રાતે આરતી કરનાર પૂજારીને પૂછતાં એણે કહ્યું, ‘બેનિયા બાગમાં મસ્જિદ છે, ત્યાં પૂછો…’
વિચાર્યું કે સવારે આઠેક વાગે નીકળી જવું, પણ રાત્રે ઉંઘ ન આવી અને સવારે ધીરજ ન રહી. હૉટેલની સામેની ફૂટપાથ ઉપર સવારે સાડાચારે ચાના ઠેલાવાળો આવી જાય. કપ-રકાબીનો ખખડાટ, સ્ટવનો ધમધમાટ, ઘરાકો સાથેના સંવાદો… બધાં જ અવાજો રોજ વહેલી સવારે શરૂ થઈ જતાં હશે. પણ રોજ એ ક્યાં સંભળાયા હતા! અને આજે તો એ બધા અવાજમાંથી એક જ આદેશ સંભળાય… ઉઠ… ઉઠ… ઉઠ..
આઠ વાગ્યાને બદલે સવારે પોણા છએ તો હૉટેલમાંથી બહાર આવી ગઈ. પગરિક્ષા તરત જ મળી ગઈ. ‘બેનિયા બાગ મસ્જિદ’. હજુ સવાર પડી ન હતી, એટલે કે હજુ અંધારું હતું. છતાં એ વાત પણ ખરી કે બનારસ માટે સવારના પોણા છ વાગ્યાનો સુમાર કંઈ વહેલો ન કહેવાય. ચહલપહલ તો ક્યારનીયે શરૂ થઈ ગઈ હોય. કોઈ કાશીવિશ્વનાથના મંદિરે દર્શન કરવા જતુ હોય, તો કોઈ ગંગા કિનારે સૂર્યોદયના દર્શન કરવા જતું હોય. છતાં મનમાં એક અજાણ્યો ડર હતો. હું એકલી, મારા માટે શહેર અજાણ્યું, અજાણ્યા લોકો, રસ્તા પણ તદ્દન અજાણ્યા! અને મુસ્લિમ એરિયા.
પગરિક્ષા થોડું ચાલી… ગોદોલિયા ગયું… અને બેનિયા બાગ શરૂ થયું. મુસ્લિમ નામો વાળી દુકાનોના પાટીયાં આવવા લાગ્યાં. મોટાભાગની દુકાનો હજુ બંધ હતી અને આ રસ્તો તો લગભગ સૂનો કહી શકાય એવો હતો. દુકાનો બંધ હોય, અંધારું હોય અને સૂનકાર, સાથે ઠંડી અને લાંબા રસ્તાઓ… એ સમયે કોઈ પણ શહેર એક ડરનો અહેસાસ કરાવતું હોય છે!
સામેની બાજુ એક મસ્જિદ દેખાઈ. પગરિક્ષાવાળાએ રસ્તો ક્રોસ કરી મસ્જિદ પાસે પગરીક્ષા લીધી. મસ્જિદમાંથી બે ભાઈઓ નીકળ્યા, તેમને પૂછ્યું, ‘ઉસ્તાદ બિસ્મિલ્લાખાનજી કી મઝાર…?’ વાક્ય અધૂરું હતું અને તેમના ચહેરા પર અહોભાવ ફરી વળ્યો. તેમણે પગરીક્ષાવાળાને, ‘ઈધરસે દાંયે, ઉધરસે બાંયે’ કરતાં કરતાં બરાબર જગ્યા બતાવી હશે એવું લાગ્યું. હવે આ પગરીક્ષાવાળો જ મારો આધાર હતો, પણ મંઝિલ હવે એક કદમ નજીક હોય એવું લાગી રહ્યું હતું. ડર અને રોમાંચ બેઉ સાથે ચાલતા હતાં.
