દ્વારકાના મહેલ મહીં જાદવરાય – ભૂપેશ અધ્વર્યું 3


ભૂપેશ અધ્વર્યું એટલે અપાર સંભાવનાઓના કવિ. અકાળે મૃત્યુને ભેટેલા એવા આ કવિમાં ઘણી સંભાવનાઓ પડેલી. પ્રસ્તુત રચનામાં અરીસાને સમયના એક જથ્થા તરીકે કલ્પીને કવિએ કમાલ કરી છે, એ અરીસાની એક તરફ મથુરાના મહારાજ કૃષ્ણ છે તો બીજી તરફ ગોકુળનો ગોવાળ, માખણચોર કાનજી, કા’નો છે. ભૂતકાળમાં સરી પડતા કોઈ અદના માણસની જેમ જ કૃષ્ણના મનમંદિરમાં પણ જમનાના નીર, ગાયોના ધણ અને કદંબડાળ ઝૂલી રહે છે. મથુરાના ઝરૂખેથી ગોકુળને જોવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા યાદોના વૃંદાવનમાં ખોવાયેલા કૃષ્ણનું આ સુંદર વ્યક્તિચિત્ર શ્રી ભૂપેશ અધ્વર્યુ રજૂ કરે છે. અને એ જ આ સુંદર રચનાની વિશેષતા પણ છે.

દ્વારકાના મહેલ મહીં જાદવરાય
દર્પણમાં દેખતાં કાનજી થાય
રંગમહેલ ટોચ પે બેસીને મોરલો
નાનું-શું મોરપિચ્છ ખેરવી જાય.

હૈયે સરવાણી ફૂટી,
ને ઊમટ્યાં જમનાનાં ખળભળતાં પૂર
કાંઠે કદંબડાળ ઊગી
ને ગાયોએ ઘેર્યો હાં, બંસી નો સૂર

ઝરૂખે ઝૂકીને જુએ આભલાની કોર ભણી
ક્યાંક, અરે ક્યાંક પેલું ગોકુળ દેખાય ?
મટુકી ફૂટી ને બધે માખણ વેરાય

દર્પણની બહાર જદુરાય
ને દર્પણમાં છેલ ને છકેલ પેલો કાનજી
બહારની રૂક્મિણી મોહે
ને દર્પણની અચકાતી દેખી ગોવાળજી

હોઠની વચાળે હાં, બંસીનું મુખ મૂકી
રોતી રાધિકાનું મુખડું દેખાય
નાથ રે દુવારકાનો એવો ઘેરાય

– ભૂપેશ અધ્વર્યું


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “દ્વારકાના મહેલ મહીં જાદવરાય – ભૂપેશ અધ્વર્યું