પહેલા પહેલા જુગમાં રાણી, તું હતી પોપટી ને… – મનોજ જોશી 5


ભારતીય હિન્દી ફિલ્મ જગતમાં ગ્રેટ શોમેન તરીકે રાજકપૂર સાહેબનું નામ જેમ સુવર્ણાક્ષરે અંકિત છે એ જ રીતે, એની સમાંતરે ભારતીય હિન્દી ફિલ્મ સંગીત જગતમાં મહેન્દ્ર કપૂરજીનું નામ સુવર્ણ અક્ષરે આલેખિત છે. ફિલ્મ સંગીતક્ષેત્રની ત્રિપુટીને આપણે ક્યારેય, કદાપિ, હરગિઝ નહીં જ ભૂલી શકીએ! મન્ના દા (ડે) સાહેબ, રફી સાહેબ અને મહેન્દ્ર કપૂર આ ત્રણેય સમર્થ સ્વરના માલિકોએ ભારતીય પ્રજાના હૈયામાં પોતાના સ્વરના અજબ કામણ પાથર્યાં છે. એમાંય મહેન્દ્ર કપૂર તો આપણને ‘આપણાં’ જ લાગે કેમ કે એમણે ગુજરાતી ફિલ્મ સંગીતમાં એટલા બધા અમર ગીતો આપ્યા છે કે આપણે ક્યારેય એના સ્વરઋણમાંથી મુક્ત નહીં થઈ શકીએ. મન્ના ડે અને રફી સાહેબ પછી સ-શક્ત સ્વર અને તાર સપ્તકનીય ઉપરના સૂરમાં સહેલાઈથી ગાનારા મહેન્દ્ર કપૂરે ગાયેલાં અસંખ્ય ગીતો હવે માત્ર આપણી સ્મરણહૂંડી છે. ભારતીય ભક્તિ સંગીત પરંપરામાં પણ આ ગાયકે ઘણી ઉત્તમ ભક્તિરચનાઓને સ્વર આપ્યો છે. મહેન્દ્ર કપૂરે ગાયેલા હનુમાનચાલીસામાં આપણને તેમના ભક્તિભાવભર્યા ભાવ સંવેદનક્ષમ સ્વરનો અનુભવ થયા વગર રહેતો નથી જ. સફળ ફિલ્મો હમરાઝ, નિકાહ, પૂરબ ઓર પશ્ચિમ, ઉપકાર અને અન્ય ઘણી ફિલ્મોની સફળતામાં મહેન્દ્ર કપૂરે ગાયેલાં ગીતોએ અગ્રભૂમિકા ભજવી છે. દેશભક્તિ ગીતોમાં તો આજે પણ એમણે ગાયેલાં ગીતો જ મોખરે છે.

