શમણાંનું મોત – વંદિતા રાજ્યગુરૂ દવે 11


ઓછામાં ઓછા દસેક થીંગડાવાળા આછા બદામી રંગના પારદર્શક સાડલામાં ઢંકાયેલી સૂકલકડી કાયા, ત્વચા પર ઉંમરની ચાડી ખાતી અઢળક કરચલીઓ, માથાનાં તમામ સફેદ વાળની વાળેલી નાની એવી અંબોડી, કમરેથી સહેજ વાંકા વળી ગયેલાં, ઘૂંટણના દર્દની ભયાનક પીડામાં સપડાયેલા, લગભગ સિત્તેર વર્ષ વટાવી ચૂકેલા વાલીમાંના જાડા કાચના ચશ્માની પાછળ ગમગીન આંખો અને લાકડીને ટેકે માંડ માંડ આગળ ડગ માંડી રહેલા કદમ, વલોપાતું હૈયું અને વર્ષોથી સજાવી રાખેલાં શમણાંના અચાનક થયેલા અવસાનથી ધ્રૂજી ઉઠેલું તેમનું સમગ્ર અસ્તિત્વ ….

સગા દીકરાથીય વિશેષ, પાડોશમાં રહેતો ભીમો ગામડાનાં શેઢે સામો મળ્યો. “અરે વાલીમાં, આટલી જલ્દી આવી ગ્યા શે’રથી ? જી કામ હાટુ ગ્યા’તા ઈ હેમખેમ પાર પડી ગ્યું ને ?”

ભીમાના સવાલના બદલામાં નિરૂત્તર અને ખોવાયેલા વાલીમાંનું હૈયું ભીમો પારખી ગયો. પોતાની સગી જનેતાથી વિશેષ એવા વાલીમાંનો મુરઝાયેલો ચહેરો અને ઉદાસ આંખો જોઈને તે ફફડી ઉઠ્યો, “હું થ્યું વાલીમાં ? તમે જલ્દી ઘીરે હાલો ને મને માંડીને હંધીય વાત કરો.” ભીમો ધડકતા હૈયે વાલીમાંનો હાથ ઝાલીને તેમને પોતાના ઘરે લઈ આવ્યો. ‘બીચારી સવિ એની દાદીને આવી હાલતમાં જોહે તો બાપડી હેબતાઈ જાહે.’ આમ વિચારીનેજ વાલીમાંને તેમના ઘરે લઈ જવાને બદલે પોતાને ઘરે લાવવાનું તેને વધારે યોગ્ય લાગ્યું. વાલીમાં હંમેશા હર સુખ-દુઃખમાં માં વગરના ભીમાની પડખે રહ્યાં છે, આજે ભીમાનો વારો હતો દીકરા વિહોણી આ માંના દુઃખમાં તેની પડખે ઉભા રહેવાનો.

વહેલી સવારે વાલીમાં શહેર જવા ઉપડ્યાં હતાં. ભીમાનો બાપ કાનજી રાત્રે થોડી વધારે ઢીંચીને આવ્યો હોવાથી સૂનમૂન પડ્યો હતો. હજુ એ હોશમાં ન આવ્યો હોવાથી તેને આ હાલતમાં એકલો મૂકીને જવાનું કહેવા વાલીમાંનું મન ન માન્યું, નહીં તો ભીમો એમની સાથે જ શહેર જવાનો હતો.

