બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે – ‘કાયમ’ હઝારી 5


પાંદડાઓની વ્યથા એ કઈ રીતે કાને ધરે ?
એક ખુરશી કાજ આખા વૃક્ષને જે વેતરે !

ભગ્ન ચૂડી, ખાલી ખોળો ને બળેલી રાખડી,
જડ બનેલી જિંદગી કઈ વાતનું માતમ કરે ?

જોઈને મોટાઓનાં આ સાવ હીણાં કરતૂતો,
બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે.

લાખ યત્નો આદરી આ આગને તો ઠારશું,
પણ, ધુમાડો જે થયો એ કઈ રીતે પાછો ફરે ?

હોય આથી શું વધુ સંતાનનું બીજું પતન,
ભરબજારે માતાના વસ્ત્રો હરી ગૌરવ કરે !

માનવીની પાશવી – ખૂની લીલાઓ જોઈને,
મંદિરોને મસ્જિદોના પથ્થરો હિબકાં ભરે.

ના ખપે એ રામ અલ્લાહ ના ખપે, હા ના ખપે,
નામ માનવતાનું જેના નામથી કાયમ મરે.

– ‘કાયમ’ હઝારી

પોતાની દૈનંદિય વ્યસ્તતાઓ વચ્ચે અને વ્યવસાયના બોજ વચ્ચેથી ખાલી જગ્યા શોધીને કાવ્યોપાસના કરતા એક શાયર તે આ ‘કાયમ’ હઝારી. સિવિલ એન્જિનિયરીંગના સ્નાતક અને ગુજરાત રાજ્યના સિંચાઈ વિભાગમાં એન્જિનિયર આ કવિના ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે, ‘દીવાનગી’, ‘અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !’ તથા ‘આદમ અને ઈવનું પહેલું ચુંબન.’

પ્રસ્તુત ગઝલ પરંપરામૂલક અને અભિધામૂલક છે. આજના મનુષ્યની જિંદગી ઢંઢોળવા આ લખાઈ હોય તેમ લાગે. કવિનો અહીં પવિત્ર આક્રોશ પ્રગટ થાય છે, તેઓ કહે છે કે જે અલ્લાહ અને રામને નામે થતાં દંગલોમાં અનેક લોકો મરે છે તે તો નિર્દોષ મનુષ્ય જ છે. ઘૃણાસ્પદ કામો થયા કરે એ અવગણીને માત્ર જીભથી રટાતા નામનો કવિને ખપ નથી એ મતલબનું અને અંતે પ્રેમ અને સહ્રદયતાની સરસ વાત સમજાવતી પ્રસ્તુત ગઝ્લનો આસ્વાદ રમેશ પારેખની કલમે નીતિન વડગામા દ્વારા સંપાદિત પુસ્તક ‘કવિતા એટલે આ…’ માં કરાવ્યો છે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે – ‘કાયમ’ હઝારી