ધીરજકાકા – કનૈયાલાલ મુનશી 7


‘અડધે રસ્તે’, ‘સીધાં ચઢાણ’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ એ શ્રી કનૈયાલાલ મુનશીની ત્રણ ભાગમાં પ્રગટ થયેલી આત્મકથા છે. આ કૃતિ ‘અડધે રસ્તે’ માંથી લેવામાં આવી છે. લેખકના પિતાના મિત્ર એવા ધીરજકાકાના રમૂજી સ્વભાવનો સુંદર પરિચય પ્રસ્તુત પ્રસંગોમાંથી મળે છે. હાસ્યરસ – રમૂજવૃત્તિના દર્શન કરાવતા આ પ્રસંગોની પાછળની ટિખળવૃત્તિનો સરસ પરિચય પણ મળી રહે છે.

* * *

ધીરજરામ પુરાણી – ગુજરાત સમસ્તના ધીરજકાકા, દેશભક્ત છોટુભાઈ બાલકૃષ્ણ પુરાણીના કાકા, બાપાજીના પણ એ મિત્ર થાય. ‘ધીરજકાકા’ ઘરમાં આવે કે ઘર ઊંઘતુ હોય ત્યાંથી જાગે.

“માકુભાઈ, એ રાવસાહેબ ! આવું કે?” એટલું ખડકીમાં પેસતા બોલતા અને બાપાજી બારીએ નીકળે એટલેી નવેણામાં પેસી જતા. તાપીભાભી ! આજે હું જમવાનો છું. અરે, પણ પેલો કનુભાઈ ક્યાં ગયો?” કહી મને ઉંચકે ને ભેટે. મને એ ગમે નહીં; એટલે વધારે જોરથી ભેટે. “જો દીકરા, કવિતા શીખવું – જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય – તારા બાપની માફક ને જે ન વાંચે ચોપડી તે બેપડી કરમાં સહાય – મારી માફક, સમજ્યો? ચોપડી ચોપડી ખાય એટલે જે તાપીભાભી બનાવે તે – રોટલી અને બેપડી એટલે ઘઁટી.”

એટલે દાદર ઉપરથી બાપાજી બૂમ પાડે, “ધીરજકાકા, જોજો છોકરાને કંઈ નઠારું શીખવતા!” કાકાની જીભે બિભત્સ વાત જરા જરામાં આવતી.

“અરે ! માકુભાઈ ! જીભને તો હાડકું હોય ? જે આવે તે ખરું. ને હું નહીં તો કોઈ એને શીખવ્યા વગર રહેવાનું છે?”

“ધીરજકાકા ! એવુ શું બોલો છો?” મારી મા કહે.

એટલે એ વાત ફેરવે, “ચાલ દોસ્ત શીખવું બોલ -“

“સૌથી મોટા અન્નપાણી, કહે છે ધીરજકાકા વાણી.”

જ્યારે એ આવે ત્યારે આવી કવિતાના બે બોલ શીખવીને જાય. એવી ઘણી ઘણી કવિતા એ કરતા અને મિત્રોને ગાઈ સંભળાવતા. ધીરજકાકા જેવો મશ્કરો મેં ગુજરાતમાં જોયો નથી. એમની મશ્કરીઓ કોઈએ સંગ્રહી નથી – એ અફસોસની વાત છે. અન્ય એક બે વાત મને યાદ રહી છે તે અહીં લખું છું.

* * *

મારા જન્મ પહેલા એ ભરૂચના સુપરિટેન્ડન્ટના કારકુન હતા. એક દહાડો ધીરજકાકાથી આપણી જૂની રીત પ્રમાણે પાટલીનો છેડો ઘૂંટણ ઉપર લેવાઈ ગયો, સાહેબે શિખામણ દીધી – “ડેખો ઢીરજકાકા ! ઐસે ઢોટી લેના બેશર્મ હય, હમારા લોગ ઉસકું નંગા કહેતા હૈ.”

“બોત ખૂબ સાહેબ !” ધીરજકાકાએ નીચા નમી કબૂલાત આપી ને રજા લીધી.

બીજે દહાડે સવારે સાહેબ ડિસ્ટ્રિક્ટમાં જવાને તૈયાર થયા, “ઘોડા લાઓ.”

“જી હજૂર,” ઘોડાવાળાએ કહ્યું, પણ ઘોડો આવ્યો નહીં.

