બે વૈવિધ્યસભર લેખ – હર્ષદ દવે 2


૧. પતિ પત્ની અને સ્વોટ વિશ્લેષણ

પતિ-પત્નીનો સંબંધ પ્રેમના પાયા પર ટકે, વિશ્વાસ પર ટકે અને તેમાં પરસ્પરને સારી રીતે સમજીને એકબીજાને અનુકૂળ થવું જરૂરી છે. ઘરમાં વાસણ હોય તો ખખડે પણ ખરાં’ ઉક્તિમાં કહેવાયેલું તાત્પર્ય એ છે કે ક્યારેક ગેરસમજ કે ગુસ્સાના આવેશમાં તણખા ભલે ઝરે પરંતુ સર્વનાશી આગના ભડકા ન થવા જોઈએ.

પ્રેમ ઉપરાંત સમજની અને કાયદાની સંમતિ પણ આ સંબંધને સાંપડેલી છે. કાયદો સંબંધને જાળવી ન શકે, પરાણે ટકાવે! એક અનુભવી વડીલે હળવી શૈલીમાં પત્ની વિશે જે કહ્યું તે જાણીને મને ખબર પડી ગઈ કે તે વકીલ છે-

જો તમારી પત્ની તમારી સાથે ન બોલે – તો તે સારી વાત કહેવાય.
જો તે છૂટાછેડા લેવા ઈચ્છે તો તે ખરાબ વાત કહેવાય !
પરંતુ જો તે વકીલ હોય તો તે બહુ ખરાબ ગણાય !!

સમાજમાં માણસનું અને ઘરમાં પતિ-પત્નીનું સ્થાન અનોખું છે. ‘પુત્ર અને પુત્રવધુ’, ‘માતા-પિતા’, ‘કાકા-કાકી’, ‘દાદા-દાદી’, ‘મામા-મામી’, ‘માસા-માસી’ અને ‘ફઈ-ફુવા’ જેવા સંબોધનોથી યુગ્મ પરિચય પ્રાપ્ત થાય છે. ‘જીવનસાથી’ શબ્દ બહુ જ અર્થ સભર છે. એક વિશ્લેષણ અનુસાર –

તમારી પત્ની તમારી શક્તિ છે – સ્ટ્રેન્થ
તમારા પાડોશીની પત્ની તમારી નબળાઈ છે – વીકનેસ
તમારી પત્ની બહારગામ જાય તે તક ગણાય – ઓપર્ચ્યુનિટી
તમે બહાર જાઓ તે ભય ગણાય – થ્રેટ

આવું વિશ્લેષણ વાતાવરણ ભારેખમ હોય તો હળવું બનાવી દે! (આને સ્વોટ વિશ્લેષણ કહે છે!)

આ સંબંધમાં તત્વજ્ઞાનીઓ બહુ ઊંડા ઉતરતા નથી પરંતુ કોઈએ તત્વજ્ઞાનના બે નિયમો રજૂ કર્યા છે જે દરેક ‘યુગલે’ જાણવા જેવા છે –

નિયમ ૧ – દરેક વિષય પર બે પ્રકારના તત્વજ્ઞાનીઓ અવશ્ય હોય છે.

એક એવા કે જેઓ સમાન વિચારધારા ધરાવતા હોય છે અને બીજા વિરુદ્ધ વિચારસરણી ધરાવનારાઓ.

નિયમ ૨ – નિયમ એકમાં દર્શાવેલા બન્ને પ્રકારના તત્વજ્ઞાનીઓ ખોટા હોય છે.

ભૂલકણા પ્રોફેસરને રસ્તામાં તેમની પત્ની મળે તો એવું પણ કહે – ‘મેં તમને ક્યાંક જોયા હોય તેવું લાગે છે.’ અને પત્નિ એવું માનતી હોય છે કે અમારા એ તો બહુ ભોળા છે.

પતિ જાણી જોઈને પત્નીને ભૂલી જાય એટલા ભૂલકણા ન હોવા જોઈએ અને પત્નીએ તેના ‘એ’ ના ભોળપણ વિશે વધારે પડતાં વહેમમાં ન રહેવું જોઈએ.

