પરિચય છે મંદિરમાં દેવોને મારો… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast) 19


પ્રસ્તુત છે એક ખૂબ જ સુંદર ગઝલપઠન, “પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે….” ચાલો સાંભળીએ આ ગઝલ શ્રી શૂન્ય પાલનપુરી સાહેબના પોતાના સ્વરમાં. ગુજરાતીના એક અદના બ્લોગર શ્રી માવજીભાઈને તેમના મિત્ર શ્રી ભાવેશભાઈ પટ્ટણી પાસેથી મળેલ આ દુર્લભ ક્લિપ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં તેમની ગઝલોના પઠનની આ તથા આવી અનેક ઑડીયો ક્લિપ અક્ષરનાદને તેમણે પાઠવી છે. આપણે તેમને સમયાંતરે માણતા રહીશું.

ગઝલપઠન – ઓળખે છે.
સ્વર – શ્રી શૂન્ય પાલનપુરી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે પિછાણે છે પ્યાલી,
અરે ! ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

પ્રણય જ્યોત કાયમ છે મારા જ દમથી,
મેં હોમી નથી જિંદગી કાંઈ અમથી;
સભાને ભલે હોય ના કૈ ગતાગમ,
મને ગર્વ છે કે શમા ઓળખે છે.

મેં લ્હોયા છે પાલવથી ધરતીના આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું.
ઊડી ગઈ છે નીંદર ગગન સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા !
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે;
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બુદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો;
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

સ્વયં હું જ રાહી, સ્વયં હું જ મંઝિલ,
મળી છે મને સ્થિરતા ધ્રુવ જેવી;
સદીઓથી મારી ખબર છે દિશાને,
યુગોથી મને કાફલા ઓળખે છે.

દિલે શૂન્ય એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો;
છું ધીરજનો મેરુ ખબર છે વફાને,
દયાનો છું સાગર ક્ષમા ઓળખે છે.

– શૂન્ય પાલનપુરી


આપનો પ્રતિભાવ આપો....

19 thoughts on “પરિચય છે મંદિરમાં દેવોને મારો… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast)