માણસાઈના દીવા – ઝવેરચંદ મેઘાણી (ઈ-પુસ્તક ડાઊનલોડ) 2


અક્ષરનાદ.કોમ આજે એક ઉપયોગી, અનોખી અને પ્રેરણાદાયક ઈ-પુસ્તક સ્વરૂપે જે પ્રસ્તુત કરી રહ્યું છે તે પુસ્તક ‘માણસાઈના દીવા’ વિશે કયા ગુજરાતીને કહેવાની જરૂર પડે? શ્રી ઝવેરચંદ મેઘાણીએ પુસ્તક પરિચયમાં કહેલું, “માનવી એક જટિલ સર્જન છે, ટપાલના સોર્ટરની અદાથી આપણે માનવીને પણ બે ખાનાઓમાં વહેંચી દઈએ છીએ. સારા અને ખરાબ. રવિશંકર મહારાજે માણસને માણસ તરીકે જોયા છે, એમને આવા ખાનાંઓમાં નથી નાંખ્યા. કોઈ માણસ નથી સારો કે નથી નરસો, માનવી તો અજબ મિશ્રણનો બનેલો પિંડ છે. પ્રસ્તુત પુસ્તક માણસાઈના દીવામાં એક પ્રકારનું માનવતાદર્શન છે. પણ પુસ્તકોમાં નિરૂપાતુ માનવદર્શન આપણને ગમે છે; જ્યારે એ જ નિરૂપિત માનવી આપણા પ્રત્યક્ષ વ્યવહારમાં આપણી સમક્ષ મૂકાય ત્યારે આપણે એને આપણી દુનિયાથી જુદી દુનિયાનો – ઉતરતી અને અસભ્ય, ગમાર અને ત્યાજ્ય દુનિયાનો ગણીએ છીએ. રેલગાડીના જનરલ ડબામાં બિસ્તર નાખીને આખી પાટલી રોકીને બેઠેલો ભણેલો માણસ આ ‘માણસાઈના દીવા’ ની દુનિયાના માનવીને પોતાની સામે ડરી, લપાઈ, સંકોચાઈ ઉભા રહેલા નિહાળતો હોય છે. છતાં બિસ્તરની કોર પણ વાળતો નથી.” ગુજરાતના મૂકસેવક રવિશંકર મહારાજની કર્મગાથા લઈને આવેલ આ ઈ-પુસ્તિકા ‘માણસાઈના દીવા’ આપણને એના રસાનંદમાંથી એમાં રજૂ થયેલ જનતાના સ્નેહ તરફ લઈ જાય એ જ આ પ્રયત્નની સાર્થકતા.

– ઝવેરચંદ મેઘાણી

‘માણસાઇના દીવા’ (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી

મહારાજ રવિશંકર ગુજરાતના અનન્ય લોકસેવક છે. હું લોકજીવન અને લોકહ્રદયનો નમ્ર નિરીક્ષક છું. અમારો સમાગમ ફકત એકાદ વર્ષ પર થઇ શક્યો. ગયે વર્ષે એ સાબરમતી જેલમાં કેદી હતા, ને એમને માંદગીને કારણે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. હું ત્યારે અમદાવાદમાં એકાદ મહિનો રહ્યો હતો. મને એમની પાસે લઇ જવાનો સતત આગ્રહ ભારતી સાહિત્ય સંઘના સંચાલક મારા યુવાન સ્નેહી ભાઇ ઇશ્વરલાલ દવે કર્યા કરતા. એ કહે કે, “તમે મહારાજની વાતો તો સાંભળો; તમને રસ પડશે.” ભાઇ રતિલાલ અદાણીએ હરિપુરા-મહાસભા વેળા ’ફૂલછાબ’ માં મહારાજનાં જે સંસ્મરણો આલેખેલાં, તેણે મને ઉત્કંઠિત કર્યો હતો. એક કરતાં વધુ કારાવાસમાં વારંવાર મહારાજની સાથે મહિનાઓ ગાળી, એમની વાતો સાંભળી જે મિત્રો-સ્નેહીઓ બહાર આવતા તેઓ પણ કહ્યા જ કરતા કે, મહારાજની વાતો તારે સાંભળવા જેવી છે.

હું એક તરફથી આકર્ષાતો હતો, ને બીજી તરફથી ખચકાતો હતો. મારા સંક્ષોભનું કારણ હતું, હું નર્યા સાહિત્યના ક્ષેત્રનો આદમી. એટલે લોકસેવાના આજીવન દીક્ષિત એક સત્પુરુષ સામે જઇ તેમના અંતરની પવિત્ર ગણેલી વાતો પ્રસિદ્ધિને ખાતર લખવા બેસવા અધિકારી નથી, એવું લાગ્યા કરતું. આખરે ભાઇ ઇશ્વરલાલની લાગણી ફાવી, ને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં મારો ને મહારાજનો મેળાપ થયો. મારા પર એમની આંખ અમીભરી હતી તે તો હું જાણતો હતો. બે એક વાર મળેલા. એક વાર તો અમદાવાદના કોમી હુલ્લડ પછી ‘ફૂલછાબ કાર્ટૂન કેસ’ નામે જગબત્રીસીએ ચડેલા અમારા પરના મુકદ્દમા દરમિયાન, અદાલતની સામે જ આવેલ કૉંગ્રેસ –કચેરીના ફૂટપાથ પર પોતે ઊભા હતા. પાતળી કાઠીની, અડીખમ, પરિભ્રમણે ને ટાઢેતડકે ત્રાંબાવરણી બનાવી, ટીપીને કોઇ શિલ્પીએ ઘડી હોય તેવી એ માનવમૂર્તિ સ્વચ્છ પોતિયે, બંડીએ ને પીળી ટોપીએ, ઉઘાડે મોટે પગે એવી શોભતી હતી કે મારા અંતરમાં એ હંમેશાંને માટે વસી ગઇ છે. હુલ્લડમાં હોમાયેલાં નિર્દોષજનોનાં મુડદાંને બાળીબાળીને પછી તાજું જ સ્નાન પરવારીને આવ્યા હોય તેવા એ દેખાયા હતા. એ એકાદ મિનિટ જે મોં-મલકાટભર્યા પોતે મારા પર પેલા ફૂટપાથ પરથી કરુણાર્દ્ર મીટ વરસાવી રહ્યા, તેમાં તો હું આજેય નાહી રહ્યો છું. એવા એમના વાત્સલ્યની પીઠિકા પર અમારા બેઉનું મળવું એમની માંદગીની સરકારી પથારી ઉપર થયું.

મહારાજે પોતાના અનુભવો પોતાની જાણે કહેવા નહોતા માંડ્યા. એમને પણ મારી જેવો જ સંકોચ થયો હશે કે, આ ‘સાક્ષર’ને ગામઠી વાતોમાં શો સાર જણાવાનો છે ! પણ મારી પ્રકૃતિમાં એક લાભદાયી તત્વ છે, હું એક રસઘોયું શ્રોતા છું; સામાની વાતોને સાંભળ્યા જ કરવાનો સ્વાદિયો છું. કાંઇક પ્રશ્ન પૂછીને મેં જ પ્રારંભ કર્યો હશે, ને પછી તો મહારાજની વાગ્ધારા ચાલ્યા જ કરી હતી. આટલી વાતો જો બીજા કોઇએ કરી હોય તો કદાચ કંટાળો નહિ, અણગમો પણ નહિ; તોય, કંઇ નહિ તો વક્તામાં ‘હું’ – અહમ – છલકાઇ જતું હોવાની લાગણી થાય. તેને બદલે મહારાજ બોલે ત્યારે બોલતા ન જ અટકે તો કેવું સારું. અટકી જાય તે પૂર્વે કંઇક પ્રશ્ન-ટમકું મૂકીને એમને અવિરત બોલતા જ રખાય તો કેવી મજા, એવું મને થયા કર્યું. શાથી?