પગરિક્ષા મેઈનરોડને છોડીને એક ગલીમાં વળી. અને ગલી પછી તો ગલી પછી ગલી… કેટલાક રસ્તા તો એટલા સાંકડા કે પગર્રિક્ષા ચાલતી હોય તો સામેથી સ્કૂટર પણ ન આવી શકે! ક્યાંક જરા પહોળા રસ્તા હોય તો ત્યાં એકાદ લારી ઊભી હોય અને લારીમાં એક સાથે પાંચ પાંચની હારમાં પચીસેક બકરીઓને બાંધેલી હોય. કોઈ ઘરને જો ઓટલો હોય તો ત્યાં પણ ખીલે બકરી બાંધેલી હોય! કોઈ નાના ઓટલા પર પાન-પડીકીવાળા અને ચોક પડે ત્યાં મરઘા-બતકાંના પીંજરા… બિસ્મિલ્લાખાનના વિચારો એક તરફ રહ્યાં અને વિચારવા લાગી કે આ બકરીઓ કોણ જાણે ક્યારની આ દશામાં બાંધેલી બેઠી હશે. બિચારી બેં બેં કરવાનું પણ ભૂલી ગઈ હશે. અમસ્તું કહ્યું હશે, કે ‘બકરે કી અમ્મા કબ તક ખૈર મનાયેગી…?’
બધું વળોટતાં વળોટતાં એક મોટા ડેલા સામે રિક્ષા ઊભી રહી. ઉપર કશું લખેલું નહોતું. અંદર જતાં સહજ સંકોચ થતો હતો, ત્યાં એક બીજા મદદગાર મળી ગયા. ફરીથી પૂછ્યું, ‘ઉસ્તાદ બિસ્મીલ્લાખાનજી કી મઝાર…’
‘આઈયે, યહીં હૈ.’ તેમણે દરવાજો ખોલી આપ્યો. અંદર સાથે આવ્યા. પહેલી નજરે મઝાર જેવું કશું દેખાયું નહીં. જમીનથી માંડ એકાદ ઈંચ ઉંચે ત્રણ બાય છ ની જગ્યા પર જરા ગારમાટી થયા હોય એવું લાગ્યું. દીવાલના ટેકે ઉસ્તાદજીની મોટી તસવીર હતી. મેં પ્રણામ કર્યા, પેલા મુસ્લિમ બિરાદરને પૂછ્યું, ‘મુસ્લિમોમાં પ્રણામ કેવી રીતે કરે છે? મારે એ રીતે પગે લાગવું છે.’ એમણે હસીને કહ્યું, ‘આપ ઈધરકી નહીં લગતી….ઈતને દૂરસે આઈ હૈ, તો આપકી પ્રાર્થના પ્રણાસ સબ કુછ કબૂલ હો હી ગયા હોગા!’
બસ, પ્રણામ કરીને બહાર નીકળી, અંદર કંઈક છલકાતું હતું, એટલે તો ફોટૉ પાડવાનું પણ યાદ ન આવ્યું. પગરિક્ષામાં બેસતાં બેસતાં પાછા વળીને ફરી ત્યાં જઈને ફોટો લીધો. પેલા ભાઈને જ પૂછ્યું, ‘બિસ્મીલ્લાખાનજીનાં સંતાનો…’ જવાબ મળ્યો ‘બેનિયા બાગ.’
ફરી બેનિયા બાગ. પછી ફરી ત્યાંથી ગલી, ગલી, ગલી… સરાઈ હરા પહોંચી. પંદર સત્તર વર્ષના ચાર પાંચ છોકરાઓ ત્યાં ઊભા હતા. તેમણે પૂછ્યું, ‘ખાન સાહેબ બિસ્મીલ્લાહખાન…’ છોકરાઓ બાઅદબ છેક ઘર સુધી મૂકી ગયા.
સવારના સાડા સાત થયા હતા. અજાણ્યાને ઘેર અત્યારમાં પહોંચી ગયાનો સંકોચ હતો, ત્યાં તો ખુલ્લા બારણામાં સામે એક બુઝુર્ગ દેખાયા. છોકરાઓએ એમને કહ્યું, ‘ઉસ્તાદજી કા નામ લે રહે થે…’
‘આઈયે, આઈયે…’ ઊંચો ઓટલો ચડીને હું ઘરમાં પ્રવેશી. ઓટલો ચડતાં તરત જ નાનકડો બેઠકરૂમ હતો. દરવાજાની ડાબી બાજુએ એક જૂનો સોફા, જમણી બાજુએ ડબલબેડ, બંને પર કોઈ સૂતું હતું. દરવાજાની બરાબર સામે બે ખુરશી અને સામેની બાજુએથી ઘરમાં આગળ જવા માટે બીજો દરવાજો.
