સ્ત્રીકેળવણી – નર્મદ 5


જ્ઞાનબળથી આપણે બીજાં પ્રાણીઓ કરતાં ઉંચાં છીએ. કેળવણીથી જ્ઞાનબળ પ્રાપ્ત થાય છે. માણસમાં સ્ત્રી પુરુષ બંને છે. સ્ત્રીના હક્ક ઘણા ખરા પુરુષ જેટલા જ છે. પુરુષોની માફક સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે. માટે જેમ આપણે પુરુષ હક્ક સમજી કેળવણીથી જ્ઞાનબળ વધારીએ છીએ તેમ સ્ત્રી સહાયરૂપે આપણા બળમાં વધારો કરે છે. ભણેલી સ્ત્રી પરમ મિત્ર રૂપે સુખદુઃખની વાતો કરવાની લહેજત વધારે છે ને દુઃખ દૂર કરે છે. ભણેલી સ્ત્રી પ્રિયારૂપે રસભર્યું સુખ વધારે ને વધારે આપ્યા કરે છે. જ્યાં રાજા અને પ્રધાન બંને ભણેલા ને સુઘડ હોય ત્યાં રાજાના ઉત્કર્ષ વિશે પૂછવું જ શું? જ્યાં કેળવણીથી સરખાપણું શોભતું હોય છે ત્યાં જ સ્ત્રીપુરુષનાં મન એકબીજા સાથે મળે છે.

મિથ્યા કેટલાએક જણ કહે છે કે સ્ત્રીજાત પુરુષજાતથી ઊતરતે દરજ્જે છે ને તેની દાસી છે. મિથ્યા કેટલાએક કહે છે કે તેનામાં મોટું જ્ઞાન મેળવવાનું સામર્થ્ય નથી. મિથ્યા કેટલાએક કહે છે કે જ્યારે તેઓ શીખવામાં વખત ગાળશે ત્યારે તેઓ પોતાનો ઘરધંધો ક્યારે કરશે ને તેઓ શું મરદનો ધંધો કરશે? ને મિથ્યા કેટલાએક કહે છે કે તેઓ કેળવણી લીધાથી બગડશે – તેઓમાં સ્વતંત્રતાનો જુસ્સો વધ્યાથી તેઓ અમર્યાદ થશે – તેઓ નઠારી ચોપડી વાંચી બગડશે. લખાણની મારફતે સહેલથી કુકર્મ કરશે. કેળવણી તો દુર્ગુણને કહાડનારી છે. કેળવણીથી બગાડો થતો હોય તો તે પુરુષે પણ ન લેવી જોઈએ. હું તો કહું છું કે પુરુષના કરતાં સ્ત્રીનું મન વધારે કોમળ છે માટે એના ઉપર ભણતર ને નીતિની છાપ બાળપણથી પડે તો તે કદી પણ જાય નહીં. વળી સ્ત્રીનો સ્વભાવ જન્મથી જ નઠારો અને ન સુધરે તેવો હોય તો જે સ્ત્રીઓએ પુતાના વિદ્યા સદગુણથી મોટાં નામ મેળવ્યાં છે તેને વિશે શું કહેવું? હાલમાં પણ આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓ શીખી શકે છે. લખતા આવડેથી દુરાચાર કરશે એ કહેવું પણ નિરર્થક છે. લખવુ વાંચવું એ કંઈ કેળવણી નથી પણ તેના સાધન છે. એથી જ્ઞાન વહેલું ને સારું પ્રાપ્ત થાય છે ને બીજાંને આપી શકાય છે. વારુ, હું પૂછું છું કે લખતા નથી આવડતું તે સ્ત્રીઓ કુકર્મ નથી કરતી? કુકર્મ કરવા એને લખવા વાંચવા સાથે કશોય સંબંધ નથી. નીતિના બોધની ખામીથી અને નઠારી સંગતિથી કુકર્મ થાય છે એ કહેવુ ખરું છે. જે સ્ત્રી નીતિની કેળવણી લેશે તે કુમાર્ગે જશે જ નહીં. લખવા વાંચવાથી કાળા કર્મ કરનારી સ્ત્રી કંઈ કેળવણી પામેલી કહેવાશે જ નહીં. સ્ત્રીઓને શીખવી તેમની પાસે પુરુષના કામ જરૂર જાણી કરાવવા એમ નથી. પણ અગર જરૂર પડે અથવા અનુકૂળ હોય તો કરી શકે પણ એટલાને જ માટે તેમને શીખવવું એમ નથી – તેમને શીખવવું એટલા માટે કે તેઓ જ્ઞાન મેળવે – તેઓ પોતાનો સ્ત્રી જાતનો ધર્મ સમજે – ઘર રૂડી રીતે ચલાવે – છોકરાંને કેળવણી આપે.

