મૂળ મહેસાણાના અને હાલ બગદાણા, તા. મહુવાના રહેવાસી શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ બગદાણા પાસેના સરા ગામમાં પ્રાથમિક શિક્ષક છે. તેઓ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. આજે તેમની બે ગઝલ પ્રસ્તુત છે. આ પહેલા પણ તેઓની બે ગઝલ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ કલમની ધારેથી શબ્દને રસ્તો કરી આપે છે તો શ્વાસને પણ સંબંધી બનાવી દે છે, જ્યારે બીજી ગઝલ આંતરખોજનો વિષય છે – પથદર્શક છે, તો ઝંખનાઓનું ભેગા થવું એટલે લાગણી એવો અર્થ પણ અહીં ઉપસે છે. બંને ગઝલ ખૂબ સુંદર અને મનનીય થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.
૧. નીકળ્યો …
લઈ કલમની ધાર નીકળ્યો
શબ્દ હારોહાર નીકળ્યો.
કંટકોની આરતામાં
ફૂલનો સંસાર નીકળ્યો.
ઊંઘમાં આંખો બળી’તી
વેદનાનો ભાર નીકળ્યો
જ્યાં લીધું તુજ નામ હોઠે
રંજ આરોપાર નીકળ્યો.
લાગવગથી હું જીવ્યો છું,
શ્વાસ રિશ્તેદાર નીકળ્યો.
૨. શબ્દની સૌ નાત
શબ્દની સૌ નાત છે ટોળે વળી,
મૌનના વ્હારેય વાગી વાંસળી.
કોણ કે’ છે સાંજ છે અમથી ઢળી,
દોસ્ત સૂરજના પ્રભાવે ઓગળી.
લાગણીનો અર્થ એવો થઈ શકે,
ઝંખનાઓ સૌ રહે ભેગી મળી.
ઝાડનો કલશોર બીજુ કંઈ નથી,
પાંદડાના કાન વીંધે છે સળી.
ડૂસકાંનો અર્થ જો પૂછ્યો તમે,
તો તરત આ આંખ મારી પીગળી.
– જિતેન્દ્ર પ્રજાપતિ
wel done jitendrbhai, keep it up…
-vandita
આવિજ ગઝલ લખતા રહો,
એક ગઝલકાર તરિકે ઉભરતા રહો..
ખુબ સુન્દ્ર ગઝલો. અભિનન્દન્ બન્કિમ શાહ