હરખભેર પોતાનું કામ વહેલાસર પતાવી વાલીમાંએ વળતી બસ પકડી. લાકડીના ટેકે બસમાં ચડ્યા. એની વૃદ્ધ આંખોમાં આજે અનેરી ચમક હતી. કેમ ન હોય ? વર્ષોથી જે દિવસની રાહ જોઈ રહ્યાં હતાં, મહીનાઓથી જે કામને પાર પાડવા એ મથી રહ્યાં હતાં એ દિવસ હવે ખૂબ નજીક હતો. એણે પોતાની લાડકવાયી માં-બાપ વિહોણી પૌત્રીના લગ્નનું જે સ્વપ્ન સેવી રાખ્યું હતું એ હવે હકીકતમાં બદલવા જઈ રહ્યું હતું. ધાર્યા કરતાં ખૂબ સારો છોકરો, મોભાદાર ઘર – કુટુંબ, ખૂબ સારૂ ઠેકાણું મળ્યું હતું વાલીમાંની પૌત્રી સવિતાને. “મારી લાડો તો રાજ કરશે રાજ, બચારીએ બઉ વૈંતરુ કઇરુ, રાત દિ’ ઢઇડા કઇરા છે એણે, હવે બેઠી બેઠી ખાહે.” આવું વિચારતાં એ પોતાની સીટ પર ગોઠવાયાં. પોતાના નાનકડા ગામની બાજુના મોટા શહેરના પ્રખ્યાત સોની દકાશેઠને ત્યાં સોનાનું મંગળસૂત્ર લેવાં માટે ગયા હતાં. પોતાના પતિની આખરી નિશાની, એને મળેલું ગોલ્ડમેડલ, ગમે તેવી કપરી પરિસ્થિતિ આવવા છતાંય વાલીમાંએ એને વેચવાનું કદી સ્વપ્નેય વિચાર્યુ નહોતું. પણ આજે એ ગોલ્ડમેડલ દકાશેઠને દઈ તેણે પોતાની સવિ માટે નાજુક, નાનું, સુંદર મજાનું મંગળસૂત્ર ખરીદ્યું. ફૌજી પતિને તેની બહાદુરી બદલ મળેલાં એ ગોલ્ડમેડલને તેની આખરી નિશાની રૂપે વાલીમાંએ વર્ષોથી દાબડામાં સાચવી રાખેલું. સરહદ પર દુશ્મનો સામે લડતાં લડતાં શહીદ થઈ ગયેલા પતિ પાછળ એ હિંમતવાળી નારીએ એકપણ આંસુ વહાવ્યું નહોતું. પણ એક બહાદુર શહીદની પત્નિ હોવાનો ગર્વ મહેસૂસ કર્યો હતો. પોતાના ત્રણ વર્ષના દિકરાને હસીને તેણે એકલપંડે ઉછેર્યો હતો. યુવાન થતાં સારા ઘરની સંસ્કારી છોકરી સાથે પરણાવ્યો. હોંશિયાર એવો કે પોતાનું આખું ખેતર એ એકલે હાથે સંભાળે. લોહીનો પરસેવો કરીને, ખેતરમાં રાત દિવસ કાળી મજૂરી કરે. પાક તૈયાર થઈ ગયા બાદ કોઈક ઢોર ઢાંખર ખેતરમાં ઘૂસી આવે એ બીકે તે ઉગેલા પાકનું રખેવાળૂં કરવા રોજ રાત્રે ખાટલો ઢાળીને ખેતરમાં જ સૂવે.

કરમની કઠણાઈ કહો કે ગત જન્મના હિસાબ, એક રાત્રે અચાનક ખેતરમાં આગ લાગી, આગ એની મેળે લાગી કે કોઇક દાનતખોરે જાણીજોઈને લગાડી એની જાણ વાલીમાંને આજ સુધી નથી થઈ. આગ લાગેલી જોઈ હરી એકદમ જ ડઘાઈ ગયો. બેબાકળો બની તે આમતેમ દોડાદોડી કરવા માંડ્યો. ભયાનક રીતે ભડકી ઉઠેલી એ આગની લપેટમાં અચાનક એ પણ આવી ગયો. તેની રાડારાડ અને આકાશમાં ઉડી રહેલી ધૂમાડાની મોટી સેર જોઈ તેના ખેતરથી થોડે દૂરના મકાનોનાં ફળિયામાં ખાટલાં ઢાળી નિરાંતે ઉંઘી રહેલાં જુવાનિયાઓ જાગી ગયાં. એ દોડીને હરીના ખેતરે પહોંચ્યા હરીને કે ખેતરને, બેમાંથી કોઈનેય બચાવી શકવાની હવે કોઈ જ શક્યતા નહોતી.

