ખચ્ચાક (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક 11


“ખચ્ચાક”

એક જ ઝાટકો અને નાળીયેરનું ટોચકુ ઉછળીને દૂર પડ્યું. હંમેશની માફક એ ૧૦ રૂપિયા આપીને બે ભૂંગળીઓ લઈ કિનારા પર બેઠેલી પ્રેમિકા તરફ વળ્યો. આ પ્રેમ હતો કે કંજૂસાઈ તે સમજી ન શકતો નારીયેળપાણીવાળો ટેવ મુજબ એની સામે જોઈ કંઈક બબડે છે.

દરિયો પોતાના કિનારે થતા જીંદગીના આવા અનેક ખેલોને રોજ માણતો હશે. કોઈ વખત પોતાની સામે કલાકોથી તાકીને બેઠેલા કોઈ કવિની રચના કેવી થઈ હશે તે જાણવા તલપાપડ થતો હશે, તો કંયારેક દીકરાએ તરછોડેલ ઘરડા મા-બાપ જયારે વાતો કરતા કરતા અનાયાસ જ કિનારે માટીનો ઢગલો કરીને ઘર બનાવી દેતા હશે ત્યારે દરિયો આ માવજત સાચવવા કિનારાથી દૂર ચાલ્યો જતો હશે. કંઈ કેટલાય અઠંગ પ્રેમીઓની સુંવાળી વાતો દરિયાએ મોજાના કાન સરવા કરી સાંભળી હશે જ! એને મન આ બધું રોજનું થયું, પણ આજે દરિયાએ કંઈક અજુગતુ જોયું. આજે ચાલુ દિવસ એટલે કિનારે શનિ-રવિ જેવી ભીડ નહીં. ત્યાં અચાનકજ બત્રીસેક વર્ષનો એક યુવાન ઉતાવળમાં દોડતો આવ્યો. કપડાં જોઈને લાગતું કે જાણે હમણાં જ તેનો એક્સિડન્ટ થયો હોય. જમણા ઢીંચણમાં ખૂબ છોલાયું છે અને કાનની પાછળના ભાગમાં પણ સારું એવું વાગ્યું હોય તેમ લાગે છે પણ વર્તણુકમાં ક્યાંય વાગ્યું હોય તેમ નથી લાગતું. ઉપરથી એને તો ચિંતા હતી કે ક્યાંક મોડો ના પડી જઉં.

કાંડા તરફ નજર ગઈ ત્યારે ખબર પડી કે ઘડીયાળ પણ ઍક્સિડન્ટની જગ્યાએ જ પડી ગઈ છે.

એ બબડ્યો, “હશે ! આમેય સંજયનું બાઈક મારાથી તૂટયુ છે જ. એના પૈસા થશે તેની સાથે સાથે નવી ઘડીયાળનો ખર્ચ પણ કરી નાખીશ. શાંતિ તો એ વાતની છે કે હું મોડો નથી પડ્યો. હજી સુધી તે આવી નથી.”

તરંગ શારદેન્દુ માંકડ. સરળ સ્વભાવ અને માંકડ જેવી અટકે એને નાનપણથી જ શરમાળ બનાવી દીધો હતો. સ્કૂલના મિત્રોથી લઈ ઓફિસના કર્મચારીઓ સુધી બઘા માંટે માંકડ એ એની અટક નહી પણ ખીજ હતી. આ જ સંકોચમા એ કોઈની સાથે છૂટથી વાત પણ નહોતો કરી શકતો. એને સતત થયા કરતું કે લોકો મારી સાથે વાત નથી કરી રહ્યા પણ માંરી મજાક ઉડાવી રહ્યા છે. પાંચ વર્ષથી ઓફિસર થયેલા તંરગને બોસની સેક્રેટરી શૈલજા ખૂબ ગમે. સંતાઈને ટીકીટીકીને એને જોઈ રહેતો. તંરગની સામે જો ભૂલથી પણ શૈલજા આવે તો આ સાહેબની બોલતી બંધ થઈ જાય.

આજે અચાનક જ શૈલજા એની કેબીનમાં આવી. કંપનીના લેટરપેડ પર પોતાનો પર્સનલ લેટર તંરગના હાથમા આપીને સરસ મજાનું હસીને ચાલી ગઈ. શ્રીમાન માંકડ માંટે આ અગત્યની ઘટના હતી. થરકતા હાથે તેણે કાગળ ખોલ્યો, જેમા લખ્યું હતુ….

“તંરગ,

મને ખબર છે તને હું ગમું છું અને ફૉર યોર કાઈન્ડ ઈન્ફોર્મેશન આખી ઓફિસને ખબર છે કે હું તને ગમું છું. બધા રાહ જુએ છે કે તુ મને ક્યારે પ્રપોઝ કરે છે… ઈનફેક્ટ સાચુ કહું તો હું પણ..