૧૯૭૩ની સુપરહીટ ગુજરાતી ફિલ્મ, ‘રાજા ભરથરી’ (કીર્તિ કલા મંદિર, મુંબઈ પ્રસ્તુત, ટી. જે પટેલ નિર્મિત અને રવીન્દ્ર દવે દિગ્દર્શિત) ફિલ્મનું સંગીત અવિનાશ વ્યાસે તૈયાર કર્યું હતું. જેના ગીતો એ સમયે ગલીએ ગલીએ ગુંજતા હતાં. મારા માદરે વતન ઉપલેટામાં, ફળિયામાં બાજુમાં જ રહેતા મારા અદા (મોટા બાપુજી) પૂ. રેવાશંકરભાઈ જોશીના ઘરમાં એ સમયે રેકર્ડ પ્લેયર (તાવડી વાજુ) હતું તેમાં મારા મોટાભાઈ ‘જીકાભાઈ દરરોજ ‘રાજા ભરથરી’ની રેકર્ડ વગાડતા, એનું સ્મરણ આજેય મારા મનમંદિરમાં હજુય ગૂંજે છે. અબ વો પુરાને સુહાને દિન બીત ચૂકે… ‘રાજા ભરથરી’ ફિલ્મમાં ઘણાં ગીતો હતાં. એમાંથી બે ગીતો આજે પણ જૂની પેઢીના લોકોની સ્મૃતિમાં અકબંધ છે. અરે, અમેરિકા અને આફ્રિકામાં વસતા ગુજરાતીઓ પણ ‘રાજા ભરથરી’ના મહેન્દ્ર કપૂરે ગાયેલાં એક સુપરહીટ પરંપરિગ ગીતની ફરમાઈશ અચૂક કરે જ છે. મહેન્દ્ર કપૂરે આ ગીતમાં જે દર્દ ઠાલવ્યું છે તે આપણી આંખમાંથી અશ્રુ વહાવે એટલું સક્ષમ છે. એમાંય ગીતની વચ્ચે આ ગાયકે તારસ્વરે જે આલાપ ગાયો છે તે આ લખતી વેળા મારી છાતીમાં આ ક્ષણે પડઘાય છે અને મારો હાથ આ લખે છે પણ મારું મન તો સાથે સાથે આ ગીત ગાઈ રહ્યું છે. મહેન્દ્ર કપૂરજીને ભાવ સ્મરણ અંજલી રૂપે આપણે સૌ આ અભેરાઈ ઉપર મુકાઈ ગયેલું ગીત ગાઈએ અને આપણા મહાન ગાયકને એ નિમિત્તે યાદ કરીએ. આજની પેઢીએ અને આજના ગાયકોએ આવા ગીતો પાસે જવું જોઈએ. ગાતાં પહેલાં ખૂબ ખૂબ ખૂબ સાંભળવું જોઈએ! ‘રાજા ભરથરી’ ફિલ્મના એ બે સફળ ગીતો એટલે

૧. ભિક્ષા દે ને મૈયાં પિંગળા, જોગી ઉભો છે તારે દ્વાર (મહેન્દ્ર કપૂર – સુમન કલ્યાણપુર)
૨. પહેલાં પહેલાં જુગમાં રાણી તું હતી પોપટીને…

આજે આચમન ના આંગણે મહેન્દ્ર કપૂરજીને આપણા સૌની હ્રદયાંજલી અર્પીએ આ ગીતથી…

પહેલા પહેલા જુગમાં રાણી, તું હતી પોપટીને,
અમે રે પોપટ રાજા રામના (હોજી રે…)

ઓતરા તે ખંડમાં આંબલો પાક્યો ત્યારે,
સુંદલે મારેલ મુને ચાંચ રાણી પિંગળા. હેએએ..

ઈરે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને
તોય ન હાલી મારી સાથ, રાણી પિંગળા
દનડા સંભારો ખમ્મા, પૂરવ જનમના સહેવાસના. હેએએ…

બીજા બીજા જુગમાં રાણી, તું હતી મૃગલીને,
અમે રે મૃગેશ્વર રાજા રામના (હોજી રે…)

વનરા તે વનમાં પારધીએ ફાંસલો બાંધ્યો
પાડતા છાંડ્યા મેં મારા પ્રાણ રાણી પિંગળા. હેએએ..

ઈરે પાપીડે મારા પ્રાન જ હરિયા ને
તોયે ન હાલી મોરી સાથ, રાણી પિંગળા
દનડા સંભારો ખમ્મા, પૂરવ જનમના સહેવાસના. હેએએ…

ત્રીજા ત્રીજા જુગમાં રાણી, તું હતી બ્રાહ્મણીને,
અમે રે તપેશ્વર રાજા રામના (હોજી રે…)

કંદલિક વનમાં ફૂલ વીણવા ગ્યા’તા ત્યારે,
ડસિયેલ કાળુડો નાગ રાણી પિંગળા. હેએએ ..

ઈરે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને,
તોયે ન હાલી મોરી સાથ, રાણી પિંગળા
દનડા સંભારો ખમ્મા, પૂરવ જનમના સહેવાસના. હેએએ…

ચોથા ચોથા જુગમાં રાણી, તું હતી પિંગળા ને,
અમે રે ભરથરી રાજા રામના (હોજી રે…)

ચાર ચાર યુગમાં તારો વાસ હતો ને,
તોયે ન હાલી મારી સાથ રાણી પિંગળા.
દનડા સંભારો ખમ્મા, પૂરવ જનમના સહેવાસના.