એક જુવાન દોડીને હરીને ઘરે પહોંચ્યો. રડમસ અવાજે તેણે વાલીમાંને આ સમાચાર આપ્યાં. હરીની બે જીવસોતી પત્નિ અનુસૂયા આ સાંભળી ચક્કર ખાઈને જમીન પર ફસડાઈ પડી, અને એ સાથે જ તેને પ્રસૂતીની પીડા ઉપડી. તાત્કાલિક દાયણને બોલાવવામાં આવી. સાતમા મહીને અર્ધવિકસિત બાળકીને જન્મ આપીને એ પણ દુનિયા છોડી ચાલી ગઈ. માંડ એકાદ કિલોની, ખોબામાં સમાઈ જાય એટલી નાની એ બાળકીને દાયણની સલાહ મુજબ તાત્કાલિક બાજુના શહેરના જાણીતા ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ પાસે લઈ જવામાં આવી. પતિ તો ઘણાં સમય પહેલાં જ ગુમાવી દીધેલો, દીકરો વહુ પણ ગુમાવ્યા, અને હવે પૌત્રી પણ જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. વાલીમાંની જગ્યાએ બીજી કોઈ સ્ત્રી હોત તો સાવ ભાંગી પડી હોત. પણ વાલીમાંએ બિલકુલ હિંમત નહોતી ગુમાવી. હા… તેમનું અંતરમન રડી રહ્યું હતું, તેનો આત્મા ચિત્કારી ઉઠ્યો. પણ આ તો માં હતી, જેમ ધરતી કેટકેટલા કષ્ટ ઉઠાવતી હોવા છતાં ઉફ નથી કરતી, એવી જ સહનશીલ હતી આ માં, વાલીમાં, જેના મોંમાંથી ફરીયાદનો કે પીડાનો એક હરફ સુદ્ધાં નહોતો નીકળ્યો. કુદરતે તેના પર અમાપ આફત વરસાવી છતાં ઈશ્વર પરની શ્રદ્ધા બિલકુલ ડગી નહોતી. કહેવાયું છે ને કે શ્રદ્ધા જ માણસને જીવાડે છે, જીવવાનું બળ પૂરું પાડે છે. જો શ્રદ્ધા ડગી ગઈ તો જિંદગી હારી ગઈ. આખરે એ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. તે એક બહાદુર શહીદની વિધવા હતી. તેની પૌત્રી બચી ગઈ, તેની લાડોએ મોતને માત આપી દીધી. વાલીમાંએ તે માસૂમ બાળકીને પોતાના હાથમાં ઉઠાવી અને કુદરતના કોપથી ખરડાયેલા પોતાના હૈયાસરસી ચાંપી દીધી.

ખેતરતો બળીને રાખ થઈ ગયું હતું. હવે એમાં નવો પાક ઉગાડવા માટે ન તો નાણું હતું કે ન કોઈ માણસ. પારકા ખેતરે મજૂરી કરીને સવિતાને હેતથી મોટી કરવા માંડી, ને છતાંય પૈસાની કટોકટી રહેતાં પોતાનું નાનું એવું ખેતર ગીરવે મૂક્યું અને અમુક વર્ષો જતા વેચી દેવું પડ્યું. હવે વાલીમાં પાસે પોતાની તૂટી ફૂટી ઝૂંપડી જેવા નાનકડા ખોરડા સિવાય કોઈ મૂડી બચી નહોતી. સવિતા થોડી સમજણી થતાં એ પોતાની દાદીમાંનો હાથવાટકો બની ગઈ. ઉંમર થતા વાલીમાંનું શરીર પાછું પડવા માંડ્યું. અવાર નવાર માંદગી ડોકાવા લાગી. “બસ હવે મારી લાડોના હારે ઠેકાણે લગન કરી દૌં એટલે નિરાંતે ધામમાં જાવું.” આ એક ઇચ્છાને કારણે ગમે તેવી ગંભીર બીમારીમાંથી પણ તે પાછા ઉભા થઈ જતાં. પણ હમણાં થોડા સમયથી ઘૂંટણમાં દુખાવો ઉપડ્યો હતો. ગામના વૈદ્ય પાસે ખૂબ દવા કરાવી પણ કોઈ ફેર ન પડ્યો. ઘૂંટણ પર હાથ પસવારતા એ કહેતાં, “આ દરદ તો હવે મારી હારે જ જાહે.”