પણ બસ, હવે હું રાહ જોઈ જોઈને કંટાળી છું. ઈનફ ઈઝ ઈનફ.

આજે ઓફિસ પતાવી જામ્પોરના દરિયા કિનારે બરાબર ૬.૦૦ વાગ્યે આપણે મળીશું અને ત્યાં તું મને પ્રપોઝ કરશે… જો તારે જવાબ હા માં જોઈતો હોય તો….

શૈલજા”

કાગળ વાંચીને પાણી પાણી થઈ ગયેલા તંરગના જીવનમાં પહેલીવાર હિંમત આવી. સાડા પાંચે ઓફિસના એકમાત્ર અંગત કહી શકાય એવા મિત્ર સંજયનું બાઈક માંગીને કંઈક જુદી જ અનુભૂતિ સાથે એ દરિયા કિનારા તરફ જવા નિકળ્યો. બાઈક ચલાવતા પણ પેલા વિચારો તો ખરાં જ..

“હું નીકળ્યો ત્યારે અનુજ અને વર્ષાદીદી ઓફિસમાં મને જોઈને હસતા હતાં. કદાચ શૈલજાએ એમની સાથે મળીને મારી મજાક તો નહી કરી હોય..?”

“ના.. ના, મારી શૈલજા મારી સાથે આવું ના કરે..”

“કદાચ મારું ભાગ્ય ફળ્યું. આ વર્ષ મારા માંટે સારુ છે એવુ સંદેશના પંચાગમા લખ્યું હતું”

“શૈલજા તંરગ માંકડ… ના ના, માંકડ નહીં. હું લગ્ન પછી તેને કહીશ કે તું સરનેમ તારી જ રાખજે.. ના માંકડ નહીં..”

વિચારમાં ને વિચારમાં દમણગંગા પુલના છેડેના વળાંકે પૂરપાટ આવતા ટેમ્પા સાથે અથડાયો. શૈલજાને મળવાની ઉતાવળ હતી કે બીજુ કંઈ, પણ પડતાની સાથે જ ઊભો થઈ ગયો. બાઈક તૂટ્યું હશે તો પછી રીપેર કરાવીશ એમ વિચારીને જમ્પોરના દરિયા તરફ દોડયો. આગળ જતા કદાચ એક વાર પાછું ફરીને જોયુ હતુ. ત્યા મોટુ ટોળુ હતું. કદાચ ટેમ્પાનો ડ્રાઈવર ભાગી ગયેલો. “બીચ્ચારો…” તેમાંની માછલીઓની કંઈક અજબ ગંધ દૂર સુધી પણ આવતી હતી.
આજે દરિયો જેને જોઈને એક નવી વાર્તા જોવા મળશે એમ માની ઘૂઘવી રહ્યો છે તે તંરગા આ પોતે. કિનારે ફરતા ભેળપૂરીવાળાને ટાઈમ પૂછ્યો પણ એણે સામું જોવાની તસ્દી સુધ્ધાં ના લીધી. તંરગ અકળાયો, એક તરફ શૈલજા અને બીજી તરફ કેટલા વાગ્યા હશે તે પ્રશ્નમાં તે ફસાયો.

અચાનક જ પાછળથી એક ખૂબ પરિચિત અવાજ તેને સંભળાયો.

“અરે યાર તંરગ, એક છોકરીએ બોલાવ્યો એટલે આવું દોડવાનું? મને પણ સાથે નહીં રાખવાનો?”

આવેલ વ્યક્તિએ તંરગની કંપનીનો જ યુનિફોર્મ પહેર્યો હતો. તંરગ એને ઓળખી ન શક્યો પણ અવાજ એને બહુજ જાણીતો લાગ્યો.

તેણે પૂછ્યું, “સૉરી, પણ તમે કોણ?”

અને જવાબમાં એ હસ્યો અને બોલ્યો, “બસને? આ છોકરીઓ ચીજ જ એવી છે. માણસ પોતાની જાતનેય ભૂલી જાય. ચાલો ત્યારે, મારી ઓળખાણ કરાવી દઉં. હલો, હું તરંગ શુભેન્દુ માંકડ”

તંરગ તેના સ્વભાવ વિરુદ્ધ કદાચ પહેલી વાર ચીડાયો. “શું મજાક કરો છો? જુઓ હું કામ માંટે આવ્યો છું. મને કોઈ મળવા આવવાનું છે. તમે પ્લીઝ જરા અંહીથી જાવ તો સારુ..”

