ચાલો… સભ્યતા સભ્યતા રમીએ ! – રમેશભાઈ ચાંપાનેરી 7


બનવા ગયો હું રામ અને રાવણ બની ગયો.
ફૂલોની ખુશ્બુ તો મળી નહીં, રણ બની ગયો.
રસમંજન સમય ખરાબ છે, ચેતીને તું ચાલજે,
સભ્યતાની ઓથમાં ગયો, દ્રાવણ બની ગયો.

ખબર નહી કેમ મારી આ વર્ષગાંઠ ઉપર મને મારા મિત્રોએ કોઈપણ એક સંકલ્પ લેવાનું ડહાપણ બતાવ્યું. મને કહે, તો જ વર્ષગાંઠની સાચી ઉજવણી કરી કહેવાય. મને એ લોકોની વાતમાં ભેદ અને ભરમ બંને જણાયા, છતાં મિત્રોને રાજી રાખવાના એકમાત્ર ઉપચાર તરીકે મેં તેમની વાતનો સ્વીકાર કરી લીધો. મૂંઝવણ થઇ તો એ વાતની થઇ કે સકલ્પ લેવો તો શાનો લેવો? કવિ નર્મદજીના પૂતળા પાસે ગયો. મને કહે આવ બેટા, આવ. હું તારી મૂંઝવણ પામી ગયો છું. તારે કોઈ સંકલ્પ લેવો છે ને?  તો સભ્યતાનો સંકલ્પ લઇ લે. તારી અસભ્યતાતો ચારે કોર પ્રચલિત છે. તું વર્ષગાંઠ નિમિતે સભ્યતા સપ્તાહ ઉજવ. તારી અસભ્યતાના દાવપેચનો તો આ બધાને પરિચય છે. તો તારી  જન્મ તારીખ ૨૪ ડિસેમ્બરથી ૩૧ ડીસેમ્બર સુધી સભ્યતા સપ્તાહની ઉજવણી કરવાનો સંકલ્પ લઇ લે. હું તારી સાથે રહીશ. અને લઇ લીધો.  તમામ મિત્રોને એસ.એમ.એસ કરી જણાવી દીધું કે મારી વર્ષગાંઠ નિમિતે હું સભ્યતા સપ્તાહ ઉજવવાનો સંકલ્પ કરું છું. સંકલ્પ લેવો સહેલો છે, પણ પાળવો અઘરો છે, એની ખબર હોવાં છતાં જોખમ લીધું.

છેડે ટાઈટ ગાંઠ બાંધીને નક્કી કર્યું  કે જે થવાનું હોય તે થાય, પણ મારે સભ્યતાના રવાડે ચઢવું જ છે. જાણે કે મારામાં અન્ના હજારે પ્રગટ થયો. બીજી કોઈ બાબતે કંટ્રોલ રહે કે નાં રહે, પણ સભ્યતા જાળવવા મગજ ઉપર કંટ્રોલ અવશ્ય રાખવો એવો દઢ નિર્ણય કર્યો. આ કામ લોક્પાલના બિલ જેટલું અઘરું છે. કદાચ રામદેવજી મહારાજની જેમ ભાગવાનો અને વસ્ત્ર પરિવર્તન કરવા જેવો સમય પણ આવે. તો પણ…. સંકલ્પ એટલે સંકલ્પ. સોંગંદ અને સંકલ્પ તૂટવા માટે જ જનમ લેતા હોય છે એની ખબર હોવા છતાં હસાહસનાં માર્ગ છોડી હું સાહસના માર્ગે દઢ બન્યો. જો આટલું ય સાહસ નહિ કરીએ તો આપણી સાહસવૃત્તિ લાજે. એટલે યાહોમ કરીને પડો ફતેહ છે આગે….. એમ કહીને ઝંપલાવી દીધું. મારી વર્ષગાંઠ નિમિતે જો આપને એકાદ શુભકામના આપવાની ઈચ્છા ભૂલમાં પણ થાય તો તમે એટલું જ કહેજો કે, “રમેશભાઈ.. તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ…..!!!”

૨૪ મી ડીસેમ્બરની વહેલી સવારે રોજ સૂજની ખેંચીને ખંખેરી નાખતી પત્નીએ પ્રેમથી સૂજની ખસેડી મને કહે, નાથ ઉઠો. આજે તમારી વર્ષગાંઠ છે. ત્યારે મને પહેલીવાર ખાતરી થઇ કે વાહ…… સંકલ્પ લેતાંવેંત શું શગુન થયા? હું અનાથ જેવો હતો, અને સભ્યતાના સંકલ્પ લેવા માત્રથી આજે નાથ બની ગયો. મારા ચરણ ખાતી પત્ની મારા આર્શીવાદ માટે ચરણ સ્પર્શ કરવા લાગી ત્યારે તો એમ જ થયું કે, હજી તો મેં માત્ર  સંકલ્પ કર્યો છે એકશનમાં તો હજી આવ્યો જ નથી. એટલામાં આવાં વાઈબ્રેશન ક્યાંથી આવી ગયાં…? અને આવે તો મારામાં આવે, એનામાં ક્યાંથી આવ્યાં…??? ત્યાં કવિ નર્મદ પ્રગટ થયા અને બોલ્યા, “બેટા… આ બધો મારો પ્રતાપ છે. તું તારે આગળ વધ હું તારી સાથે છું….!!”

ભગવાન શંકરના માથે ભગીરથી પ્રગટ થયેલી એમ કવિ નર્મદને જોતા મારામાં હિંમત આવી ગઈ. એમની કવિતા બાળપણમાં ભણેલો તે યાદ આવી ગઈ.

“ડગલું ભર્યું તો ના હટવું…………ના હટવું.”

એ વેળા મને બે વાતની નવાઈ  લાગી. પત્ની પગે લાગી એની, અને કવિ નર્મદ પ્રગટ થયા એની. સભ્યતામાં કેટલો પાવર છે એ મને ત્યારે સમજાયુ.

મિત્રો જો કે ગભરાયા. નક્કી આ બબૂચકની કોઈ નવી ચાલ લાગે છે. એમાં મારી પત્નીને તો શું નું શું થશે એ વિચારથી હું અકળાવા લાગ્યો. એનું પગે પડવું મને ભેદવાળું પણ લાગ્યું.

પછી થયું, ચાલો આ પણ કઈ ખોટું નથી. આખું વર્ષ આપણે પણ પત્નીને પગે લાગીએ જ છીએ ને?  સો દહાડા આંસુના તો એક દહાડો  હરખનો!  હું ખુશ થયો અને મફતમાં આર્શીવાદ પણ આપ્યા કે, “જા….તારો ચૂડી અને ચાંદલો અમર રહે!” મને કહે, “એમાં ફાયદો તો તમને જ થયો ને? પછી પ્રેમના આવેશમાં મેં એને ડાર્લિંગ…… કહ્યું પણ મારી કમબખ્તી એવી  બેઠી કે એણે ડાર્લિંગને બદલે ‘હિંગ’ સાંભળ્યું. અને બાલ….બાલ  બચી ગયો. જો કે એમાં એનો પણ શું વાંક કાઢવો…? જિંદગીમાં પહેલીવાર એનો ધણી ડાર્લિંગ કહે,  તો એને હિંગ જ સંભળાયને! પછી પથારીમાંથી બેઠો થઇ વડીલોને પ્રણામ કર્યા. એ લોકો પણ મારી આ ચેષ્ટાથી મારા ગયા પછી અંદરોઅંદર ગુસપુસ કરવા લાગ્યાં, ‘આજે આ સૂરજ પશ્ચિમમાં ઉગ્યો…?’ અહીં સુધી તો બધું સમું સુતરું ઉતર્યું. પણ મારા ભોગ ત્યારે લાગ્યા કે મારા સભ્યતા સપ્તાહમાં હું મારા વ્હાલસોયા નિર્દોષ બાળકોને વ્હાલથી પપ્પી આપવા ગયો, તો બાળકો એકદમ બીધા. બિચારા બીકના માર્યા કાતરીયા ઉપર ચઢી ગયા! જાણે હું એમને બાપને બદલે સીબીઆઈ ના જમાદાર જેવો લાગ્યો. બાળકો વિચારમાં પડી ગયાં કે, સાલ્લી રોજ તો ધોલ-ધપાટ સિવાય સવાર શરૂ નહિ થતી અને આજે આવો આંચકો કેમ? એમાં એક તો બોલ્યો પણ ખરો કે, નક્કી આ ભયંકર તોફાન પહેલાની શાંતિ છે. પછી તો વડીલોને પણ શંકા જ ગઈ કે નક્કી આ નેતા બનવાના ભૂંડા રવાડે ચઢ્યો છે. સ્વાભાવિક છે ને, જે  વડીલોને હું ડસ્ટબીન માનતો હતો એને જય-જય કરું, કે સો ટકા શુદ્ધ વિવેકથી બોલાવું તો શંકા તો જાય જ ને ? માનો નહિ, મારી હાલત જાણે વન-વેમાં ઘૂસી ગયો હોય તેવી થઇ ગઈ. પણ સંકલ્પ એટલે સંકલ્પ! માંહ્યલો અંદરથી બરાડા પાડતો હતો, ખબરદાર જો જરાક પણ ડગ્યો છે તો.