પણ લાડોને પરણાવવાની ઈચ્છા તેમની સઘળી પીડાને ભૂલાવી દેતી. ગામના મુખીની દીકરી સવિતાની સખી, એટલે સવિતા અવારનવાર બહેનપણીને મળવા મુખીના ઘરે જાય. એક વાર મુખીના ઘરે આવેલા મહેમાને સવિતાને જોઈ, રૂપાળી ને મીઠકડી સવિતા તેમને પોતાના એક ના એક દીકરા માટે ગમી ગઈ. એમણે તુરંત મુખીના કાને વાત નાખી, રૂપાળી ને સાથે સાથે સંસ્કારી, ડાહી, મહેનતુ અને સમજુ એવી સર્વગુણસંપન્ન સવિતાને મુખીએ મહેમાનોના મોઢે ખૂબ વખાણી. અને એ જ દિવસે મહેમાનોએ વાલીમાં પાસે જઈને પોતાના દીકરા માટે સવિતાનો હાથ માંગ્યો. શહેરમાં જેમનું પોતાનું દવાખાનું છે એવા પુરસોત્તમભાઈના નમ્ર અને સોહામણા દીકરા ડો. દિલીપ વિશે મુખીએ વાલીમાંને જણાવ્યું. વળી પુરૂષોત્તમભાઈની સો વિઘા જમીન . . . ઘરનાં ઘર . . .એમ્બેસેડર કાર . . . ઉપરાંત મૂળે ખાનદાન માણસો. આ સાંભળી વાલીમાંની આંખમાં હરખનાં પૂર ઉમટી આવ્યાં.

જેમ જેમ લગ્નની તારીખ નજીક આવતી ગઈ તેમ તેમ વાલીમાંનો હરખ દિન પ્રતિદિન વધતો ચાલ્યો. હોંશભેર એમણે પોતાની લાડોનું પોતાની હેસીયત મુજબ કરીયાવર તૈયાર કર્યું. પણ એક દિવસ અચાનક તેને વિચાર આવ્યો કે, ‘આટલા મોટા ખાનદાનમાં લાડોને ખાલી અમુક ચીંથરા ને થોડાંક હોઈસરા આપીને વળાવી એવી એ તો બરાબર ન કહેવાય, કાંઈક દાગીનો પણ આપવો જોઈએ.’ પણ સોનાનો દાગીનો ખરીદી શકવા જેટલી મૂડી એની પાસે હતી જ ક્યાં ? પણ કોઈ દિ’ નહીં ને પહેલી વાર એમણે વર્ષોથી દાબડામાં સાચવી રાખેલ પોતાના શહીદ પતિનો સુવર્ણચંદ્રક યાદ કર્યો. જેમ નાનકડી કળી અચાનક ખીલીને ફૂલ બની જાય તેમ તેમનો ચહેરો ખીલી ઉટ્યો, બસ, પછી તો એક મિનિટ પણ કેમ કરીને ખમાય ? તાબડતોબ એ તો ઉપડ્યાં જાણીતા સોની દકાશેઠના શો-રૂમ પર જવાં.

