ડૉ. મૌલિકભાઈ શાહના બે ગુજરાતી વેબ રત્નો – જિજ્ઞેશ અધ્યારૂ 4


ગયા વર્ષે “બ્લોગ એટલે પ્રસિધ્ધિનો મોહ નહીં, સર્જનનો આનંદ” એ શિર્ષક અંતર્ગત એક લેખ લખેલો. ગુજરાતી બ્લોગજગતની શક્યતાઓ વિશે ત્યાં મારા થોડાક વિચારો પ્રગટ કરેલા. એ જ અંતર્ગત એવો એક આશાવાદ પણ પ્રગટ થયો હતો કે, “બ્લોગ માટે ફક્ત કવિતા, ગઝલ કે વાર્તાઓ જ હોવા જોઈએ એવું કોણે કહ્યું? અરે એક ડોક્ટર પોતાના અનુભવો વિશે, લોકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા અને જીવનપધ્ધતિ વિકસાવવા માટે પણ બ્લોગ લખી જ શકે ને?”

ગત ૧૧મી એપ્રિલે મારે ત્યાં પુત્રજન્મનો અવસર થયો. જો કે મને ઘણું આશ્ચર્ય થયું કે ડૉક્ટરો દરેક દર્દીને, સગર્ભા સ્ત્રીને કે બાળ જન્મ પછી નાના બાળકને પૂરતો સમય આપી શક્તા નથી. બંને જગ્યાઓએ મુલાકાતીઓની લાંબી કતારો હોય છે અને ડૉક્ટર ઉતાવળે પૂરતી માહિતિ આપી શક્તા નથી, જો કે તેઓ તેમનો શ્રેષ્ઠ પ્રયત્ન કરે કે દર્દીને પૂરી સારવાર અને કાળજી મળી રહે તો પણ દર્દીના પક્ષે આ બાબતની પ્રાથમિક, આધારભૂત અને વૈજ્ઞાનિક માહિતિ હોવી જરૂરી છે. વેબવિશ્વ ખૂબ વિશાળ છે અને એ દરીયામાં ખાસ કરીને મેડિકલના વિષયને લઈને અનેક વેબસાઈટ્સ ચાલ્યા કરે છે. કોની વિશ્વસનીયતા સાચી માહિતિ આપશે તે જાણવું અઘરું થઈ પડે છે. બાળજન્મનો અવસર એક અત્યંત આનંદનો અવસર છે, પરિવારમાં એક નવા સદસ્યના આગમનને વધાવવા તૈયાર કુટુંબને કોઈ પણ તકલીફને પહોંચી વળવા આ વિષયની પ્રાથમિક માહિતિ હોય તો તે ઝડપી અને સાચો નિર્ણય લેવામાં ખૂબ ઉપયોગી થઈ રહે છે.

અમારી પ્રથમ પુત્રીના જન્મ પહેલાના મહીનાઓ દરમ્યાન મેં એક મિત્ર દ્વારા સૂચવાયેલી સુંદર વેબસાઈટ બેબીસેન્ટરના ઈ-મેલ સબસ્ક્રાઈબ કરેલા, જે દર અઠવાડીયે, બાળજન્મની આશરે પૂર્વ નિર્ધારીત તારીખને આધારે, પૂરા વિવરણ સાથે સમજણ તથા તથ્યો પૂરા પાડે છે. આ માહિતિ ખૂબ જ સરસ – ઉપયોગી અને વિશ્વસનીય ગણી શકાય, પણ તકલીફ એ કે મેડીકલ ક્ષેત્રના શબ્દોથી ભરપૂર એ સમજવામાં થોડીક મુશ્કેલી પડતી, વળી તેમના કેટલાક સૂચનો આપણા સમાજજીવનને અનુરૂપ ન પણ હોય.

ગુજરાતી બ્લોગજગતના “માતૃત્વની કેડીએ…” જેવા એક સરસ બ્લોગના સર્જક અને વ્યવસાયે ડોક્ટર મિત્ર શ્રી મૌલિકભાઈ શાહ આમ તો વ્યવસાયે બાળકોના નિષ્ણાંત ડૉક્ટર છે અને જામનગરની એમ. પી. શાહ મેડીકલ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. પણ સાથે સાથે તેઓ ગુજરાતી વેબજગતને પોતાના આ વિષયમાં સરળતાથી સમજી શકાય તેવી ભાષામાં આધારભૂત, વૈજ્ઞાનિક તથ્યો દ્વારા પ્રમાણિત, હાથવગી અને ખૂબ ઉપયોગી માહિતિ વિનામૂલ્યે આપવા કટિબદ્ધ છે. આ જ પ્રયાસના ભાગરૂપે કેટલાય મહીનાઓની અથાગ મહેનત પછી બનીને તૈયાર છે બે સરસ વેબસાઈટ. છેલ્લા કેટલાક સમયથી તેમણે તેમની બે વેબસાઈટ દ્વારા ઘણી પ્રશંસા પ્રાપ્ત કરી છે, ગુજરાતી સમાચારપત્રો અને સામયિકોએ સગર્વ તેમની નોંધ પણ લીધી છે. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી વસુબહેન ત્રિવેદીના હસ્તે આ બે વેબસાઈટ્સનું ઉદઘાટન થયું.

