ત્રણ લઘુનિબંધો – ભરત કાપડીઆ 6


૧. દોસ્ત

કોઈ પરિચયને ગાઢ થતાં કેટલો સમય લાગતો હશે? મનની પાટી પર કોઈ નામ લખાય ને ક્યારેક થોડા સમયમાં જ અક્ષર ઘૂંટાઈને ઘાટા થઈ ઉભરી આવે. ક્યારેક વરસોના વરસ વીતી જાય અને પરિચિત નામ અપનત્વની કેડી તરફ મંથર ગતિએ જતું જોવાય! આવો કો’ક પરિચય દોસ્તીમાં પણ પરિણમે.

દોસ્ત – અઢી અક્ષરનો તિલસ્મી શબ્દ. શબ્દકોશીય અર્થને અતિક્રમી જતું અસ્તિત્વ છે દોસ્ત. આખરે આ દોસ્ત હોય છે શાને માટે? ક્યારેક મુરઝાતી જતી પળોને નવપલ્લવિત કરવા તો ક્યારેક ગોરંભાતી ક્ષણોને વેરવિખેર થતી અટકાવવા. વળી ક્યારેક તે ભાંગતી જાતને ટેકો કરે. પરંતુ કાયમ કંઈ સ્વજન ‘દુ:ખવા મૈં કાસે કહું’ નો રાગ આલાપતો હોય એવું થોડું છે? તો એવી સામાન્ય, સાધારણ, ચલતાઉ પળોમાં sharing થકી મિત્રને અને ખુદને પણ સમૃદ્ધિ આપે, આસાએશ આપે એ જ તો દોસ્ત છે. કોઈક અકળ સાંજે ગરમાયેલી બપોર પછી શીળી હૂંફનો છાંયડો પાથરે દોસ્ત. ક્યારેક એ કામ કરે તેની વાતો. ક્યારેક એ ગરજ સારે તેના કાળજીથી આલેખાયેલા પત્રો. દોસ્તીમાં કંઈ હાજરીપત્રક લઈને થોડું બેસાય છે કે લે આ મારા દસ્કત, હવે તું કર. હું આવી ગયો, હવે તારો વારો. ના રે બાપલિયા ! તારો જોગ ખાય નો ખાય, હું તો અહીં જ ગુડાવાનો.

આવા દોસ્તો કંઈ ઝાઝા બધા ન જ હોય ને! આંગળાંના ટેરવાંય વધી પડે. એક-દોઢ-બે બસ. આયખું સમર્પિત થઈ જાય આવા મિત્રને.

૨. વિન્ડો શોપિંગ

તમને યાદ હશે, ક્યારેક બજારમાં જવાનું થાય, દુકાનોના શો-કેસમાં સજાવેલી વસ્તુ પર નજર પડે ને ચોંટી જાય. ખાદ્ય સામગ્રી હોય, વસ્ત્ર પરિધાન હોય, ગૃહોપયોગી ઉપકરણ કે બાળકોના રમકડાં. વસ્તુ એટલી ગમી જાય કે ઈચ્છા છતાં ત્યાંથી ખસી ન શકાય. કિંમત બાજુમાં લખી હોય, અન્યથા અંદર જઈને પૂછી નાંખીએ. ભાવ જાણ્યા પછી પ્રતીત થાય કે એ કિંમત આપણા ગજા બહાર છે. સજાવેલ વસ્તુનો ભાવ આપણી પહોંચ બહાર નીકળે છે.

ને તે છતાં મનમાંની પેલી લાલચ મરતી નથી. દુકાનદાર ક્યારેક બીજી વૈકલ્પિક ચીજો બતાવે, પરંતુ આપણું મન પેલી પહોંચ બહારની જણસમાં જ લાગેલું રહે છે. અંતે આપણે ચાલતા થઈએ છીએ. બહાર નીકળીએ ત્યારે હાથ અને થેલી ખાલી હોય પરંતુ મનમાં એક સપનું સજાવીને નીકળીએ, આ વસ્તુ હું ક્યારેક લઈશ. અથવા મનોમન ખરીદી પણ લઈએ. આમ શો-કેસમાં જોતાં મનોમન કરેલી ખરીદીને અંગ્રેજીમાં ‘વિન્ડો શોપિંગ’ કહે છે. દિવસ દરમિયાન આપણે આમ કેટકેટલી વાર વિન્ડો શોપિંગ કરીએ છીએ!

