થાય એવું કે અલ્લાહની બાંગ પડે – હાર્દિક યાજ્ઞિક (Audiocast) 23


હાર્દિકભાઈની એક અનોખી કાવ્ય રચના, ‘ચાલને ગ્રંથોમાં ગરબડ કરી જોઈએ…’ પૂજ્ય શ્રી મોરારીબાપુએ તેમના કથાપાઠ દરમ્યાન થોડાક વખત પહેલા ઉચ્ચારેલી, એ રચનાની અંદર વસતા એકત્વના ભાવો ચોક્કસ તેમને સ્પર્શી ગયા હશે. એવી જ બીજી એક સુંદર રચના જે હાર્દિકભાઈના કસાયેલા, મખમલી અવાજમાં કાવ્યપાઠ સ્વરૂપે બે વખત સાંભળવાનો લહાવો મળ્યો છે, એ આજે પ્રસ્તુત કરી રહ્યો છું. વર્તમાન સમયના સૌથી વધુ ચર્ચાતા આ મુદ્દાને તેમણે એક સુંદર કલ્પનાદ્રશ્યમાં મઢી લીધું છે. આશા રાખીએ કે આ સ્વપ્ન જલદીથી સાચું પણ થાય.  જો કે આજે એ રચના એક સુંદર ગીત સ્વરૂપે પણ અહીંથી સાંભળી શકાય તેમ રજૂ થઈ રહી છે. સ્વર આપ્યો છે ખ્યાતનામ ગાયક શ્રી જીતેન્દ્ર જોશીએ. રચના અને ઑડીયો પ્રસ્તુત કરવાની તક અક્ષરનાદને આપવા બદલ હાર્દિકભાઈ અને જીતેન્દ્રભાઈનો આ બદલ ખૂબ આભાર.

[audio:http://aksharnaad.com/images/idpd/Thay%20evu%20ke%20allah%20ni.mp3]

થાય એવું કે અલ્લાહની બાંગ પડે,
ને રામ સફાળા બેઠા થાય.
કે આરતી ઈશ્વરની સાંભળતાં,
અલ્લાહ મન મૂકીને હરખાય.

નમાઝની બંદગીમાં કાયમ
કોઈ ગીતા ગાન ગવાય
ને વેદપાઠીના સ્વકંઠેથી
કુરાનની આયાતો સંભળાય. થાય એવું…

મંદિર મસ્જિદ જુદા નહીં,
બસ એક જ સ્થાને રચાય.
મિયાં મહાદેવને સાથે બેસાડી
ઈદ દીવાળી ઉજવાય. થાય એવું…

મારું તારું સઘળું સૌનું
એ વાત સૌને સમજાય.
રામ રહીમની આ લડાઈ
માણસજાત ભૂલી જાય.

– હાર્દિક યાજ્ઞિક

બિલિપત્ર

સનકારે સમજ્યા નહીં, કલેજે ન પડ્યો વેઢ
જીવણ કહે જોઈ ચાલજો રીયા ઢેઢના ઢેઢ
મોટેરા મેઘધારવો ઈ કુલમાં અવતાર
જીવણ જાજું શું કહું સમજ્યા નહીં ગમાર
– દાસી જીવણ


આપનો પ્રતિભાવ આપો....

23 thoughts on “થાય એવું કે અલ્લાહની બાંગ પડે – હાર્દિક યાજ્ઞિક (Audiocast)