને પહોંચી વળવામાટે પૂરતાં જણાયાં હતાં ન તો અમલદારશાહી ઢબની વ્યવસ્થા શિક્ષણની વદતી જતી સીમાઓને અનુરૂપ થઇ શકે તેમ મનાતું હતું. આમ ખાનગી ક્ષેત્રને આ ક્ષેત્રમાં ભાગીદારી મળી.
  પરંતુ, ખાનગી ક્ષેત્રની મૂડીવાદી સ્વાભાવિક વિચારસરણીએ તેને માત્ર મોટો નફો રળવામાટેની એક વ્યાપારિક પ્રવૃતિ જ ગણ્યુ હોય તેમ લાગે છે.
  મુક્ત-બજાર અર્થતંત્રમાં જો ઉત્પાદન ઉપભોગતાની જરૂરીયાતને પૂરી ન કરતાં જણાય તો બજાર તે ઉત્પાદક ને અને જરૂરપડ્યે તે ઉત્પાદનને [કમસે કમ તે સ્વરૂપમાં તો]જાકરો આપી દે. પરંતુ આપણાં ખાનગી+જાહેર ક્ષેત્રના શિક્ષણના ‘ઉત્પાદકો’ને હજૂ માંગ-પૂરવઠાની પરિસ્થિતિનો ફાય્દો એટલો બધો છે કે તેનાં ‘ઉત્પાદનો’ [ડીગ્રીધારી વિદ્યાર્થિઓ]ને નોકરી લાયક બનવામાટે બીજાં બે-એક વર્ષની વ્યવહારીક તાલીમ મળે તો જ કામ થાય તેમ જણાય છે તો પણ તેઓ પોતાનં ઉત્પાદનોની કિંમત [ફી] ઘટાડતા નથી કે ન તો તેની ગુણવતા સુધારવા માટે કોઇ સન્નિષ્ઠ પ્રયત્ન કરતા જણાતા.

 • Mital patel

 • Haresh Patel

  Jigneshbhai,
  Whenever, I have thought about our education system & the thoughts that have strike my mind are ditto what you have narrated above. But then I feel how many people in this universe feels like this? Would you mind if I suggest you to share this article on FACEBOOK & other s-media, may be just as a try to put forward this “THOUGHT” to unknown “MASS” who also think this way….

 • PRAFUL SHAH

  VERY TRUE, WHO UNDERSTAND? GOVT., VALI. SCHOOL ? OR NOT ANY OF OR ALL OF US?.ACCEPT YOU WRITE AND WE SAY VERY NICE.
  NEED CHANGE- TRUE BUT IS THERE DEMAND. IF NOT EDUCATION FOR EARNING WILL GO ON, AS COMMERCIAL NEED.NOT FOR MORAL NEED.
  SYSTEM BEFORE 200 YEARS WAS TOLD BY MECOLO IN BRITISH PARLIAMENT AND THEY HAVE DONE TO MAKE PROSPEROUS INDIA TO RUIN INDIA, THIS IS TRUE I HAVE MANY E.MAILS TAB AND AB, EDUCATION SYSTEM IN INDIA GANDHIJI HAS REQUESTED A SERVEY ETC..NOW SYSTEM HAS TAKEN DEEP ROOTS AND SITUATION NEED HARD WORK TO CHANGE..

 • rahul

  જીગ્નેશ ભાઈ …..લેખ સારો છે અને અત્યારની પરિસ્થીતી નું સમર્થન પણ કરે છે..અત્ત્યારે ઘણા અખબારો માં, સામયિકો માં, નેટ નાં બ્લોગ ઉપ્પર આ પ્રશ્ન વારંવાર ચર્ચાયો પણ છે…બધા એ એના ઉપર વિસ્તૃત મંતવ્યો પણ આપ્યા છે અત્યારે અપાતા શિક્ષણનું બહુ વરવું સ્વરૂપ આપને જોઈએ શકીએ છે અને એ વ્યક્ત પણ કરી શકીએ છીએ..પણ પ્રશ્ન એ થાય કે શિક્ષણ કેવું હોવું જોઈએ અને આજના સમાજમાં એવા ઉન્નત શિક્ષણ નાં પ્રયોગો ક્યા ચાલે છે? અને એની માહિતી જો વાચકો સમક્ષ મુવ્કવામાં આવે તો બહુ સારી સહાય થાય અને વાચકો અને વાલીઓ પણ સમજી શકે કે મારે મારા સંતાન ને કેવા પ્રકારનું શિક્ષણ આપવું છે ? અને એને વિશ્વાસ પણ થવો જોઈએ કે હું આવી રીતે શિક્ષણ આપતી સંસ્થા માં મારા સંતાન ને મુકીશ તો એ એક ખરા અર્થ માં જ્ઞાનપિપાસુ, દીર્ઘદ્રસ્તીવાલો, અને ખરા અર્થ માં નાગરિક બનશે…..!!!!!!!!!!

 • vijay joshi

  one other comment I like to make. There is a difference between an “education” and “targeted training” we need more well-rounded education including teaching humanities and liberal arts otherwise we will have just robotic technocrats!!

 • vijay joshi

  Jigneshbhai,
  well said and kudos to you for tackling such social issues. This is legal descrimination and national shame. Why should a fellow human being denied the rights to basic good education? We are creating a new class system
  replacing the age old caste system!!

 • Ashok Vaishnav