બાલ્યાવસ્થાથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી આપણે જીવનભર વિવિધ ચીજોનું વારેતહેવારે વિન્ડો શોપિંગ કરતાં જ રહીએ છીએ. ક્યારે કઈ વસ્તુ તો ક્યારે કઈ! એવું કેમ બનતું હશે કે હંમેશા પહોંચ બહારની ચીજ જ આપણને ગમી જાય છે! પછી વાસ્તવિક જીવનમાં તેની અપ્રાપ્તિનો વસવસો આપણને કાં તો અભાવના દુઃખ તરફ ધકેલે અથવા કૈંક ખોટું કરવા તરફ. ખૂબ ઓછા માણસો સાથે એવું બનતું હશે કે તે એને હાંસલ કરવા જરૂરી સંઘર્ષ ખેડવાની હામ ભીડે છે, અને એથીય જૂજ લોક એવા નીકળે છે કે જે પોતાના હિસ્સે આવેલી નિયતિને મનગમતી કરે છે.

બાકી વિન્ડો શોપિંગ તો જીવનભર ચાલતું જ રહે છે. બચપણમાં રમકડાની દુકાનો બહાર અને જરા મોટા થઈએ એટલે શાળા કોલેજોમાં કે નોકરીની જગાએ યા રાજકારણમાં પદ માટે યા અન્યત્ર જીવનસાથી માટેનું વિન્ડો શોપિંગ ચાલ્યા કરે છે. (બહેનોનું ગોરમાનું વ્રત પણ એ કક્ષાએ જઈને જ થાય છે ને! ભાઈઓ એવું કોઈ વ્રત કર્યા વિના જ સારા જીવનસાથીની તલાશમાં રાચે છે.) કોઈ પરિચિતને સરસ મિત્ર સાથે જોઈએ કે સારી વસ્તુ સાથે, પેલી વિન્ડો શોપિંગની વૃત્તિ ઊછળી આવે છે.

૩. પ્રતિક્રિયા

આ જિંદગાનીનું કંઈ ઠેકાણું નહીં. કેટકેટલાં રૂપે, નિતનિરાળી રીતે આપણી સામે પેશ થતી આવે, કંઈ કહેવાય નહીં. ક્યારેક રીઝી ગયેલ યારની માફક બહુ બધી ભેટ-સોગાદોની ગમતીલી અચરજોની બૌછાર કરી દે, તો ક્યારેક ખિજાઈ ગયેલ પ્રેયસીની જેમ કોપભવનમાં જઈ બેસે. ખાસ્સા દિવસો સુધી મોં ફેરવી લે. સારી બાબત માટે તરસી જઈએ પરંતુ કોઈ પણ દિશાએથી એક નાનકડા સારા ખબર પણ સાંભળવા ન પામીએ. ઉલટું ખરાબ લાગતી બાબતો જ બનતી આવે. દિવસોના દિવસો સતત વિષાદમય વીતે. લાગે કે આ દુઃખ, કંટાળો પીછો જ નહીં છોડે. આ સમય કેમ કરતાં વીતશે તેની રાહમા time killing ના વૃથા પ્રયાસો ચાલ્યા કરે.

