એક પંખીની વારતા – રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. રમણલાલ સોની 13


એક હતું પંખી. સાવ મૂર્ખ, એ ગીત ગાય પણ શાસ્ત્રબાસ્ત્ર વાંચવાની બાધા. કૂદકા મારે, ઠેકડા મારે, ઉડે પણ રીતભાત કે કાયદાકાનૂનમાં કંઈ સમજે નહીં.

રાજા કહે – “આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજહાટના ફળબજારને નુકસાન કરે છે.”

તેણે મંત્રીને બોલાવીને કહ્યું, “આપો આ પંખીને શિક્ષણ !”

પંખીને શિક્ષણ આપવાનો ભાર પડ્યો રાજાના ભાણેજોની ઉપર.

પંડિતોએ બેસીને ખૂબ ઉંડો વિચાર કર્યો. પ્રશ્ન એ હતો કે આ જીવના અજ્ઞાનનું કારણ શું ?

છેવટે એવો નિર્ણય થયો કે પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક ફક્કડ પાંજરું બનાવી આપવાની છે.

રાજપંડિતો દક્ષિણા લઈને રાજી થતા થતા ઘેર આવ્યા.

સોની બેઠો સોનાનું પાંજરું ઘડવા. પાંજરું એવું તો અદભુત બન્યું કે એ જોવા માટે દેશપરદેશથી લોકોના ટોળાં આવવા માંડ્યા.

કોઈ કહે, “શિક્ષણ તો જબરું, ભાઈ !” તો કોઈ કહે, “શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને ! પંખી કેવું નસીબદાર છે?”

સોનીને થેલી ભરીને બક્ષિસ મળી. રાજી થઈને તરત એણે ઘરની વાટ પકડી.

પંડિતજી પંખીને વિદ્યા ભણાવવા બેઠા. તપખીર નાકમાં ખોસતાં તે બોલ્યા, “બે ચાર ચોપડીઓનું આ કામ નથી !”

ભાણેજોએ દોડાદોડ લહીયાઓને બોલાવી મંગાવ્યા. તેમણે પોથીઓની નકલો કરીને અને નકલોની પછી નકલો કરીને પોથીઓનો મોટો પહાડ ખડો કરી દીધો.

જેણે જોયું એ કહે, “શાબાશ, વિદ્યાનો કોઈ પાર નથી !”

લહિયાઓને એટલું ઈનામ મળ્યું કે તે બળદ પર લાદવું પડ્યું. એ લઈને તેરત ઘર તરફ દોટ મૂકી. તેમનાં ઘરમાં હવે ખાવાપીવાની ચિંતા રહી નહીં.

મહાકીમતી પાંજરાની સાચવણી માટે ભાણેજો એટલી કાળજી રાખતા હતાં કે જેનો પાર નહીં. જ્યારે જુઓ ત્યારે એનું સમારકામ ચાલતું જ હોય, વળી તેની ઝાડઝૂડ, સાફસૂફ અને પોલિશ વગેરેની ધમાધમ જોઈ બધા કહે, “વાહ, ઉન્નતિ થઈ રહી છે !”

કેટલાય માણસોને આ કામ માટે રોકવામાં આવ્યા હતાં, અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા. તેઓ મહિને મહિને ખોબા ભરી ભરીને પગાર લઈને તેમના પટારા ભરતા હતાં.

તેઓ અને તેમનાં સગાંસંબંધી, કાકામામા-માશી-ફોઈના દિકરાઓ ખુશખુશાલ ચિતે મોટી મોટી હવેલીઓમાં ગાદીતકિયા નાંખી બિરાજ્યા હતાં.

દુનિયામાં અભાવ બીજા ઘણાં છે, માત્ર નિન્દુકોનો અભાવ નથી – એ જોઈએ એટલા છે. એ બોલ્યા, “પાંજરાની ઉન્નતિ થઈ રહી છે, પરંતુ પંખીની ખબર કોઈ રાખતું નથી !”

