ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૨ 3


અનેક મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ જે સંચાલન પદ્ધતિનો ઉપયોગ કરીને મોબાઈલ તથા અન્ય સાધનોને વધુ સગવડભર્યા અને સરળ બનાવે છે એ ટેકનોલોજીનું નામ છે એન્ડ્રોઈડ સંચાલન પદ્ધતિ અથવા ઓપરેટીંગ સિસ્ટમ. એન્ડ્રોઈડ એ મહદંશે સ્માર્ટફોન અને ટેબલેટ વગેરે મોબાઈલ સાધનો માટે વપરાતી ઓપરેટીંગ સિસ્ટમ છે. મોબાઈલ ફોનના મૂળભૂત સંચાલન ઉપરાંત અનેક વધારાની સુવિધાઓ આપતી એપ્લિકેશનને આ સિસ્ટમ આધાર આપે છે. અવનવા ઉપયોગો સાથેની એપ્લિકેશન તદ્દન મફત ઉપલબ્ધ છે.

આવી નવી એપ્લિકેશન મોબાઈલમાં ડાઊનલોડ કરવા પ્રાથમિક જરૂરત તરીકે તમારા મોબાઈલમાં ઈન્ટરનેટની સુવિધા હોવી જરૂરી છે. એ પછી એન્ડ્રોઈડ માર્કેટની એક નાનકડી એપ્લિકેશન ડાઊનલોડ કરવાની રહે છે (જે મહદંશે ફોન ખરીદતી વખતે તેમાં ઈન્સ્ટોલ કરીને જ આવે છે. એ પછી એન્ડ્રોઈડ માર્કેટમાં ક્લિક કરી, તેને શરૂ કરીને સર્ચ દ્વારા તેમાં અહીં સૂચવેલી એપ્લિકેશન શોધીને ઈન્સ્ટોલ કરી શકાય છે. પ્રસ્તુત શૃંખલામાં સૂચવેલી બધી એપ્લિકેશન મેં મારા સેમસંગ ગેલેક્સિ ટેબલેટમાં ઈન્સ્ટોલ કરીને વાપરી છે – વાપરી રહ્યો છું, છતાં ફોન બદલાતા તે એપ્લિકેશનની પ્રતિક્રિયાઓ બદલાઈ શકે છે.

અક્ષરનાદના વાચકમિત્રો માટે આ આ શૃંખલા શરૂ કરવા પાછળનો મૂળ હેતુ ઓપરેટીંગ સિસ્ટમનો પરિચય અને તેની ઉપયોગી અને પ્રચલિત એપ્લિકેશન્સ વિશે માહિતિ આપવાનો છે. એન્ડ્રોઈડ ઑપરેટીંગ સિસ્ટમ માટેની કેટલીક ઉપયોગી એપ્લિકેશન આપણે આ પહેલાની કડીમાં જોઈ, આજે એ જ શૃંખલાને આગળ વધારતા એવા અન્ય ઉપયોગી સાધનો વિશે જાણીએ.

સ્માર્ટ મેઝર (Smart Measure)