એ કારણથી કે પોતે આ ઘટનાઓનું મુખ્ય અને કેન્દ્રસ્થ પાત્ર હોવા છતાં પોતાની જાતને ગૌણપદે રાખીને અન્ય મનુષ્યોનાં જ ઊર્મિઓ, યાતનાઓ અને પ્રકૃતિ-તત્વોનું આલેખન મહારાજ કર્યે જતા હતા. એમનો દૃષ્ટિદોર એ નીચલા થરનાં માનવોનું જ યથાદર્શન કરાવવાનો હતો. વેવલાઇથી વેગળુ, ગુણદોષનાં પલ્લાં સરખાં રાખતું અને માનવ-પાત્રોનાં જ રૂપ-રેખા એકનિષ્ઠતાથી ઉપસાવ્યે જતું એ વર્ણન હતું. એમાં પ્રચારલક્ષી નજર નહોતી, પણ વાસ્તવની જ વફાદારીભરી પિછાન હતી. પોતે કહે છે કે, “હું રાજકારણનો માણસ જ નથી. કૉંગ્રેસમાં તો હું ગાંધીજીને લીધે જ આવી પડ્યો છું. જે પુરુષ આખા દેશનું કલ્યાણ કરી રહેલ છે તેમને એ કલ્યાણકામમાં નમ્ર સહાય કરીએ તો જીવન સાર્થક થાય, એ દૃષ્ટિએ જ હું જાહેર કામમાં છું.”

ઉપરાંત મહારાજ પોતે એક સિદ્ધહસ્ત વાર્તાકાર છે. એમનાં વાક્યો સંઘેડાઉતાર હોય છે; કથળતું કે ગોથાં ખાતું એક પણ વાક્ય મેં એમના કથનમાં જોયું નથી. સાંભળી લઇને હું જ્યારે ટાંચણ કરવા લાગ્યો ત્યારે એમનામાં એક ભય સંચરતો નિહાળ્યો. એ ભય આ વાતો દ્વારા એમની પોતાની પ્રશસ્તિ થશે એ વિશે હતો. એક-બે વાર મને ટકોર પણ કરી કે, “મારી વાતો એક-બે ભાઇઓએ લખી છે, અને તેઓ બહાર પાડવાની ઇચ્છા ધરાવે છે; પણ મારા મૃત્યુ સુધી એ પ્રગટ ન જ થાય એવું મેં એમને કહ્યું છે.”

મારા તરફથી મેં ચોખવટ કરી કે, “મારું પ્રધાન લક્ષ્ય હંમેશાં એક વ્યક્તિનાં કીર્તિકથન નહિ કરવાનું છે. હું તો લોકજીવનનો નિરીક્ષક અને ગાયક છું. તમે કહી રહ્યા છો તે કથાઓમાં પણ હું તો તમારા કથનનાં પાત્ર માનવીઓનાં જ વિલક્ષણતાઓ ને પ્રકૃતિતત્ત્વો પર નજર રાખી રહ્યો છું. હું જો આ કથાઓ આલેખું તો તેમાં મારું પ્રયોજન, તમે બેશક એક મુખ્ય પાત્ર તરીકે એમાં જેટલા અનિવાર્ય છો તેટલા પૂરતા જ તમને જાળવી લઇને, આ પ્રજાના જીવનને રજૂ કરવાનું છે. ને મેં આજ સુધી એ જ કર્યું છે. મારો રસ વ્યક્તિપૂજામાં નથી.”

મારા સંકલ્પની પ્રામાણિકતા મહારાજના દિલમાં વસી ગઇ. મને આશા છે કે આ સમસ્ત આલેખનમાંથી મારો એ આશય સ્વચ્છ થશે. કથનમાં હું મહારાજની જ કહેણીને, શક્ય હતું તેટલા પ્રમાણમાં, વફાદાર રહ્યો છું. સંવાદો ને વાર્તાલાપો મહારાજના છે, પાત્રાલેખન પણ એમનું છે; મારી શિલ્પકલાને એમનાં ચિત્રોને માથે લાદી ન દેવાય તેની કાળજી રાખી છે. ’ઊર્મિ’ માસિકમાં આઠેક મહિનાથી આ પ્રસંગો પ્રગટ થાય છે. કેટલાય સાહિત્યકાર બંધુઓના પ્રશસ્તિપૂર્ણ કાગળો આવ્યા છે. અન્ય વાચકોની તારીફ પણ મારા સુધી પહોંચી છે. એમાં એવો પણ એક સૂર ઊઠ્યો છે કે, “સૌરાષ્ટ્રની રસધાર” અને ‘બહારવટિયા’માં જે જમાવટ થઇ છે તે એમાં નથી. નથીસ્તો ! પ્રયોજન જ એ જમાવટથી વેગળા રહેવાનું હતું. મારું ધ્યેય આને દસ્તાવેજની મહત્તા આપવાનું છે. એ દસ્તાવેજ છે — બનેલી ઘટનાનો, લોકમાનસનો, જનતાનાં મનોવિશ્લેષ્ણોનો અને જનતાની ભાષાનો. લેખકે કેવળ માધ્યમરૂપે જ પોતાની મર્યાદાનું પાલન કર્યું છે.