સ્ત્રીકેળવણીથી થતા લાભમાં મોટો તો આ છે કે સ્ત્રીઓ પોતાના પુરુષને અંતઃકરણથી ચહાય છે ને જ્યાં પ્રીત છે ત્યાં બંને પોતાને સુખ થાય તેમ પોતાની આબરુ વધે ને પોતાના બાળકનું ભલું થાય તેમ કરવામાં હોંશથી કેમ ઉદ્યોગ નહિં કરે? કેળવણી પામેલી સ્ત્રી પોતાના પિયુની લાડતી પ્યારી, સાચવટથી હંમેશા વળગી રહે તેવો દોસ્ત, સલાહમાં વજીર અને કામ કરવે ચાકર થઈ ને રહે છે. ભણેલી સ્ત્રી સુખમાં ગમ્મત અને દુઃખમાં દિલાસો આપે છે. પુરુષના ઉદ્ધત જુસ્સાને નરમ પાડનાર અને દુખિયારા પુરુષનાં આંસુ લૂછનાર તેને પોતાની અહાલી ભણેલી સ્ત્રી જેવું કોણ છે? સંકટમાં સગાં વહાલાં દોસ્ત સૌ આઘાં ખસી જાય છે – ફક્ત તેની સ્ત્રી જ તેની થઈ ને રહે છે. હાલમાં જે થાય છે તે લોકલાજથી, હવે જે થશે તે નિજ ઉમંગથી ને પોતાની ફરજ સમજીને. કેળવણી પામેલું સ્ત્રીરત્ન કદી પોતાનું તેજ ખોતું નથી – જેમ જેમ તે વપરાય છે તેમ તેમ તે વધારે પ્રકાશ આપે છે. દુનિયાનો છેડો પોતીકું ઘર અને ઘરનો છેડો પોતાની સ્ત્રી એ કહેવું ખોટું નથી. જેમ સ્ત્રી વિના સંસાર સૉનો છે તેમ કેળવણી રહિત સ્ત્રીથી સંસાર સિંહ વાઘના વાસવાળું ભયંકર રાન છે અને ભણેલી સ્ત્રીથી સંસાર એક રમણીય બાગ છે.

ઘર ચલાવવું, ઘરનાં માણસને સુખી કરવાં, ને છોકરાંવને મોટપણે પોતાની વારીમાં રૂડાં માબાપ નીકળી આવે એને સારુ તેઓને તૈયાર કરવાં – એ ધર્મકર્મ સ્ત્રીઓનાં – પણ જ્ઞાન વિના તે શું કરી શકે? આજકાલ જોઈએ છીએ તો સ્ત્રી રસોડાસંબંધી કામમાં ગુંથાયેલી હોય છે ને કુથલી કરવામાં ને ફૂટડા દેખાવામાં ને પરણમરણ સંબંધી રૂઢિઓમાં સરસાઈ બતાવવામાં સ્ત્રીઓ સુખ માની લે છે ને પોતાનો અમૂલ્ય કાંળ નિરર્થક ગાળે છે. આપણો ધર્મ શો છે, આપણે લક્ષ કીયા ઉંચા ઉદ્દેશ પ્રત્યે થવો જોઈએ, ઉંચી જાતનું સુખ તે શું એ વિષયો વિશે સ્ત્રીઓને કંઈ જ જાણ નથી. ખરેખર તે બિચારી દયા આણવાજોગ હાલતમાં છે. એ દાસીપણાની ને દયામણી હાલતમાંથી બહાર નીકળી, ધર્મશાસ્ત્ર તથા ડૉશીશાસ્ત્રમાંની કેટલીક શિક્હાથી જે દુઃખદાયી ઝાંઝરિયાં પહેર્યાં છે તેને તોડી નાંખતી થાય, પોતાની બુદ્ધિ ખેડવાના અને નીતિ સમજવાના ઉદ્યમમાં રહી તેમાં વધારો કર્યા કરતી થાય, પોતાના સ્ત્રીજાતના હક્ક સુખને અર્થે વિચાર કરતી થાય અને પોતાનાં છોકરાં પછવાડેથી મોટાં મોટાં કામ કરે, યશ મેળવે અને સુખ ભોગવે તેને સારુ તેઓને કેળવતી થાય એ દહાડા જોવાની આશા રાખવી એ જ ખુશ કરતું છે તો પછી તે દહાડો પ્રત્યક્ષ જોવો એ કેટલું હૈડું ઠારતું ને સુખ આપનારું સમજવું!