તો વળી ક્યારેક થીજી ગયેલ પાણીની માફક બધું જ ઠપ્પ! ચારે કોર કાંઈ કહેતાં કાંઈ બનતું ન જણાય. સારું-ખરાબ કશું નહીં. બસ રોજિંદી ઘટમાળ ઘટ્યા કરે. આમતેમ, બધે જ ડાફોળિયાં મારીએ, કશું આકારિત થતું ન લાગે. તો વળી ક્યારેક સામસામે પૂરપાટ પસાર થતી બે ટ્રેનોની માફક ગતિમય ભાસે જિઁદગી. એવે સમયે લાગે કે એવું કે તે બંને ટ્રેનોમાં આપણે જ બેઠા છીએ. સનનન… કરતાંકને જાત પાસેથી ક્યારે પસાર થઈ દેવાય, આપણનેય ખબર ન રહે. ઈચ્છીએ તોય અટકીને જાતતપાસ કરી ન શકીએ. બધું જ એવી તીવ્ર ગતિએ સાકાર થતું હોય કે આપણે એક ઘટનાનો તાગ મેળવીએ તેની સાથે રૂ-બ-રૂ થઈએ ન થઈએ ત્યાં બીજી, ત્રીજી ને વળી કેટલામી ઘટના કાળની ગર્તામાં સીઝી જાય, ખ્યાલ પણ ન આવે.

આવા બધા ઘટનાક્રમ વેળા આપણે અને આસપાસના સંબંધિત સ્વજનો કે અન્યો વિચલિત થઈ જઈએ. સારી માઠી ઘટનામાં સુખ-દુઃખની ગહન અનુભૂતિ થાય એ જ તર્જમાં react કરી દેવાય. ક્યારેક હરખનાં તો ક્યારેક દુઃખના આંસુ આંખોને ટોડલે તગતગી જાય, અને એમ બનવું સ્વાભાવિક જ છે ને! ભાઈ, માણસ છીએ તો તેમાં involved તો થવાય જ અને involved થઈએ તો react પણ થવાય. ક્યારેક કોઈ પર અમથું અમથું વહાલ આવે અને ગમે તેટલું વરસી નાખીએ તોય રાજીપો રેલમછેલ જ રહે. ક્યારેક વળી સકારણ / અકારણ ખીજ ચડી જાય અને ગમે તેટલો ગુસ્સો ઠાલવીએ છતાં ભીતરનો લાવા ઠરવાનું નામ જ ન લે.

આ તમામ ઘટનાઓ વચ્ચે સમય તો એની નિર્મમ નિસ્પૃહ અદાથી સહજપણે જ વહેતો હોય, આપણા રોષ – રાજીપાની તેને તમા ન હોય તેમ સાવ બે-અસર! દૂર દેશાવરમાં બનતી સારી માઠી ઘટનાના સમાચાર ટીવી કે છાપામાં જોતી વખતે આપણે હોઈએ એમ નિર્લિપ્ત, નિસ્સંગ!

ક્યારેક શાંતિથી વિચારીએ ને દૂર અતીતની કોઈ ઘટનાનું પૃથક્કરણ સમતાપૂર્વક કરીએ તો પ્રતીત થશે કે જે તે સમયે આપણે જે તે ઘટના માટે જે પ્રતિક્રિયા આપી હતી તે આત્યંતિક હતી. તેને લઈને કોઈક સ્વજન કે અન્યને જે કહ્યું કે તેના પ્રત્યે જે લાગણી વ્યક્ત કરી તે વધુ પડતી હતી. ચાહે રોષ હોય કે રીઝ, તેના અતિરેકને પરિણામે આપણો અસંતુલિત પ્રતિભાવ એ સંબંધોને ડામાડોળ કરી ગયો. અલબત્ત અહીં સંબંધોનું ભાવી સંતુલન સામેવાળાની પ્રતિક્રિયા પર જ આધારિત હશે. કોઈ ભાવી ક્ષણે ભૂતકાળની આ ઘટનાનું આપણા માટે ખાસ મહત્વ ન હોય, કદાચ વિગતવાર યાદ પણ ન આવે કે એ બધું શા કારણે બન્યું. યાદ આવે તો તેની તર્કસંગતતા કે ન્યાયસંગતતા સમજાવવી મુશ્કેલ બને.