માનવશાસ્ત્રનાં, માનવવંશનાં, જાતિઓ અને કોમોનાં અભ્યાસ—અવલોકનનું જેઓને કંઇ મૂલ્ય હોય તેવાંઓને આ મહારાજની કહેલી કથાઓ સાદર કરું છું.ગુજરાતનાં જે ખમીરવંતા સંતાનો ચોર-લૂંટારા ને ખૂનીઓનાં ખાનામાં પડીને સરકારી જેલ અગર પોલીસ-કચેરીને રજીસ્ટરે પુરાઇ રહેલ છે, તેમનામાં વસેલી માણસાઇનો આ દસ્તાવેજી પરિચય છે. માણસાઇના દીવા જીવતા માનવોમાંથી કેમ અને ક્યારે ઓલવાવા માંડે છે, માણસ જેવા માણસનું આત્મભાન ક્યારે ને કેવી રીતે અધોગતિને પામે છે, અને અકસ્માત એ રામ થઇ જવા આવેલા દીવામાં તેલ પૂરનારો કોઇક સાચો પુરુષ ભેટી જતાં દીવા કેવા સતેજ બને છે, તેની એક સળંગ કથા આ જૂજવા પ્રસંગોમાંથી વણાઇ રહે છે.

મારા લેખક—જીવનમાં તો આ એક મોટી વધાઇનો પ્રસંગ છે. આજ સુધી સૌરાષ્ટ્રનાં જ માનવીઓની ધિંગી ધિંગી, અણઘડ આકારની વારતા, ખાનદાની, નાદાની કે કોમળતાના પ્રદેશો ઢૂંઢતો હતો. ગુજરાત સુધી પહોંચવાની આશા નહોતી. જનતાનાં જીવન-પડોમાંથી જન્મ્યા વગર કે એ પડોનાં જ પાણી પીધા વગર, એની હવાનો પ્રાણવાયુ લીધા વગર કે એની માટીમાં આળોટ્યા વગર એ જનતાની પિછાન શક્ય નથી હોતી. મારા સૌરાષ્ટ્રી કાર્યક્ષેત્રની બહાર જઇને અન્ય કોઇ જનસમૂહની ધરતીમાં રોપાવાનો મારે માટે બહુ સંભવ નહોતો. પણ મને મહારાજ ભેટ્યા. મહીકાંઠાની જનતાનાં સકળ પ્રાણતત્ત્વોમાંથી ઘડાયેલા એ પુરુષ ન ભેટ્યા હોત, એને બદલે કોઇક બીજાએ વાતો કરી હોત, તો હું આજે અનુભવી રહ્યો છું તેવી મીઠી આત્મસાતતા આ ગુજરાતી પાટણવાડિયા—બારૈયાનાં જીવન જોડે ન અનુભવી શક્યો હોત; પરિણામે એમને વિષે લખી પણ ન શક્યો હોત.

