અકબરી લોટો – અન્નપૂર્ણાનંદ વર્મા, અનુ. જિજ્ઞેશ અધ્યારૂ 14


લાલા ઝાઊલાલને ખાવા પીવાની કોઈ તંગી નહોતી. કાશીના ઠઠેરી બજારમાં મકાન હતું. નીચેની દુકાનોમાંથી મહીને સો રૂપિયા ભાડું ઉતરી આવતું. સારું ખાતા, સારું પહેરતા પણ એક સાથે અઢીસો રૂપિયા તો આંખને ટાઢક આપવાય જોવા ન મળતા.

એટલે એક વાર જ્યારે પત્નિએ તેમની પાસે અચાનક એકસાથે અઢીસો રૂપિયા માંગ્યા ત્યારે તેમનું હૈયું જોરથી ધણધણ્યું અને પછી બેસી ગયું. એમની દશા જોઈને પત્નિએ કહ્યું, ‘ડરશો નહીં, તમારાથી ન દઈ શકાય એમ હોય તો મારા ભાઈ પાસે માંગી લઊં?’

લાલા ઝાઊલાલ ગુસ્સે થઈ ગયા. તેમણે રૂઆબથી પત્નીને કહ્યું, ‘અરે, જવા દે, અઢીસો રૂપિયા માટે ભાઈ પાસે ભીખ માંગીશ? મારી પાસેથી લઈ લેજે.’

‘પણ મારે આ જ જન્મમાં જોઈએ છે.’

‘અરે આ અઠવાડીયે જ લઈ લેજે.’

‘અઠવાડીયાનો તમારો મતલબ સાત દિવસનો છે કે સાત વર્ષનો?’

લાલા ઝાઊલાલ રુઆબથી ઉભા થતાં થતાં બોલ્યા, ‘આજથી સાતમા દિવસે મારી પાસેથી અઢીસો રૂપિયા લઈ લેજે.’

પણ ચાર દિવસ એમ જ વીતી ગયા અને રૂપિયાનો કોઈ પ્રબંધ ન થઈ શક્યો ત્યારે તેમને ચિંતા થવા માંડી. પ્રશ્ન પોતાની પ્રતિષ્ઠાનો હતો, ઘરમાં તેમની શાખનો હતો. પૈસા આપવાનો પાક્કો વાયદો કરીને હવે જો તેઓ એ ન આપી શક્યા તો પત્ની મનમાં તેમના માટે શું વિચારશે? તેની નજરોમાં પોતાની શી કિંમત રહી જશે? પોતાની વાહવાહીની અનેક ગાથાઓ તેઓ સંભળાવી ચૂક્યા હતા. એક કામ પડ્યું ને બધી પોલ ઉઘાડી પડી ગઈ? આ પહેલી વાર તેણે સ્વમુખે પૈસા માંગ્યા હતા. આવા સમયે જો તેઓ પીઠ દેખાડીને ભાગી જશે તો પત્નીને શું મોઢું બતાવશે?

ખેર, એક વધુ દિવસ વીતી ગયો. પાંચમા દિવસે તેમણે ગભરાઈને પોતાની વિપત્તિ પંડિત બિલવાસી મિશ્રને સંભળાવી. પણ સંજોગ કંઇક એવા બગડેલા હતા કે પંડિતજી પણ એ સમયે સાવ ખાલીખમ હતા. તેમણે કહ્યું, ‘મારી પાસે તો અત્યારે નથી, પણ હું ક્યાંકથી માંગીને લાવવાનો પ્રયત્ન કરું છું અને જો મળે તો કાલે સાંજે તમને મકાન પર મળું છું.’

એ સાંજ આજે હતી, અઠવાડીયાનો અંતિમ દિવસ. કાલે અઢીસો રૂપિયા ગણી દેવાના છે, નહીંતો બધી હોંશીયારીથી હાથ ધોઈ નાંખવાના. એ સાચું કે કાલે રૂપિયા ન આપવાથી તેમની પત્ની કંઈ તેમને ફાંસી આપવાની નહોતી, બસ એક નાનકું હાસ્ય, પણ એ હાસ્ય કેવું હશે એ કલ્પનામાત્રથી ઝાઊલાલ મરડાઈ જતાં.

આજે સાંજે પંડિત બિલવાસી મિશ્ર આવવાના હતા. એ ન આવ્યા તો, અથવા રૂપિયાનો પ્રબંધ ન કરી શક્યા તો…? આ જ ચિંતામાં પડેલા લાલા ઝાઊલાલ અગાશી પર આંટા મારતા હતા. એમને તરસ લાગી, નોકરને બૂમ પાડી. નોકર નહોતો, એટલે તેમની પત્ની પાણીનો લોટો લઈને આવી.

એ પાણી તો લાવી પણ ગ્લાસ લાવવાનું ભૂલી ગયેલી. ફક્ત લોટામાં ભરેલું પાણી લઈને એ પ્રગટ થઈ. અને સંજોગવશાત લોટો પણ એવો જે કઢંગી શીકલને લઈને લાલા ઝાઊલાલને સદા અણગમતો રહ્યો હતો. આમ તો એ નવો હતો, એકાદ બે વર્ષ પહેલા જ બન્યો હશે, પણ એની બનાવટ એવી હતી જાણે એની માં ડમરુ અને બાપ ચિલમ હોય.

લાલએ લોટો લઈ લીધો, કંઈ બોલ્યા નહીં. પત્નીની તેઓ અદબ જાળવતા, જાળવવી જ જોઈએ એને જ સભ્યતા કહે છે. જે પતિ પોતાની પત્નીનો ન થયો એ પતિ કેવો? વળી એમણે એ પણ વિચાર્યું કે લોટામાં પાણી આપી દે છે એ સારું છે, જો હવે ચૂં કે ચા કર્યું તો કદાચ ડોલમાં જમવાનું આવશે…. પછી શું બાકી રહી જશે?

લાલા પોતાનો ગુસ્સો પી જઈને પાણી પીવા લાગ્યા. એ સમયે તેઓ અગાશીના કિનારા પાસે ઉભા હતા. જે વૃદ્ધોએ પાણી પીવા માટે એવા નિયમ બનાવ્યા છે કે ઉભા ઉભા પાણી ન પીવું, સૂતી વખતે પાણી ન પીવું, દોડ્યા પછી તરત પાણી ન પીવું, એમણે કદી એવો નિયમ નથી બનાવ્યો કે અગાશીના કિનારા પાસે ઉભીને પાણી ન પીવું જોઈએ. લાગે છે કે આ મહત્વપૂર્ણ વિષય પર એ લોકોએ કાંઈ વિચાર્યું નથી.

લાલા ઝાઊલાલે હજી એકાદ બે ઘૂંટડા પાણી જ પીધું હશે કે અચાનક, કોણ જાણે કઈ રીતે, પણ તેમનો હાથ જોરથી હલ્યો અને લોટો તેમના હાથમાંથી છટકી ગયો.

લોટાએ ન ડાબે જોયું કે ન જમણે, એ ગલીની નીચેની તરફ ચાલી નીકળ્યો. વેગમાં ઉલ્કાને પણ લજાવતો એ આંખોથી અદ્રશ્ય થઈ ગયો. કોઈ જમાનામાં ન્યૂટન નામના કોઈક તોફાનીએ પૃથ્વીની આકર્ષણ શક્તિ નામની એક વસ્તુ શોધી હતી. કહેવાની જરૂર નથી કે એ તમામ શક્તિ અત્યારે લોટાની સાથે હતી.

કાપો તો લોહી ન નીકળે એવી લાલાની સ્થિતિ થઈ. આવી ધમધમતી ગલીમાં ઉંચેથી – ત્રણ માળની ઈમારત પરથી પડેલા પાણી ભરેલા લોટાનું પડવું એ રમત વાત નથી. એ લોટો કોણ જાણે કયા અનાધિકારીના ઝૂંપડા પર કાશીવાસનો સંદેશ લઈને પહોંચ્યો હશે!

થયું પણ કાંઈક એવું જ, ગલીમાં ખૂબ શોરબકોર થઈ રહ્યો, લાલા ઝાઊલાલ જ્યાં સુધી દોડીને નીચે ઉતર્યા ત્યાં સુધી તો તેમના ઘરના આંગણામાં મોટું ટોળું ધસી આવ્યું.

લાલા ઝાઊલાલે જોયું કે આ ટોળામાં પ્રધાનપાત્ર એક અંગ્રેજ છે જે નખશિખ ભીનો થયેલો છે અને જે પોતાના એક પગને હાથથી પંપાળતો બીજા પગ પર નાચી રહ્યો છે. તેની પાસે અપરાધી લોટાને જોઈને લાલાજી તરતજ એકને એક બે જોડીને પરિસ્થિતિ સમજી ગયા.

પડતા પહેલા લોટો એક દુકાનની બારસાખ સાથે અથડાયો અને એ દુકાન પાસે ઉભેલા અંગ્રેજને એણે સાંગોપાંગ સ્નાન કરાવ્યું અને પછી એના જ બૂટ પર પડ્યો.

એ અંગ્રેજને જ્યારે ખબર પડી કે આ લોટાના માલિક લાલા ઝાઊલાલ છે તો તેણે એક જ કામ કર્યું – પોતાના મોંને ખોલીને એણે ખુલ્લું જ છોડી દીધું. લાલા ઝાઊલાલને આજે જ ખબર પડી કે અંગ્રેજી ભાષામાં અપશબ્દોનો આટલો પ્રકાંડ કોષ છે. આ સમયે પંડિત બિલવાસી મિશ્ર ભીડમાંથી માર્ગ કરતા આંગણામાં આવતા દેખાયા. તેમણે આવતા જ પહેલું કામ એ કર્યું કે પેલા અંગ્રેજ સિવાયના બીજા જેટલા પણ લોકો આંગણામાં ઘૂસી આવ્યા હતા તેમને બહાર કાઢ્યા, અને પછી આંગણામાં ખુરસી મૂકાવીને તેમણે અંગ્રેજ સાહેબને કહ્યું, ‘તમારા પગમાં વાગ્યું લાગે છે, તમે આરામથી આ ખુરશી પર બેસી જાઓ.’

એ અંગ્રેજ બિલવાસીજીનો આભાર વ્યક્ત કરતા બેસી ગયા અને લાલા ઝાઊલાલ તરફ ઈશારો કરીને બોલ્યા, ‘તમે આ માણસને ઓળખો છો?’

‘બિલકુલ નહીં, અને હું આવા લોકોને જાણવા પણ નથી માંગતો જે રસ્તે જતા લોકો પર લોટાથી પ્રહાર કરે.’

‘મારી સમજમાં ‘હી ઈઝ અ ડેંજરસ લ્યૂનાટિક’ (મતલબ, એ ખતરનાક પાગલ છે.)’

‘ના, મારી સમજમાં ‘હી ઈઝ અ ડેંજરસ ક્રિમિનલ’ (ના, એ ખતરનાક અપરાધી છે.)’

પરમાત્માએ લાલા ઝાઊલાલની આંખોને આ વખતે ક્યાંક જોવાની સાથે ખાવાની શક્તિ પણ આપી દીધી હોત તો એ નક્કી હતું કે બિલવાસીજીને તેઓ અત્યાર સુધી પોતાની આંખોથી ખાઈ ગયા હોત. એ સમજી શક્તા નહોતા કે બિલવાસીજીને આ સમયે શું થઈ ગયું છે.

અંગ્રેજે બિલવાસીજીને પૂછ્યું, ‘તો શું કરવું જોઈએ?’

‘પોલિસને આ બાબતની જાણ કરી દો જેથી આ માણસને તરત હિરાસતમાં લઈ લેવામાં આવે.’

‘પોલિસ સ્ટેશન છે ક્યાં?’

‘પાસે જ છે, ચાલો હું બતાવું.’

‘ચાલો.’

‘હમણાં આવ્યો, તમારી ઇચ્છા હોય તો પહેલા હું આ લોટાને આ માણસ પાસેથી ખરીદી લઊં?’ કેમ ભાઈ વેચશો? હું પચાસ રૂપિયા સુધી આ લોટાના પૈસા આપિ શકીશ.’

લાલા ઝાઊલાલ તો ચૂપ રહ્યા પણ અંગ્રેજે પૂછ્યું, ‘આ નકામા લોટાના તમે પચાસ રૂપિયા કેમ આપી રહ્યા છો?’

‘આપ આ લોટાને નકામો કહો છો? આશ્ચર્ય! હું તો તમને એક જાણકાર અને સુશિક્ષિત માણસ સમજતો હતો.’

‘આખરે વાત શું છે? કાંઈક કહો તો ખરા.’

‘સાહેબ, આ એક ઐતિહાસીક લોટો લાગે છે, લાગે છે શું – મને પૂરો વિશ્વાસ છે. આ એ જ પ્રસિદ્ધ અકબરી લોટો છે જેની શોધમાં સંસારના બધા મ્યૂઝીયમ હેરાન થઈ રહ્યા છે.’

‘એમ વાત છે?’

‘હા સાહેબ, સોળમી સદીની વાત છે, બાદશાહ હુમાયું શેરશાહથી હારીને ભાગતો હતો અને સિંધના રણમાં મરવાના વાંકે જીવતો હતો. એવામાં એક વખત તરસના લીધે તેનો જીવ જવામાં હતો ત્યારે એક બ્રાહ્મણે આ લોટાથી પાણી પીવડાવીને તેનો જીવ બચાવ્યો હતો. હુમાયું પછી અકબરે એ બ્રાહ્મણને શોધીને આ લોટૉ લઈ લીધો અને એના બદલામાં આના જેવા દસ સોનાના લોટા આપ્યા. આ લોટો સમ્રાટ અકબરને ખૂબ ગમતો એટલે એનું નામ અકબરી લોટો પડ્યું. અકબર સદાય આનાથી જ વજૂ કરતો હતો. ઈસ. ૫૭ સુધી આ લોતાના શાહી ઘરાનામાં હોવાની ખબર છે, પણ એ પછી આ લોટો ખોવાઈ ગયેલો. કલકત્તાના સંગ્રહાલયમાં આ લોટાનું પ્લાસ્ટરની પ્રતિકૃતિ રાખી છે. ખબર નહીં કે આ લોટો આ માણસ પાસે કઈ રીતે આવ્યો? સંગ્રહાલયવાળાને ખબર પડે તો ખૂબ વધારે રકમ આપીને આ લોટો ખરીદી જાય.’

આ વિગત સાંભળતા સાંભળતા સાહેબની આંખોમાં લોભ અને આશ્ચર્યનો એવો પ્રભાવ પડ્યો કે એ કોડીના આકારમાંથી પકોડા જેવી થઈ ગઈ. એણે બિલવાસીજીને પૂછ્યું, ‘તો તમે આ લોટાનું શું કરશો?’

‘મને જૂની અને ઐતિહાસીક વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ છે.’

‘મને પણ જૂની અને ઐતિહાસિક ચીજોના સંગ્રહનો શોખ છે. જે સમયે આ લોટો મારી ઉપર પડ્યો હતો એ સમયે પણ હું એ માટેનું જ કામ કરી રહ્યો હતો. આ દુકાનમાંથી પીતળની કેટલીક જૂની મૂર્તિઓ ખરીદી રહ્યો હતો.

‘ગમે તે હોય, લોટો હું જ ખરીદીશ.’

‘વાહ, તમે કઈ રીતે ખરીદશો? હું ખરીદીશ, આ મારો હક છે.’

‘હક?’

‘હા, હક છે, કહો કે આ લોટાના પાણીથી તમે સ્નાન કર્યું હતું કે મેં?’

‘તમે.’

‘એ તમારા પગ પર પડ્યો કે મારા?’

‘તમારા.’

આંગૂઠો તમારો છૂંદાયો કે મારો?’

‘તમારો.’

‘આ કારણોથી આ લોટો ખરીદવાનો હક મારો છે.’

‘બધો બકવાસ છે, ભાવ કરો, જે વધારે પૈસા આપશે એ આ લોટો લઈ જશે.’

‘તો એમ કરો, તમે આના પચાસ રૂપિયા આપો છો તો હું સો આપું છું.’

‘હું દોઢસો આપું છું.’

‘હું બસો આપું છું.’

‘અરે હું અઢીસો આપું છું’ એમ કહીને બિલવાસીજીએ અઢીસો રૂપિયા ગણીને નોટો લાલા ઝાઊલાલ સામે ફેંકી દીધા.

સાહેબને પણ જોશ ચડ્યો, એમણે કહ્યું, ‘તમે અઢીસો આપો છો તો હું પાંચસો આપું છું, હવે બોલો.’

બિલવાસીજી અફસોસપૂર્વક પોતાના રૂપિયા ઉપાડવા લાગ્યા, જાણે પોતાની આશાઓની લાશ ઉપાડી રહ્યા ન હોય! સાહેબની તરફ જોઈને તેમણે કહ્યું, ‘લોટો તમારો થયો, લઈ જાઓ, મારી પાસે અઢીસોથી વધુ નથી.’

આ સાંભળ્યું કે સાહેબના ચહેરા પર પ્રસન્નતાની લહેરખી ફરી વળી. એણે ઝપટીને લોટો લઈ લીધો અને બોલ્યો, ‘હવે હું હસતો હસતો મારા દેશ જઈશ. મેજર ડગલસની ડીંગ સાંભળી સાંભલીને મારા કાન બહેરા થઈ ગયા હતાં.’

‘મેજર ડગલસ કોણ છે?’

‘મેજર ડલગસ મારા પડોશી છે, જૂની વસ્તુઓનો સંગ્રહ કરવાની મારી અને તેમની વચ્ચે શરત લાગેલી રહે છે. ગયા વર્ષે જ્યારે તેઓ હિંદુસ્તાન આવ્યા હતા ત્યારે અહીંથી જહાંગીરી ઇંડુ લઈ ગયા હતાં.’

‘જહાંગીરી ઇંડુ?’

‘હા, જહાંગીરી ઇંડુ. મેજર ડગલસ સમજે છે કે હિંદુસ્તાનથી તે જ ઐતિહાસીક વસ્તુઓ લઈ જઈ શકે છે.’

‘પણ જહાંગીરી ઇંડુ છે શું?’

‘તમે જાણતા જ હશો કે એક કબૂતરે નૂરજહાં સાથે જહાંગીરને પ્રેમ કરાવ્યો હતો. જહાંગીરે પૂછેલું કે, ‘મારું એક કબૂતર તેં કઈ રીતે ઉડી જવા દીધું’ ત્યારે નૂરજહાંએ બીજું કબૂતર ઉડાવીને બતાવ્યું હતું કે આમ. તેના એ બોળપણ પર જહાંગીર દિલોજાનથી ન્યૌછાવર થઈ ગયેલો. એ ક્ષણથી એણે પોતાની જાતને નૂરજહાંને સમર્પિત કરી દીધેલી. કબૂતરનો આ પાડ તે નહોતો ભૂલ્યો. તેના એક ઈંડાને જહાંગીરે ખૂબ સાચવીને રાખી મૂક્યું. એક હાંડીમાં તેની સામે એ સદાય ટીંગાતું રહેતું. પછીથી એ ઇંડુ જહાંગીરી ઇંડુ’ એ નામથી પ્રસિદ્ધ થયું. એ ઇંડાને જ મેજર ડગલસ જૂની દિલ્હીમાં એક મુસલમાન સજ્જન પાસેથી ત્રણસો રૂપિયામાં ખરીદી લાવેલા.’

‘એમ!’

‘હા, પણ હવે મારી સામે બડાશ હાંકી શક્શે નહીં. મારો અકબરી લોટો તેમના જહાંગીરી ઇંડાથી પણ એક પેઢી જૂનો છે.’

‘આ સંબંધે તો તમારો લોટો એ ઈંડાનો બાપ થયો.’

‘સાહેબે લાલા ઝાઊલાલને પાંચસો રૂપિયા આપીને પોતાનો રસ્તો લીધો. લાલા ઝાઊલાલનો ચહેરો આ સમયે જોવા લાયક હતો. જાણે મોઢા પર છ દિવસથી વધેલી દાઢીનો એકે એક વાળ પ્રસન્નતાથી ભર્યો ભર્યો લહેરાઈ રહ્યો ન હોય! તેમણે પૂછ્યું, ‘બિલવાસીજી, મારા માટે અઢીસો રૂપિયા ઘરેથી લઈને આવ્યા? પણ તમારી પાસે તો હતા નહીં?’

