બે કાવ્ય રચનાઓ – ધ્રુવ ભટ્ટ 1


૧. સપનાંના દેશ

ક્ષણ મારી કલ્પનામાં ખાલી પ્રદેશ છે,
સંધ્યા ઉષા નિશા-દિન સપનાના દેશ છે.

આ આવવા જવાની વચ્ચેનું માપ છળ છે,
ક્યાં નોતરું હતું કે ક્યાં આવ બેસ છે.

આ આપણો સમય શું ને ભૂત શું કે ભાવિ,
હોવું સમયના સ્કંધે રાખેલો ખેસ છે.

ને તે છતાં જુઓ આ પળથી જુદું કશે ક્યાં,
પળના દિવાલ બારી પળની રવેશ છે.

ક્ષણમાંથી નીકળીને ક્ષણમાં ભળી જવાનું,
તું ચાલ તો બતાવું શો પહેરવેશ છે.

મેં એટલે સમયને એ રીત પારખ્યો છે,
નાયક મહાન છે ને તખ્તે પ્રવેશ છે.

૨. સવાલ

અહો કેટલા દિવસો મહિના વરસો વિત્યાં, (જન્મોની વાતો જાવા દ્યો) હજી આપણો એમનેમ આ સાથ ઊભો છે,
છતાંય એવું કેમ બન્યું કે મારો તમને હજી પૂછવો બાકી છે તે, મને પરણશો? સવાલ ત્યાંને ત્યાંજ ઊભો છે.

પ્રેમ એટલે શું ના ઉત્તર થોક ભરીને છાપાં ચોપડીયુંમાં લોકે ભાખ્યા છે પણ નહીં સમજાયા આપ કહોને
તાજમહલ પણ રોજ સવારે પથ્થર પથ્થર અફળાવીને એક કબરને હજી પૂછે છે હા કે ના મુમતાજ કહોને
એક શબદમાં સમજાવી દો એમને કે આ અમથી મનમાં જાગે છે તે નક્કર આશા છે કે નકરો ભ્રમ ઉગ્યો છે,
એમાં તો છે એમ બન્યું કે મારો તમને હજી પૂછવો બાકી છે તે મને પરણશો? સવાલ ત્યાંને ત્યાંજ ઊભો છે.

નહીં કહો ને તોયે પાછા કાલ કહેશો પછી કોક દી કહેશો એવા સધિયારાની પાળે બેઠાં નીર નિરખતા રહીએ
બે ધારી તલવાર અડે તો બન્ને બાજુ છે માનીને હજી જીત્યાના અંધારામાં ફરી ફરીને તીર તાકતા રહીએ
આ એવું તે કેવું કે આ કંઈક બોલવા જઈને પાછા એકબીજાએ અટકી જાવું એમ કહીને સામે જો સંસાર ઊભો છે,
એમાં એવું એમ બન્યું કે મારો તમને હજી પૂછવો બાકી છે તે મને પરણશો? સવાલ ત્યાંને ત્યાંજ ઊભો છે.

– ધ્રુવ ભટ્ટ

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત બંને રચનાઓ અનોખા ભાવવિશ્વની નિપજ છે, પ્રથમ રચનામાં ક્ષણની – સમયની વાત કરતાં તેઓ સાધુવાદ તરફ ગતિ કરતા જણાય છે, એક ફિલસૂફની અદાથી તેઓ જ્યાં કાવ્યમાં ક્ષણ સ્વરૂપે જીવનકાળને કલ્પી બતાવે છે, ‘પળના દિવાલ બારી પળની રવેશ છે’ કહીને તેઓ જીવનની ક્ષણભંગુરતા દર્શાવે છે, અને અંતે ‘મેં એટલે સમયને એ રીત પારખ્યો છે’ કહીને જીવનની વ્યાખ્યા કરવાનો યત્ન પણ કરતા જણાય છે, તો બીજી રચના પ્રેમીઓના માનસજગતમાં ડોકીયું કરાવે છે, લાંબા સમયના સંગાથ છતાં પ્રેમીને મનમાં એક સવાલ, ‘મને પરણશો?’ ન પૂછી શકાયાનો વસવસો ઉગતો જણાય છે, પણ પછીની પંક્તિઓમાં પ્રેમની પરિભાષા સહજતાથી સમજાય એવી સુંદર રીતે કવિ આલેખે છે, ઉત્તરની નિરર્થકતા સમજાઇ જાય એવી સરળ વાત કહે છે. આ બંને રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “બે કાવ્ય રચનાઓ – ધ્રુવ ભટ્ટ

 • La' Kant

  “ઈશ્વર મારી જાણ સમજ્ નું માપ છે ” જેવુ તાત્પર્ય
  તારવવાનું કામ સુચારુ રીતે ધ્રુવભાઈ એ કર્યું છે!
  સમય કે કાલ કે સૂર્ય કે ઈશ્વર સર્વ-શક્તિમાન ‘એનર્જિ
  ફોર્સ’ છે જે અકળ છે.
  -લા’કાંત, 23-7-11