લખાઇને ‘ઊર્મિ’માં પ્રગટ થતી ગઇ તેમ તેમ આ વાતો મહારાજની નજરે પણ પડતી ગઇ. એમને એક વિસ્મય થયું કે, ખરેખર શું આ પ્રસંગો સાહિત્યની સૃષ્ટિમાં સ્થાન પામી શકે તેવા છે? અમને બે-ચાર જણને એમણે પૂછ્યું યે ખરું કે, શું સાહિત્યનાં પ્રેમીજનો આ લખાણનો આદર કરે છે ? અમે એમને એક કરતાં વધુ વાર ખાતરી આપી કે, આ વાતોમાં સાહિત્યના ઉચ્ચ ગુણો પડેલા જ છે. કદાચ આ સંશય એમનામાંથી પૂરેપૂરો ન પણ ટળ્યો હોય. પણ મારો મુદ્દો જુદો છે – મહારાજ જેવા સંસ્કારસંપન્ન સંસ્કૃત જ્ઞાન ધરાવતા ભાષાના સ્વામીને યે જો આપણી ‘દુનિયા’ને વિષે આવા સંશયો સતાવતા હોય, તો આપણી દુનિયાની સંકીર્ણતાનો અદ્યપિ પર્યંત પૂરો લોપ થયો નથી એ સાચું કે નહિ?

* * *

બાબર દેવાનું ચરિત્ર આ પુસ્તકમાં શા માટે સ્થાન પામી શક્યું, તેવી શંકા કેટલાકને થઇ છે.કારણ તેઓ એવું આપે છે કે, અન્ય તમામ કિસ્સાઓમાં માનવીની માણસાઇના દીપક પ્રકાશિત બની રહે છે. અને ઉચ્ચગામી અંશો રમણ કરે તેવું કશુંય બન્યા વગરનો બાબર દેવાનો ઇતિહાસ નરી ક્રૂરતા અને અધોગામિતાથી ભરપૂર છે.
આવાં કારણસર મારે બાબર દેવાને અહીં સ્થાન નહોતું આપવું જોઇતું એવી દલીલ બરાબર નથી. કારણકે બાબર દેવાની બહારવટા કથા તો મહારાજ કેવી સમાજસ્થિતિની વચ્ચે કામ કરી રહ્યા હતા તેના સર્જનને સારુ પૂરી આવશ્યક બને રહે. બાબર દેવા અને એની સાથે સંબંધ ધરાવતાં સંખ્યાબંધ નાનાં-મોટાં પાત્રોના આલેખન દ્વારા, તેમ જ એ બધી ઘટનાઓના રજેરજ ચિતાર દ્વારા, આપણને મહારાજ જેની સાથે મુકાબલો કરી રહ્યા હતા તે સમગ્ર દુનિયાનો દસ્તાવેજી પરિચય સાંપડે છે. મારી તો વાચકોને એવી ભલામણ છે કે અન્ય તમામ પ્રસંગચિત્રણોને જો એના સાચા ‘સેંટિંગ’ વચ્ચે નિહાળવાં હોય, તે પ્રથમ ‘બાબરદેવા’ વાંચીને પછી બાકીના આલેખનમાં પ્રવેશ કરવો. બાબરદેવાની કથા તો ‘માણસાઇના દીવા’નું પ્રવેશદ્વાર છે.

ઉપરાંત, આ પણ મહત્વનો એક મુદ્દો છે કે જેને જેને મહારાજનો ભેટો થયો તે પાત્રોને કેવા પ્રકારનો રંગ લાગ્યો, અને જેઓ એથી વંચિત રહી ગયાં તેમનાં પગલાં કેવે જુદે પંથે ઊતરી ગયાં. બાબર દેવા એનું દૃષ્ટાંત પૂરું પાડે છે. બાબરને પોતે કેમ મળી ન શક્યા તે પ્રશ્ન તો મારાથી પણ મહારાજને સ્વાભાવિક રીતે પુછાઇ ગયો હતો.
જવાબમાં મહારાજે મને જણાવ્યું કે રાસ ગામ પાસે સુદરણા નામે ગામ છે ત્યાં પોતાને મળવા બાબર દેવાએ મહારાજને સંદેશો મોકલાવ્યો. મહારાજ તે દિવસ બહારગામ હતા. આવ્યા ત્યારે બાબરનો સંદેશવાહક મળ્યો. પોતે બહારવટિયા પાસે જવા ચાલ્યા જતા હતા; પણ માર્ગે એક-બે માણસો મળ્યા, તેમણે મહારાજને સૂચક હાસ્ય કરીને કહ્યું: “કાં, મહારાજ, કંઇ ચાલ્યા? – તંઇ કે !”