“શૈલજા સનત વ્યાસ. ઉંમર વર્ષ ૨૯. કંપની સેક્રેટરીનો કોર્ષ કરેલ છે. ત્રણ ભાઈઓની એકની એક બહેન છે. બહુજ બોલકણી છે. વાત કરતા કરતા હાથમાંની પેન્સીલથી જયારે વાળની આગલી લટ કાન પાછળ ગોઠવે છે ત્યારે તું આખેને આખો પલળી જાય છે. હજી વધુ કશું કહું?” પેલો એકી શ્વાસે બોલી ગયો.
તંરગ ગભરાયો, “આ બધું.. તમને.. તમને કેવી રીતે…?”

પત્યુત્તર કહે, “મને તો એ પણ ખબર છે કે તું અત્યારે એની રાહ જુવે છે પણ એ આજે અંહીં નહીં આવે”

“અરે પણ એની તમને શેની ખબર? તમે છો કોણ?” તંરગ ચકરાવે ચડ્યો.

“મે તને મારી ઓળખ આપી ભાઈ.. હું તંરગ માંકડ.. સાવ સાદી ભાષામાં કહું તો તારો અંતરઆત્મા..” નવા આવેલ વ્યક્તિની આંખમા ગજબનો આત્મવિશ્વાસ હતો.

તંરગ થોથવાયો, “શું બકવાસ કરો છો? તમે મારી અંતરઆત્મા હોવ તો તમે મારા જેવા દેખાવા જોઈએ ને?”

‘અટહાસ્ય’ – “તારી સાથે આ જ પ્રોબ્લેમ છે. કોઈ પણ જગ્યાએ લોજીક કોઈ પણ રીતે ફિટ કરી દઉં છું. કોણે કહ્યું કે માણસ તેના અંતરઆત્મા જેવો જ દેખાતો હોય. અને એવુ હોય તો ધણા બધા માણસો તો સખત બિહામણા લાગતા હોત… તારું શું કહેવુ છે આ લોજીક પર?”

તંરગે સંશય વ્યક્ત કર્યો, “ચાલો, હું માની લઉં કે તમે મારો અંતરઆત્મા છો. તો પછી તમારે તો એમ કહેવુ જોઈએ કે હમણાંજ શૈલજા આવશે.. તમે એમ કઈ રીતે કહી શકો કે તે નહીં જ આવે?”

“કારણ કે હું જાણું છું કે તે નહીં જ આવે.” અંતરઆત્માએ વિશ્વાસ વ્યક્ત કર્યો અને તંરગના ઉતરેલા મોંને જોઈને તરતજ મૂડ બદલ્યો કે “અચ્છા ચલ છોડ.. કહે કે એ હમણાજ આવશે તો તું શું કરીશ?”

તંરગ તત્પરતાથી બોલ્યો “હું .. હું એને પ્રપોઝ કરીશ.”

અંતરઆત્માએ હસીને પૂછ્યું, “તું પ્રપોઝ કરીશ! કંઈ રીતે?”

તંરગ તોતડાયો, “હું… હું કહીશ I ..L..o..v..e.. Y..o..u”

“આ રીતે તો એ ચોક્કસ ના પાડીને જતી રહેશે.”

તંરગને ગુસ્સો ચડ્યો, “તો પછી હું શું કરું?”

અંતરઆત્માએ સળી કરી. “તને આમ તો.. Oh Sorry આપણને આમ તો કવિતાઓ એકલામાં લખવાનો શોખ છે. તો પછી તું તેને એક કવિતા સંભળાવજે”
“હા, હું એને માંટે કવિતા લખીશ.” તંરગ પ્રયત્ન કરે છે પણ કોઈ રચના બની શક્તી જ નથી.

પેલો હસીને કહે છે, “છોડને દોસ્ત.. કોઈ માણસ કંયારેય કોઈ કવિતા લખી શકતો જ નથી. કવિતાઓનુ સર્જન તો અંતરઆત્મા જ કરતી હોય છે.”

આમ કહીને તંરગને કવિતા ગોખાવડાવવાનું શરૂ થાય છે. તંરગ કશું યાદ રાખી શકતો નથી અને સામે છેડે પેલો એમ જ કહીને ચીડવે છે કે “બધું વ્યર્થ છે, એ વાત નક્કી છે કે શૈલજા આવશે નહીં”

તંરગનો વિશ્વાસ સમય જતા દ્રઢ થાય છે, એ આવશે.. અને હું એને કવિતા ગઈને પ્રપોઝ કરીશ. “થેન્કયુ પણ તમે હવે જાવ”