મારા આટલા વહેલા આવવાને કારણે સૂતેલાંને ઉઠાડવાં પડ્યાં. નમસ્કાર કરીને હું સામેની બે ખુરશીમાંથી એકમાં ગોઠવાઈ.
‘ફરમાઈયે…’
મેં કહ્યું, ‘જીસ પાક ભૂમિ પર ઉસ્તાદજીને જીવનભર શેહનાઈ કી સાધના કી ઉસ ભૂમિ કા દર્શન કરને આઈ હું.’
‘વહ તો દશાશ્વમેઘ ઘાટ પર બજાતે થે… કાશીવિશ્વનાથ મંદિર હો આઈ આપ?’
‘જી, અભી નહીં, પહેલે ખાનસા’બ કી મઝાર કા દર્શન કરના થા, સો કર લિયા આજ સુબહ સુબહ. ઔર સાથ હી મેં આપ સબ, ઉનકે પરિવાર સે ભી મિલને કી ઉમ્મિદ થી, તો ચલી આઈ હૂં. અબ જાઊંગી મંદિર ભી…’
એમની આંખમાં એક ચમક અને એક ગ્લાનિ એકસાથે ઊભરી આવ્યાં હોય એવું લાગ્યું. એમણે ઉપર જોયું. એમની સાથે મેં પણ ઉપર નજર કરી. ઓરડાની એકેએક દિવાલ ખાનસાહેબની તસવીરોથી મઢેલી હતી.
‘સબ ઉનકા કરમ હૈ, કી કોઈ હમેં યાદ કરકે ઈતની દૂર મિલને આતા હૈ.’ એક તસવીરમાં ખાનસાબ સામે એકીટસે જોતાં એમણે કહ્યું.
‘આપ ઉનકે…’
‘મેં બડા બેટા ઉન કા, મહેતાબહુસેન…’
‘ખાનસાહબ કે બાદ ઉન કી શહનાઈ કા વારિસ…’
‘બજાતા હૂં મૈ શહનાઈ, લેકિન ઉન કી શહનાઈ કે અસલી વારિસ તો થે નૈયરહુસેન, હમારે છોટે ભાઈ થે. ગુજર ગયે અભી એક દો સાલ પહલે… ઉનસે છોટે હૈ નાઝીમહુસેન. તબલાનવાઝ હૈ. બહુત ખૂબસૂરત બજાતે હૈ. જામિલહુસેન ઔર કાલિમહુસેન… હમ પાંચ ભાઈ…’
મહેતાબહુસેન પાણી લઈને આવેલા નિસ્સારહુસેનનો પરિચય કરાવે છે, ‘નિસ્સારહુસેન હમારે નૈય્યરહુસેન કે બેટે હૈ.’ ‘એ પણ શરણાઈ વગાડે છે?”‘ એમણે ડોકું હલાવ્યું.
આટલે દૂરથી આવેલ એકલી સ્ત્રી સવારથી આવીને આટલી વાર સુધી વાત કરતી રહે અને તે છતાં ઘરની એક પણ સ્ત્રી કે યુવતી કે નાની છોકરી પણ બહાર આવીને પાણી ન આપે, એ મારા માટે અચરજનો વિષય હતો, ‘ખાનસાહેબના કુટુંબમાં કોઈ સ્ત્રીને સંગીતનો શોખ કે તાલીમ…’
‘નહીં.’ રુઢિચુસ્ત મુસ્લિમ કુટુંબના વડા મેહતાબહુસેન આ બાબતમાં બહુ જ સ્પષ્ટ હતા. ‘હમ હમારી ઔરતોંકો સંગીતકી તાલીમ નહીં દેતે હૈં. હમારી તીન બહેનેં હૈં. તીનોં કી આવાઝ મધુર હૈં, લેકિન હમારેં ઘરોં કે હી શાદી બ્યાહ કે અલાવા….’