આ વાત રાજાના કાને પહોંચી. તેમણે ભાણેજોને બોલાવી કહ્યું, “ભાણાભાઈ, આ હું શું સાંભળું છું?”

ભાણેજે કહ્યું, “મહારાજ, સાચી વાત જો સાંભળવી હોય તો બોલાવો સોનીઓને, પંડિતોને, લહીયાઓને ! બોલાવો સમારકામ કરનારાઓને અને સમારકામ પર દેખરેખ રાખે છે એને ! નિંદાખોરોને મારી ખાવાનું મળતું નથી એટલે આવી ખોટી વાતો કરે છે !”

જવાબ સાંભળીને રાજાને બધુ સ્પષ્ટ સમજાઈ ગયું. અને તરત જ ભાણેજની ડોકમાં સોનાનો હાર પડ્યો.

શિક્ષણ કેવું ભીષણ વેગે ચાલી રહ્યું છે એ નજરે જોવાનું રાજાને મન થયું. તેથી એકવાર બંધુબાંધવ, અમાત્ય વગેરેને સાથે લઈને તેઓ સ્વયં વિદ્યાશાળામાં આવી હાજર થઈ ગયાં.

તેમનું આગમન થતાં જ દરવાજા આગળ વાગવા માંડ્યા શંખ, ઘંટ, ઢોલ, નગારાં, તાસાં, પીપૂડી, ભેરી, શરણાઈ, બંસી, ઝાંઝ, કરતાલ, મૃદંગ વગેરે. પંડિતો ઘાંટો કાઢી, ચોટલી ધુણાવી મંત્રપાઠ કરવા લાગ્યા. મિસ્ત્રી, મજૂર, સોની, લહિયા, મુકાદમો અને મામા-માસી-કાકા-ફોઈના દીકરાઓએ જયજયકાર કર્યો.

ભાણેજોએ કહ્યું, “મહારાજ, જોયું કેવું ચાલે છે?”

મહારાજે કહ્યું, “અજબ, શબ્દ કંઈ કમ થતો નથી !”

ભાણેજોએ કહ્યું, “માત્ર શબ્દ જ નહિં, શબ્દની પાછળ અર્થ પણ કમ નથી !”

રાજા પ્રસન્ન થઈ દરવાજો પાર કરી જ્યાં હાથી પર બેસવા જતા હતાં ત્યાં કોઈ નિંદુક ઝાંખરામાં સંતાઈ રહેલો હતો તે બોલી ઉઠ્યો, “મહારાજ, તમે પંખી જોયું ખરું?”

રાજા ચમક્યો, તે બોલી ઊઠ્યો, “અરે હા ! એ તો યાદ જ ન આવ્યું. પંખીને જોવાનું તો રહી ગયું.”

તેણે પંડિતને કહ્યું, “પંખીને તમે કઈ પદ્ધતિએ ભણાવો છો એ મારે જોવું છે !”

જોયું, જોઈને અતિ પ્રસન્ન ! શિક્ષણની પદ્ધતિ પંખીના કરતાં એટલી મોટી હતી કે પંખી ક્યાંય દેખાતું ન નહોતું. પદ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તોય ચાલે. રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કંઈ ખામી નથી. પાંજરામાં નથી દાણા કે નથી પાણી; માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાનાં ફાડીને કલમની અણીએ એ પંખીના મોંમાં ઠાંસવાનું કામ ચાલી રહ્યું છે. ગીત તો બંધ જ થઈ ગયું છે – ચિત્કાર કરી શકે એટલી ફાટ પણ પુરાઈ ગઈ છે. જોઈને શરીરે રોમાંચ થાય !

આ વખતે રાજાએ હાથી પર ચડતાં ચડતાં કાન આમળનારાઓના નાયકને બોલાવી નિંદુકનો કાન બરાબર આમળી નાંખવાનો હુકમ કર્યો.