ગુજમોમ.કોમ

અને

બાળરસીકરણ.કોમ

બંને વેબસાઈટ સરસ અને વિશેષ તો અત્યંત ઉપયોગી છે. મૌલિકભાઈની મહેનત તથા ધગશ તેમાં દેખાઈ આવે છે. આપણે બંને વેબસાઈટના મુખ્ય પાસાઓ વિશે જોઈએ –

ગુજમોમ.કોમ –

આ વેબસાઈટ માતૃત્વ, ગર્ભધારણ અને ગર્ભાવસ્થાના વિવિધ તબક્કાઓ વિશે ઉપયોગી તથા વૈજ્ઞાનિક પદ્ધતિએ તથ્યો સાથેની સમજણ વિગતે આપે છે અને સાથે નવજાત બાળકની સારસંભાળ વિશે પણ ઉંડાણપૂર્વક માહિતિ પૂરી પાડે છે. મુખ્યત્વે અહીં આવરી લેવાયેલા વિષયો જે તેના મુખ્ય હકારાત્મક પાસા છે તે આ મુજબ છે –

 • ગર્ભાવસ્થા પછીથી અને પ્રસૂતિ પૂર્વેની સારસંભાળ તથા આયોજન
 • માતાપિતાની માનસિક તૈયારીઓ,
 • ગર્ભાવસ્થાના પ્રથમ માસથી લઈને બાળજન્મ સુધીના વિવિધ તબક્કાઓની મહીનાવાર વહેંચણી અને એ દરેક તબક્કાનું વિગતે આલેખન, જેમાં શિશુના વિકાસની જાણકારી, માતાના શારીરિક ફેરફારો અને સાથે લેવી પડતી કાળજી વિશે લખાયું છે.
 • પ્રસૂતિ માટેની તૈયારીઓ, ડૉક્ટરની પસંદગી, સિઝેરીયન અથવા નોર્મલ વગેરે પ્રસૂતિની વિવિધ રીતો તથા સમગ્ર સમયગાળા દરમ્યાન જરૂરી એવી માનસિક તૈયારી
 • શિશુ આગમન માટેની તૈયારીઓ જેમ કે જરૂરી ફર્નિચર તથા સૂવડાવવાની વ્યવસ્થા, નવડાવવાના સાધનો, વસ્ત્રો વગેરે
 • નવજાતની સારસંભાળ વિશે જેમ કે કાંગારૂ સુરક્ષા, ચેપથી રક્ષણ, નવડાવવા તથા માલિશ વિશે, નાળની સંભાળ, આંખોની સંભાળ જેવી ઉપયોગી વાતો
 • સ્તનપાન વિશે તૈયારીઓ, માન્યતાઓ અને વૈજ્ઞાનિક પધ્ધતિ વગેરે

આખીય વેબસાઈટ એક નવજાત જેવી જ કોમળ અને વહાલી લાગે એવી છે. ગુજરાતી ભાષા જાણનારા સમાજ માટે આ એક મોટી ભેટ છે. આમાંની એક નાનકડી માહિતિ પણ કોઈક ડોક્ટર વિઝિટ માટેની રકમ લીધા વગર આપતા નથી, એટલે એ રીતે અત્યંત ઉપકારક પણ ખરી.

બાળરસીકરણ.કોમ

બાળકોને જન્મથી લઈને મહીનાઓ સુધી અનેક રસીઓ અપાય છે, સર્વપ્રથમ ત્રિગુણીથી શરૂ કરીને સમયાંતરે વિવિધ નામધારી રસીઓ આપવામાં આવે છે જેના વિશે વાલીઓને ફક્ત તેના સમયપત્રક સિવાય ભાગ્યે જ કાંઈ ખબર હોય છે. અપાતી રસી આપવી જરૂરી છે કે નહીં, તેના નિયત સમયે અપાઈ રહી છે કે નહીં, કોઈ વિશેષ જરૂરિયાતને ધ્યાનમાં લઈને વધારાની રસીની જરૂર છે કે નહીં જેવા પ્રશ્નો સતત તેમના મનમાં ઉઠતા રહે છે જેના સંતોષકારક ઉત્તર તેમના ડૉક્ટર સમયના અભાવે આપી શક્તા નથી.