એન્જીનીયર જેવા પ્રોફેશનલ માટે ઉપયોગી સાધન. કેમેરાના માધ્યમથી ૧ થી ૫૦ મીટર સુધીની લંબાઈ / ઉંચાઈ માપવા માટેની સગવડ. કોઈ વસ્તુની ઉપયોગકર્તાથી દૂરી અને કોઈક વસ્તુ અથવા ઈમારતની ઉંચાઈ માપવા માટેની સરસ સગવડ. આ માટે કેમેરાને સૌપ્રથમ જમીન પર કેન્દ્રીત કરીને ક્લિક કરો અને પછી જે વસ્તુની લંબાઈ માપવી છે તેની ટોચ પર ક્લિક કરો. ત્રિકોણમિતિના નિયમ મુજબ જો કોઈ ત્રિકોણની બે બાજુઓનું માપ ખબર હોય તો ત્રીજી બાજુનું માપ શોધી શકાય છે, તેથી તમે ઉભા છો ત્યાંથી વસ્તુના મૂળ સુધીની લબાઈ ત્રિકોણની એક બાજુ અને તમે ઉભા છો ત્યાંથી તેની ટોચ એ ત્રિકોણની બીજી બાજુ એવા કર્ણનું માપ આપે છે. જેથી સામેની વસ્તુની ઉંચાઈ સાધારણ ગણતરી પછી આ એપ્લિકેશન આપે છે. નગણ્ય એવી ભૂલ સાથેના પરિણામ આપતી અનોખી એવી આ સગવડના પ્રો વર્ઝન (ખરીદીને વાપરી શકાય તેવા સ્વરૂપ)માં ઉંચાઈ અને લંબાઈ ઉપરાંત પહોળાઈ અને વિસ્તારનું માપ પણ લઈ શકાય છે. ઉપયોગ કરતા પહેલા જાણતા હોઈએ એવી લંબાઈ અને ઉંચાઈ વડે કેલિબ્રેશન (માપ આંકણી) કરવું પડે છે.

બારકોડ સ્કેનર (Barcode Scanner)

QR code scanned by barcode scanner android application

QR કોડ અથવા ક્વિક રિસ્પોન્સ કોડ (તરત પ્રતિક્રિયા આપતા સંકેત) એ સૌપ્રથમ મોટરવાહન ઉદ્યોગ માટે શોધાયેલી પદ્ધતિ હતી, પરંતુ તેની સરળતાને લીધે તે અન્ય ઉપયોગ માટે પણ ખૂબ ઝડપથી પ્રચલિત થઈ ગઈ. બારકોડ આપણા રોજીંદા જીવનમાં અનેક જગ્યાએ જોવા મળે છે, ખાસ કરીને ખરીદી કરતી વખતે પુસ્તકો, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, ફર્નિચર તથા રોજબરોજના વપરાશની મોટાભાગની વસ્તુઓ હવે બારકોડ સાથે આવે છે. બારકોડ હવે વેબસાઈટના યુઆરએલ અથવા સરનામાને પણ પ્રસ્તુત કરે છે. આ બધા બારકોડને ઉકેલવાનું કામ મોબાઈલ પર કરી આપતી એપ્લિકેશન એટલે બારકોડ સ્કેનર. મેં આ એપ્લિકેશનનો ખૂબ ઉપયોગ કર્યો છે વસ્તુઓના સાચા ભાવ અથવા તેમની અન્ય વિગતો જાણવા.

સૌપ્રથમ આપણે તેનો વસ્તુઓ માટેનો ઉપયોગ જોઈએ. એક પુસ્તકની પાછળ પ્રિન્ટ કરેલા બારકોડ ઉકેલવા માટે આ સ્કેનર ઉપયોગી છે, એ બારકોડને આ એપ્લિકેશન વડે સ્કેન કરતા તેના પરિણામ સાથે ચિત્રમાં દર્શાવ્યા મુજબ આવે છે. બારકોડ સ્કેન થયા પછી એ વસ્તુ વિશે ગૂગલ પર વિગતે શોધી શકાય છે, તેના ભાવો જાણી શકાય છે અથવા ઓનલાઈન તેને ખરીદી શકાય છે. કોઈ વસ્તુ ખરીદતા પહેલા તેના વિશે અગાઉથી ઘણી જાણકારી મળી રહે છે. આમ આ ઉપભોક્તાઓ માટે છેતરપીંડીથી બચવાનો એક સરળ અને તદ્દન સહેલો રસ્તો છે જે મોબાઈલ મારફત ઉપયોગમાં આવી શકે છે.