‘આટલી રુઢિચુસ્ત માન્યતા…’ હું બેધડક પૂછી લઉં છું, ‘…અને ઈસ્લામ તો સંગીતની મનાઈ ફરમાવે છે ત્યારે ખાનસાહેબનું ગંગાઆરતીના સમયે મંદિરના પરિસરમાં શરણાઈ વગાડવું…’
‘કિતનેં મુસલમાનોંને ગાયા-બજાયા ઔર ઉસ્તાદ હો ગયે. અબ્બા કે મામા ઉસ્તાદ અલિબક્ષસાહબ ગ્વાલિયર કે બાલાજી મંદિરમેં નોબત બજાતે થે. અબ્બાકે નાના ભી વહીં પર ગ્વાલિયર સ્ટેટકી ઔર સે નોબત બજાતે થે, અબ્બાકે દાદા સાલારહુસેનખાન, હુસેનબક્ષખાન, રસૂલબક્ષખાન ઔર ઉનકે અબ્બા પયગંબરબક્ષખાન… સબ શહનાઈ બજાતે થે. ઈસ્લામ રોજી કે લિયે સંગીતકી છૂટ દેતા હૈ. ખાનસાહબકે લિયે શહનાઈ ઉનકી રોજી થી. હમ ભી રોજી કે લિયે બજાતે હૈં. આપ ભી કભી શાદી બ્યાહ કે મૌકે પર બુલા લો, હમ બજાને કે લિયે આ જાયેંગે…’
મારા માટે દિગ્મૂઢ થઈને સાંભળવનો એ સમય હતો. ખાનસાહેબ, ઉસ્તાદ બિસ્મીલ્લાહખાન… અને શરણાઈ એમની રોજી માત્ર..!?
ખાનસાહેબની શરણાઈ, એમની સંગીતસાધના, એમની લગન અને ગંગાઆરતી ટાણે શરણાઈ વગાડવાનો એમનો વૈભવ… કેટકેટલી દંતકથાઓ સાંભળીને તો આપણે મોટા થયાં છીએ? મેં સાંભળેલું ખોટું ન હોય તો… અમેરિકામાં બનારસની પ્રતિકૃતિ સર્જીને ત્યાં સ્થાયી થવાના કહેણને ખાનસાહેબે એમ કહીને નકારી કાઢેલું કે, ‘મેરી ગંગા કહાંસે લાઓગે તુમ વહાં…?’
અને અહીં એમનો પુત્ર મને મોઢામોઢ કહી રહ્યો હતો કે શરણાઈ ખાનસાહેબની રોજી હતી!?
સરસ્વતીની પૂજા કરતાં કરતાં કેટલાયે પંડિતો અને ઉસ્તાદો અમેરિકામાં લક્ષ્મીજીના ખોળામાં આળોટી રહ્યા છે ત્યારે અહીં રોજી માટે શરણાઈ અને સંગીતને અપનાવનાર ખાનસાહેબ તો આખી જિંદગી સંગીતની સાધના જ કરતા રહ્યા…!
‘ખાંસાબ તો કહતે થે કિ…’ મહેતાબહુસેન વાત આગળ ચલાવે છે, ‘લક્ષ્મીજી તો હર તરીકે સે આ સક્તી હૈ. સૂર સિર્ફ સરસ્વતી સે મિલતે હૈં… સોને કા પીતાંબર પહન લિયા ઔર કામ કુછ નહીં, તો વહ તો સોને કી બેઈજ્જતી હો ગઈ…’
વાતનો દોર હું પકડી રાખું છું, ‘ઈસ્લામે તો… માનો કે રોજી માટે સંગીતની છૂટ આપી હતી પરંતુ… અહીંના મુસ્લિમો ગંગાઆરતી સમયે મંદિરમાં શરણાઈ વગાડવાનો વિરોધ કરતા ન હતા?’