વર્તમાન સમયમાં ‘ગૃહિણી’એ ગૃહમાં જ રહેવું જરૂરી નથી. તે ગૃહસ્થને ઘરે (અને) બાહિરે સહાયક બની શકે છે. આવી વધારાની કોઈ જવાબદારી પતિ પર નથી. તેથી તેણે પત્નીને આદર અને સન્માન આપી પોતાની નૈતિક, સામાજિક અને વ્યક્તિગત જવાબદારી નિભાવવી જોઈએ. ‘કેર’ કરતા હોય તે કાળજી રાખે છે. પતિ-પત્નીના શબ્દકોશના દરેક પાને પ્રેમ, વિશ્વાસ, સમજણ, સહકાર અને સહનશીલતા જેવા શબ્દો હોવા જોઈએ. તોજ તે શબ્દકોશ ‘સાર્થ’ ગણાય છે, ભલે તેમાં બેવફા(ઈ) શબ્દ ન હોય! અને આવા જીવનનાં શબ્દકોશમાં ‘ઇમ્પોસિબલ’ શબ્દ ન આવવો જોઈએ કારણકે ‘આઈ એમ પોસિબલ’ અથવા ‘એવરીથીંગ ઈઝ પોસિબલ…’

૨. જરા ગુજરાતી ગુંજન

કોઈએ પ્રશ્ન કર્યો – ‘તમે અંગ્રેજી ભાષાને આટલું બધું મહત્વ કેમ આપો છો? આપણી ગુજરાતી ભાષાને કેમ નહીં?’

તેમણે સમજાવ્યું કે આજના મોર્ડન જમાનામાં અંગ્રેજી ભાષા ન આવડે એ શરમજનક બાબત કહેવાય. અંગ્રેજી ભાષા વગર આગળ વધવું શક્ય નથી. ગુજરાતની બહાર ગુજરાતી ભાષા કોઈને આવડે નહીં. આમ ઘણું કહ્યું.

ફરી પ્રશ્ન, ‘અંગ્રેજી જ કેમ?’

જવાબ ‘એ બહુ કામની ભાષા છે.’

છેવટે તેમણે કહ્યું, ‘અંગ્રેજી બહુ કામની ભાષા છે તેથી તેની પાસે કામવાળીની જેમ કામ લઈ શકાય પરંતુ તેને ‘ગૃહિણી’નો દરજ્જો ન આપી શકાય.

ગુજરાતી ભાષા માટે ગુજરાતીઓ જ ઉંચો અભિપ્રાય ન ધરાવે તો અન્ય પાસે શી અપેક્ષા રાખીએ? આપણી ભાષાનું ગૌરવ આપણે જાળવવું જ રહ્યું. ગુજરાતી ભાષામાં પણ ‘રિ-મિક્સ’ની જેમ ઘણું ‘મિક્સ’ થતું જાય છે. ભાષાને જીવંત રાખવા માટે તે સમયની સાથે નવા શણગાર ભલે ધરે પરંતુ ભાષાના ભોગે તેને આછકલી ન બનાવી દેવામાં આવે તે માટે સાવધ રહેવું જોઈએ. અંગ્રેજી શબ્દની જોડણી (સ્પેલિંગ) ખોટી હોય તો ન ચાલે ત્યારે ગુજરાતી ભાષામાં જોડણી દોષ શી રીતે ચલાવી લેવાય?

નવી પેઢીને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ રહે, વધે તે માટે જૂની પેઢીએ હવે અનિવાર્યપણે જહેમત ઉઠાવવી પડશે, પણ ‘કૂવામાં હશે તો….’

કમ્પ્યુટર, ટીવી, મોબાઈલ, આઈપોડ જેવા સાધનો અને બાળકો / યુવકોની વધતી જતી સ્વચ્છંદતા ગુજરાતી ભાષાનો ભોગ ન લઈ લે તે જોવાની જવાબદારી કોની છે? ‘મારી એકલાની તો નથી જ’ એવું વિચારવા સહુ પ્રેરાય… પણ તેનું પરિણામ? શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની ‘વિપ્રદાસ’ (દેવદાસ નહીં) કથામાં જે રત્ન સમો ‘પત્ર’ છે એવા પત્રોનું સ્થાન અળવીતરા એસ.એમ.એસ એ પચાવી પાડ્યું છે.