અને…….આ તો કઈ નહિ. પત્નીને ડાર્લિંગ કહેવામાં માત્ર એની તો દાળ જ ઉભરાઈ ગઈ. પણ માર ખાઈ-ખાઈને નફ્ફટ બનેલા મારા કૂતરાને જ્યારે રોટલા મૂકવા ગયો તો રોટલાની પાછળ ભાગવાને બદલે એ રોટલો મુકીને આગળ ભાગ્યો. માણસ રોટલાની પાછળ ભાગે છે જ્યારે આ કૂતરો આગળ ભાગતો હતો. મેં મારી તમામ શક્તિ ભેગી કરીને,  સભ્યતા સપ્તાહના ભાગ રૂપે એને બુચકારીને પટાવ્યો, એનામાં વિશ્વાસ જગાવ્યો કે તને હું મારવા નથી આવ્યો, મનાવવા આવ્યો છું. તમે માનશો નહિ, મારાં કેટલાય વ્યાયામ પછી એ આવ્યો તો ખરો પણ રોટલો સૂંઘીને ચાલતો થયો. હું સમજી ગયોકે નક્કી એને રોટલામાં ઝેર મૂક્યાની શંકા ગઈ હશે. એ ભાન થયું કે સભ્યતા ગુમાવીએ તો માણસ તો શું કૂતરા જેવા કૂતરાન પણ વિશ્વાસ હટી જાય. અને સભ્યતા શું ચીજ છે, એ હું તે દિવસે કૂતરા પાસેથી શીખ્યો.

ધીરે ધીરે મારાં વર્તન પરિવર્તનમાં સૌને શંકા જવા લાગી. ભગવાન આગળ આરતી ઉતારતી પત્ની મારા ઉપરથી મીઠું અને મરચું ઉતારવા લાગી. મારાં વિરોધને સરકારની માફક કોઈ ગણકારતું ન હતું. મારી મા તો ભૂવાને બોલાવી લાવી. આવી ને એણે ડાકલાં વગાડ્યા. મારાં માથાં ઉપરથી પીંછા ઉતાર્યા. સભ્યતાના ભાન ભૂલી હું ફરી પાછો અસભ્યતાની ચૂંગાલમાં આવવા લાગ્યો. લોક્પાલના બીલની માફક હું આ સભ્યતાની લપમાં ક્યાં ફસાયો, એવો એહસાસ થવા લાગ્યો. સૌ કોઈ મારી સભ્યતાની ઐસી કી તૈસી કરતાં હતા. સભ્યતા તૂટું તૂટું થવા લાગી. અસભ્યતા કમ-ઓન, કમ-ઓન  કરીને પોકારવા લાગી. ભૂવાની પીંછી અને મીઠાં-મરચાનાં ધૂમાડાએ મારું મગજ ધુમાડિયું કરી નાખ્યું. અને અસભ્યતાની હરોળમાં જતો જ હતો ત્યાં ફરી કવિ નર્મદજી પ્રગટ થયાં. બોલ્યા, હતાશ ન થા બેટા! યાદ છે ને ડગલું ભર્યું કે નાં હટવું, ના હટવું! તું તારે આગળ વધ હું તારી સાથે છું.