‘ક્યા બાત કરતીં હૈ આપ. શહનાઈને તો બનારસ કે હિન્દુ ઔર મુસલમાનોં કો કિતના જોડ કે રખ્ખા હૈ! સબ ઉનકા નામ બડી ઈજ્જતસે લેતેં હૈં. ભારતરત્ન યા કિસી ભી ઈલકાબ-અકરામ કે લિયે ઉન્હોંને કભી ભી કિસીકા અહેસાન નહીં લિયા થા.’
‘ઉનકી શહનાઈ કોઈ ખાસ તરહ સે…’
‘એમની શહેનાઈ એક સામાન્ય શરણાઈ જ હતી. એમણે મૂળ શરણાઈમાં કોઈ ફેરફારો પણ કર્યા ન હતા. માત્ર સાધના અને અલ્લાહના કરમ વડે જ શરણાઈને એમણે આ દરજ્જો અપાવ્યો હતો.’
‘ક્યારેક હુલ્લડ થાય હિંદુ-મુસ્લિમ વચ્ચે, ત્યારે…’
‘દંગે તો હો જાતે થે કભી કભી. ઉસ વક્ત હમારે હિંદુ બિરાદર હી કહતે થે કિ ખાંસાબ, મત આઈયે આજ મંદિર મેં… લેકિન હમારે અબ્બા થે કી… કહતે… બનારસ મેં હૂં તબ તક તો આઉંગા ગંગા કે ઘાટ પર બજાને… એ હંમેશા આવતા, અને હિંદુઓ જ એમના રક્ષણની જવાબદારી નીભાવતા.’
મને ફરી આરતી કરનાર પૂજારી યાદ આવી ગયો. કહેતો હતો, ‘બેનિયા બાગમાં મસ્જિદ છે, ત્યાં કોઈને પૂછો..’
‘એમના આખરી દિવસોમાં ડૉક્ટરે કૅન્સરને કારણે શરણાઈ વગાડવાની મનાઈ…’
‘કોઈ કૅન્સર-વૅન્સર નહીં થા ઊનકો, ગુજર જાને કે તીન-ચાર મહિને પહેલે હી તો એક બડા કાર્યક્રમ કિયા થા…’
‘ખાનસાહેબે થોડી ફિલ્મો માટે વગાડેલું, પછી અળગા રહ્યા, ફિલ્મોમાં એમની પસંદ…’
‘અબ્બાને ગીતાબાલીની ફિલ્મ કિનારાનું સંગીત બહુ ગમતું. નૌશાદ અને વસંત દેસાઈ એમના પ્રિય સંગીતકાર હતા… ગુંજ ઉઠી શહનાઈ પછી શરણાઈને બહુ જ લોકપ્રિયતા મળી હતી. વાદ્ય તરીકે શરણાઈની કદર થવા લાગી.’
ખાનસાહેબે પોતાના પુત્રોને સંગીતની પૂરી તાલીમ આપી. ‘હમકો તો માર-માર કે સિખાયા થા, લેકિન હમારે બચ્ચોં કે લિયે ઉન્હોંને હમ પર છોડ દિયા થા..’
વિદાય લેતા પહેલા મેં બે-ચાર શેરો કહ્યા –
હૈ શહનાઈ કા દૂસરા નામ બિસ્મિલ્લા,
સુરોં કા દિવ્યઅંશી જામ બિસ્મિલ્લા.
બનારસ ધામ હૈ ગંગા કી ધારા કા,
સૂરોં કી જાહ્નવીકા ધામ બિસ્મિલ્લા.
મુસલમાં કે ફકીર દરવેશ થે વો તો,
હરેક હિંદુ કે થે વો રામ બિસ્મિલ્લા.
ઓ ભારતરત્ન! આલિકિત કિયા જગ કો,
હૈ પાવક સંસ્કૃતિ પૈગામ બિસ્મિલ્લા.