ગોલ્ડ મેડલ આપીને નાનકડું મજાનું મંગળસૂત્ર તેમણે ખરીદ્યું. દકાશેઠના હાથમાં ગોલ્ડમેડલ મૂકતા તેમનું હૈયું પતિની આખરી નિશાની ગુમાવ્યા બદલ વસવસો અનુભવી રહ્યું. પણ બદલામાં દકાશેઠે જ્યારે વાલીમાંના હાથમાં મંગળસૂત્ર મૂક્યું ત્યારે સુહાગન બનેલી લાડો એના ફોજી દાદાનો ચરણસ્પર્શ કરી રહી હોય અને આશિર્વાદરૂપે દાદા પોતાના ગળામાં લટકી રહેલું ગોલ્ડમેડલ તેના ગળામાં પહેરાવી રહ્યાં હોય એવો ભાસ થતાં વાલીમાંના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. તેણે એ મ્ંગળસૂત્ર સાચવીને એ જ દાબડામાં મૂકી દીધું, જેમાં ગોલ્ડ મેડલ મૂકેલો હતો. રસ્તામાં ક્યાંય પાણીનું ટીપું પીવા પણ એ ન રોકાયા, તુરંત જ વળતી બસમાં ચડી ગયાં.

બસમાં ચડ્યા ત્યારે વાલીમાંના ચહેરા પર લાલીમા છવાયેલી હતી. હ્રદય અતિઉત્સાહે જોરજોરથી ધબકી રહ્યું હતું. પણ આ શું ? બસમાંથી ઉતરતી વખતે ક્યાં ગઈ એ ચહેરાની રોનક, ક્યાં ગયો હૈયાનો એ ઉમળકો ? સાવ નિસ્તેજ બની ગયેલો ચહેરો, અસ્થિર બનેલી કાયા, સાવ મંદ પડી ગયેલ હ્રદયના ધબકારા, વિચારોની ખીણમાં ઉતરી ગયેલી આંખો… એવું તો શું થયું બસમાં ? એવું તો બસમાં કોણ મળી ગયું જેણે વાલીમાંના શમણાઓને પીંખી નાંખ્યા ?

“કાં’ક તો બોલો વાલીમાં, હૂં થ્યું સે તમને ?” વાલીમાંના આંખોનું કલ્પાંત, ગળે બાઝી ગયેલ ડૂમો અને કરુણ કલ્પાંતથી ચિત્કારી ઉઠતું હૈયું ભીમાથી સાંખી ન શકાયું. “તમારી તબીયત ખરાબ હોય તો હાલો દાક્તર પાંહે જાઈ.” ભીમો વાલીમાંને હાથ પકડીને ઉભા કરવા ગયો કે તેમના પોપચાનાં પડળ હેઠળ ક્યારનાં દાબી રખાયેલા અશ્રુઓનો ધોધ આંખોના તમામ આડબંધોને છેદીને વહી પડ્યો. એક નિડર, હિંમતવાન નારી કે જેના પર કુદરતે અત્યાચાર કરવામાં કોઈ કસર નહોતી છોડી અને છતાંય જેની આંખોમાં આંસુનું એક બૂંદ પણ કોઈએ જોયું નહોતું . . .જે બન્યું એને ઈશ્વરની મરજી ને પોતાના નસીબ ગણી દિલાથી સ્વીકારી લીધું. માથે ગમે તેટલી મુસીબત પડવા છતાંય જેની જીભ પર કદી ફરીયાદનો એક શબ્દ નહોતો ફૂટ્યો એ જ નારી આજે પોક મૂકીને રડી પડી. ભીમાની સમજમાં કંઈ આવતું નહોતું. વાલીમાંની આ દયનિય દશા જોઈ એનું હૈયું પણ ઉઝરડાયું હતું. એનું મગજ અનેક પ્રકારના અમંગળ વિચારોથી ઘેરાયેલું હતું. એ હકીકત જાણવા ઉતાવળો થઈ રહ્યો હતો. દોડીને એ રસોડામાં ગયો અને પાણીનો પ્યાલો ભરી લાવ્યો. વાલીમાંને પાણી પીવડાવીને સાંત્વન આપીને શાંત પાડ્યા. એના ડૂસકાં બંધ થયા પઈ ભીમાએ હળવેકથી પોતાનો સવાલ દોહરાવ્યો.