પેલો પાસેના એક મોટા પથ્થર ઉપર જઈને બેસે છે.જમ્પોર બીચના કિનારાના રસ્તેથી એક લાંબી સાઈરન સાથે એમ્બ્યુંલન્સ પસાર થાય છે. તંરગની નજર ત્યાં પડે છે. આગળની બારીઍ શૈલજાને રડતી બેઠેલી જોઈને એ બેબાકળો બને છે. એ દોડવા જાય છે અને ત્યાંજ પેલો તેને પ્રશ્ન પૂછે છે, “ક્યાં જાય છે?”
“શૈલજા પાસે .. તેને મારી જરુર છે. એના ઘરનુ કોઈ વ્યક્તિ સખત બિમાર લાગે છે. હું હોસ્પીટલ જઉં છુ. એને મારી જરુર છે” તંરગનુ પગલું ઉપડવા જાય છે. અને અવાજ સંભળાય છે કે, “શૈલજાને અત્યારે તારી જ તો જરુર છે.. કારણ કે એ એમ્બ્યુલન્સમા તું જ તો છે, અરે સૉરી, તારી લાશ છે. હું હજી પણ તારી સાથે છું એમ માની લોકો અને શૈલજા તને હોસ્પીટલ લઈ જઈ રહ્યા છે”

તંરગ જડવત બની જાય છે. તેને થાય છે કે આ માણસ શું બોલી રહ્યો છે? અને અચાનક તેને પોતાનો અકસ્માત યાદ આવે છે.

“તંરગ, તુ મરી ચૂક્યો છે. અત્યારે તું આત્મા વગરની ભટકતી ઈચ્છા છે. મને ખબર છે કે આ બધું સમજવુ જરાક અઘરું છે પણ સાદી ભાષામાં કહું તો તું એક ભૂત છે. હું તો તારામાંથી એજ ક્ષણે નીકળી ગયો હતો જયારે આપણો અકસ્માત થયો. પેલુ કહ્યું છે ને કે છેલ્લી ઈચ્છા માણસ ને સુખેથી મરવા પણ ન દે અને તારી છેલ્લી ઈચ્છા તો એટલી પ્રબળ હતી કે તને પોતાને ભાન સુદ્ધાં ના થયું કે હવે તું તું રહ્યો નથી.

વિચાર કર કે તને આટલુ વાગ્યું હોવા છતાં દુઃખતું કેમ નથી? પેલા ભેલપૂરીવાળાને તે સમય પૂછ્યો હતો, કેમ તેણે તારી સામું પણ ન જોયું? છેલ્લા ઘણા સમયથી આપણે બન્ને જણા મોટે મોટેથી વાતો કરી રહ્યા છીએ – આ કિનારે કોઈ પણ આપણને કેમ જોઈ નથી રહ્યું?”
તંરગ એકધાર્યુ તેની સામે જોતો હતો. આત્મા એ આગળ ચલાવ્યું, “બસ હવે થોડી ક્ષણોમાં હું ફરી પાછો બાળક બની ને કોઈકના ઘરે જન્મ લઈશ. આ વખતે આશા રાખુ છું કે માંકડ જેવી અટક ના હોય. અને રહી વાત તારી.. તું તો એક ઈચ્છા છે. શૈલજાની રાહ આમ જ અહીં જોતો રહેજે. ચાલ દોસ્ત, તારી જોડે જીવવાની મઝા આવી …”

તંરગનો આત્મા ત્યાંથી વિદાય થાય છે. પોતે શું છે તેની કલ્પના કરતો તંરગ ગાંડાની જેમ સાગર સામે જોયા કરે છે. એક જ ઝાટકે આખી જીંદગી હતી ન હતી થઈ જતા જોઈ દરિયા નેય એને સાંત્વન આપવાનું મન થાય છે અને ત્યાં જ બબડતો બબડતો નારીયેળપાણીવાળો નારીયેળ પર એક ઝાટકો મારે છે.. અને દરિયા ને અવાજ સંભળાય છે “ખચ્ચાક…”

– હાર્દિક યાજ્ઞિક

હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમરચનાનો સ્વાદ અને આનંદ આપણે અનેક વખત લઈ ચૂક્યા છીએ. અક્ષરનાદ પર તેમની કૃતિઓ ખૂબ નિયમિતપણે આવતી રહે છે. અને તેમની રચનાઓને જોતા હું તેમને સૂચવું છું કે તેઓ માઈક્રોફિક્શન અને ટૂંકી વાર્તાઓનું એક પુસ્તક કરી શકે એવી સરસ અને ધારદાર કૃતિઓ તેમની કલમે રચાઈ છે. પ્રસ્તુત ટૂંકી વાર્તા પણ એક અનોખા પ્રસંગને કેન્દ્રમાં રાખીને વહે છે, અને અંતે એક રહસ્યનું ઉદઘાટન થતાં જ એ પૂરી થાય છે. આ સુંદર વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈ યાજ્ઞિકનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “ખચ્ચાક (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક