બે ગઝલો – ધૂની માંડલિયા 4


૧. માછલી સાથે જ દરિયો નીકળ્યો

માછલી સાથે જ દરિયો નીકળ્યો,
લ્યો ઋણાનુંબંધ પાછો નીકળ્યો.

હું જ મારા ભારથી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.

સાંજ પડતાંયે ફર્યું ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.

આશરો કેવળ નદીને જે હતો,
એક સાગર એય ખારો નીકળ્યો.

આગિયાઓ ઊજળા છે કે પછી-
વેશ બદલી સૂર્ય ઊડતો નીકળ્યો?

થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો.

૨. કોઈ ઢળતું હોય છે

કોઈનો પગરવ નથી ને કોઈ મળતું હોય છે,
રોજ ઊભું ઘર રહે ને કોઈ ઢળતું હોય છે.

બહાવરી કંકાવટીમાં સાત સૂરજ ઊગશે,
માંડવે જ્યારે ગવાતું ગીત ફળતું હોય છે.

વાયરાનો સાદ વાટે સાંભળીને ડાળ પર,
એક પીછું આસમાની ઓર છળતું હોય છે.

હું જ ખંડેરો મહીં અકબંધ સચવાતો રહ્યો,
સંસ્કૃતિ જેવું પછી તો નામ ભળતું હોય છે.

છે ફસલ વચ્ચે ને પૂછે ઓડકારો શું હશે,
આમ ભૂખ્યા ચાડિયાનું અંગ ગળતું હોય છે.

આંખ ખોલી તો સવારે ઊંઘ પર ડાઘા હતા-
થાય પણ શું રાત આખી સ્વપ્ન બળતું હોય છે.

– ધૂની માંડલિયા

શ્રી ધૂની માંડલિયાના ઓગસ્ટ ૧૯૮૨માં પ્રગટ થયેલ ગઝલસંગ્રહ ‘માછલી સાથે જ દરિયો નીકળ્યો’ નો આસ્વાદ શ્રી તરુણભાઈ મહેતાની કલમે આપણે આ અગાઊ અક્ષરનાદ પર માણ્યો છે, (જે અહિં ક્લિક કરીને વાંચી શકાય છે) આજે પ્રસ્તુત છે એ જ ગઝલસંગ્રહની બે જાનદાર ગઝલો. ગઝલસંગ્રહની પ્રસ્તાવનામાં પ્રથમ ગઝલ વિશે શ્રી ચિનુ મોદી કહે છે તેમ, ‘ત્રણ શેર કોઈ ગઝલમાંથી ઉત્તમ મળે તો આખી ગઝલ ઉત્તમ લેખવાનો અલેખિત રિવાજ છે, અહીં તો છ શેર ઉત્તમ, ગુજરાતી ગઝલ ધૂનીની ઓશીંગણ રહે એવી આ રચના છે. મત્લઆમાં જ ધૂનીએ ઉત્તમ ગઝલનો પાયો નાંખ્યો, મુક્ત કાફિયા રાખી ઉડ્ડયનની શક્યતાઓ રાખી અને એ શક્યતાઓને વાસ્તવમાં પરિવર્તિત કરી. માછલી અને દરિયાના પ્રતીકોનો નવેસરથી ઉપયોગ ‘ઋણાનુબંધ’ એ પદને કારણે ધૂનીએ શક્ય બનાવ્યો.

બંને ગઝલો માણવી ગમે તેવી સુંદર અને મમળાવવી ગમે તેવી યાદગાર થઈ છે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “બે ગઝલો – ધૂની માંડલિયા