બીજો શેર સાંભળતા મેહતાબહુસેનખાનથી એક ડૂસકું મૂકાઈ ગયું અને પછીનાં ડૂસકાંઓ એ ગળી ગયા.
દસ દિવસના બનારસના રોકાણ પછી રેલ્વે સ્ટેશને ગાડીની રાહ જોતાં બેઠાં હતાં ત્યાં નિસ્સારહુસેન હાથમાં ફળો અને મીઠાઈ લઈને આવી ચડ્યા. ‘આપ કિતની દૂરસે આઈ થી હમ સે મિલને. હમ તો ખૈર, યહીં સે આયે હૈં… ખાનસાહબ કા કરમ હૈ સબ. ઉનકી અંતિમ યાત્રામેં પૂરા બનારસ છલકા થા. ભીડ કો કાબૂ કરના મુશ્કિલ થા. ભારતરત્ન થે વહ, તો રાજદ્વારી તો આને વાલે થે હી, આમ જનતા ઉનસે ઈતના પ્યાર કરતી થી વહ તો ઉનકે જાને કે બાદ હી પતા ચલા!’
હું મારી ચિંતા વ્યક્ત કરું છું, ‘કોઈએ એમની યાદગીરી સાચવવી જોઈએ. એમની મઝાર કેવી અવસ્થામાં છે!’
‘ક્યા કરેં? સરકારને તો પચાસ લાખ ખર્ચ કરને કા વાદા કિયા થા મઝાર કે લિયે…’
ફરી એક વખત ખાનસાહેબની મઝારની હાલત મારી નજર સામે તરવરી રહી…
વડોદરા પહોંચીને નિસ્સારહુસેનને પહોંચનો ફોન કરું છું ત્યારે ફોન પર તેઓ કહે છે, ‘દીદી, કોઈ કાર્યક્રમ હો તો બુલાઈયેગા હમેં, કિસીકી શાદી હો…, કિસીકા જન્મદિન હો…’
– મીનાક્ષી ચંદારાણા
ભારતનું સર્વશ્રેષ્ઠ નાગરીક સન્માન ભારતરત્ન જેમને મળ્યું છે તેવા, શરણાઈ જેવા શાસ્ત્રીય વાદ્યને વિશ્વમાં એકલે હાથે પ્રચલિત કરનાર, આઠથી વધારે દાયકાઓ સુધી શરણાઈની અખંડ ઉપાસના કરનાર ઉસ્તાદ બિસ્મીલ્લાહખાન સંગીત દ્વારા પ્રેમ અને શાંતિનો સંદેશ પ્રસરાવનારા સરસ્વતીના એક અદના ઉપાસક હતાં. ભારતના પ્રથમ સ્વતંત્રતા દિવસ, ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ના રોજ પંડિત જવાહરલાલ નહેરૂના આમંત્રણને માન આપીને તેમણે લાલકિલ્લામાં શરણાઈના સૂરો રેલાવ્યા હતા તો ૨૦૦૨માં પ્રસિદ્ધ ‘સ્વદેશ’ ફિલ્મમાં પણ તેમની શરણાઈનો જાદુ ફેલાયેલો. ઉસ્તાદજીની મઝાર અને તેમના કુટુંબની એક પવિત્ર સ્થળની યાત્રાએ જતા હોય એટલી જ શ્રદ્ધાથી મુલાકાત કરનાર, મીનાક્ષીબેન ચંદારાણાનો પ્રસ્તુત અનુભવલેખ એક અવિસ્મરણીય મુલાકાત તો છે જ, વાંચકો માટે પણ એક હ્રદયંગમ અનુભવ બની રહે છે.
સાહિત્ય આખરે તો શબ્દોની હ્રદય સુધીની યાત્રા જ છે ને! મનને સ્પર્શી ગયેલો એક એક નાદ, એ અક્ષરનો હોય કે સૂરનો, સાહિત્યનું હ્રદયસ્થ સ્વરૂપ છે. આ સુંદર અનુભવ વાંચવો એ એક આગવો અવસર થઈ રહે છે. જાણે આપણે પણ લેખિકાની સાથે જ આ મુલાકાતમાં શામેલ છીએ. ઉદ્દેશ સામયિકમાં એપ્રિલ ૨૦૧૧માં પ્રસિદ્ધ ઉપરોક્ત મુલાકાત અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અને ફોટોગ્રાફ્સ બદલ મીનાક્ષીબેન ચંદારાણાનો ખૂબ ખૂબ આભાર.