અક્ષરનાદ મોબાઇલ QR Code Scanned

તો બીજી તરફ મોબાઈલ વેબસાઈટના સરનામા ઝડપી અને ટાઈપ કર્યા વગર મોબાઈલ બ્રાઊઝરમાં ખોલવા માટે તેના ક્યૂઆર કોડને આ એપ્લિકેશનથી સ્કેન કરતા આપમેળે મોબાઈલ બ્રાઊઝર એ વેબસાઈટ પર લઈ જાય છે. આ પ્રક્રિયા અહીં ચિત્રમાં અક્ષરનાદના સાઈડબારમાં મૂકેલા QR Codeને સ્કેન કરીને દર્શાવી છે તે મુજબ દેખાય છે.

આમ આ એક ખૂબ ઉપયોગી સાધન છે. મોબાઈલના વિકાસ સાથે મળતી અનેરી સગવડોની આ એક ઝાંખી માત્ર છે.

સ્ટીચર સ્માર્ટ રેડીયો (Stitcher smart radio)

સ્ટિચર રેડીયો ૫૦૦૦થી વધારે રેડીયો શો, પોડકાસ્ટ અને લાઈવ રેડીયો સાંભળવા માટેની ઉપયોગી એવી અનોખી એપ્લિકેશન છે. ઈન્સ્ટોલ કર્યા પછી આ એપ્લિકેશન શરૂઆતમાં અનેક વિભાગો દર્શાવે છે જેમાં ઓન ડિમાન્ડ રેડીયો શો, લાઈવ પોડકાસ્ટ અને સમાચારો માટેની વિવિધ કડીઓ છે. અંતિમ અપગ્રેડમાં આ એપ્લિકેશનમાં ખૂબ મોટાપાયે ફેરફારો થયા છે, તેનો સૌથી ઉપયોગી વિભાગ છે લાઈવ રેડીયો જેમાં ફક્ત ઈન્ટરનેટ પરના રેડીયો સ્ટેશન સિવાય અમેરીકાના વિવિધ રાજ્યોના મોટાભાગના રેડીયો સ્ટેશનો, ઉપરાંત આપણી આસપાસના ઉપલબ્ધ રેડીયો સ્ટેશનને સાંભળવાની સગવડ છે. ઈન્ટરનેટ પરના રેડીયો સ્ટેશનમાં આકર્ષણ છે રશિયાના ગ્લાસ્ગોથી ચાલતા હિન્દી રેડીયો સ્ટેશન આવાઝ એફએમનું જેને હું ઘણી વખત પ્રવાસમાં સાંભળતો હોઊં છું. આ ઉપરાંત ઓન ડિમાન્ડ વિભાગના વિવિધ વિભાગોમાં કોમેડી, બિઝનસ, ન્યૂઝ અને રાજકારણ ભણતર, લાઈફસ્ટાઈલ, લોકલ, સંગીત જેવા વિવિધ વિભાગો સાથે વિશ્વ અને આંતરરાષ્ટ્રીય વિભાગમાંના ભારતના વિભાગમાં પણ સીએનએન આઈબીએન, એસબીએસ હિન્દી અને ઓલ ઈન્ડીયા ન્યૂઝ જેવી ચેલન ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનનું સ્ટ્રીમીંગ પ્રવાસમાં પણ કોઈ રુકાવટ વગરનું રહ્યું છે, અને પ્રસારણ ખૂબ સ્પષ્ટ હોવાથી સાંભળવાની પણ ખૂબ મજા પડે છે.