મહારાજ ચેતી ગયા: ‘નક્કી બાબરના માણસે ગામના અન્ય એક-બે જણાંને વાત કરી લાગે છે ! એટલે કે પોલીસને વાત પહોંચી ગઇ હોવા પૂરો સંભવ. હવે જો હું જાઉં, ને પોલીસ મારી પાછળ આવે, તો બાબરનો વિશ્વાસઘાત કર્યો કહેવાય .”
બસ, આટલા નાનકડા અકસ્માતે મહારાજનો ને બાબર દેવાનો ભેટો થતો અટકાવ્યો. અને ચાર મહિના પછી બાબર પકડાઇ ગયો. પોતે બાબરને ન મળી શક્યા તે વાતનો મહારાજના મન પર ભાર રહી ગયો છે.

સંખ્યાબંધ વાચકો તરફથી આ કૃતિને માટે વિશિષ્ટ પ્રકારનાં અભિનંદનો મળ્યાં છે. મને પણ થાય છે કે, જીવનમાં અણચિંતવ્યું એક સંગીન કાર્ય થઇ ગયું; જીવનની સમૃદ્ધિ ઠીક ઠીક વધી ગઇ. ગુજરાતને પણ એનામાં પડેલા ખમીરનું નવું દર્શન લાધ્યું.

મહારાજની સ્વાનુભવસંપત્તિ તો મેં આલેખ્યા છે તેવા અન્ય સંખ્યાબંધ પ્રસંગોથી ભરપૂર છે. એનું દોહન અન્ય જિજ્ઞાસુઓ કરે એવું હું હ્રદયથી ઇચ્છું છું. મારું પુસ્તક તો એક ગુપ્ત ખજાનાની માત્ર ભાળ આપીને વિરમે છે. અન્ય ભાઇઓ તરફથી પ્રયાસ ચાલુ છે તે સુખની વાત છે. ગુજરાતના અન્ય લોકસેવકો, જેઓ દૂર દૂર ઊંડાણમાં વસતી જનતાના ખોળામાં આળોટતાં પ્રવૃત્તિ કરી રહેલ છે – દાખલા તરીકે જુગતરામભાઇ અને એથી પણ વધુ લીલા ભરપૂર જેમનું સેવાજીવન છે તે શ્રી ઠક્કરબાપા – તેવી પ્રસિદ્ધિના પ્રકાશથી વેગળા રહી કામ કરી રહેલી વ્યક્તિઓનો સંપર્ક કરીને એમના અનુભવ ખજાના પણ કઢાવી શકાય, તો ગુજરાતને ઘેર પ્રાણવંત સાહિત્યનો તોટો ન રહે.

– ઝવેરચંદ મેઘાણી

(પુસ્તક પ્રસ્તાવનામાંથી)

આ ઈ-પુસ્તક ડાઊનલોડ કરવા જાઓ – અક્ષરનાદ ડાઊનલોડ વિભાગ


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “માણસાઈના દીવા – ઝવેરચંદ મેઘાણી (ઈ-પુસ્તક ડાઊનલોડ)

  • રૂપેન પટેલ

    જીગ્નેશભાઇ સરસ ઈ-પુસ્તક ડાઊનલોડ માટે મુક્યું છે . વધુ ને વધુ વાચકો ઝવેરચંદ મેઘાણીની કલમનો જાદુ જાણી અને માણી શકશે .

  • હર્ષદ રવેશિયા

    આપના વિષે થોડા divas પહેલા “દિવ્ય ભાસ્કર”માં લેખ વાંચ્યો, આપ વાપી શહેરથી આ ઉમદા કાર્ય કરી રહ્યા છો તે જાની આપના તરફ બહું આદર ભાવ થયો. હું પણ આપની બાજુમાં ઉમરગામ ખાતે સ્થિત છુ. અવાર-નવાર વાપી આવું છુ. એક વખત જરૂર મળીશ..
    સમસ્ત ગુજરાતી સમાજ વતી આપને આપના આ કાર્ય માટે અભિનંદન આપું છુ.
    હર્ષદ