આ પ્રશ્નના ઉકેલ માટે મૌલિકભાઈની સરસ વેબસાઈટ બાળ રસીકરણ હામ ભીડે છે. તેના મુખ્ય પાસા છે –

 • કુદરતી રોગપ્રતિકારક શક્તિ, રસિકરણ વિજ્ઞાન વિશે, એ અંગેની માન્યતાઓ તથા ગેરમાન્યતાઓ અને તથ્યો.
 • રોગો અને રસીઓ જે વિભાગ અંતર્ગત આપ બાળકના જન્મની તારીખ નિયત સ્થળે લખીને રસીકરણમાટેનું આખુંય સમયપત્રક મેળવી શકો છો.
 • વૈકલ્પિક રસીઓ તથા સંજોગાવશાત આપવી પડતી રસીઓ વિશે, જેમ કે રોટા વાઈરસ, ચિકનપોક્ષ, હડકવાની રસી વગેરે
 • રસીકરણ વિશેના કેટલાક સર્વસામાન્ય પ્રશ્નો અને તેના સંતોષકારક તથ્ય આધારિત ઉત્તરો
 • વિવિધ રસીઓ અને શોધકો
 • ભારત તથા અન્ય દેશોના રસિકરણ પત્રકો.

આ વેબસાઈટ વિશે ડૉ. મૌલિકભાઈ નોંધે છે કે, “રસીકરણ વિશે નિષ્પક્ષ અને સાચી વૈજ્ઞાનિક માહિતી આપતા પુસ્તકો અંગ્રેજી માં અને મેડીકલ ભાષા માં હોવાથી ડોક્ટર મિત્રો પોતાના દર્દીઓને આવુ કોઈ સાહિત્ય આપી શકતા નથી. જેથી માતા-પિતા ને પોતાને ઉદભવતા પ્રશ્નો નુ નિરાકરણ થતુ નથી. આમ આ સંદર્ભે સરળ શબ્દોમાં કામની વાત કરે તેવા લોક ભોગ્ય સાહિત્ય ની ખૂબ તાતી જરુરીયાત મને જણાય છે. આ વેબસાઈટ આ તમામ પાસાઓ ને ધ્યાન માં રાખી અને ડોક્ટર મિત્રો અને માતા-પિતા વચ્ચે ખૂટતી કડી બનવાને લખાઈ છે.” પોતાના આર્થિક હિતોને જાળવવા કેટલીક કંપનીઓ દ્વારા થતા રસીઓના કારણ વગરના પ્રચાર તથા ઠોકી બેસાડીને ઉભી કરાતી જરૂરત વગેરે કારણોને લઈને અહીં અપાયેલ માહિતિ આધારભૂત થઈ રહે છે.

ગુજરાતી વેબજગતના રત્ન સમી આ બે સુંદર વેબસાઈટ્સ બદલ મૌલિકભાઈ તથા તેમની સમગ્ર ટોળકીને ખૂબ ખૂબ અભિનંદન. આવું સરસ નિઃસ્વાર્થ કામ કર્યા પછી કેટલો સંતોષ અને આનંદ મળતો હશે મૌલિકભાઈ?


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ડૉ. મૌલિકભાઈ શાહના બે ગુજરાતી વેબ રત્નો – જિજ્ઞેશ અધ્યારૂ

 • PRAFUL SHAH

  NO WORDS ARE ENOUGH TO VALUE YOUR SERVICES , FOR KNOWING ONLY GUJARATI BROTHERS AND SISTER NOBAL PROFESSION OF DOCTER YOU MADE MORE NOBLE..SUPERUB
  THIS IS GOD WORK TO OFFER WHAT EVER YOU HAVE YOUR EFFICIANCY, IS MORE VALUABLE THAN YOUR MONEY. MONEY ANY ONE CAN GIVE COMPLIMENTS AND CONGRATULATION TO YOU ALL

 • રૂપેન પટેલ

  મૌલિકભાઈ ની સાઈટ બાળરસીકરણ.કોમ પર રસી અને શોધક વિશે , રસી અંગેની બધીજ જાણકારી સરસ રીતે સમજાવવામાં આવી છે . થોડા સમય પહેલા મૌલિકભાઈ ની સાઈટ વિશે પ્રિન્ટ મિડીયાએ પણ નોંધ લીધી હતી .