વાચકો દ્વારા પદ્ય રચનાઓ. – સંકલિત 11


વાચકોની રચનાઓ – સંકલિત

૧. ક્યારેક – કુસુમ પટેલ

ક્યારેક મળીશ તું તો પૂછીશ,
કે મેં ખોટું શું કર્યું ?
તું જેવી હતી એવી અપનાવી,
તારા હર ઝખમ, હર નાઝ ને ઉઠાવી,
તો મેં ખોટુ શું કર્યું?

તું રોવડાવતી રહી,
હું હસતો રહ્યો.
તારા જીદ્દી સ્વભાવને,
નમતો રહ્યો.
તો મેં ખોટું શું કર્યુ?

તને રાજી રાખવા,
હું મુખોટે બંધ રહ્યો.
સંગદિલી તારી સહી,
એક શબ્દ પણ ન કહ્યો.
તો મેં ખોટું શું કર્યુ?

તારા અઘરા સવાલનો,
સરળ જવાબ દીધો.
જાણી જોઈ પછાડ્યો તેં,
મેં ઠેંસ વાગ્યાનો દંભ કીધો.
તો મેં ખોટું શું કર્યુ?

હવે ફરી ફરી,
એજ ઝખમ, એજ સિતમ.
એજ નાટ્ય, એજ રુદન.
તને ક્યારેય મારી દયા નથી આવી?
બસ મેં ખુદને સમજાવ્યે કર્યું.
તો મેં ખોટું શું કર્યુ ?

તારી ચાહતનો હું ,
ભિખારી થયો.
વધુ નહી બસ સ્વપ્નની ,
બે ચાર પળો,
જીવવા દે મને પ્રેમથી હવે,
મૂકી દે અક્ક્ડ સ્વભાવ તારો,
માણવા દે જે,
રહી બસ બે ચાર ક્ષણો,
તને ચાહ્યું અખુટ દિલથી “જીંદગી”
તો મેં ખોટું શું કર્યું?

– કુસુમ પટેલ

૨. ગઝલ

મિશ્રવિકારી બહેર ‘લગાગા*૩ ગાગાગા’.

પ્રયાસો કરીનેય પામી ના શકતો,
ફરેબો કરીનેય ફાવી ના શકતો,

જરા હુંય નખરા કરું રીઝવવાને,
સનમને સ્વપ્ને પણ સતાવી ના શકતો,

સમી સાંજમાં મીંચતો આંખલડીને,
સવારેય સ્વપ્ન એક વાવી ના શકતો,

બધી લાગણીઓ તમારી થરથરતી,
હું મજબૂર કેવો તપાવી ના શકતો,

મને છીપ પણ હાથ ના લાગ્યાં દરિયે,
છતાં આશ રત્નની શમાવી ના શકતો,

‘કરમ કર સદા આશ ફળની છોડીને’,
ખબર તોય લાલચ દબાવી ના શકતો..

– નરેશ સાબલપરા

નવા નવા રચનાકારોને પ્રથમ અને તે પછી અનેકવિધ પ્રસિદ્ધિ માટે માધ્યમ ઉપલબ્ધ કરાવવા અક્ષરનાદ સદાય તત્પર હોય છે. આ વાતના અનુસંધાનમાં આજે માણીએ શ્રી કુસુમ પટેલની એક રચના, તો શ્રી નરેશભાઈ સાબલપરા દ્વારા લગાગા લગાગા લગાગા ગાગાગા સ્વરૂપમાં લખાયેલી સુંદર ગઝલ પણ આજે પ્રસ્તુત છે. વાચકોને જરૂરી પ્રોત્સાહન અને સૂચનો આપ સૌ તરફથી આવકાર્ય છે.


Leave a Reply to joshi117@yahoo.com Cancel reply

11 thoughts on “વાચકો દ્વારા પદ્ય રચનાઓ. – સંકલિત