- અજાણ્યા મહાસાગરને પાર કરીને કોઈક કિનારે પહોંચીશ જ. એવો ચોક્કસ વિશ્વાસ એ જ કોલંબસની સફળતાની મૂડી હતી. બીજા પણ ઘણા માણસો એટલાન્ટિક ઓળંગીને અમેરિકા પહોંચી શક્યા હોત; પરંતુ તેમના ચિત્તમાં વિશ્વાસ નહોતો. સામો કિનારો છે એવી ઉજ્જવલ શ્રદ્ધા તેમને નહોતી.
- આ જે સવાર દરરોજ આપણી આગળ પ્રગટ થાય છે એમાં આપણને આનંદ ઓછો પડે છે. એ સવાર આપણી ટેવને કારણે જીર્ણ થઈ ગઈ છે. ટેવ આપણા પોતાના મનની તુચ્છતાને લીધે બધી વસ્તુઓને તુચ્છ બનાવી દે છે. જેને હું ટેવાઈ ગયો છું એવી આ હંમેશાની પૃથ્વી મને જૂની લાગે છે, એવું આ પ્રભાત મને ફિક્કું લાગે છે, એ ક્યારે મારે મન પાછાં નવીન અને ઉજ્જવલ બની જશે? જે દિવસે પ્રેમને લીધે મારી ચેતનામાં નવશક્તિ જાગી ઊઠશે તે દિવસે. મને જેના પર પ્રેમ છે તેની સાથે આજ ભેટો થશે. એ યાદ આવતાં, કાલે જે કાંઈ શ્રીહીન હતું તે બધું જ આજે સુંદર બની જાય છે. પ્રેમને લીધે ચેતના જે પૂર્ણશક્તિ પ્રાપ્ત કરે છે તે પૂર્ણતા દ્વારા એ જ સીમામાં અસીમને, રૂપમાં અરૂપને જોવા પામે છે.
- આપણને મૂળ અને પાંદડા એમ બે બાજુ છે. આપણો આધ્યાત્મિક ખોરાક એ બન્ને બાજુથી લેવાનો હોય છે. પણ તે મૂળ વાટે લેવો એ જ ચરિત્રની બાજુ છે. એ ચરિત્રનું કામ ખૂબ ઉંડુ હોય છે, ગુપ્ત હોય છે. તે અંદરખાનેથી શક્તિ અને પ્રાણનો સંચાર કરે છે, પણ ભાવ વ્યક્ત કરીને પોતાને પ્રગટ કરતું નથી.
- આપણા જીવનની પ્રધાન સાધના એ હોવી ઘટે કે બહારની વસ્તુ બહાર જ રહે અને અંદર જઈને વિકાર પેદા ન કરે એ જોવું. જ્યાં જેનું સ્થાન નથી હોતું ત્યાં તે અનિષ્ટકર થઈ પડે છે. મડદાને કોઈ અંતઃપુરના ભંડારમાં મૂકી રાખતું નથી. તેને બહાર માટીમાં, પાણીમાં અથવા અગ્નિમાં જ અર્પણ કરી દેવું પડે છે. જેને યથાસમયે બહાર જ મરવા દેવું જોઈએ તેને અંદર ખેંચી જઈને જિવાડી રાખીએ, તો પોતાને હાથે પાપ કર્યું ગણાય.
- આપણે આરંભ કરીએ છીએ, પૂરું કરતા નથી. આડંબર કરીએ છીએ, કામ કરતા નથી. લાંબી જીભાજોડી કરી શકીએ છીએ પણ તલપૂરેય આત્મત્યાગ કરી શક્તા નથી. આપણે અહંકાર દેખાડી ધરાઈ જઈએ છીએ, યોગ્યતા મેળવવાનો પ્રયત્ન કરતા નથી. આપણે દરેક કામમાં પારકાની આશા રાખીએ છીએ, છતાં પારકાની ભૂલ દેખાય તો આકાશ ફાડી નાખીએ છીએ. પારકાનું અનુસરણ કરવામાં આપણે ગર્વ માનીએ છીએ. પારકાના અનુગ્રહમાં આપણે સન્માન માનીએ છીએ, અને પોતાનું વાક્ચાતુર્ય જોઈ પોતાની ઉપર ભક્તિવિહ્વળ બની જવું એ જ આપણા જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
- ઈશ્વર ઉપાસના એ ઈશ્વરને મેળવવાની ઉપાસના નથી – પોતાની જાતનું દાન કરવાની ઉપાસના છે. દિવસે દિવસે ભક્તિ મારફતે, ક્ષમા મારફતે, સંતોષ મારફતે, સેવા મારફતે પોતાની જાતને મંગળમાં અને પ્રેમમાં ફેલાવી દેવી એનું નામ જ ઈશ્વરની ઉપાસના. એટલે આપણે એવું ન કહેવું જોઈએ કે કેમ ઈશ્વર મળતો નથી, પણ કહેવું એમ જોઈએ કે કેમ હું પ્તાની જાતને ઈશ્વરને અર્પી શક્તો નથી ?
