ત્રણ પ્રેરણાદાયક પ્રસંગો – સંકલિત 15


જીવન એક પ્રવાસ છે તો એ પ્રવાસના અવરોધભર્યા, મુશ્કેલ માર્ગો પર આગળ વધવામાં હતાશા અનુભવાય, ઉત્સાહ ઓસરી જાય અને કોઇ બાજી ધારી હોય તે રીતે પાર ન પડતી હોય, સતત ચાલવા, પ્રગતિના પંથે સતત આગળ વધવા માર્ગદર્શનની જરૂર પડે ત્યારે આપણા વિદ્વાનોએ, સાક્ષરોએ ઉદાહરણો દ્વારા સૂચવેલા પ્રસંગોને – તેના મર્મને ઓળખીએ અને તે દ્વારા આપણા જીવનને વધુ ઉપયોગી, સાર્થક બનાવી શકીએ. પ્રસ્તુત છે આવા જ અત્યંત સુંદર ત્રણ પ્રસંગમોતી.

૧.) બંધાયા વિના જ બંધાયેલા – સ્વામી શિવાનંદજી

એક ધર્મશાળા એક મુખ્ય વેપારી માર્ગ પર હતી.

કાફલા આવતા, રાત રહી જતા ને સવારે આગળ ચાલી નીકળતા.

એક દિવસ સો ઊંટનો એક કાફલો ત્યાં આવીને ઊતર્યો. કાફલાવાળાએ ખીલા ખોડીને નવ્વાણું ઊંટ તો ત્યાં બાંધ્યા, પણ સોમા ઊંટ માટે તેની પાસે ખીલો ને દોરી બેઉ ખૂટ્યાં.

તેણે ધર્મશાળાના માલિક પાસે તે ચીજો માંગી, પણ ન મળી, તે મૂંઝાયો.

છેવટે પેલા ધર્મશાળાવાળાએ જ તેને એક યુક્તિ બતાવી – પેલા સોમા ઊંટ પાસે ઉભા રહીને ખીલો ખોડવાનો ને પછી તેને બાંધવાનો અભિનય માત્ર કરો, ઊંટ પોતાને બંધાયેલુ અનુભવશે.

કાફલાવાળાએ ઊંટ પાસે જઈને ખીલો ખોડવાનો ને દોરીથી તેને બાંધવાનો કેવળ અભિનય જ કર્યો.

ઊંટ નિશ્ચિંત થઈને બેસી ગયું. રાત વીતી ગઈ.

બીજે દિવસે સવારે કાફલાવાળાએ કાફલાનાં બધાં ઊંટ છોડી નાખ્યાં. એ બધ ઊંટ ઉભા થઈ ગયાં ને ચાલવા માટે તૈયાર થઈ ગયાં, પણ પેલું સોમું ઊંટ ન ઉઠ્યું તે ન જ ઊઠ્યું.

તેને બહુ ઊઠાડવામાં આવ્યું પણ તે ન જ ઊઠ્યું.

છેવટે કાફલાનો માલિક ધર્મશાળાવાળા પાસે ગયો ને તેની સલાહ માંગી, જવાબ મળ્યો – જે રીતે તેં એને બાંધ્યું હતું એ જ રીતે તેને છોડી નાખવાનો અભિનય કર, તે પોતાને સાચે જ બંધાયેલું જ માને છે.

ઊંટના માલિકે દોરી છોડી નાંખવાનો ને ખીલો ઉખેડી નાંખવાનો અભિનય કર્યો, અને ઊંટ ઊઠીને ઊભું થયું.

આપણે બધાં પણ સોમા ઊંટ જેવા જ છીએ, આપણો આત્મા નિર્બંધ છે, નિર્લેપ અને મુક્ત છે, પણ અજ્ઞાનવશ આપણે આપણને જકડાયેલા અને વિવશ માનીએ છીએ. આપણે બંધાયા વિના જ બંધાયેલા પેલા ઊંટ જેવા છીએ અને આપણા શોક – સંતાપ માટે પણ આપણે જ જવાબદાર છીએ.

૨.) સંકલ્પનું બળ – રવિશંકર મહારાજ

એક ઠાકોર હતાં, એક વખત મારે તેમની સાથે અફીણ સંબંધી વાતો થઈ. વળી મને ભાષણ કરવાની કુટેવ. એટલે મેં તેના પર થોડું ભાષણ કર્યું.

તેમણે તે દહાડાથી અફીણ લેવાનું છોડી દીધું. પણ પંદર વીસ દહાડા થયા પછી તેમના તરફ ગયો ત્યારે તેમણે કહ્યું – ‘જો જો, હવેથી કોઈને આવો ઉપદેશ આપતા, કોઈને મારી નાખશો !’