સાહેબ ઉકળ્યા, “ડે – ગધ્ધા – સૂવર ! ઘોડા લાઓ.”

ઘોડાવાળો ધ્રુજતો આવ્યો, “હજૂર, ધીરજકાકા ઉસકી માપણી કર રહે હૈ.”

“માપણી ? ક્યા બક્ટા હૈ?” અધીરા સાહેબ દોડતા તબેલામાં ગયા. ધીરજકાકા અને બીજો એક માણસ ગજથી ઘોડાનાં અંગો માપી રહ્યા હતા.

“ઢીરજકાકા ! યૂ… ક્યા કરટા હૈ ? પાગલ હો ગયા ?”

“અરે ના રે ખુદાવંદ ! કાળજુ બરાબર ઠેકાણે છે.”

“ટો ક્યા કરટા હૈ?”

“આપનો હુકમ માથા પર ઉઠાવું છું.” ઠંડે કલેજે ધીરજકાકાએ કહ્યું.

“હુકમ ! ક્યા બકટા હૈ?”

“જી હા જજૂર, આપે કહ્યું હતું કે ઘૂંટણ દેખાય તો એ નાગો – બેશર્મ – સાહેબ આ સા… નફફટ બેશર્મ ઘોડો ચારે ઘૂંટણ ઉઘાડા રાખીણે ઉભો રહે છે, તેથી હું દરજીને બોલાવી લાવ્યો છું, એના માટે પાટલૂન કરાવવું છે.”

સાહેબે પછી શું કર્યું તે કોઈ કહેતુ નહીં.

* * *

બીજી મજાકની વાત પણ મેં સાંભળી છે. ધીરજકાકાની ઑફિસમાં એક કારકુન હતો, છબીલ કહીશું તો ચાલશે. છબીલના કાકાનો કાજગરો છોકરો મગન કાચી વયે મરી ગયો તેથી તેને અમદાવાદ કાણે જવાનુ હતું, પણ તેને ન આવડે કાણે જતા કે ન આવડે આશ્વાસન દેતા; એટલે ધીરજકાકાની મદદ માંગી.

ધીરજકાકા તૈયાર હતા, પણ એ કાંઈ એમ ને એમ થાય ? ‘ બે રૂપિયા આપે તો સાથે આવું અને તારી કાણ પાર ઉતારું’ એમણે કહ્યું.

છબીલ ગભરાટિયો હતો; બે રૂપિયા આપી ધીરજકાકાને તે અમદાવાદ લઈ ગયો.

પરોઢિયે ચાર વાગ્યે ગાડી અમદાવાદ પહોંચી અને જ્યારે બંને જ્યાં જવાનું હતું ત્યાં પહોંચ્યા ત્યારે ચારે પાસનાં ફળિયા ધીરજકાકાના બુલંદ અવાજથી ગાજી ઉઠ્યા, “ઓ મારા મગન રે, ઓ મારા મગનિયા રે !”

લોકો આંખો ચોળતા ઉઠ્યા – કોણ આવ્યું? મગનના બાપભાઈઓ વહેલા વહેલા ધોતિયાં ઓઢી ઓટલે આવ્યા. ઘરની ને પડોશની સ્ત્રીઓ જેમતેમ એકઠી મળી છેડો વાળવા બેઠી.

છબીલ અને ધીરજકાકા પાસે આવ્યા – “ઓ મારા મગન રે !”

બાપભાઈઓએ પ્રતિશબ્દ કર્યો, “ઓ મારા મગનિયા રે!”

બૈરાંઓએ સૂર પૂર્યો, “અરે ભાઈ ! તને મરવા નહોતો ધાર્યો હું હું હું હું હું.”

પછી છબીલ અને ધીરજકાકા બાપભાઈઓની પાસે બેઠા ને રડવા લાગ્યા. શિષ્ટાચાર પ્રમાણે નવા આવનાર પહેલા પોતે છાના રહે અને બાપભાઈઓને છાના રાખે; પછી અંદરના બૈરાં રડતાં રહે. પણ ધીરજકાકાને બે રૂપિયાની કિંમતનો મગન વિરહનો આઘાત લાગેલો એટલે હ્રદયભેદક અવાજે આંસુ ને ધ્રુસકા સાથે, “ઓ મારા મગનિયા રે” ની પરંપરા તેમણે પોકાર્યે જ રાખી. પાંચ મિનિટની દસ મિનિટ થઈ; પંદર થઈ; ન ધીરજકાકા છાના રહે, ન બાપભાઈઓથી રહેવાય, ન બૈરાંઓથી રહેવાય. ધીરજકાકા તો માથું પકડી છાતીફાટ રડ્યે જ જાય, “ઓ મારા આ આ મગનિયા આ- આ રે એ એ …”

આખરે બાપભાઈઓ રડી રડીને થાક્યા ને છબીલને ધીમેથી કહ્યું, “અરે પેલાને કહો કે છાનો રહે.”