સ્વિસ આર્મી નાઈફ (Swiss Army Knife)

અનેક નાના અને ઉપયોગી સાધનોનું અનોખુ સંકલન એટલે સ્વિસ આર્મી નાઈફ. આ સરસ એપ્લિકેશનમાં સમાવિષ્ટ છે ફુટપટ્ટી, ફ્લેશલાઈટ, સ્ટોપવોચ, ટાઈમ માપક, હોકાયંત્ર અથવા કંપાસ, લેવલ જાણવા માટેનું બબલ ટ્યૂબ, કેલ્ક્યુલેટર અને બૃહદદર્શક (મેગ્નિફાઈંગ) કાચ. આ સાધનો તેમના મૂળભૂત ઉપયોગ માટે બનેલા છે, અહીં કોઈ વધારાની સગવડ નથી, પરંતુ દરેક નાનકડું સાધન તેનું કામ સરસ રીતે કરે છે. ઉપર સમાવેલી દરેક વસ્તુઓ માટે અલગ અલગ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે, પરંતુ એ કરતાં આ એક જ એપ્લિકેશન સાતેક અલગ અલગ એપ્લિકેશનને બદલે ઉપયોગી થઈ પડે છે.

ટેન્ક હીરો (Tank Hero)

અનેક ઉપયોગી એપ્લિકેશન પછી એક સરસ મજાની ગેમ જોઈએ. ટેન્ક હીરો અનેકવિધ લેવલ ધરાવતી સરસ બેકગ્રાઊન્ડ સંગીત અને સુંદર ગ્રાફિક્સ સાથેની સરસ ગેમ છે. તમને એક ટેન્ક આપવામાં આવે છે જેની મદદથી ઓછામાં ઓછા ગોળા વાપરીને દુશ્મન ટેંકોને નષ્ટ કરવાની હોય છે. ચાલીસેક લેવલ પસાર કર્યા પછી બીજો સ્ટેજ આવે છે… એવા વિવિધ સ્ટેજ પસાર કરતા આ ગેમ ખૂબ મજા કરાવે છે. બાળકો અને મોટાઓ એમ બધાને માટે સમય પસાર કરવાનો સરસ રસ્તો એટલે આ સુંદર ગેમ. ૩ડી ટેન્ક એક્શન, ઓપન જીએલ ગ્રાફિક્સ અને ૧૨૦થી વધુ સ્ટેજ ધરાવતી આ ગેમને એક લાખ લોકોએ પાંચ તારાનું રેટીંગ આપ્યું છે.

અડોબ ફોટોશોપ એક્સપ્રેસ (Adobe Photoshop Express)

કેમેરા દ્વારા પાડેલા અથવા સંગ્રહેલા ફોટોગ્રાફ્સને એડીટ કરવા, (જેમ કે ક્રોપ, રોટેટ, કલર બદલવા, ફ્રેમ ઉમેરવી વગેરે) અથવા અગણિત વિકલ્પો દ્વારા તેમને ઓનલાઈન શેર કરો, વળી તેમને ફોટોશોપ.કોમ પર સંગ્રહો અને ઓનલાઈન એક્સેસ મેળવવા જેવા અનેક વિકલ્પો ધરાવતી આ એપ્લિકેશનના વિકલ્પો ખૂબ પ્રાથમિક છે અને વધુ સગવડો માટે તરત પૈસાની માંગણી થાય છે, પરંતુ ફોટાને ઝડપી અને પ્રાથમિક સ્તરની એડીટિંગ માટે આ ઉપયોગી છે. જો કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા એસડી કાર્ડ જરૂરી છે.

આશા છે આપને ઉપરોક્ત એપ્લિકેશન વાપરવી ઉપયોગી થઈ પડશે. આવી વધુ ઉપયોગી એપ્લિકેશન વિશે તથા એન્ડ્રોઈડમાં ગુજરાતી વાંચી શકવા વિશેના મારા કરેલા અખતરાઓ આગળની કડીઓમાં વાંચી શક્શો.

જો કે અહીં આપેલી જાણકારી સંપૂર્ણપણે મારો મત છે અને તેનો તમારા મોબાઈલ સાધનમાં ઉપયોગ પૂર્ણપણે તમારી જવાબદારીએ અને જોખમે કરવાનો રહે છે.

આ પહેલાની કડી, ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ ભાગ 1 વાંચવા અહીં ક્લિક કરો.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૨