અને પછી તેમણે આપવીતી સંભળાવવા માંડી, ‘તમારા ગયા પછી મને તો ઝાડા થઈ ગયા અને બોલવા ચાલવાના પણ હોશ રહ્યા નહીં, લગભગ બેભાન થઈ ગયો. પઈ તો મેં ઈશારતો કરીને બૈરાંને બોલાવ્યા અને ઈશારાથી સમજાવ્યું કે મને અફીણ ખવડાવો, મેં અફીણ ખાધું ત્યારે જ માંડ માંડ જરા હોશ આવ્યા.’

પણ મેં તો ઠાકોરને ઝાટક્યાં, ‘ભૂપતસિંહ ઠાકોર, અફીણ ખાધા વિના મરી ગયા હોત તો દુનિયામાં તમારા વિના શું ખાટુંમોળું થઈ જવાનું હતું ? ક્ષત્રિય બચ્ચા થઈને પણ ટેક ન પાળી શક્યા ? ત્યારે તમે ક્ષત્રિય શાના ? અફીણ જેવી ચીજ પણ તમને હરાવી ગઈ ? તેના વિના તમે મરવા પડ્યાં ? તમે તો તમારું ક્ષત્રિયપણું લજવ્યું. ત્યારે હવે તમે જીવતા હો કે મરેલા, બંને સરખું જ છે. જો તમે વીર હોત તો જીતત પણ તમે હાર્યા અને અફીણ જીત્યું.’

આટલું સાંભળતાં તો તેમને એટલું પાણી ચડ્યું કે અફીણનો દાબડો ફેંકી દીધો. અને થયું એવું કે તેમને ન તો ઝાડા થયા કે ન બેભાન થઈ ગયા કારણકે, આ વખતે સંકલ્પનું બળ સાથે હતું.

૩.) પ્રાર્થના અને પુરૂષાર્થ – પ્રકાશ ગજ્જર

રોમના એક હોડીવાળાએ પોતાના બે હલેસાઓને નાલ આપેલા, એકનું નામ પ્રાર્થના અને બીજાનું નામ પુરૂષાર્થ, બંને હલેસાઓ પર એ નામ લખેલાં. એની નૌકામાં પ્રવાસ કરનારનું ધ્યાન આ નામ તરફ જતું જ. જિજ્ઞાશાવસ પ્રવાસીઓ આવાં વિચિત્ર નામ રાખવાનું કારણ પણ પૂછી બેસતાં.

હોડીવાળો પહેલાં તો સીધો જવાબ આપવાને બદલે પુરૂષાર્થ નામનું હલેસું ઝપાટાબંધ ચલાવતો, હોડી ગોળ ગોળ આંટા મારવા લાગતી, પછી એ પ્રાર્થના નામનું હલેસું એકલું ચલાવતો ને હોડી અવળા આંટા મારવા લાગતી, અંતે એ બંને હલેસા એકી સાથે લગાવવા માંડતો અને હોડી તીરની જેમ સડસડાટ પાણી પર દોડવા લાગતી.

કશુંય કહેવાનું બાકી રહે છે ખરું ? જે રહે છે તે સમજવાનું જ રહે છે ને ? અંદરના માર્ગદર્શન અને તેની સમજણ વિનાનો આંધળો પુરૂષાર્થ આપણને માત્ર ભૌતિક બાબતોની આસપાસ જ ગોળ ગોળ ફેરવ્યા કરે છે, જ્યારે પુરૂષાર્થવિહોણી પ્રાર્થના તત્વશીલ હોવા છતાંય આપણને માત્ર વેવલાશ આપી દે એવું બને. સારો રસ્તો છે પ્રાર્થના અને પુરૂષાર્થના સમન્વયનો. એકલો, કોરો પુરૂષાર્થ સાવ આંધળો છે. એની આગળ પ્રાર્થનાનો દીવો પ્રગટાવ્યો હોય તો જ આપણને જરૂરી ઉજાસ મળે, રસ્તો સ્પષ્ટ સૂઝે અને સાચી કેડી ઉપર આગળ વધી શકાય.

ચાકડો સતત ફર્યા કરતો હોય, એના ઉપર માટીનો પિંડ પણ પડ્યો હોય, પણ એને આંગળી ન અડકે તો એ પિંડ ઘાટઘૂટ વગરનો એવો ને એવો જ રહે. આ જ રીતે માત્ર શબ્દરટણા કે ભાવનાનાં ગૂંજન એ ચાકડાને ખાલી ફેરવવા જેવી ઘટના છે. એવી કોરી પ્રાર્થના પણ કોરા પુરૂષાર્થની જેમ ઝાઝી કામની ન નિવડે. પ્રાર્થના અને પુરૂષાર્થ એ બંનેના પુટ પરસ્પર બરાબર ભળી જવા જોઈએ, તો જ સોનામાં સુગંધ ભળ્યા જેવી ઉત્તમ સ્થિતિ પેદા થાય. આપણા પુરૂષાર્થને પ્રાર્થનાનો પાયો હજો.


આપનો પ્રતિભાવ આપો....

15 thoughts on “ત્રણ પ્રેરણાદાયક પ્રસંગો – સંકલિત