- કર્મને સ્વાર્થની દિશામાંથી પરમાર્થની દિશામાં લઈ જવું – એનું નામ જ મુક્તિ. કર્મનો ત્યાગ કરવો એ મુક્તિ નથી.
- જે દેશમાં કોઈ મહાપુરૂષનો જન્મ થયો નથી તે દેશ પ્રેરણા માટે કોની સામે જોશે ? કેવી તેની દુર્દશા ! પણ જે દેશમાં મહાપુરૂષો જન્મ્યા છે, છતાં જે દેશ કલ્પનાની જડતા અને હ્રદયના પક્ષાઘાતને લીધે તેમનું મહત્વ કેમેય અનુભવી શક્તો નથી તેનું તો કેવું દુર્ભાગ્ય !
- ચારે કોર જ્યારે જડતા વ્યાપેલી હોય ત્યારે એક એવા હ્રદયની જરૂર પડે છે જેની સહજ ચેતનાને સમાજની કોઈ પણ ચેપી જડતા અડી ન શકે. એ ચેતનાને ભારે કઠોર વેદના સહન કરવાની આવે છે, જ્યાં બધાં ભાન ભૂલી ગયાં હોય છે ત્યાંથી તેણે હાહાકાર મચાવવો પડે છે, રૂદન જગાવવું પડે છે. આસપાસનો સમાજ જે બધી કૃત્રિમ વસ્તુઓમાં મશગૂલ થઈ પડ્યો હોય છે, તેને જણાવવું પડે છે કે એમાં પ્રાણનો ખોરાક નથી. જે દેશ રડવાનું ભૂલી ગયો છે તેના તરફથી એકલા એકલા રડવું, એ છે મહાપુરૂષોનો એકમાત્ર અધિકાર.
- ત્યાગ એ શૂન્યતા નથી – અધિકારની પૂર્ણતા છે. સગીર જ્યારે સંપત્તિનો પૂરેપૂરો અધિકારી નથી હોતો, ત્યારે તે દાન કે વેચાણ નથી કરી શક્તો. તે વખતે તેને માત્ર ભોગનો ક્ષૂદ્ર અધિકાર હોય છે – ત્યાગનો મહાન અધિકાર હોતો નથી.
- જે માણસ દેશના દરેકે દરેક માણસમાં આખા દેશને જોઈ શક્તો નથી તે દેશને યથાર્થભાવે જોતો નથી.
- પશ્ચિમના દેશો મોટા થયાં છે તે અર્થસંગ્રહથી નથી થયાં, આત્મવિસર્જનથી થયા છે. લોકો અહીં ભાવનાને ખાતર વસ્તુનો, ભવિષ્યને ખાતર વર્તમાનનો ત્યાગ કરે છે. જ્યારે ભારતની ક્ષિતિજ સંકુચિતતાની વાડમાં પૂરાઈ રહેલી છે. આ દેશમાં ભીડ છે, પાંજરમાં કેદ પૂરાયેલા પંખીઓની ભીડ છે. એમને વાણી નથી, ગીત નથી, એ કચકચ કરે છે અને એક બીજાને ચાંચ મારે છે.
કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે, “રવિબાબુએ પોતાની ઉત્કૃષ્ટ અને વિસ્તૃત કવિતામાં જે વિચારો કલ્પનાઓ અને ભાવનાઓ ખીલવ્યાં છે તે સમજવા માટે આ કંડીકાઓ જેટલું બીજું ઉત્તમ સહાયક સાહિત્ય નથી. નાનપણથી પ્રકૃતિ સાથે અને પ્રકૃતિના સનાતન બાળક સમી ગ્રામીણ પ્રજા સાથે ઊંડો પરિચય અને સ્વભાવમાં અંતર્મુખતા હોવાથી નિરીક્ષણ, પરીક્ષણ અને ચિંતન એ ત્રણે વ્યાપાર એમને માટે સ્વાભાવિક હતાં. એમાંથી જે જીવન ઉપાસના તેઓ કરી ગયાં તેનો નિચોડ આ ચિંતનકણિકાઓ આપણને આપે છે.” શ્રી નગીનદાસ પારેખ દ્વારા અનુવાદિત અને શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા સંકલિત પુસ્તિકા “રવિન્દ્રનાથની ચિંતન કણિકા” માંથી આ રત્નો સાભાર લીધાં છે.
સરસ