અમે સસ્તામાં વેચાયા… – કાયમ હઝારી 4


ખુદા જાણે તમે કેવી જગા પર જઈને સંતાયા
તમોને શોધવામાં ખુદ અમે પોતે જ ખોવાયા !

તમે પાછા કદી વળશો એ આશામાં જ વર્ષોથી
ઊભો છું ત્યાં જ જ્યાંથી આપણા રસ્તાઓ બદલાયા.

સમજદારીએ શંકાઓ ઊભી એવી કરી દીધી,
હતાં જે હાથમાં પ્યાલા ન પીવાયા, ન ઢોળાયા !

જિગરના ખૂનમાં બોળી મશાલો મેં જલાવી છે,
અમસ્તા કંઈ નથી આ રાહમાં અજવાળાં પથરાયાં

કરી જોયા ઘણા રસ્તા જવાના દૂર તારાથી
બધા રસ્તાઓ કિન્તુ તારા દ્વારે જઈને રોકાયા !

તમે આવ્યાં હતાં હસતાં ગયાં ત્યારે હસતાં’તાં,
ભરમ એ હાસ્યના અમને હજી સુધી ન સમજાયા !

હજુ મારે છે ઈશુને, મહાવીરને સતાવે છે,
યુગો વીતી ગયા કિન્તુ આ ઈન્સાનો ન બદલાયા !

ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી’તી,
અમસ્તા કંઈ નથી ‘કાયમ’ અમે સસ્તામાં વેચાયા.

– કાયમ હઝારી

કહેવાય છે કે ઈશ્વરનો કારોબાર તદ્દન પારદર્શક અને સચોટ છે, પણ ગઝલકાર અહીં ખુદાને તેમની એ સચોટતા છતાં કેમ છુપાવું પડે છે એ વિશે સવાલ કરે છે. ખુદાને તથા સનમને એમ બંનેને લાગુ પડતી આ સમરસ ગઝલમાં તેમને શોધવા જતા પોતે ખોવાઈ ગયાનો અહેસાસ ગઝલકારને થાય છે. આ ગઝલમાં ખુદાને વિશે અથવાતો સનમને લઈને કવિને અનેક ફરીયાદો છે, તો માનવની સદાયની કુટેવો પર પણ તેઓ દર્દ વ્યક્ત કરે છે, પ્રીતનો પરોક્ષ ઈઝહાર પણ કરે છે અને અંતે મક્તાના શે’રમાં સર્વસ્વ સમર્પણનો ભાવ ગઝલને શ્રેષ્ઠતાના શિખરે પહોંચાડે છે. કાયમ હઝારી સાહેબની આ ગઝલ આમ એક સર્વાંગસંપૂર્ણ માણવાલાયક ગઝલ છે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “અમે સસ્તામાં વેચાયા… – કાયમ હઝારી