“ભીમા, મારાં પતિ, મારો દીકરો, મારી વહુ, મારું ખેતર, મારા પતિની આખરી નિશાની, ઘણું ઘણું મેં અટાણ લગીમાં ખોયું, મારા પ્રેમાળ પતિ ને જુવાનજોધ એકના એક દીકરા અને વહુના મોત હું ખમી ગઈ, પણ ભીમા આજે એક મોત ફરી થયું છે …. મારા શમણાંનું મોત …. મારાથી ઈ મોત સહેવાતું નથી ભીમાં” કહેતા વાલીમાંની આંખમાંથી ફરી આંસુ ધસી પડ્યા.

“તમે આ હું બોલો સો વાલીમાં ? મારી હમજમાં કાંઈ નથ આવતું. સીધે સીધું કહો કે આખર થયું સે હું?”

“ભીમા, ભી . . .મા, બસમાં ઓલો જગીયો લૂંટારો ઈની ટોળી હારે ત્રાટક્યો ને…” આટલું સાંભળતા જ ભીમાનું મોં ખુલી ગયું, ને માથા પર હાથ દઈને એ જમીન પર બેસી પડ્યો.

– વંદિતા રાજ્યગુરૂ દવે

( તા. ધોરાજી, જી. રાજકોટ ખાતે રહેતા અને ગદ્યલેખનમાં ખૂબ રસ ધરાવનારા વંદિતાબહેનની અક્ષરનાદ પર આ પ્રથમ રચના છે. ગરીબ ખોરડાંની એક વૃદ્ધાની પોતાની પૌત્રીને પરણાવવાની ઇચ્છા અને સગવડ ન હોવા છતાં ગમેતેમ કરીને આયોજન કર્યું છે એવો કરીયાવર આપવાના શમણાંનું કઈ રીતે અણધાર્યું મોત થાય છે એ પ્રસ્તુત વાર્તામાં બતાવવાનો તેમનો પ્રયત્ન છે. ગામઠી બોલીને ઉતારવાનો તેમનો પ્રયત્ન તથા ઝડપી પ્રસંગપટ વાર્તાની ખાસીયતો છે. પ્રભુ તેમની કલમને આવી વધુ રચનાઓ કરવા પ્રેરે એવી અભ્યર્થના સાથે અક્ષરનાદ પર તેમની રચનાઓ મોકલવા બદલ શ્રી વંદિતાબહેનનો ખૂબ ખૂબ આભાર. )


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “શમણાંનું મોત – વંદિતા રાજ્યગુરૂ દવે

  • સુભાષ પટેલ

    વાર્તા વાંચ્યા પછી મન એકદમ ઉદાસ થઈ ગયું. દરેકના જીવનમાં ખરાબ દિવસો આવે છે સાથે સાથે સારા દિવસો પણ આવે છે. જો આવું ખરેખર બન્યું હોય તો ઈશ્વર પરથી શ્રદ્ધા ઊઠી જાય. પણ વાર્તા લખાયેલી છે ખુબજ સરસ શૈલીમાં.

  • PH Bharadia

    હવે આપણા ગુજરાતી સહિત્યમાં ‘નવાલિકા’ બહુજ ઓછી લખાય છે,જે કંઇ વાંચવા મળે છે તે અગર કોઇ દૈનિકોની પુર્તીઓમાં કે માસિકોમાં વાંચવા મળે છે.
    આજની આ વાર્તામાં ઘણો દમ છે,કાઠિયાવાડી ગામઠીબોલીમાં પાત્રોની બોલી પણ એક્દમ સાચીજ છે. સાવ નવોદિત લેખકે પહેલીવાર નવલિકા લખીને પુરવાર કર્યું છે કે તે હજુ પણ ભવિષ્યમાં ઉત્તમ કલાક્રુતિ આપતા રહેશે .
    વંદિતા રાજ્યગુરુ દવેને અભિનન્દન.