મહેન્દ્ર કપૂરે ‘રાજા ભરથરી’ ફિલ્મમાં જે રીતે આ ગીત ગાયું છે એ ગાનપાઠ મુજબ અહીં ગીત લખ્યું છે. પરંપરિત મૂળગીતમાં કદાચ શબ્દ ફેરફાર હોય, પણ અવિનાશ વ્યાસે મહેન્દ્ર કપૂર પાસે ખૂબજ ભાવવાહી સ્વરમાં આ ગીત ગવડાવીને ગીતની અમરતામાં વધારો કર્યો છે. ગીતમાં અવિનાશભાઈએ શહેનાઈ, સિતાર, વાંસળી, તબલાં, મંજીરા અને કીબોર્ડ વાઈબ્રોનો એ સમયે કરેલો ઉપયોગ કાબિલે દાદ છે. એમાંય ગીતના ફિલર મ્યુઝીક તરીકે જ્યાં જ્યાં શરણાઈના કરુણતમ સ્વરો વાગે છે તે આ આખાય ગીતને વધુ કરુણ બનાવે છે. મહેન્દ્ર કપૂર પૂર્વે અન્ય આપણા ઘણાં લોકસંગીતના ધુરંધર ગાયકોએ ભજનિકોએ આ લોકગીત ગાયું જ હશે પણ મારા મન હ્રદયમાં મહેન્દ્ર કપૂરના સ્વરમાં ગવાયેલું ગીત દ્રઢ થયેલું છે અને હું પણ એ જ ઢાળમાં ક્યારેક ગાઉં છું. અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી ઉપર ફિલ્માવાયેલું આ ગીત ગુજરાતી ફિલ્મનું છે અને મહેન્દ્ર કપૂરે ગાયેલું છે તે આપણી ભાષાની – આપણા સંગીતની મોંઘી મૂડી છે. મહેન્દ્ર કપૂરના સ્વરને, તેમના આત્માને શત શત વંદન.

– મનોજ જોશી

[youtube=http://www.youtube.com/watch?v=CCJTMDhtHJI]

રાણા કંડોરણા (જિ. પોરબંદર) ના કવિ શ્રી મનોજ જોશીને મિત્રો લાડમાં ‘મજો’ કહીને બોલાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેઓ ગુજરાતીના પ્રોફેસર છે અને આકાશવાણી તથા દૂરદર્શનના માન્ય ગાયક છે. સૌરાષ્ટ્રના દૈનિક ‘ફૂલછાબ’ ની સાપ્તાહિક કટાર રૂપે પ્રગટ થતી લેખમાળા ‘આચમન’ નો એક લેખ અહીં લીધો છે. પ્રસ્તુત ગીત આસ્વાદમાં મુખ્યત્વે સદાબહાર ગાયક શ્રી મહેન્દ્ર કપૂરજીની વાત થઈ છે, અને પૂર્વભૂમિકા છે તેમના દ્વારા ગવાયેલું અમર ગીત, ‘પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી ને અમે રે પોપટ રાજા રામનાં.’ આ સુંદર સફર સંગીતપ્રેમીઓને ખૂબ ગમશે એવી આશા સાથે માણીએ.

પ્રસ્તુત કૃતિ કવિ શ્રી મનોજ જોશીના ‘ફૂલછાબ’માં પ્રસ્તુત થતા લેખોની શૃંખલા ‘આચમન’ ના લેખોના સંકલન પુસ્તક ‘શબ્દસૂરના સાથિયા’ માંથી સાભાર લેવામાં આવી છે.  અક્ષરનાદને આ પુસ્તક ભેટ આપવા બદલ ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર.

બિલિપત્ર

દિલ કી યે આરઝૂ થી કોઈ દિલરૂબા મિલે
લો બન ગયા નસીબ કે તુમ હમસે આ મિલે
(નિકાહ’ ફિલ્મમાં સલમા આગા સાથે મહેન્દ્ર કપૂરે ગાયેલું ગીત)


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 thoughts on “પહેલા પહેલા જુગમાં રાણી, તું હતી પોપટી ને… – મનોજ જોશી