પંખી દિવસે દિવસે શિષ્ટાચારના નિયમો હેઠળ અધમૂઉં થતું ગયું, એની સંભાળ લેનારાઓ કહે, “આ બહુ આશાજનક છે, તોયે સ્વભાવ જાય ? સ્વભાવના દોષે કરીને એ પંખી સવારના પહોરનો પ્રકાશ જુએ છે અને અસભ્ય રીતે પાંખો ફફડાવે છે ! એટલે સુધી કે કોઈ કોઈ વાર તો એ એની દૂબળી ચાંચ વડે પાંજરાના સળિયા કાપવાનીયે કોશિશ કરતું દેખાય છે.”

કોટવાલે કહ્યું, “આ કેવી બેઅદબી !”

એટલે પછી વિદ્યાભવનમાં ધમણ, હથોડો ને દેવતા લઈને લુહાર આવી પહોંચ્યો. કેવી ટાપટીપ ચાલી ! લોઢાની સાંકળ તૈયાર થઈ. પંખીની પાંખોયે કપાઈ ગઈ.

રાજાના સાળાઓ તો હાંડી જેવું મોં કરી માથું હલાવી બોલ્યા, “આ રાજ્યમાં પંખીઓમાં જાણે અક્કલ તો નથી એ નથી, પણ કૃતજ્ઞતાયે નથી !”

પછી પંડિતોએ એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને એવું ચલાવ્યું – જેનું નામ શિક્ષણ !

લુહારનું કામ એટલું વધી ગયું કે લુહારણના શરીર પર સોનાના દાગીના ચડ્યા, અને કોટવાલની હોંશિયારી જોઈને રાજાએ એને શિરપાવ આપ્યો !

* * *

પંખી મરી ગયું.

ક્યારે તેની કોઈને ખબરે પડી નહીં.

અક્કરમી નિંદુકે વાત ફેલાવી કે પંખી મરી ગયું છે !

ભાણેજને બોલાવી રાજાશ્રીએ કહ્યું – “ભાણાભાઈ, આ હું શું સાંભળું છું ?”

ભાણેજે કહ્યું, “મહારાજ, પંખીનું શિક્ષણ પૂરું થઈ ગયું છે !”

રાજાએ કહ્યું, “હવે એ કૂદકા મારે છે?”

ભાણેજે કહ્યું, “રામ રામ કરો !”

“હવે એ ઉડે છે?”

“ના !”

“હવે એ ગાય છે ?”

“ના !”

“દાણા ન મળે તો હવે એ ચિચિયારીઓ પાડે છે?”

“ના !”

રાજાએ કહ્યું, “એકવાર પંખીને લઈ આવો તો, હું જોઉં !”

પંખી આવ્યું, સાથે કોટવાલ આવ્યો, પાયદળ આવ્યું, ઘોડેસવાર આવ્યા.

રાજાએ પંખીને આંગળી વડે દબાવ્યું. તેણે ન કર્યું ચૂં કે ન કર્યું ચાં. માત્ર તેના પેટમાં પોથાંઓના સૂકાં પાનાં ખસખસ અવાજ કરવા લાગ્યાં.

બહાર નવ-વસંતનો દખણાદી વાયરો વાયો, કુંપળોએ દીર્ઘ નિઃશ્વાસ નાખી મુકુલિત વનના આકાશને આકુળ-વ્યાકુળ કરી નાંખ્યું.

– રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. રમણલાલ સોની
(“કિશોરોના રવીન્દ્રનાથ” માંથી સાભાર, સંપાદક – મહેન્દ્ર મેઘાણી, લોકમિલાપ ટ્રસ્ટ)

૧૮૬૧માં જન્મેલા અને વિશ્વભરમાં સહુથી વધુ વંચાતા ભારતીય લેખકોમાં શીર્ષસ્થાને બિરાજતા નોબેલ પારિતોષિક વિજેતા શ્રી રવીન્દ્રનાથ ઠાકુરની ૧૫૦મી જન્મજયંતી ૭મી મે ૨૦૧૧ ના દિવસે હતી. રવીન્દ્ર સાહિત્યની કેટલીક સુંદર રચનાઓ “કિશોરોના રવીન્દ્રનાથ” અંતર્ગત લોકમિલાપ દ્વારા રજૂ થઈ છે. પ્રસ્તુત રચના તેમાંથી જ સાભાર લેવાઈ છે.