બિલિપત્ર
વિશ્વનો અંત થઈ જશે તો પણ, સંગીત તો અમર જ રહેશે.
– ઉસ્તાદ બિસ્મિલ્લાખાન
Gujarati people should promote Sahenai in marriage ceremany.
હ્દય સ્પર્શઇ યાત્રારહિ
પ્રતિભાવો બતાવે છે કે સમાજ હજુ સંવેદનશીલ છે. આ બહુ મોટું આશ્વાસન છે.
ખાનસાહેબના પરીવારજનો હજુ અહીં વસે છેઃ
Nisar Hussain
CK 46/62, Sarai Harha,
Varanasi – 221 001 (U.P.) India
Phone : 0542-2412836
Mo. Nissarhusein 09616043169
Gram – ‘shahnai’ Varanasi – (India)
સંગીતના કાર્યક્રમ માટે એમને તેડું આપવું એ પણ ખાનસાહેબને અંજલી હશે.
very very touching article.
i am fond of music.
મિનાક્ષિ બેન આપ્નો લેખ ખુબ્જ ગમ્યો. ભાવ્વિભોર થૈ જવાયુ.
minaxiben ne khub abhinandan.man khub bhavuk thai gau.vanchine je fillings thai ashabdoma n varnavi shakay.
મિનાક્ષિબેન સુન્દર લેખ અને સરસ મુલકાત લખિ
Heart touching…
આજના બેસૂરા લોકો ને…..શરણાઇ ના સૂ૨ ભુલાઇ ગયા છે…રાજ
very nice information, minakshiji.
ઇન્શાન તો ઇન્શાન છે, ચાહે હિન્દુ હો યા મુસલમાન. મને પણ આ ભારતરત્નના શહ્નનાઈ વાદન માટે પક્ષપાત છે.
એમની મજારની જાણે મે જ મુલાકાત લીધી હોઇ તેવુ લાગ્યુ. વહેલી સવારે કોઇ સ્થળની મુલાકાત લેવાનુ મારે પણ ઘણી વખત બને છે.
તેથી આ મારો જ અનુભવ હોય તેવુ લાગ્યુ.ખુબ સરસ. આ અનુભવ કરાવ્વા બદલ મીનાક્ષીબેનને અભિનન્દન અને આભાર. હરીશ રાઠોડ.
મીનાક્ષીબહેનનો લેખ વાંચતી વખતે TV પર જોયેલા બિસ્મીલ્લાખાંના Interviews યાદ આવ્યા. તેમના શરણાયવાદનની cassette ફરી સાંભળી. મીનાક્ષીબહેનનો લેખ વાંચવાની મજા આવી પણ મજારનું વળગણ જરા વધારે પડતું લાગ્યું.
ખુબ સરસ લેખ બદલ સુશ્રિ મિનક્ષિ બેન ને અભિનન્દન્ આપ ના આ વર્નન થિ આખુ બનરસ અને ઉસ્તાદ સાહેબ નઝર નિ સમક્ષ અદભુત રિતે ઉપસ્થિત
થાય
ઉત્તમ પુરુશ , તેમના સન્ગિત , અને તેમના ાઓલખનાર ને અભિનન્દન્ !!!!
મિનાક્ષિ ને આ ઉત્તમ કાર્ય માટે અભિનન્દન્..મહાન કલાકાર પ્રત્યે ક્રુત્ગ્યતા રાખવિ તે ખરેખર પ્રસન્શનિય છે…….તેમની મજાર માટે જે તે સરકાર નુ ધ્યાન દોરવુ જોઇયે………..લેખ માટે અક્ષર્ નાદ ને પણ અભિનન્દન્.