સંસદની જેમ પહેલો દિવસ તો જેમ તેમ પૂરો થયો. પડોશીના મોઢાં સાવ પડી ગયાં. અમારા પતિ પત્નીના બરફગોળા જેવાં ઝગડાથી એમને કરમુક્ત મનોરંજન મળતું હતું, એ બંધ થઇ જતાં એમનાં મોઢાં ભરેલી સિમેન્ટની કોથળીની માફક ફૂલેલા  હતા. ફરી નર્મદ પ્રગટ થયા, ફરી એમણે કહ્યું, “ચિંતા કરીશ નહિ. ફુગાવાનો આંક ભલે સૌના મોઢા પર આવી જાય, પણ સભ્યતા માટે ડગલું ભર્યું છે તો નાં હટવું……” ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ માં ગાંધીજી પ્રગટ થતાં હતા. અને મારામાં કવિ નર્મદ પ્રગટ થતાં હતાં. એમની મને ભારે હુંફ મળતી, પછી તો હું સભ્યતાના મ્હોરા સાથે ફળિયામાં ગયો. અગાઉ જેની જેની સાથે બાથડ્યો હતો, એ બધાને મળ્યો. કેટલાકને જય જય  કર્યાં. તો કેટલાકે જા જા  કર્યું. છતાં મને દુખ નાં થયું. મેં પણ નક્કી રાખેલું કે, કોઈ આપણા ગાલ ઉપર એક તમાચો મારે તો એની સામે બીજો ગાલ ધરવો. અને બીજા ગાલ ઉપર પણ તમાચો મારે તો ગાલનાં બદલામાં ગાળ તો બીલકુલ નહિ કાઢવી.

બપોરે લંચ લેવા બેઠો. જાણે લાંચ લેવા બેઠો હોય તેમ શાંત બેઠેલો જોઈને, પત્ની ફફડી પણ ખરી. તો પણ મેં ફેણ ના કાઢી તે ના જ કાઢી. ભાતવાળી દાળ સાવ પાણી જેવી હતી. એ વેળા પણ મગજ સૂરજની જેમ તપી ગયું તો પણ ફેણ નાં કાઢી તે ના જ કાઢી. ત્યાં ફરી નર્મદજી પ્રગટ થયાં, “સાવધાન, યાદ રાખ, તારું સભ્યતા સપ્તાહ ચાલે છે. દાળ પાણીવાળી તો પાણી વાળી, ગૂપચૂપ જમી લેવું. સભ્યતા બિલકુલ ગુમાવવી નહિ.  કવિ નર્મદજીના વેણ સાંભળી હું ખુદ પાણી-પાણી થઇ ગયો અને ફરી સભ્યતાના વિચારે મક્કમ બન્યો કે, “ડગલું ભર્યું તો નાં હટવું ……” પણ પરિસ્થિતિ આટલેથી અટકી નહિ, પછી તો પત્ની સરસ્વતી મટીને સમરાંગણી બની.

આ શું તમે ઢોંગ  માંડ્યા છે? તમને આ થઇ ગયું છે શું હં…….અઅઅઅ……………..?

મારાથી એટલું જ બોલાયું, “સભ્યતા સપ્તાહ…….”