આમ તો આ બાળવાર્તા કહેવાય, પણ મેનેજમેન્ટના કોઈ પણ ક્ષેત્રમાં ઉદાહરણરૂપ ગણી શકાય તેવી આ વાર્તા અનેક અર્થો દર્શાવી શકે તેમ છે, તારવી શકાય તેવું નવનીત આમાં ભારોભાર પડ્યું છે. અનેક વ્યવસ્થાઓ પરનો કટાક્ષ પણ આમાંથી સજ્જડ ચોટ આપતો છલકાય છે. બાળકોથી લઈને મોટેરાંઓ સુધી સહુને લાગૂ પડતી આ વાર્તા ખરેખર ફક્ત બાળવાર્તા થોડી છે !


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “એક પંખીની વારતા – રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. રમણલાલ સોની

 • kamlesh patel

  આજે એકવિસમિ સદિ મા આપણૅ પક્ષિ નિ જેમ આપણા બાળકો ને મારિ નથિ રહ્યા ? ક્યારે સમજાશે આ વાર્તા નિ સવેદના

 • Sima

  આજ થી ૫૦ કે ૫૫ વર્ષ પહેલા આવી જ એક કવિતા હતી,
  વન વગડાનું પંખી ગાતું સોનાના પિંજર માં જી,
  એના શબ્દો આજ તો મને યાદ નથી,
  પણ એ વાચતા કાયમ મારી આંખ ભરાઈ જતી,
  સ્વતત્રતા વિના નું સુખ શા કામનું,
  પંખી પાસે કદાચ સોનાનું પિંજર નથી પણ સ્વતત્રતા છે,
  ને આજ ના માનવી પાસે જેની પાસે છે એની પાસે સુખ તો અઢળક છે,
  પણ મન પંખી ને વિહ્ળવા સ્વતત્રતા કયા છે?
  સુખ ની દોડમાં માણસે સ્વેચ્છાએ સોનાનું પિંજર સ્વીકાર્યું છે,
  ને પછી સ્વતત્રતા માટે રડે છે, જયારે પંખી તો બિચારું મજબુર હતું,
  હા માણસ પણ મજબુર છે સુખ ની ભૂખ સંતોષવા માટે,
  સીમા દવે

  • geeta makwana

   “વન વગડાનુ પંખી સોનાના પિન્જરમા ગાતુ” એ કવિતા અહી મુકવા વિનંતી.

 • Atul Jani (Agantuk)

  આ વાર્તા હું મોટેથી વાંચી સંભળાવતો

  અને છેલ્લે જ્યારે પ્રશ્નો આવે

  ————————–
  રાજાએ કહ્યું, “હવે એ કૂદકા મારે છે?”

  ભાણેજે કહ્યું, “રામ રામ કરો !”

  “હવે એ ઉડે છે?”

  “ના !”

  “હવે એ ગાય છે ?”

  “ના !”

  “દાણા ન મળે તો હવે એ ચિચિયારીઓ પાડે છે?”

  “ના !”
  ————————-

  ત્યારે મારી વાચા હરાઈ જાય અને આંખમાં રહે માત્ર આંસુઓનો દરિયો …

 • Ankita Solanki

  Greate Topic par vat kari ceh,tame khub j gamiyu, Aaje ej tai rahiyu che, had vagar na courses, Had vagar ni fees, Had vagar na karcha, ema mud kehvanu bhar vagar nu bantar etlu bhare tai gayu che ke comman man to bicharo marij jay che, bas to pan badhu barabar j che…. bicharu pankhi. kadach aavat aapda tantra ne chalav va vada o ne samjay to ketlu saru, ketla pankhi bachi sake che, kadach bhantar khare kar bhaar vagar nu ane utsah prepak hoi to ketlu saru, kadach matra kale petbarva na upay sivay ek ras lai ne bhanva ni icha hoi to ketlu saru? tamari vaat kharekhar sari lagi..