વધુ ઊંડા ઊતરતાં એ પણ સમજાય કે અનાગત કોઈ ભવિષ્યમાં આજની જે ઘટના ખુદ આપણા માટે ખાસ મહત્ત્વની નથી હોવાની તેવી બાબતે પણ આપણે કેવા આકળ વિકળ થઈ ઉધામા નાખીએ છીએ, વિચલિત થઈ જઈએ છીએ! પરંતુ લાબા સમયના પરિપ્રેક્ષ્યમાં જો એ ઘટના આવડો મોટો (અંતતઃ કદાચ ખોટો પણ) પ્રત્યાઘાત જીરવવાને લાયક ન હોય તો શા માટે આટલા બધા વિકલ્પોથી મનને ભરી દે? શાંતપણે સહજપણે વિચારીને પ્રત્યાઘાત આપીએ; પ્રતિક્રિયા કરીએ તો પ્રતિક્રિયાની એ ક્ષણ આપણા માટે સ્વસ્થ અને શાંત હશે જ. તદુપરાંત ત્યાર પછીની આવનારી પળો પણ તેટલી જ સ્વસ્થ અને શાંત નીવડશે એ નિઃશંક છે.

– ભરત કાપડીઆ

૧૯૭૫ થી ૧૯૮૫ ના ગાળામાં જેમની રચનાઓ જન્મભૂમિ પ્રવાસી, નવનીત, નવનીત સમર્પણ, ચાંદની, અભિષેક, કવિતા, વગેરેમાં પ્રકાશિત થયેલ તેવા શ્રી ભરતભાઈ કાપડીઆ તે પછી નોકરીના ભારણને લઈને લેખન ક્ષેત્રમાં નિષ્ક્રિય થઇ ગયેલા. હવે તેમણે ફરી વાર કલમનો સંગાથ કર્યો છે. આશા રાખીએ કે તેમની કલમની પહેલા જેવી જ, કદાચ તેથીય વધુ ચમત્કૃતિ આપણને માણવા મળે અને તેમની સર્જનયાત્રા પહેલાથી ખૂબ વધારે સફળતા સાથે આગળ વધે તેવી શુભકામનાઓ. પ્રસ્તુત ત્રણ લધુનિબંધોમાં વિષયોની વિવિધતા છે. મિત્રતા, વિન્ડો શોપિંગ અને પ્રતિક્રિયા જેવા ત્રણ ભિન્ન વિષયો વિશે તેમણે ટૂંકમાં વિચારમોતી આપ્યા છે, આશા છે વાચકોને તે ગમશે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા પ્રકાશિત કરવાની તક આપવા બદલ શ્રી ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ત્રણ લઘુનિબંધો – ભરત કાપડીઆ

  • PRAFUL SHAH

    WEL-COME YOUR RETURN TO WRITTING., HEART TOUCHING–ALL THREE
    ,DOST.VERY TOUCHY-ANY ONE AND EVERY ONE DESIRE ONE SUCH IN LIFE, IF NOT MORE.
    WINDOW SHOPINGIS A LIFE EXPERIENCE OF EVERY ONE VERY THOUGHTFUL;….AND
    REACTION WHO IS WITHOUT IT?
    CONGRATULATIONS TO BHARATBHAI KAPADIA

  • Harshad Dave

    શ્રી ભરતભાઈ કાપડિયાએ ફરી લેખન-આલેખન ક્ષેત્રે ઝૂકાવ્યું તેથી આનંદ થયો છે અને તેમને શુભેચ્છા પાઠવીએ કે તેમની અક્ષરયાત્રા સુદીર્ઘ પંથ ઉપર પ્રસન્નતાની સુવાસ ફેલાવે. તેમની કલમ બળકટ છે તેનું કારણ તેમનો અભ્યાસ, વિષયમાં ઊંડા ઉતરવાની તેમની વૃત્તિ અને તીવ્ર મેધા છે. તેઓ વિપશ્યના પત્રિકાના (ગુજરાતી) તથા બ્યૂટી વિધાઉટ ક્રુઅલ્ટી પત્રિકાના(હિન્દી) સંપાદક પણ છે. તેઓ શબ્દોની માફક નાણાંનું સંચાલન પણ ખૂબ સારી રીતે સંભાળે છે. તમારી રોકાણની સમસ્યાઓનો તેમની પાસેથી હાથવગો ઉકેલ ચપટી વગાડતા મળી જાય છે! ટુંકમાં તેઓ બહુમુખી પ્રતિભા ધરાવે છે. … હર્ષદ દવે.