મને કહે, “ચૂલામાં ગયું તમારું સભ્યતા સપ્તાહ. નક્કી તમારી કોઈ સગલીએ કામણ કર્યા છે. એ વગર તમે આવું કરો જ નહિ. સાચું કહો, કઈ સગલીએ તમને આ પાઠ ભણાવ્યા છે? એનો હું ચોટલો પીંખી કાઢીશ.”

મેં કહ્યું, “ડાર્લિંગ………”

મને કહે, “ચૂઊઊઉ……….પ, ખબરદાર જો આવું બોલ્યા છે તો.”

મને થયું, ” બિચારીને અંગ્રેજીમાં સમજ નહી પડી હશે, એટલે મેં એને શુદ્ધ ગુજરાતીમાં ‘આર્યનારી’ થી સંબોધી, પણ ધૂળ પર લીંપણ જ થયું. એ સાણસી બતાવતાં બોલી, “સાચું કહો આ ‘સભ્યતા’ કઈ બલાનું નામ છે?”

અને ફરી મગજ છટક્યું અને ફરી નર્મદ પ્રગટ થયા, બોલ્યા “મગજને ઠેકાણે રાખ બેટા. સભ્યતા અને સત્યાગ્રહમાં તો આમ જ બને. મહાત્મા ગાંધીજીનું નામ તો તે સાંભળ્યું હશે. એમને તો આનાથી પણ વિષમ સ્થિતિનો સામનો કરવો પડેલો. ડગીશ નહિ, આગળ વધ.”

હું ફરી મૂંઝાયો. પત્નીને કઈ ભાષામાં સમજાવું એની કોઈ સુઝ જ નહિ પડે. જો કે એમાં એનો પણ કઈ વાંક નાં કઢાય, કારણ કે એ કંઈ કસ્તુરબા તો હતી નહિ એટલે સભ્યતાનું જ્ઞાન એને નાં હોય એ સમજી શકાય. મેં એને વિગતે સભ્યતા વિષે સમજાવવા મજૂરી કરી જોઈ. મેં કહ્યું “સારું બોલવું સારું વર્તન કરવું,   સારો વ્યવહાર કરવો એને સભ્યતા કહેવાય.” ત્યાં એણે જોરદાર એક છીંક ખાધી. મેં કહ્યું, “છીંક પણ સભ્યતાથી ખવાય!”

મને કહે, “મારે તમારાં છીંકના ભાષણો નથી સાંભળવા. પણ તમારી વર્ષગાંઠના દિવસોમાં આ ઢોંગ બહુ સારા નહિં”

મારાથી બોલાઈ ગયું, “સત્યાનાશ…… જો મારી સભ્યતાને આ ઢોંગ કહેતી હોય તો મારી અસભ્યતા શું મારી સાચી વાસ્તવિકતા હશે? મારી અસભ્યતા જ શું આ લોકોનો આનંદ અને પોતીકો ભાવ હશે? આવા વિચારમાં ને  વિચારમાં મેં  પાણીને બદલે દાળથી હાથ ક્યારે ધોઈ નાખ્યા એની મને ખબર સુધ્ધાં ના પડી. મેં કહ્યું, “પ્રિયે, મારી વર્ષગાંઠ નિમિતે મેં સંકલ્પ કર્યો છે કે મારે આ વર્ષના અંત સુધી એટલે કે ૩૧ મી ડીસેમ્બર સુધી સભ્યતા વ્રત પાળીને સભ્યતા સપ્તાહ ઉજવવું. તને ખબર છે કે આપણો  ઝગડો સાવ નાની-નાની બાબતમાં જ થાય છે. એટલે સભ્યતા સપ્તાહ સુધી મોટી-મોટી બાબતમાં હું ધ્યાન આપીશ, અને નાની-નાની બાબતમાં  તારે ધ્યાન આપવાનું.”

મને કહે, “એટલે….?”