સાહિત્ય અને સંગીતની પણ દશા બેઠી છે. રશિયામાં માત્ર રશિયન ભાષાનું જ ચલણ છે, ચીનમાં પણ ચીની (મેંડેરિન) ભાષાનું જ પ્રભુત્વ છે. આપણે જેને દેવભાષા કહીએ છીએ તે આપણી બધી ભાષાઓની જનેતા સમી સંસ્કૃત ભાષાને આપણે આંબી શકીએ નહીં (કે આંબવા ન ઈચ્છીએ) એવે સ્તરે આરૂઢ કરી દીધી છે. ‘સાર્થ’ શું છે કે ‘ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન’ શું કરે છે? તેનો જવાબ બહુ ઓછા લોકો આપી શક્શે.

શહેરીકરણની વૃદ્ધિ થતી જાય છે અને શહેરોમાં ગુજરાતી ભાષા ઘસાતી, ક્ષીણ થતી જાય છે. મહાનગરોમાં ગુજરાતી ભાષા ડચકાં ખાય છે. અંગ્રેજી ‘એક્સલન્ટ’ હોય તે ગમે પરંતુ ગુજરાતીમાં ગરબડ થાય એ કેમ સહન થાય? અભિયાન ચલાવો ગુજરાતી ભાષાનો આદર થાય તેવું! ઝુંબેશ ઉપાડો ગુજરાતી ભાષાની ઝનૂનપૂર્વક! ગુજરાતી ભાષાનું અસરકારક આંદોલન ચલાવો! એવી ચળવળ બનાવો કે ગુજરાતી ભાષામાં ગડબડ ન રહે પણ ગગનભેદી ગૌરવ ઉઠે. ‘અખંડ આનંદ’ જોઈએ તો ‘નવનીત સમર્પણ’ કરો. હે ‘કુમાર’ તું જ તે કરી શકે. ‘હું એકલો શું કરી શકું?’ એવું ન વિચારીએ. જે કાંઈ, જેટલું પણ થઈ શકે, યથાશક્તિ, યથામતિ, યથાશક્ય પ્રયાસ કરીએ… હું, તમે, આપણે સહુ… ત્યારે ગુજરાતીમાં ગજબ થઈ જશે.

બિલિપત્ર

સંકલ્પ – હું રોજ ગુજરાતીમાં કાંઈક સારુ વાંચીશ, લખીશ, બોલીશ અને અન્યને પણ તેમ કરવા પ્રેરીશ.

શ્રી હર્ષદભાઈ દવેએ ચિંતન અને વિચારપ્રેરક પુસ્તકોના ગુજરાતી અનુવાદ આપ્યા છે. ‘ફૂલછાબ’ દૈનિકની સાપ્તાહિક પૂર્તિમાં એમણે ટૂંકા પરંતુ ચોટદાર પ્રસંગોને લઈને ‘પલ દો પલ’ નામની કટાર અંતર્ગત જે લેખો લખ્યા તેનું નાનકડું પરંતુ અસરકારક અને સુંદર સંકલન એટલે આ પુસ્તક – ‘પલ દો પલ’. આ પુસ્તક વૈવિધ્યસભર ટૂંકા પ્રસંગોને આવરી લઈને કોઈ ઉપદેશ આપવાની કોશિશ વગર ફક્ત એક પ્રસંગ તરીકે રજૂ કરે છે. તેમાં ક્યાંક ગંભીર વિચારપ્રેરક લેખ પણ છે તો ક્યાંક રમૂજ પણ ઝળકે છે. આજના માણસને વાંચનમાં પણ લાઘવ અને વૈવિધ્ય જોઈએ છે. સંસ્કૃત મિમાંસકોએ એવું કહ્યું છે કે જો કાનો અને માત્ર પણ બચાવી શકાય તો પુત્રજન્મ જેવો આનંદ થાય. હર્ષદભાઈએ પ્રસ્તુત પુસ્તકમાં અનેક પુત્રજન્મનો આનંદ વહેંચ્યો છે. એક અવશ્ય વાંચવા જેવું રત્ન અને ૫૯ નાનામોટા લેખોના આ સંગ્રહમાંથી આજે બે કૃતિઓ પ્રસ્તુત કરી છે. ‘પતિ-પત્ની અને સ્વોટ વિશ્લેષણ’ તથા ‘જરા ગુજરાતી ગુંજન…’ શીર્ષક ધરાવતા આ બે લેખ સુંદર અને અનોખા છે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “બે વૈવિધ્યસભર લેખ – હર્ષદ દવે