‘આ ભેદને મારા સિવાય મારો ઈશ્વર જ જાણે છે. આપ તેમને જ પૂછી લેજો, હું નહીં કહું.’

‘પણ તમે ચાલ્યા ક્યાં? મારે તમારૂ હજી બે કલાક જેટલું કામ છે.’

‘બે કલાક?’

‘હા, બીજુ શું. હું હવે તમારી પીઠ થપથપાવીને શાબાશી આપવાનો છું. એક કલાક એમાં જશે અને પછી ગળે વળગીને ધન્યવાદ આપીશ, એક કલાક એમાં જશે.’

‘બરાબર, પણ પહેલા પાંચસો રૂપિયા ગણીને સાચવી લો.’

રૂપિયા પોતાના હોય તો તેને ભેગા કરવા, ગણવા એક સુખદ અને મનમોહક કાર્ય છે કે મનુષ્ય એમાં સહજ તન્મયતા પ્રાપ્ત કરી લે છે. લાલા ઝાઊલાલ એ ગણતરીનું કાર્ય સમાપ્ત કરીને ઉંચે જુએ છે તો બિલવાસીજી અંતર્ધ્યાન થઈ ગયેલા.

એ રાત્રે બિલવાસીનીને મોડે સુધી ઉંઘ ન આવી. ચાદર ઓઢીને તેઓ પલંગ પર પડ્યા આળોટતા રહ્યા. એક વાગ્યે તેઓ ઉઠ્યા, ધીરેથી, અતિશય ધીરેથી ઉઠ્યા, પોતાની સૂતેલી પત્નિના ગળામાં પડેલ સોનાનો એ દોરો કાઢ્યો જેમાં એક નાનકડી ચાવી લટકતી હતી, પછી તેના ઓરડામાં જઈને તેમણે ધીરેથી પટારો ખોલ્યો અને અઢીસો રૂપિયાની નોટો જેમ હતી તેમ પાછી મૂકીને એ બંધ કરી દીધો. પછી દબાયેલા પગલે આવીને પોતાની પત્નિના ગળામાં એ સાંકળ પાછી બાંધી દીધી. આ પછી હસીને તેઓ આળસમાં મરડાયા અને બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધી શાંતિથી સૂતા.

– અન્નપૂર્ણાનંદ વર્મા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ.

શાળા સમયના કેટલાક યાદગાર પાઠમાંનો એક એટલે શ્રી અન્નપૂર્ણાનંદ વર્મા દ્વારા લિખિત ‘અકબરી લોટા’ મૂળ હિન્દીમાં લખાયેલ આ હાસ્યકૃતિ એ સમયે અમારા બધા સહપાઠીઓને ખૂબ ગમતી. અકબરી લોટા અને જહાંગીરી ઈંડાની પરિકલ્પના જ ખૂબ અનોખી અને હાસ્યાસ્પદ લાગતી. લોકો આટલી સહેલાઈથી મૂર્ખ બનતા હશે એ આશ્ચર્ય પણ થતું. એ જ સદાબહાર લેખ શોધીને આજે તેનો અનુવાદ અત્રે પ્રસ્તુત કર્યો છે.

શ્રી અન્નપૂર્ણાનંદ વર્મા હિન્દીના એક અગ્રગણ્ય હાસ્યકાર ગણાય છે. તેમની અકબરી લોટા મહદંશે વિશ્વના જે દેશોમાં હિન્દી શીખવાય છે ત્યાં પુસ્તકોમાં સમાવિષ્ટ છે. તેમની ભાષા સરળ અને આડંબરરહીત હોય છે અને નાના પ્રસંગોમાંથી હાસ્ય ઉપજાવવાની તેમની હથોટી અનોખી છે.

બિલિપત્ર

નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો ત્યારે બે જણા ત્યાં ઉભા હતાં, આશ્ચર્યથી આર્મસ્ટ્રોંગે પૂછ્યું, ‘વ્હુ આર યૂ?’

‘કેમેરામેન રજનીકાંત સાથે નરેશ કનોડીયા, ઈટીવી ગુજરાતી’ સામે જવાબ મળ્યો.


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “અકબરી લોટો – અન્નપૂર્ણાનંદ વર્મા, અનુ. જિજ્ઞેશ અધ્યારૂ