એટલે કે, નવા વર્ષના દિવસે મારે પેન્ટ પહેરવું કે ધોતિયું, શર્ટનો કોલર દેવાનંદની જેમ બહાર રાખવો કે અંદર, કઈ સલુનમાં મારે કયા કટના વાળ કપાવવા, મારે તને ડાર્લિંગ કહેવું કે બા કહીને સંબોધવી વગેરે જેવી નાની-નાની બાબતોમાં તારે ધ્યાન આપવું.”

“અને મોટી બાબત એટલે?”

“ઓહ, તું કેટલી ભોળી છે. મોટી બાબત એટલે કે લોકપાલનો ફટાકડો ફૂટશે કે સુરસુરિયું થશે, ઐશ્વર્યાને બીજી ડીલીવરીમાં બાબો આવશે કે ફરી બેબી જ આવશે, કયા કથાકારને ચાલુ વર્ષે મોક્ષનો એવોર્ડ મળશે આવા મોટા-મોટા પ્રશ્નો હું સંભાળીશ.”

“સારું સારું આ સભ્યતાનું ભૂત કાઢો અને ભૂતાવળ છોડો, હવે બહુ થયું.”

સાલી, આ તે કેવી ટ્રેઝડી? સભ્યતા જાળવું તો ઘરવાળીને જ ભૂતાવળ લાગે. આમ કરતા ૨૦૧૨ નું વર્ષ બેઠું. નૂતન વર્ષની ઉગતી ઉષાએ મેં ભગવાનને પ્રાર્થના કરી કે, “હે પ્રભુ! તું આ લોકોને માફ કરજે. કારણ કે આ લોકો જાણતા નથી કે સભ્યતા શું છે.” બાળકો ફરીથી બીતાં-બીતાં નવા વર્ષે પગે લાગ્યાં. માં-બાપને પગે લાગ્યો તો ‘ફાટી-મૂઆ’ ના મીઠા આર્શીવાદ મળ્યા. તમે માનશો નહિ ગોડસેની ગોળી ખાધા વિના મારા મોઢામાંથી ‘હે રામ’ નો ઉદગાર નીકળી ગયો.

ત્યારે ફરી નર્મદ પ્રગટ થયા. મને કહે, “રમેશીયા, પેલો રેશમિયા નાકથી ગાય છે, અને તું નાકથી વાંસળી વગાડે છે, એટલે હું તને રમેશ નહીં પણ રમેશીયાથી સંબોધું છું. તું માઠું ના લગાડીશ. પણ સભ્યતા એક એવી શૂર્પણખા છે કે આપણે જ્યારે એનો હાથ પકડીએ છીએ ત્યારે સામેવાળો સ્વયં અસભ્ય બની જાય છે. તેથી ડરવું  નહિ. આપણે  આપણી સભ્યતા ત્યાં સુધી ચાલુ રાખવી કે જ્યાં સુધી એ સૌના માટે શિષ્ટાચાર ન બની જાય.

– રમેશભાઈ ચાંપાનેરી.

મૂળ નવસારીના અને હાલ વલસાડ રહેતા નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી એવા શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ ના તખલ્લુસથી હાસ્યલેખો લખે છે અને તેમનું હાસ્યલેખોનું પુસ્તક ‘આનંદદ્વાર’ પણ પ્રસિદ્ધ થયેલું છે. તેઓ 41 વર્ષથી હાસ્ય કાર્યક્રમો કરે છે. રેડીયો – સ્ટેજ પર તથા ટીવી પર દૂરદર્શન / ઈટીવી ગુજરાતી વગેરે પર તેમના હાસ્યરસના કાર્યક્રમો પ્રસ્તુત થયા છે. અને ગુજરાત સમાચારમાં તેમણે હાસ્યલેખોની એક કૉલમ પણ લખી હતી. સભ્યતા સપ્તાહ ના અખતરાનો પ્રસ્તુત હાસ્યલેખ અક્ષરનાદને પાઠવવા બદલ અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ચાલો… સભ્યતા સભ્યતા રમીએ ! – રમેશભાઈ ચાંપાનેરી