છબીલે બે પોક વચ્ચે કાકાના કાનમાં કહ્યું, “હવે છાના રહો ને!”

ધીરજકાકાને છાતીફાટ રડવાનો જુસ્સો આવ્યો -“ઓ મારા મગનિયા રે…”

ફરી બાપે કહ્યું; ફરી છબીલે કહ્યું; આખરે ધીરજકાકાના ગગનભેદી ‘ઓ મારા મગનિયા રે’ અને વચ્ચે છબીલને રડવાને જ રાગે ‘રડવાના જ પૈસા આપ્યા છે, છાના રહેવાના નહીં’ એટલું ધીમેથી કહ્યું અને પછી મોટેથી ફરી આગળ ચાલુ રાખ્યું, ‘ઓ મારા મગન રે!’

આખરે નાછૂટકે છબીલે સોદો કર્યો; છાનામાના બે રૂપિયા લૂગડાની સોડમાં ધીરજકાકાને આપ્યા, છાના રહેવાની ફી! ત્યારે ધીરજકાકાનો આઘાત શમ્યો. આંસુ સૂકાયા, ‘મગનિયા’ ની પોકો અટકી અને કાણ વિખરાઈ!

* * *

….ત્રણ મિત્રો ડાકોરમાં ભેગા થયા, સરકાર, કૃષ્ણમુખરામકાકા અને ધીરજકાકા. અમે પણ હતા.

આધુભાઈ, રોજ બપોરે સૂઈ શાના જાઓ છો?” કૃષ્ણરામકાકાએ કહ્યું

“મને બપોરે સૂતા વિના નહીં ચાલે.” અધુભાઈકાકાએ કહ્યું.

“વારુ, ભાઈ! અમારાથી ના કહેવાય? સૂઓ સૂઓ સૂઓ, અધુભાઈ સરકાર નહિં સૂશે તો બીજુ કોણ સૂશે?” ધીરજકાકાએ જવાબ આપ્યો.

અધુભાઈકાકા સૂઈ ગયા, નિરાંતે અડધો કલાક થયો અને છાપરાનું નળિયું ખસ્યું, અને પાણીની ધારા મચ્છરદાનીમાં થઈ ઊંઘતા સરકારનો અભિષેક કરી રહી.

તે જાગ્યા – “કોદર ! મોરાર ! કોણ સ… છાપરા પર છે? પકડો ! પકડો !” અને પાણીથી તરબોળ સરકાર ફલાંગ મારતા બહાર દોડી આવ્યા.

છાપરા પર મૂકેલી નિરસણી પરથી એ પ્રતિષ્ઠિત વૃદ્ધોને કછોટા મારી, હાથમાં ખાલી ઘડો લઈ નીચે ઉતરી આવતા મેં જોયા. ધીરજકાકા કહેતા હતા, “સૂઓ, અધુભાઈ, સૂઓ, અમારાથી ના કહેવાય? સરકાર નહિં સૂશે તો કોણ સૂશે?”

અધુભાઈકાકા ક્રોધમાં કાંપતા હતા અને એમના મિત્રો ખડખડ હસતા હતા. આ પ્રસંગે મને ઘણી મોજ પડી હતી એવું ઝાંખુ સ્મરણ છે.

* * *

ધીરજકાકાને મન જીવન એક મોટી મજાક હતી; એમાંથી તોફાન ને હાસ્યના અનેક રંગો એ કાઢતા ને બધાને તેનો પાશ લગાડતા. ન્યાતીલા નહીં છતાં એ ટેકરાનું અંગ હતા. અને એમનું દિલ, આનંદી સ્વભાવ અને રજુજી ટૂચકા વિના ક્યાંય સુધી ટેકરાનું વાતાવરણ સૂનું સૂનું લાગતું.

– કનૈયાલાલ મુનશી (‘અડધે રસ્તે’ માંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ધીરજકાકા – કનૈયાલાલ મુનશી