જ્યાંસુધી સ્ત્રીઓના ઉપરથી ધિક્કાર ખસ્યો નથી, જ્યાં સુધી જેમ આપણામાં પૂર્વે સ્ત્રીઓનાં માન હતાં ને હાલના સુધરેલા દેશોમાં છે તેમ આપણી સ્ત્રીઓ પુરુષથી માન નહીં પામે ત્યાંસુધી તે બિચારીઓ તથા આપણે પણ સંસારના ઊંચા લહાવા લઈ શકવાના નથી. જ્યારે સ્ત્રી વિનાનું ઘર નહીં ને સ્ત્રીથી સઘળાં સુખ ત્યારે એને કેમ ન કેળવણી આપવી? જે કેળવણીથી તેના સદગુણને પુષ્ટિ મળે ને સદાચરણ દ્રઢ થાય, જે કેળવણીથી દેશસુધારાના કામમાં આગળ પડીને યશ મેળવતી થાય તે ટૂંકામાં જે કેળવણીથી તે અહીંનાં ને તહીંનાં ઊંચી જાતનાં સુખ ભોગવે તે કેળવણી અભાગી અબળાને સુહાગી સબળા કરે તેવો દહાડો ઈશ્વરની કૃપાથી અને આપણા પરિશ્રમ તથા ઉત્તેજનથી વહેલો આવો.

– નર્મદ (‘નર્મદગદ્ય’માંથી સાભાર)

પ્રસ્તુત લેખમાં નર્મદના સ્ત્રીકેળવણી વિષયક વિચારોની અભિવ્યક્તિ સુપેરે અને સ્પષ્ટતાથી કરાઈ છે. ૧૮૩૩ થી ૧૮૮૬ના તેમના જીવનકાળમાં, આજથી સવાસો વર્ષોથી પણ વધુ પહેલા વ્યક્ત કરાયેલા એક સ્પષ્ટવક્તાને છાજે તેવા આ વિચારો નર્મદની વિશેષતા છે. એક કેળવાયેલી સ્ત્રી કુટુંબ માટે, ઘર માટે, સમાજ માટે અને આવનારી પેઢીઓ માટે કેટલું યોગદાન આપી શકે છે એ તેમણે આલેખ્યું ચે. આમ પણ નર્મદ કુરિવાજો, અંધશ્રદ્ધા અને વહેમને નાબૂદ કરવાની દિશામાં સદાય લખતાં, તો સ્ત્રી કેળવણીની તેમની આ તરફેણ એ સમયે તો એક સાહસિક પગલું જ ગણાય. પ્રસ્તુત છે સવાસો વર્ષો પહેલા સમાજસુધારણાની દિશામાં લખાયેલો એક અનોખો લેખ.

બિલિપત્ર
….
એથી જ મારા કેલૅન્ડરમાં
દેવો અને ગ્રહોનાં નામ પરથી નહિ
મિત્રોના નામ પરથી વાર અને મહિનાના નામ છે.

– નિરંજન ભગત (‘પુનશ્ચ’માંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “સ્ત્રીકેળવણી – નર્મદ

  • Harshad Dave

    કેળવણી માનવમાત્રનો જન્મસિદ્ધ અધિકાર છે તેને હાથમાં લઇ પુરુષોએ સ્વાર્થી માનસથી સ્ત્રીઓને ઘણી ઘણી જ્ઞાન શાખાઓથી વંચિત રાખી છે. આ અપરાધનું કિંચિત પ્રાયશ્ચિત જાગ્યા ત્યારથી સવાર કરીને થઇ શકે. આ લેખમાં ઘણી પ્રેક્ટીકલ બાબતો છે જેને તત્કાળ અમલમાં મૂકી શકાય. (હદ)

  • N Dave

    jigneshbhai if a man is educated he is benefitted but if a woma is educated than the whole family gets benefitted woman should be given education narmad said this thing 100 years back kudos to him that his thoughts were like that at that time when women were asked to live a secluded life pallu ke niche aankhe mundke rahna padta tha thanx for giving such a good article

  • PRAFUL SHAH

    AS IN BENGAL, BEFORE CENTURY NARMAD DALPAT AND MANY WORKED VERY HARD AGAINST ALL FOR ANDHA SHRADHA.WOMEN EDUCATION WIDOW MARRAIGE WITH COURAGEWE MUST SALUTE SUCH HEROS. OF OUR GUJARAT FOR GUJARATI CULTURE.